પુષ્પ ૧
૧૫-૨૦ વર્ષ પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંસ્થાની જૂની ગાડી જીપમાં બેસી પંચમહાલ ગોધર ખાતે વિચરણમાં પધાર્યા હતા.
રસ્તામાં બાલાસિનોર પછી લુણાવાડા જતાં ત્રણ રસ્તા આવે છે ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ડ્રાઇવરને ત્રણ રસ્તા આગળ ગાડી ઊભી રાખવા કહ્યું.
ત્યાં બે નાનાં બાળકો ઊભાં હતાં. તે બંને ભાઈઓ હતા. એકની ઉંમર આશરે દસ વર્ષની અને બીજાની ઉંમર બાર વર્ષની હશે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોટા બાળકને પૂછ્યું કે, “લુણાવાડા જવાનો રસ્તો કયો ?”
ત્યારે તે બાળકે આંગળીનો ઇશારો કરી કહ્યું કે, “આ રસ્તે ચાલ્યા જાવ... એ રસ્તો લુણાવાડા તરફનો છે.”
પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ નાના બાળકને ફરી લુણાવાડાનો રસ્તો પૂછ્યો. ત્યારે તે બાળકે પણ તે જ રસ્તો બતાવ્યો.
પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ડ્રાઇવરને તે રસ્તે ગાડી લેવા કહ્યું.
થોડી વાર પછી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “બાપજી, આપણે દર વખતે આ જ રસ્તે ગોધર જઈએ છીએ અને આપને તથા ડ્રાઇવરને તો આ રસ્તાની ખબર જ હતી તો પછી આ બાળકોને રસ્તો પૂછવાનો શો હેતુ ? એમાંય એક નહિ પણ બંનેને કેમ પૂછ્યું ? આપની આ દિવ્ય લીલામાં કાંઈ સમજાયું નહીં.”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “આજે અમારે એ બંને બાળકોનું પૂરું કરવું હતું. તેથી અમે બંનેને રસ્તો પૂછ્યો. જો એકને જ પૂછીએ તો એકનું જ પૂરું થાય. બીજાનું અધૂરું રહે. માટે અમે બંનેની રસ્તો બતાવવાની અલ્પ સેવા લઈને તેમને મૂર્તિના સુખના આશીર્વાદ આપી દીધા.
તેમણે અમને આ લોકનો રસ્તો બતાવ્યો તો અમે તેમને ઠેઠ મૂર્તિના સુખનો રસ્તો બતાવી દીધો. તેમને જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્ત કરીને તેમનો આજે થોકડો ફેરવી નાખ્યો.”
“બા૫જી, ‘થોકડો ફેરવી નાખ્યો’ એટલે શું ? કંઈક સમજાય તેમ જણાવો તો સારું !” ૫.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું.
“સ્વામી, શાસ્ત્રો એવું કહે છે કે અણુ વિભુ થાય નહીં. એટલે કે જીવ કદી ભગવાનરૂપ ન થઈ શકે.
પરંતુ સ્વામિનારાયણ ભગવાનના એવા આશીર્વાદ છે કે જો શ્રીજીમહારાજના સંકલ્પ સમા એવા અનાદિમુક્ત સત્પુરુષ મળે તો જીવને વર્તમાન ધરાવી તેના પાપ-પુણ્યનાં ખાતાં ચૂકતે કરી વિના સાધને ને વિના પાત્રતાએ પળમાં મૂર્તિમાં રાખી જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્ત કરે છે. એ જ આખો થોકડો ફેરવી નાખ્યો કહેવાય !
જેમ એક ભાઈ રેશનિંગની દુકાને વસ્તુ લેવા માટે ગયા. ત્યાં વધુ ભીડ થતી હોવાથી સવારે સૌથી પહેલાં જઈને તેમણે કાર્ડ ટેબલ પર મૂકી દીધું કે જેથી સૌથી પહેલો વારો આવે. પણ જેમ જેમ બીજા લોકો આવતા ગયા તેમ તેમ કાર્ડનો ઢગલો તેમના કાર્ડની ઉપર થતો ગયો ને તે ભાઈનું કાર્ડ સૌથી નીચે જતું રહ્યું.
પેલા ભાઈ નિરાશ થઈ ગયા કે, ‘આજે પણ મારો છેલ્લો જ નંબર લાગશે !’ પણ જ્યારે વસ્તુનું વિતરણ કરવાનું શરૂ થયું ત્યારે બધાં જ કાર્ડનો આખો થોકડો ફેરવી દીધો ને પેલા ભાઈનું કાર્ડ સૌથી ઉપર આવી ગયું અને સૌથી પહેલું નામ તેમનું લેવાયું તેથી તે ભાઈને તો ખૂબ આશ્ચર્ય થયું કે આ કેવી રીતે શક્ય બન્યું ?
ત્યારે કોઈએ કહ્યું કે, ‘થોકડો ફેરવી નાખ્યો.’ તેમ આપણને આ શ્રીજીમહારાજની અને અનાદિમુક્તના સર્વોપરી પદની પ્રાપ્તિ થવી એ અતિ દુર્લભ હતી. પણ મહારાજ અને મોટાપુરુષે આપણા પર અનહદ કૃપા કરીને આપણો થોકડો ફેરવી નાખ્યો છે !
જીવકોટિમાંથી સીધા જ અનાદિમુક્તની ટોપ પરની પદવી પર બેસાડી દીધા છે. માટે હવે પોતાને દેહરૂપ માનવું છોડી ‘મને ૧૧૦% અનાદિમુક્ત કર્યો જ છે’ તેની જીવસત્તાએ દૃઢતા કરો અને મૂર્તિરૂપ થઈને સર્વે ક્રિયા કરો. તો મહારાજ જલદી મૂર્તિનું સુખ આપશે.”