પુષ્પ ૧
યુવાનો માટેનો અનર્ગળ સ્નેહ એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને યુવાજગત નતમસ્તકે નમી પડે.
શક્તિનો ધસમસતો પ્રવાહ, ચંચળ મન, દુન્યવી સુખનાં આકર્ષણ, ઘટમાં મહત્ત્વાકાંક્ષાઓના થનગની રહેલા ઘોડા સમા યુવાનોને ઉપાસના અને ભજનભક્તિ સાથે બાંધી નરી વાસ્તવિકતાના રૂપમાં ઢાળનાર યુવાનોના પથદર્શક એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજી.
તેમની પાસે શ્રીહરિ સાથેની ઐક્યતામાંથી નીકળતી સાદી સચોટ વાણીથી યુવાનો આકર્ષાઈ જતા.યુવાનો માટે એ હરતી-ફરતી શાળા જ હતી. યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા.
એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે ઊભો રાખ્યો. અને પૂછ્યું : “આ દેવસ્વામી એવી તે કઈ પ્રેરણા તમને આપે છે કે તમે રોજ એમનાં દર્શન ને કથાનો લાભ લેવા આવો છો ?” યુવક સ્મિત કરતાં બોલ્યો, “દેવસ્વામીના નિર્મળ, નિર્ભેળ સ્નેહે મને બદલી નાખ્યો છે. માટે રોજ અહીં આવું છું.”
પુષ્પ ૨
ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવાનોના મનોભાવને સહજમાં સમજી જતા. એટલે અનેક યુવાનો તેમની પાસે આવીને જીવનની દિશા પામતા. જેમ માબાપનો બાળકને સ્નેહ જોઈએ ને વાત્સલ્યભાવ જોઈએ તે મુજબ ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવાનોને પોતાનાં બાળકો સમજીને નિર્મળ સ્નેહ આપતા હતા. અને તેમના વ્યક્તિત્વ વિકાસ તરફના નિમિત્ત બનતા હતા.
ઈ.સ. ૧૯૬૭માં ગુરુવર્ય પ.પૂ. બાપજી જે હેતુ માટે અને સિદ્ધાંતોને ઉજાગર કરવા પધાર્યા હતા તેનો મંગળ પ્રારંભ મોટા મંદિરથી થયો. તેમની પ્રથમ નજર ભૂખ્યા-ગરજુ નવયુવાનો ઉપર ઠરી.
તે માટે તેમણે યુવકોની સાથે રહેવા માટે ઘણું મોટું ફલક મંદિરમાં જ ઊભું કરી દીધું. દરરોજ અનેક મુમુક્ષુ યુવાનો તથા હરિભક્તો મંદિરમાં આવે. તેમની સાથે ઘરોબો કેળવી, તેમને પોતીકા બનાવી અમીરસપાન કરાવવાનું બીડું તેઓએ ઝડપ્યું.
દરેક યુવાન અને હરિભક્તોનું આકર્ષણ એ બાબત ઉપર હતું કે, ગુરુવર્ય પ.પૂ. બાપજીને સત્સંગ કરાવીને, પ્રભુપ્રાપ્તિ કરાવીને, ત્વરિત સુખભોક્તા કરાવવાનો કેવો આગ્રહ ! એ જોઈને જ જાણે કે પ્રભુમિલનનો જુવાળ ઊપજે. ઉત્સાહનો અલંચ સ્રોત વહે.
તે માટે તેમનું મુખ્ય પ્રાયોગિક વિદ્યાલય એટલે રંગમહોલના ઘનશ્યામ મહારાજ.
જેમ કોઈ કુંભાર ટીપીટીપીને, ચાકડે ચઢાવીને સુંદર મઝાના જનસમુદાયની તૃષાને તૃપ્ત કરતાં માટલાં ઘડે તે જ રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આવા ૨૫ યુવાનોના ઘડતર અને ચણતર દ્વારા યુવાસેનાની બેનમૂન ફોજ તૈયાર કરી હતી.
