અગાઉથી ધામમાં લઈ જવાની અવધિ જણાવી

પુષ્પ ૧ : આજથી છઠ્ઠે દિવસે ધામમાં તેડી જઈશું...

રામજીભાઈ એટલે હેતની મૂર્તિ ! બાપાશ્રી પ્રત્યે અપ્રતિમ પ્રેમ તથા દિવ્યભાવ. સંવત ૧૯૫૫ના ભાદરવા માસમાં રામજીભાઈને મંદવાડ આવ્યો. મંદવાડ દિવસે દિવસે વધતો ચાલ્યો. મંદવાડમાં રામજીભાઈને એક જ તીવ્ર ઝંખના વર્તાતી કે, “મને ગમે તેમ કરીને બાપાશ્રીનાં દર્શન કરાવો, મને કચ્છમાં લઈ જાઓ.”

તેમનું આ રટણ રાત-દિવસ ચાલતું હતું. તે રટણ સમક્ષ તેમના કુટુંબીજનો તેમને સમજાવવા તથા મનાવવા ઘણો પ્રયત્ન કરતા. કારણ કે પંથ લાંબો હતો ને લઈ જવા મુશ્કેલ હતા. તેથી ધીરજ રાખવાની વાત કરે પણ રામજીભાઈની વૃત્તિ બાપામાં જ નિશદિન વર્તતી હતી તેથી તેઓ કેમેય કરી સમજે નહીં. કારણ કે રામજીભાઈને મન બાપાશ્રી સર્વસ્વ હતા.

એક દિવસ વળી માંદગીમાં બાપાને મળવાની ઝંખના પરાકાષ્ઠાએ પહોંચી. હાલ ને હાલ મેનો મંગાવો. મને તેમાં સુવાડો અને માણસો ઉપાડીને મને બાપાશ્રી પાસે દર્શન માટે લઈ ચાલો. હવે મારાથી અહીં રહેવાશે નહીં. તમે કોઈ ખર્ચ બાબતે જરાપણ ચિંતા કરશો નહીં. જો મારો મંદવાડ વધી જશે તો હું નહિ જઈ શકું માટે ઉતાવળ કરો.” આવી વાતો સાંભળવાનું તેમનાં સગાં- સંબંધીઓને અવારનવાર થતું અને પછી તો... સૌ હિતેચ્છુઓ તથા સગાં-સંબંધીઓએ રામજીભાઈને સમજાવ્યા, “રામજીભાઈ ! અત્યારે મંદવાડમાં મુસાફરી ન કરાય. તમને જવાની તાણ છે તે બરાબર છે. પરંતુ પરિસ્થિતિ જોવી પડે. તમારો દેહ આવી લાંબી મુસાફરી ખમી શકે તેમ નથી. માટે તમે આવી જીદ કરવી રહેવા દો. તેના કરતાં ભગવાનને પ્રાર્થના કરો તથા ભગવાનનું નામ લો. જેથી પ્રભુ સારાં વાનાં કરશે.”

રામજીભાઈને બાપાશ્રીમાં હેત અને આત્મબુદ્ધિ હતાં. તેમને ગમે તેટલા સમજાવવામાં આવે તોપણ તેઓ એકના બે ન થતા.

રામજીભાઈને મહારાજ ને મુક્તમાં પ્રીતિ હતી. જેથી તેઓને એ બાજુ ખેંચાણ રહ્યા કરતું. જ્યારે તેમનાં સગાં-સંબંધીઓને (જગતના જીવોને ) જગતમાં પ્રીતિ હતી તેથી તેઓ એ બાજુ ખેંચાતાં.

રસ્સીખેંચ હરીફાઈ જેવી પરિસ્થિતિ ઊભી થતી. જે તરફનું બળ વધારે હોય તે બાજુ પરિણામ આવે. સગાં-સંબંધીઓ મૂંઝાણાં. આ રામજીભાઈને મનાવવા એ આસમાનના તારા પૃથ્વી પર લાવવા જેવી વાત છે. હવે શું કરવું ? કોઈ ઉપાય કારગત નીવડે જ નહીં. રાત્રે સૂતાં સૂતાં રામજીભાઈ મનમાં વિચારે છે, ‘એ દિવ્યપુરુષને (બાપાશ્રીને) ઓળખવા એ કઠિન કામ છે. મેં  એમને તેજોમય દીઠા છે. આ લોકો તેમને ઓળખી શકે તેમ નથી તેથી અમથા સંકલ્પ કરે છે.

