સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં

પુષ્પ ૧

‘અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, બે નહીં.’ ગઢડા છેલ્લા પ્રકરણના ૩૯મા વચનામૃતના આ ટૂંકા પણ સિદ્ધાંતસાગર સમા વાક્યના ગુંજારવ વિનાની ગુરુવર્ય પ.પૂ. બાપજીની એક પણ સભા ન હોય.

ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે સનાતન ભગવાન અને આધુનિક ભગવાનનો ભેદ સમજાવે ત્યારે અવશ્ય આ સંદર્ભને ઉચ્ચારે. આ વાક્ય બોલતી વેળાએ તેઓનું મુખ અનેરી ખુમારી અને રજમાથી ભરાઈ જાય.

તેઓના અવાજમાં જોમ, જુસ્સો અને રણકાર આવી જાય. તેઓના હસ્તના લટકા અને મુદ્રા શ્રીજીમહારાજના મહાત્મ્યની પરાકાષ્ઠાને પ્રદર્શિત કરતા હોય છે.

અને “અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન જ એકમાત્ર સનાતન ભગવાન છે, બીજા કોઈ નહીં.” આ વાતને તેઓ અતિશે ભારપૂર્વક રજૂ કરે છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ વાક્યના ઉચ્ચારણની આગવી શૈલી છે. તેઓ એ જ શૈલીમાં, એકસરખી લઢણ, ભાવ અને ભારપૂર્વક હંમેશાં આ વાક્ય ઉચ્ચારે.

એક વખત સ્વામિનારાયણ ધામ પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સભામાં એક આશ્ચર્યકારી પ્રકરણ ચલાવ્યું.

તેઓએ કહ્યું, “અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે, બે નહીં. આ નિષ્ઠા પ્રેરકવાક્ય કેટલાને બોલતા આવડે છે તે જોવું છે. શરૂઆત આપણે પહેલાં સંતોમાંથી કરીશું. ખરું ને સંતો ! કારણ, સંતો એંજિન કહેવાય.

પછી હરિભક્તોમાં બધાને બોલવાનું છે. અમે જેને જેને કહીએ તે સર્વેએ આ નિષ્ઠા પ્રેરકવાક્ય બોલવું. તમે હરિભક્તો બસ સાંભળવા જ ટેવાયેલા છો. પણ આજે જોઈએ કે તમને કેવું બોલતા આવડે છે. પેલા સ્વામી બોલે !”

તે સ્વામી વાક્ય બોલ્યા, “અને વળી જે ભગવાન...”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “તમને બરાબર ન આવડ્યું. ધીમેથી ઉતાવળ કર્યા વગર બોલો...”

“હા, હવે બરાબર બોલ્યા...” આમ પાંચ-સાત સંતો પાસે આ નિષ્ઠા પ્રેરકવાક્ય બોલાવ્યું.

“હવે હરિભક્તોનો વારો... બોલો તમે.” એમ કહી આગળ બેઠેલા જ્ઞાનમાં સમજતા હોય એવા ભક્તો પાસે આ વાક્ય બોલાવ્યું.

પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીને એમાં સંતોષ ન થયો.

“અલ્યા એ, તું બોલ...હા...હા...મોટો તાડ જેવો લાંબો છે તે તું બોલ...”

એ યુવક સાચું વાક્ય બોલ્યો. પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “બરાબર ન સંભળાયું. તું ફરીથી બોલ...”

એ યુવક વાક્ય ફરીથી પણ સાચું બોલ્યો એટલે બાપજી રાજી થયા.

આ પ્રકરણ દરમ્યાન ઓછામાં ઓછું આ નિષ્ઠા પ્રેરકવાક્ય તેઓએ ૫૦-૬૦ વખત બોલાવ્યું હતું.

