વિદેશયાત્રા દ્વારા કૃપાવર્ષા

પુષ્પ ૧

“કરવો પ્રચાર દુનિયા પાર, સંકલ્પ કીધો છે નિરધાર

  સુખ દુઃખ આવે અપરંપાર, લાગે વિઘ્નોની લંગાર.”

રંગ-રાગ, ભોગવિલાસ અને ભૌતિક સમૃદ્ધિની છોળ્યો જ્યાં ઊડે છે તેવી પશ્ચિમી સંસ્કૃતિના વાઇન કલ્ચરને ડિવાઇન કલ્ચર કરવાનો ઉમદા સંકલ્પ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વિદેશયાત્રા દ્વારા કર્યો.

તા. ૩૦-૮-૧૯૯૫ના મંગલકારી દિવસે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વ્હાલા હરિકૃષ્ણ મહારાજ અને સંતમંડળ સાથે સૌપ્રથમ વાર વિદેશયાત્રાએ ઇંગ્લેન્ડની ભૂમિ પર પધારી તેને તીર્થત્વ આપ્યું.

રસ્તામાં કુવૈતના હૉલ્ટ (વિરામ) દરમ્યાન ત્યાં સંકલ્પનાં વાવેતર કર્યાં.

ઇંગ્લેન્ડના ગોરા અંગ્રેજો તથા અન્ય કાળિયા, ધોળિયાને તથા સફેદ કબૂતરોને પણ તેમની કૃપાદૃષ્ટિમાં લઈ કૃપાવર્ષા વરસાવતાં આશીર્વાદ આપ્યા કે, “હે મહારાજ ! આપનો સંકલ્પ શિક્ષાપત્રી રૂપે અહીં આવ્યો છે. તો આ દેશના ગોરાઓ, કબૂતરો, પશુ-પક્ષીઓ જે આપની દૃષ્ટિમાં ચડે તે સૌને કારણ સત્સંગના યોગમાં લાવી પૂરું કરજો.” આ વિચરણ દરમ્યાન નિર્દોષ પારેવડાંઓનો છેલ્લો જન્મ કરવાની કૃપાવર્ષા વરસાવી હતી.

જોડેવાળા સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ કરુણાથી ગદ્‌ગદ થઈ ગયા.

તેથી તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું, “બાપજી, આ સર્વે પર અકારણ કરુણા કેમ ?”

“આ સર્વેનો ક્યારે વારો આવે ? મહારાજ ક્યાં ને આ કાળિયા, ધોળિયા ને પશુ-પંખીઓ ક્યાં ! એમનું કોણ પૂરું કરે ? એ કારણે મહારાજે કરુણા કરી.”

પેલા સંતો બે હસ્ત જોડી કરુણામૂર્તિને ઘણી વાર સુધી નીરખી રહ્યા.

પુષ્પ ૨

તા. ૨૪-૬-૧૯૯૬ના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ USAની ભૂમિ પર વિદેશ વિચરણમાં જવાનું આયોજન કર્યું. પરંતુ ઉતારો ક્યાં કરવો તે પ્રશ્ન મૂંઝવતો હતો.

કારણ, કોઈ પ્રકારની ઓળખાણ નહિ, ન્યૂયૉર્કના એરપૉર્ટ પરથી ક્યાં જવું તેનું કોઈ ઍડ્રેસ નહીં.

અબજીબાપાશ્રીએ કૃપા કરી રસ્તો કાઢ્યો. અમેરિકાનિવાસી પરેશભાઈ પાસાવાલાનાં ધર્મપત્નીને દર્શન આપી કહ્યું, “અમારા સંતોને આ દેશમાં વિચરણ માટે પધારવું છે માટે તેમના ઉતારાની વ્યવસ્થા કરી આપો.”

અબજીબાપાશ્રીના સંકલ્પે ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ. અમેરિકાવાસીઓ પર તેમની કૃપાવર્ષા ખૂબ વરસાવી સંકલ્પનાં વાવેતર કર્યાં.