આ યુવાસેનાને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મહારાજ અને બાપાના સિદ્ધાંતોના પ્રવર્તન માટે આધારભૂત બનાવી. આ યુવાસેના દ્વારા જ તેઓ સિદ્ધાંતોને ઉજાગર કરવા માગતા હતા.
તેથી આ બધા જ યુવકોને ભેગા કરી અંગત લાભ આપી સિદ્ધાંતોના મહારથી કરવાનો તેઓએ સૌપ્રથમ પ્રયાસ કર્યો ઈ.સ. ૧૯૬૮માં.
ઈ.સ. ૧૯૬૮થી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોટા મંદિરે દર રવિવારે સવારે નવથી અગિયાર બે કલાકની યુવક મંડળની સભા શરૂ કરી જેમાં આ યુવાસેના બની સિદ્ધાંતોની સહજાનંદી સેના.
આ સભામાં સફળતા મળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ યુવકો સાથે વધુ સમય વિતાવવા દર રવિવાર ઉપરાંત દર એકાદશીએ સભા શરૂ કરી તેમાં પણ તેઓને અત્યંત સફળતા મળી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે પધાર્યા હોય કે પછી શહેરમાં અન્ય જગ્યાએ વિચરણમાં પધાર્યા હોય ત્યારે સૌ યુવકોને રવિસભા અને એકાદશીની સભામાં આવવા ખૂબ આગ્રહ કરતા.
નવા મુમુક્ષુ યુવકો અને હરિભક્તોને ગુરુવર્ય પ.પૂ. બાપજી જાતે પત્ર લખતા અથવા ચિઠ્ઠી લખી પ.ભ. શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીને રૂબરૂ આપવા મોકલતા. સભામાં આવવાનો પ્રેમભર્યો આગ્રહ કરતા.
એક વાર ન આવે તો ફરી પત્ર લખે, ફરી બોલાવવા મોકલે અથવા મંદિરે દર્શને આવે ત્યારે પોતે જાતે તેમને સભામાં આવવાનો આગ્રહ કરતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના હસ્તાક્ષરવાળી આ પ્રસાદીભૂત ચિઠ્ઠી આ પ્રસંગે રજૂ કરતાં હર્ષ થાય છે.
“મુક્તરાજ, આપણા આસને રંગમહોલના મેડા ઊપર દર રવિવારે અને દર એકાદસીએ સવારે નવથી અગીયાર સત્સંગ સભા થાય છે માટે ખાશ આવવું.”
દા. સ્વામી દેવનંદનદાસજી
ગુરુવર્ય પ.પૂ. બાપજીના આવા અદ્વિતીય અને અજોડ પુરુષાર્થને કારણે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીથી વિખૂટા પાડવાના પ્રયત્નોની સામે આ યુવાસેના અકબંધ રહી હતી. જે ગુરુવર્ય પ.પૂ. બાપજીની સૂક્ષ્મ માવજત અને જતનનું જ એક અવિસ્મરણીય અભિયાન હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌને માતૃવત્ વાત્સલ્યથી ભીંજવ્યા હતા. તે તો તેમના અવિરત તથા સાતત્યપૂર્ણ દાખડાની જ આ અનુપમેય ફલશ્રુતિ હતી.
યુવકને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ કરાવવાનો ને બાપાશ્રીએ આપેલ સર્વોપરી જ્ઞાનથી સભર કરી છતે દેહે પ્રભુપ્રાપ્તિની મસ્તીનો અનુભવ કરાવવાનો તલસાટ, જે તેમની મૂર્તિના સંબંધવાળી સાત શેર ઘીના મેસૂબ (પકવાન) જેવી વાતોમાં ઊભરાતો દેખાતો.
તેમની દરેક વાત, ક્રિયા કે વર્તન આવેલ આગંતુકના સર્વાંગી ઘડતરનો પાયો બની જતો. ન જોવા મળે ગુરુવર્ય પ.પૂ. બાપજીને થાક ને ભૂખ, ન જણાય ઊંઘ કે ઉજાગરા, ન વર્તાય આળસ કે તકલીફ.