એ જ રાત્રે રામજીભાઈને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, જે દર્શન તેમને સર્વપ્રથમ વૃષપુર ખાતે પહોંચ્યા ત્યારે થયાં હતાં તેવાં જ  દર્શન હતાં. બાપાશ્રી બોલ્યા, રામજીભાઈ ! અમે કચ્છમાં છીએ અને અહીં નથી તેમ કેમ માનો છો ! અમે તો તમારી પાસે જ છીએ. મૂર્તિમાં વૃત્તિ જોડી દો. અમે તમને આજથી છઠ્ઠે દિવસે આવીને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈશું.” મહારાજ અને તેમના જેવા જ સમર્થ તેમના અનાદિમુક્તનું આ લક્ષણ છે. પોતે ચોક્કસ અવધિ આપીને તે દિવસે અચૂક જીવને તેડવા આવતા હોય છે. આ તેમનું આગવું લક્ષણ છે. અહીં રામજીભાઈને આપેલા વચનમાં પણ તેમ બન્યું.

પૂર્વાકાશમાં અરુણોદય થયો. રામજીભાઈએ સૌ સગાં-વ્હાલાંને બોલાવ્યાં. સૌને થયું કે વળી પાછી એ જ વાતો કરવા રામજીભાઈ બોલાવતા હશે. ત્યાં તો રામજીભાઈએ નવીન વાતો શરૂ કરી. સૌ નીચે શાંતિથી બેસો. હવે મારે તમને સૌને અગત્યની વાત કરવી છે. રાત્રે મને બાપાશ્રીનાં દર્શન થયાં. તેમણે મને કહ્યું છે કે મહારાજ તથા બાપાશ્રી મને આજથી છઠ્ઠે દિવસે ધામમાં લઈ જશે. પરંતુ સગાં-સંબંધીઓને આ વાતમાં વિશ્વાસ નહીં. તેથી બાપાશ્રીનું મહિમાગાન શરૂ કર્યું. રામજીભાઈ હિંમત કરી પથારીમાં બેઠા થકા બોલવા લાગ્યા, “બાપાશ્રી એટલે બાપાશ્રી. મહારાજ સદાય તેમના દ્વારા કામ કરે છે. તમે તેમને મનુષ્ય જેવા ન માનશો. તે તો મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે. જોતજોતામાં છઠ્ઠો દિવસ આવી ગયો. રામજીભાઈને મહારાજ અને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં. સૌને ફરીથી પાસે બોલાવી કહ્યું : “દર્શન કરો. જુઓ મને કહ્યા પ્રમાણે તેઓ સમયસર આવી પહોંચ્યા કે નહિ ? આ તો બહુ સુખરૂપ છે. તેમણે તો મને ન્યાલ કરી દીધો છે. પછી સૌને જય શ્રી સ્વામિનારાયણ કહી દેહનો ત્યાગ કરી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા.

પુષ્પ ૨ : કાણોતરના બાપુભાઈનો સંકલ્પ પૂરો કર્યો...

સંવત ૧૯૬૨ની સાલમાં બાપાશ્રી કચ્છથી વિશાળ યાત્રા સંઘ લઈ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અનેક તીર્થસ્થળોએ યાત્રા કરતાં કરતાં સંઘ અમદાવાદથી નીકળીને ડભાણ થઈ વડતાલ મુકામે આવી પહોંચ્યો. મહાપ્રભુની ચરણરજથી પાવન થયેલ આ પ્રસાદીભૂત ગામમાં વિશાળ ગોમતી તળાવ આવેલું છે. આ ગોમતીના કાંઠે સંઘના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી. બાપાશ્રી સંઘ લઈને વડતાલ પધાર્યા એવા સમાચાર વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા.