USA અને કૅનેડાની ભૂમિ પર કૃપાવર્ષા વરસાવી નૂતન મંદિરોનાં સર્જન કર્યાં :

૧. તા. ૨૬-૭-૨૦૦૩ અમેરિકા ન્યૂજર્સી (જર્સીસિટી)

૨. તા. ૨૨-૮-૨૦૧૦ કૅનેડા;

૩. તા. ૨૯-૮-૨૦૧૦ અમેરિકા ઍટલાન્ટા;

૪. તા. ૨૧-૮-૨૦૧૬ અમેરિકા શિકાગો;

૫. તા. ૨-૯-૨૦૧૬ અમેરિકા ચેરીહિલ (સ્વામિનારાયણ ધામ).

આવી રીતે નૉર્થ અમેરિકામાં નૂતન પાંચ મંદિરોની સ્થાપના કરી તેના પ્રતિષ્ઠા પ્રસંગોએ તથા યુ.કે ખાતે લંડનમાં સ્થિત મંદિર માટે અને ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ આદિ દેશોમાં કાર્યરત સત્સંગ કેન્દ્રો અંગે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદની કૃપાવર્ષા વરસાવી અનેક જીવોનાં કલ્યાણ કર્યાં હતાં.

પ્રતિષ્ઠા દરમ્યાન નીકળેલી શોભાયાત્રામાં આશીર્વાદની લહાણી કરી હતી કે, “હે મહારાજ, આ તમારી શોભાયાત્રામાં જે કોઈ કાળિયા, ધોળિયા, ભૂરિયા જે કોઈ દર્શન કરે, ગુણ લે, પ્રસાદી લે, ભાવે કરી માથું નમાવે તે બધાયનું આ ફેરે પૂરું કરજો. આપનું સર્વોપરી સ્વરૂપ ઓળખાવી કારણ સત્સંગમાં ખેંચી લેજો. આ ફેરે કોઈનું અધૂરું ન રહેવા દેશો.” તથા “જોજો તો ખરા આ અમેરિકાના દરેક સ્ટેટમાં કારણ સત્સંગનાં મંદિર થશે. જે કોઈ સંતોનો ગુણ લેશે, કથા સાંભળશે, સેવા કરશે તે બધાયને મહારાજ, તેમના અક્ષરધામની મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના.”

આવી રીતે પ્રસંગોપાત્ત ફદલમાં અનેક મુમુક્ષુઓ ફાવી ગયા.

પુષ્પ ૩

વિદેશની રજોગુણી ભૂમિ પર વિચરતા કેટલાય મુમુક્ષુ જીવો ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાથી, સર્વોપરી નિષ્ઠાની ખુમારીથી ખેંચાતા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાવર્ષામાં ભીંજાતાં અનેક મુમુક્ષુનાં દિવ્યજીવન બન્યાં છે.

ઍટલાન્ટાના રમેશભાઈ સુહાગિયા જેઓ પ્રથમથી મુમુક્ષુ તથા જૂના સત્સંગી હતા. તેઓ સંપ્રદાયના તમામ સંતોને પોતાના ઘરમાં ઉતારો આપતા.

તેમના ઘરના ભોંયરાને તેઓ મંદિર જેવું બનાવી સંતોને તમામ સગવડ પૂરી પાડતા હતા. તેમને ગળથૂથીમાંથી જ સત્સંગના સંસ્કાર મળ્યા હતા.

તેમને અંતરમાં પ્રશ્ન ઊઠતો કે, “બધા અવતાર જો એક જ હોય તો પછી શ્રીજીમહારાજે અલગ સંપ્રદાયની શા માટે સ્થાપના કરી ? શા માટે નવાં શાસ્ત્રો રચ્યાં અને રચાવ્યાં ? શા માટે નવા પંચવર્તમાનના નિયમ-ધર્મો કર્યા ?” તેઓ આ પ્રશ્ન તમામ સંતોને પૂછતા પરંતુ ક્યાંયથી સંતોષકારક જવાબ મળતો ન હતો.