બસ, મહારાજ ને બાપા એને ઓળખાવી દઉં - આ એક જ ધ્યેયથી તેઓ સતત મંડ્યા જ રહેતા, મંડ્યા જ રહેતા.
પુષ્પ ૩
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફક્ત સત્સંગ કરાવવો એટલું જ નહિ, પણ યુવકોને કોઈ મૂંઝવણ કે તકલીફ જણાય તો તેને જાણીને કે અંતર્યામીપણે જાણીને તે તત્કાળ દૂર કરી દેતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીનો દૃષ્ટિકોણ અનુપમ હતો. યુવાનોનું મન જીતવાની ને પ્રેમ સંપાદન કરવાની એમની કળાઓ માતાપિતા માટે દીવાદાંડી સમાન છે. એક તો પક્ષપાત રહિત અનન્ય સ્નેહ અને બીજી તેમની જરૂરિયાતો બાબતની જાગૃતિ.
એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર કરી ગયેલું. એ એનાથી કંટાળી ગયેલો પણ એ છૂટતું નહોતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી આસને પધાર્યા. પણ યુવાન કશું ન બોલ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે પ્રેમથી કહ્યું, “અલ્યા વ્યસન છે ને ! છોડી દે.”
“સ્વામી, નથી છૂટતું !” યુવાન લાચારી બતાવતાં બોલ્યો.
“ના, શું છૂટે ? બધું છૂટી જાય. સાવ મડદા જેવી વાત કરે છે ને ! આપણી જોડે મહારાજ અને બાપા છે પછી શાના ડરવાનું, હેં ! મક્કમ નિર્ધાર કર. અમો તારી વતી મહારાજ, બાપા ને સદ્ગુરુઓને પ્રાર્થના કરીશું. તારા મનથી મૂક. વ્યસન મૂકીશ એટલે તું મરી નહિ જાય. લાવ, તને અમે લખી આપીએ.” “સ્વામી, આજથી મહારાજ, બાપા ને સદ્ગુરુઓના બળે સંકલ્પ કરું છું; વ્યસન ક્યારેય નહિ કરું.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એને જળ આપ્યું અને કહ્યું, “હે મહારાજ, બાપા, સદ્ગુરુઓ ! આને બળ આપો; એનું વ્યસન નીકળી જાય.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવકોને વિષમ દેશકાળથી બચાવી સહૃદયી બની રહેતા.
પુષ્પ ૪
તેઓ યુવકો સાથે એટલા આત્મીય હતા કે યુવકો તેમની આગળ નિખાલસભાવે વર્તતા. તો વળી, તે સમક્ષ તેઓ પોતે પણ યુવકોની શક્તિઓને ખીલવવા સદૈવ જાગ્રત હતા.
યુવકો પાસે પ્રવચનો કરાવતા અને અટપટા પ્રશ્નો પૂછી પાકા કરાવતા. એમાંય જો કોઈ યુવક ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથામાં પ્રશ્નો પૂછે તો તે તેમને ઘણું ગમતું. જો તેની જિજ્ઞાસાવૃત્તિ જુએ, જ્ઞાન દૃઢ કરવાની ઇચ્છા જુએ તો તેને પ્રોત્સાહન આપવાની એક પણ તક તેઓ જતી ન કરતા. હા, ખોટું પ્રોત્સાહન તો કદી આપતા જ નહીં.
પોતે પૂછેલા પ્રશ્નનો કોઈ સચોટ ઉત્તર આપે તો તેમની કાયમી રીતરસમ મુજબ ‘વગાડો તાલી’ કહીને સૌ યુવકો દ્વારા અભિવાદન કરાવતા. આમ, યુવકોને પ્રેરણા આપી તેની પ્રગતિનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રાખતાં.
તેઓ તેમની યુવાસેના સાથે પણ કેટલીક વાર નાની-મોટી રમૂજો કરી નાની વાતમાં મોટો સિદ્ધાંત સમજાવી દેતા. જેના કારણે આ યુવાસેના ગુરુવર્ય પ.પૂ. બાપજીને વળગેલી રહી હતી.