પછી આ પ્રકરણનું રહસ્ય ઉદ્‌ઘાટિત કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા,

“અરે, તમને અમારા આ પ્રકરણમાં કંઈ સમજાયું નહીં. પણ અમે તમને આ વાક્ય પ્રથમ તો સાચી રીતે બોલતા આવડે એ ઇચ્છતા હતા. પ્રથમ સાચી રીતે બોલતા આવડશે તો તમે એને દૃઢ કરશો. આ વાક્ય આપણે દૃઢ કરવું ફરજિયાત છે. કારણ કે આ નાનું વાક્ય શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ ઓળખાવનારું અતિ મહત્ત્વનું વાક્ય છે. આપણા નાનામાં નાના બાળમુક્તને પણ આ વાક્ય તો બોલતાં આવડવું જ જોઈએ.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ નિષ્ઠા પ્રેરકવાક્ય બોલવાના પ્રકરણનું રહસ્ય જણાવતાં સૌ સંતો-ભક્તો હરખાઈ ઊઠ્યા ને તાળીઓના ગડગડાટ સાથે આખો હૉલ ગુંજી ઊઠ્યો.

“બાપજી, અમને તો આ વાક્ય બોલવામાં આજ સુધી તકલીફ પડતી હતી. તે આપની કૃપાથી દૂર થઈ. હવે આ વાક્ય અમે જે તે શબ્દોને ભાર આપતા બોલી શકીએ છીએ.”

“માત્ર વાક્ય કડકડાટ બોલવાનું નથી પણ એને જીવનમાં પણ કડકડાટ રીતે લક્ષ્યાર્થ કરવાનું છે. એટલે જ મહારાજ અમને અને તમને આ વખત સાથે લાવ્યા છે. માટે હવે પાકું કરી લેજો.”

પુષ્પ ૨

એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી જ્ઞાનસભામાં અમદાવાદ પ્રકરણના સાતમા વચનામૃત પર અમૃતવાણીનો લાભ આપતા હતા.

“ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો” અને વાંચતાં વાંચતાં હરિભક્તોને પૂછ્યું : “આ વચનામૃતમાં મહારાજે ભગવાનના બે પ્રકાર જણાવ્યા છે તે કયા કયા છે તે કહો.”

“ભગવાનના બે પ્રકાર છે : સનાતન ભગવાન ને આધુનિક ભગવાન.” કોઈ હરિભક્ત બોલ્યા.

“શું સંપ્રદાયમાં બધાને સનાતન ભગવાન ને આધુનિક ભગવાનનો ભેદ ખબર છે ?”

“ના, બાપજી, સંપ્રદાયમાં બધા ભગવાનને એક જ સમજે છે. એમને ક્યાં આ ભેદની ખબર છે ? એ તો ગૉળ ખૉળ બધું એકસરખું સમજે છે. બાપજી અમનેય ખબર નહોતી. આ તો આપે કૃપા કરીને અમને સમજાવ્યું. આપણા આખા સંપ્રદાયમાં વર્તમાનકાળે આ વાત કોઈ સમજાવતું હોય તો એકમાત્ર આપ જ છો.”

“અમારા સમજાવાથી કાંઈ ન થાય. આ તો મહારાજ અમને ને તમને બધાયને સમજાવે છે. તમને બધાને પણ આ ભેદ બહુ સ્પષ્ટ રીતે આવડવો જોઈએ. ચાલો હવે આ ભેદ કોણ સમજાવશે ?”

સંતો-ભક્તોએ આ ભેદ સમજાવવા પ્રયત્ન કર્યો પણ એની સચોટ વિગત રહી જતા ગુરુવર્ય પ.પૂ. બાપજી આ ભેદ સમજાવતાં બોલ્યા :

“સનાતન ભગવાન એટલે જે છે, છે ને છે જ. અર્થાત્‌ પહેલેથી જ જે એક જ ભગવાન છે, વર્તમાન સમયે પણ જે એક જ ભગવાન છે અને ભવિષ્યમાં પણ જે એક જ ભગવાન રહેવાના છે તે સનાતન ભગવાન.

એટલે કે જે કોઈના કર્યા થયા નથી અને કોઈના કાઢ્યા (ભગવાનની પદવીમાંથી) જતા નથી. જે પોતે જ સંપૂર્ણ સ્વતંત્ર સત્તાયમાન અને સ્વતંત્ર સત્તાધીશ છે તથા જેમના કોઈ ઉપરી નથી અને જેમને કોઈની ભજનભક્તિ કે ઉપાસના કરવાની નથી એવા જે હોય તેને સનાતન ભગવાન કહેવાય.