ઈ.સ. ૨૦૦૨માં પ.પૂ. સ્વામીશ્રી સૌપ્રથમ તેમના ઘરે પધાર્યા.

તેમને ૫.પૂ. સ્વામીશ્રીએ રાત્રે દસથી સવારના ચાર વાગ્યા સુધી સળંગ લાભ આપ્યો. તેમના તમામ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર મળ્યો.

પ.પૂ. સ્વામીશ્રીએ શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો મહિમા કહ્યો. ત્યારથી તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનની તલપ જાગી.

ઈ.સ. ૨૦૦૬માં તેઓ સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં પ્રથમ દર્શને આવ્યા.

એ જ વખતે અનુપમ દિવ્યતાનો અહેસાસ થતાં ખૂબ આકર્ષણ થયું.

તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં પ્રથમ દર્શન વખતે થયેલ અનુભવ વર્ણવતાં કહેતા હોય છે, “બાપજીનાં જ્યારે મેં પ્રથમ દર્શન કર્યાં ત્યારે મારા સંકલ્પો-વિકલ્પોનો વિરામ થઈ ગયો. તર્ક-વિતર્કોની સંશયાત્મકતા શમી ગઈ. નરી શીતળતા...શીતળતા જ અનુભવાઈ. આવો અનુભવ મારા જીવનમાં મેં પહેલી વાર જ કર્યો હતો.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને પ્રથમ વખતમાં જ બેસાડી અંગત લાભ આપ્યો. શ્રીજીમહારાજનું યથાર્થ સ્વરૂપ વચનામૃત દ્વારા સમજાવ્યું.

“મને ગુરુવર્ય પ.પૂ. બાપજીની ઘણીબધી બાબતો સ્પર્શી ગઈ છે. જેમાં મુખ્ય સ્પર્શતી બાબતોમાં એ દિવ્યપુરુષની ક્ષણે ક્ષણે મહારાજના કર્તાપણામાં રાચવાની વાત બહુ સ્પર્શે છે. એમની નિર્ભેળ-નિર્દંભ સાધુતાનું સોહામણું દર્શન મને ગમે છે. મહારાજના ને પોતાના (મુમુક્ષુના) સ્વ-સ્વરૂપને ઓળખાવવાની અપરિમ્‌ આગ્રહિતા તો મેં ક્યાંય જોઈ જ નથી જે મને એમના તરફ ખેંચે છે. મહારાજની સર્વોપરી નિષ્ઠાની ખુમારી એમના સાંનિધ્યમાં નિરંતર અનુભવાય છે. વળી, મુમુક્ષુને મહારાજની પ્રાપ્તિ કરાવવા માટે વાર્ધક્યની મોટી અવસ્થાએ રાત્રિ-દિવસ જોયા વિના અથાક દાખડો એ કરે છે. એ એમની કેવી કૃપા કહેવાય ! એ દિવ્યપુરુષ તો શુદ્ધ સ્વરૂપ છે. એટલે મને પણ એમના જેવો કરવા મંડ્યા છે. એમણે મને શુદ્ધ સર્વોપરી ઉપાસનાની દૃઢતા કરાવી, મારું ઘર ચોખ્ખું કર્યું. અરે, મને પણ મૂર્તિ રૂપે વર્તવાની લટક આપી ચોખ્ખો કર્યો. જે આજ સુધી કોઈએ નહોતું કરાવ્યું.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીના આવા દિવ્ય પ્રભાવથી તેઓએ તેમની સાથે જીવ જોડ્યો.