પુષ્પ ૫
શ્રી પનુભાઈ સોની જ્યારે યુવાન વયના હતા ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની યુવાસેનાના તેઓ સભ્ય કેવી રીતે બન્યા તે જાણી ખરેખર ગુરુવર્ય પ.પૂ. બાપજીની યુવકોને સત્સંગ કરાવવાની પ્રબળતા આપણને નતમસ્તક બનાવી દે છે.
એ વખતે તેઓ મોટા મંદિરે દર્શન કરવા જતા ત્યારે કાયમ તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા, “પનુ, આસને આવજે હોં !”
તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક-બે વખત નહિ, પરંતુ સો સો વખત આસને આવવા આગ્રહ કર્યો હતો. તોપણ તેઓ જતા નહીં.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના કહેવા છતાં તેઓ આસને ન આવ્યા તો ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પરિક્રમામાં સત્સંગ કરાવવાનો પ્રારંભ કર્યો. સત્સંગના અંતે ફરી આસને આવવા આગ્રહ કરે. છતાં પનુભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને જાય નહીં. છેવટે પનુભાઈએ પોતાના પિતાશ્રીને વાત કરી કે, “આ દેવસ્વામી છે તે મને દર વખતે આસને આવવા આગ્રહ કરે છે તો શું કરવું ?”
તેઓના પિતાશ્રી મોટા મંદિરમાં ખૂબ મોટેરા હરિભક્ત હતા. તેમણે કહ્યું, “પનુ, આખા મંદિરમાં આ દેવસ્વામી એક જ હીરા જેવા સાધુ છે માટે જજે.”
ત્યારબાદ એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીના અતિ આગ્રહને વશ થઈ પનુભાઈ આસને સભામાં આવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના સાધુતાસભર જીવનથી તેઓ ખૂબ આકર્ષાયા અને આજે એસ.એમ.વી.એસ.ની ઈંટ બની આજીવન સમર્પિત થઈ સેવા બજાવી રહ્યા છે.
પુષ્પ ૬
ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ યુવાસેનામાં ૨૫ જેટલા સિંહ સમા યુવાનો તેમના પ્રત્યે અનેરા આકર્ષણથી ખેંચાયેલા રહેતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ તેમને આગવા નામથી બોલાવી વાત્સલ્યતા વરસાવતા.
શ્રી ધર્મકુમાર પંડ્યા ઑફિસથી છૂટે કે તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સમાગમ કરવા માટે આસને આવી જતા. સમાગમ તો પછીનું કારણ હતું. પણ મુખ્ય કારણ હતું ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે તેમના માટે બોલાતો શબ્દ ‘પંડ્યો’. આ શબ્દ સાંભળવા જ તેઓ દોડી આવતા. એ જ એમનું ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રત્યેના આકર્ષણનું કેન્દ્ર હતું.
નવાવાસમાં રહેતા જ્યોતીન્દ્રકુમાર આદેસરાને ગુરુવર્ય પ.પૂ. બાપજી ‘વીંછી’ કહેતા. તેમને વચનામૃતો ઠીક ઠીક પ્રમાણમાં આવડતાં - યાદ રહેતાં. ઘણી વાર તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજી ‘ચશ્મેરી (ચહમેરી)’ કહીને બોલાવતા કે, “આજે પેલો ચહમેરી કેમ દેખાતો નથી ?”
વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજીની યુવા ફોજની સંખ્યા વધુ તેથી જાતજાતના નામથી તેઓ યુવકોને બોલાવતા. જેમ કે નરેન્દ્રભાઈ બશેરીને તેઓ ‘બશેરી’ કહી તથા નરેન્દ્રભાઈ ત્રિવેદી (સાહેબ)ને તેઓ ‘અઢીશેરી’ કહીને બોલાવતા.