આવા સનાતન ભગવાન અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ હોય અને તે સ્વામિનારાયણ ભગવાન છે.

આધુનિક ભગવાન એટલે જે સનાતન ભગવાનની સત્તાથી જ થયા છે અને એમની સત્તાના આધારે જ રહ્યા છે. અર્થાત્‌ તેઓ પોતાની સત્તાથી નહિ પણ સનાતન ભગવાનની આપેલી સત્તાથી જ સત્તાયમાન છે.

વળી, જે સનાતન ભગવાનના કર્યા થયા છે અને સનાતન ભગવાનના કાઢ્યા જાય છે; એવા હોય તેને આધુનિક ભગવાન કહેવાય. આવા આધુનિક ભગવાન અનંતાનંત છે. જ્યારે સનાતન ભગવાન એક જ છે.”

આમ, સનાતન ભગવાન અને આધુનિક ભગવાનનો ભેદ સમજાવી સૌની પાસે આ ભેદ બે-ત્રણ વાર દૃઢ કરવા બોલાવડાવ્યા.

“બાપજી, આ ભેદ તો અત્યારે સમજાઈ ગયો પણ સમયે યાદ રહેતો નથી.”

“એ તો યાદ રહે જો આપણે એનું વારંવાર મનન કરીએ એટલે ભેદ દૃઢ થઈ જાય. માટે હવે તમને બધાને સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) જેમ લેસન આપે છે તેમ આજે અમે પણ લેસન આપીએ છીએ. આવતી સભામાં બધાને આ ભેદ અમે પૂછીશું માટે બધા એનું વારંવાર મનન કરજો. તો આપણી નિષ્ઠા પણ દૃઢ રહેશે. સાધનકાળ છે માટે એનો કંઈ જ ભરોસો નહીં. આજે અમે અવરભાવમાં છીએ; પાછળ પડી સમજાવીએ છીએ, પાકું કરાવીએ છીએ. માટે ખાસ યાદ રાખજો... મહારાજ બહુ રાજી થાય છે.”

આમ એ દિવ્યપુરુષને નિષ્ઠાની એક એક વાત દૃઢ કરાવવાનો ભારે આગ્રહ અવરભાવમાં ૮૫ વર્ષની ઉંમરે પણ એવો જ છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સર્વે સંતો-હરિભક્તોને આવા બ્રહ્મજ્ઞાનના રંગે રંગી દીધા છે. તેઓએ એક નિષ્ઠાવાળો સમાજ તૈયાર કરીને સહજાનંદી સિંહોનાં ટોળાં ઊભાં કર્યાં છે. તેઓએ સર્વોપરી ઉપાસનાનો એવો રસ પિવડાવ્યો છે.

“એક શ્રીજીમહારાજ સિવાય અન્ય કોઈનો ભાર, પ્રતીતિ, સારપ કે મહત્તા ન હોય. એક સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને માથું ન નમે, કોઈની વાત ન સાંભળે કે કરે, એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની જ ભજનભક્તિ, તેમનું જ એકમાત્ર કર્તાપણું અને તેમની જ સંપૂર્ણ શરણાગતિ, તેમનો જ એકમાત્ર અતિ દૃઢ આશ્રય હોય. એવો દિવ્ય સમાજ એ દેવનંદનસ્વામીએ રચ્યો છે. એ સમાજમાં એક નાનામાં નાના બાળકના રઈ રઈ જેટલા ટુકડા કરી નાખે તોપણ તેના અંતરમાંથી એક જ નાદ નીકળે : સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...” આવું આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા સંતો પોતાના મુખે ગૌરવથી કહેતા હોય છે.

વર્તમાનકાળે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એસ.એમ.વી.એસ. સંસ્થાની સર્વોપરી ઉપાસનાની બાબતે આગવી ઓળખ રચાઈ છે તેનો સંપૂર્ણ શ્રેય ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં સમર્પિત છે.