સાંપ્રદાયિક બંધનો તોડી એક શ્રીજીમહારાજની શુદ્ધ સર્વોપરી નિષ્ઠા દૃઢ કરી આત્મબુદ્ધિના નાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે જોડાયા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને મૂર્તિસુખના માર્ગે આગળ વધારવા તેમના તમામ અભરખા મુકાવ્યા.

તેઓ USA પટેલ સમાજના પ્રેસિડન્ટ હતા. તે પદવી છોડાવી વ્યવહારમાંથી પાછા વાળી અધ્યાત્મ ભણી દોરી ગયા.

“સત્સંગમાં આવ્યા પછી મહારાજના સ્વરૂપને ઓળખી પછી તેમાં જોડાવું.” આ સારરૂપ મુદ્દો તેમને સત્સંગમાં ક્યાંય કોઈની પાસેથી મળ્યો ન હતો.

તે ગુરુવર્ય પ.પૂ. બાપજી થકી મળતા દિવ્ય બળથી અત્યારે તેમને સંસાર તરફથી અરુચિ થઈ ગઈ છે. સત્સંગ મુખ્ય થઈ ગયો છે.

તેઓએ પોતે ઍટલાન્ટા ખાતે મંદિરની જમીન લઈ કારણ સત્સંગનું શુદ્ધ અજોડ ઉપાસનાયુક્ત મંદિર બનાવ્યું અને અત્યારે તેનું સંચાલન પણ પોતે કરી રહ્યા છે.

સત્સંગના વ્યવહારની સાથે તેઓ સ્વવિકાસ તરફ પણ એટલા જ જાગૃત છે. સ્વનિરીક્ષણ કરી પોતાની કસરો ટાળવા સજાગ રહે છે. ધ્યાન-ભજનભક્તિમાં દિવસના ત્રણ કલાક વિતાવી પ્રભુમય દિવ્યજીવન જીવે છે.

તેમને વિશેષ કરીને કથાવાર્તા શ્રવણનો આગ્રહ રહે છે.

તેઓ કૅસેટ દ્વારા તો લાભ લે જ છે પરંતુ જ્યારે ઇન્ડિયા પંદર દિવસ માટે આવે ત્યારે બે દિવસમાં વ્યવહારિક કામ આટોપી બાકીનો બધો સમય તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સાથે વિચરણમાં લાભ લે છે.

દિવાળી જ્ઞાનસત્રનો લાભ લેવા સ્પેશ્યલ અમેરિકાથી ભારત આવે, તે પછી પણ પાંચ દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો નિકટથી વચનામૃત પર લાભ લઈ મહારાજમાં જોડાવાના માર્ગે આગળ વધી રહ્યા છે.

અમેરિકામાં આવા અનેક મુમુક્ષુઓ પર ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાવર્ષા વરસતાં વિદેશની રજોગુણી ભૂમિ પર પણ તેમનાં દિવ્યજીવન બન્યાં છે.

પુષ્પ ૪

ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાવર્ષા અરેબિયન દેશો પર વરસતાં તા. ૧૭-૯-૧૯૯૬ના રોજ કુવૈત તથા તા. ૧૨-૯-૨૦૧૬ના રોજ દુબઈ ખાતે અનુક્રમે સૌપ્રથમ વાર પધાર્યા હતા. ત્યાં પણ કુવૈત-દુબઈના શેખ તથા અન્ય મુમુક્ષુ જીવો પર કૃપા વરસાવી તેમને કારણ સત્સંગના યોગમાં ખેંચવાના આશીર્વાદ આપ્યા હતા.

આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કુવૈત, કેન્યા, યુગાન્ડા, ઝામ્બિયા આદિ દેશોમાં તેમના સંકલ્પ અને દિવ્ય આશીર્વાદથી સત્સંગ વિકસી રહ્યો છે. અનેક મુમુક્ષુઓ કારણ સત્સંગના દિવ્ય યોગમાં ભળી છેલ્લા કોલ પામી રહ્યા છે.