આવા વ્હાલભર્યા ને પોતીકા શબ્દો ગુરુવર્ય પ.પૂ. બાપજી અને યુવકો વચ્ચેનો એક અભિન્ન અને અતૂટ નાતો ઊભો કરી દેતા.
પુષ્પ ૭
આવનાર હરિભક્તોને અને યુવકોને કેવી રીતે જોડી રાખવા તે એમના માટે હસ્તામળ હતું.
ઉનાળાના ચૈત્ર-વૈશાખના ધગધગતા અંગારા જેવો ધોમધખતો તાપ હોય ત્યારે પ્રેમી હરિભક્તો મોટા મંદિરે ઠાકોરજીને અને સંતોને કેરીની રસોઈઓ દેતા.
ભંડારમાં રોજ કેરીના ઢગલે ઢગલા થતા. પરંતુ સાધુતાના મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી તો તેને લગારેય ગ્રહણ ન કરે.
સાંજ પડે સંતો-હરિભક્તોએ રસ કાઢી જે ગોટલા ફેંકી દીધા હોય, એ ફેંકી દીધેલા ગોટલાને ગુરુવર્ય પ.પૂ. બાપજી વીણી વીણીને ભેગા કરે. એ ભેગા કરેલા ગોટલાને ફોડી તેમાંથી ગોટલી કાઢી લેતા. તેને બાફીને તેની પ્રસાદી તૈયાર કરતા.
એ પ્રસાદીનો ઉપયોગ દર્શન કરવા આવનાર યુવકો અને હરિભક્તોને આપવા માટે કરતા.
આ ગોટલીઓ મહારાજને ધરાવી તેઓ સૌને કારણ સત્સંગમાં ખેંચી લાવવાના રૂડા સંકલ્પો કરતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ ગોટલી એટલી બધી પ્રિય બની ગઈ હતી કે સૌ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ‘ગોટલીવાળા સ્વામી’થી પણ ઓળખતા.
આ ગોટલી પણ યુવાસેનાની રચનાનો એક ભાગ હતી.
પુષ્પ ૮
ઘનશ્યામનગર ખાતે ઈ.સ. ૧૯૭૪ની સાલમાં મંદિર તૈયાર થયું. પછી તો ત્યાં વર્ષમાં બે વાર બ્રહ્મસત્રના પ્રોગ્રામો થતા.
માગશર મહિનામાં તેમજ ચૈત્ર મહિનામાં (પાટોત્સવ ઉપક્રમે) એમ બે વખત પાંચ પાંચ દિવસનાં બ્રહ્મસત્રો યોજાતાં જેમાં પારાયણો થતી.
આ બ્રહ્મસત્રોમાં પ્રયોજક કહો કે પછી પ્રવક્તા કહો એ પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતે જ હતા. સવારે આઠથી બાર, સાંજે ચારથી સાત અને રાત્રે નવથી બાર વાગ્યા સુધી એકલપંડે કથાવાર્તાનો રસ પીરસી સૌને સુખિયા કરવાના તેમ છતાં તમામ સમિતિના લીડર ગણો કે સંયોજક ગણો જે ગણો તે પોતે જ હતા. બ્રહ્મસત્રની પૂર્વતૈયારીથી માંડી આટોપવા સુધીની સંપૂર્ણ સેવા ગુરુવર્ય પ.પૂ. બાપજી એકલે હાથે કરતા.
આ બ્રહ્મસત્રોમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની લાડકવાયી યુવાસેના તો હોય જ.
ગુરુવર્ય પ.પૂ. બાપજી આ યુવકમંડળને ‘રજવાડી મંડળ’ તરીકે ઓળખતા. વળી, બ્રહ્મસત્ર પ્રોગ્રામમાં રાત્રે પણ મોડે સુધી કથાનો લાભ આપ્યો હોય તેથી સૌ યુવકોને સવારે જાગવામાં મોડું થતું.
પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને સાત ખોટના દીકરા જેવા ગણી સૌની ઝીણવટભરી કાળજી લેતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાનાં દૈનિક સેવાકાર્યથી પરવારી તેમના ઉતારે અક્ષરઓરડીએ (યુવા ફોજ-રજવાડી મંડળનો કાયમી ઉતારો જ્યાં અપાતો તે પ્રસાદીની ઓરડીને ‘અક્ષરઓરડી’ તરીકે ઓળખતા હતા.) પહોંચી જતા.
સૌને જગાડવા માટે આવે અને પોતાના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરી જગાડે અથવા તાળી પાડીને જગાડે. એમની ઉઠાડવાની અદામાં પણ પ્રેમાળતાની મહેક હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણનો સ્પર્શ થતાં યુવકો ચરણ પકડી લેતા. સવારમાં ઊઠતાંની સાથે તેઓ યુવકોને વાત્સલ્યથી ભરી દેતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પધારે ત્યારે સૌ જાગી જાય અને જય સ્વામિનારાયણ (કેટલાક બંધ આંખે પણ) કહે. વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજી પાછા વળે ત્યારે કેટલાક મુક્તો પાછા પોઢી જાય.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ તેમને ઓળખી ગયા હતા તેથી ફરી પાછા પધારી પાકું કરી જાય. ફરીથી ઉઠાડે અને તેઓ ઊભા થઈ ‘જય સ્વામિનારાયણ’ કરે તેની રાહ જુએ.
આવી માતૃવાત્સલ્યતાથી તેઓ યુવકોને સ્નેહના તંતુથી બાંધી દેતા જેથી યુવકોને ગુરુવર્ય પ.પૂ. બાપજીને છોડીને જવું ગમતું નહીં. પછી સૌ યુવકમુક્તો પરવારે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને દૂધ-નાસ્તો કરાવવા આવી જાય અને સૌને જાતે પીરસીને (ગાંઠિયા-સેવ-મોતૈયા-લાડુ વગેરે જમાડી) ખૂબ ખૂબ આનંદ કરાવે.
પુષ્પ ૯
બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘરે જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત રીતે સૌની વિશેષ સંભાળ લેતા.
છેલ્લા દિને બપોરની સભા પૂર્ણ થાય એટલે સૌ જમવા જતા. આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી ભંડારમાં જતા અને પોતાના વ્હાલસોયા સૌ યુવકો માટે જાતે જ મીઠાઈ ને ફરસાણ ૫૦૦ કે ૭૦૦ ગ્રામનાં પડીકાંમાં ગાંઠિયા-મોતૈયા-લાડુ આદિ લઈ પ્રસાદી બાંધવા બેસી જતા. તે સેવા ખૂબ ઝડપથી પૂર્ણ કરી પોતાના આસને બેસી જતા.
યુવકો જમાડી લે પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન માટે જતા. એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી બળનાં વચનો કહેતા.
“સ્વામી, અમે જઈએ છીએ. અમને બહુ સુખ આવ્યું !”
“કંઈ તકલીફ તો નથી પડી ને ?”
“ના સ્વામી, કંઈ જ નહીં. સ્વામી, ઘરે આવું મળતું નથી.”
યુવક જ્યાં એમનાં દર્શન કરી ઊભા થવા જાય એટલે હાથ પકડી કહેતા : “લે આ પીરહણું ઘરે લઈ જા.”
“સ્વામી, અમે તો ઘરે જઈશું એટલે ઘરે તો બધું હશે.”
“ના, પીરહણું ઘરે લઈ જવાનું છે. ઘરના બધા ભેગા મળી જમાડજો.”
યુવકો એમની આ રીતથી ગળગળા થઈ જતા.
ને બોલતા : “સ્વામી, અમારે તમારું જતન કરવાનું હોય ને તમે અમારું જતન કરો છો. જે આ લોકનાં માબાપ પણ ન કરે ! સ્વામી, અમે સભા પછી જમવા ગયા અને દર બ્રહ્મસત્રની માફક આપ સભા પૂર્ણ કરી, પડીકાં બાંધવા બેઠા. હજુ આપે ઠાકોરજી જમાડ્યા પણ નથી...”
આટલું કહેતાં એ દિવ્યપુરુષની માતૃવાત્સલ્યતાથી યુવકોનાં હૃદય આર્દ્ર બનતાં.
પુષ્પ ૧૦
યુવકોનાં જીવન પરિશુદ્ધ અને નિયમ-ધર્મેયુક્ત બને તે માટે તેમને તેઓ વિશેષ નિયમો આપતા; જેવા કે, બહારનું, બજારુ કે હોટલનું જમવું નહિ, ક્યાંય ગાળ્યા વગરનું પાણી પણ ન પીવું. ચાતુર્માસની પાંચ અગિયારસ નકોરડી કરવી, રોજ શ્રીહરિનું ધ્યાન, માળા, માનસીપૂજા અને ચેષ્ટા આદિક નિયમો કરવા.
નિયમ આપ્યા પછી અવારનવાર તેની પૂછતાછ કરી તેઓ સૌને પાકા કરતા. નિયમમાં વર્તવાનું તેઓ અનેરું બળ આપતા. એમાંય યુવકોનાં જીવન માટે તેઓ પારદર્શક જીવનના પ્રખર હિમાયતી હતા.
બોલવું કંઈક જુદું અને વર્તવું કંઈક જુદું એવું દ્વિમુખી વ્યક્તિત્વ તેઓને સહેજ પણ પસંદ નહોતું. એટલે તેઓ યુવકોને વારંવાર આ બાબતે ખટકો રખાવતા અને વાણી, વિચાર અને વર્તનમાં સામ્યતા કરાવતા.
જરૂર પડે ત્યારે કડક અને જરૂર પડે ત્યારે ફૂલની પાંખડીથી પણ કોમળ બનવામાં એમનો આગવો ઇજારો હતો.
યુવકોનું સંખ્યાબળ વધતાં ઈ.સ. ૧૯૭૦થી યુવાશક્તિને ખીલવવા યુવકોના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ યુવકો દ્વારા જ સભા કરાવવાનો શુભારંભ કર્યો.
જેની તેઓ જાતે યુવકો પાસેથી અંગત પૂછતાછ કરતા. સભામાં ન આવેલા યુવકોને બીજી સભામાં સામે ચાલીને બોલાવતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના અથાક દાખડાથી સત્સંગ વૃદ્ધિ પામતો ગયો. નવા નવા યુવકો સત્સંગમાં જોડાતા ગયા.
પુષ્પ ૧૧
યુવાનોનું અસંયમીપણું, સ્વચ્છંદતા, બેફિકરાઈ, ઉચ્છૃંખલતા, દુર્વ્યસનોની કુટેવ વગેરે આત્મઘાતક પ્રવૃત્તિઓથી મુક્ત કરાવી યુવાનોને ગુરુવર્ય પ.પૂ. બાપજીનું પ્રેરક દિશાદર્શન જીવનની નૂતન કેડી કંડારી દે છે.
યુવાનને પોતાના અંતરમાં ઊઠતા સ્નેહ-લાગણીના હૃદયસૂર ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પડઘાતા સંભળાય છે. તેથી જ યુવાની અવસ્થામાં ઊછળતાં પૂર ગુરુવર્ય પ.પૂ. બાપજીના શુદ્ધ-પવિત્ર-દિવ્યજીવન અને શ્રીજીમહારાજમાં દૃઢ વિશ્વાસ અને નિર્ભેળ સ્નેહની દીવાલ પાસે થંભી જાય છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવકના વિચારજગતનું કેન્દ્ર કેવળ મહારાજને બનાવી દેતા. પછી એ યુવકના જીવન પર એનું વહેણ ધીર-ગંભીર ગતિએ દિવ્યજીવનના ઊંડાણને આત્મસાત્ કરતું વહેતું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના આવા વાત્સલ્યસભર સ્નેહથી કોઈ અજાણ નહિ રહ્યા હોય જે સ્નેહને આજે સંભારતા પણ તેઓ ગદ્ગદિત થઈ જાય છે.