બાપાશ્રી પ્રત્યે જળમીનવત્‌ સ્નેહ એવા કાણોતરના બાપુભાઈને પણ આ સમાચાર મળ્યા. પછી તો જેમ તીર કમાનમાંથી છૂટે તેમ ઉતાવળે-ઉતાવળે બાપુભાઈ વડતાલ આવી પહોંચ્યા. બાપાશ્રીનાં દર્શન થતાં જ અંતરે આનંદના ધોધ છૂટવા માંડ્યા. બાપાશ્રીનાં દંડવત, દર્શન કરીને બાપાશ્રીને મળ્યા. બાપુભાઈને બાપાશ્રી પ્રત્યે અપ્રતિમ પ્રીતિ. અગાધ સ્નેહ હતો. મહિમા અને દાસત્વભાવની મૂર્તિસમા બાપુભાઈને સેવા કરવાનો પણ ખૂબ જ ખટકો તેથી મહિમાસભર હૈયે સૌની સેવા કર્યા કરે.

સંઘ માટે આ ઉતારાનું સ્થળ તદ્દન અજાણ્યું હતું. વળી સંઘનું રાત્રિરોકાણ પણ અહીં જ કરવાનું હતું. સંઘ વિશાળ હતો. સાથે કીમતી વસ્તુઓ પણ હતી જેથી રાત્રિનિવાસ માટે બાપાશ્રીને ચિંતા થતી હતી. બાપાશ્રીએ સૌ હરિભક્તોને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “આ સ્થળ આપણા માટે નવું છે, અપરિચિત છે. વળી આપણી સાથે કીમતી વસ્તુઓ પણ છે. એટલે રાત્રે વારાફરતી હરિભક્તોએ સંઘની સલામતી માટે જાગવું પડશે. જે હરિભક્તોને આ સેવા કરવાની ઇચ્છા હોય તે તૈયાર થાઓ.”

ભાવતું હોય અને વૈદે કીધું એ કહેવત મુજબ કાણોતરના બાપુભાઈ તો ચકોર પક્ષીની જેમ બાપાશ્રીની સેવા માટે તત્પર જ હતા. એમાંય બાપાશ્રીએ સામેથી સેવા કરવાની તક આપી. એ તો કેમ જવા દેવાય ? બીજા કોઈ સેવાની તક લઈ લે એ પહેલાં  જ બાપુભાઈએ આ તક ઝડપી લીધી. બાપુભાઈ તત્ક્ષણ ઊભા થઈ ગયા અને બાપાશ્રીને દાસભાવે પ્રાર્થના કરી, “બાપા ! સંઘ ખૂબ દૂરથી આવ્યો છે. લાંબી યાત્રા દરમ્યાન સૌ થાકી ગયા હશે. સૌને સુખેથી આરામ કરવા દો. આપનો આ સેવક સેવા માટે તૈયાર છે. આપ નિશ્ચિંતપણે આરામ કરો. કૃપા કરીને સેવકને આ સેવાનો લાભ આપો.

શ્રીમુખવાણી વચનામૃતના શબ્દોની નિશ્ચે જ સ્મૃતિ થાય. “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એના હૈયામાં એમ હિંમત રહે જે ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે અને આટલું વચન મુંથી મનાશે ને આટલું નહિ મનાય એવું તો ભૂલે પણ ન કહે.”

સમુદ્રની ભરતીમાં ઊછળતાં મોજાંની જેમ બાપુભાઈની સેવા કરવાની ઉત્કંઠા જોઈને બાપાશ્રીએ બાપુભાઈની પ્રાર્થનાનાં વચનોનો સ્વીકાર કર્યો. બાપાશ્રીએ કહ્યું કે, “ભલે ત્યારે, આપ જ આ સેવા સંભાળજો.” આ સાંભળી બાપુભાઈ તો આનંદવિભોર બની સેવા કરવાના આનંદમાં રાચવા લાગ્યા.

સંધ્યા સમયે મહાપ્રભુની આરતી કરીને સૌએ ઠાકોરજી જમાડ્યા. ઠાકોરજી જમાડીને તૃપ્ત થયા બાદ દિવસ દરમ્યાનના થાકથી સૌની આંખો ઘેરાવા લાગી. વિશ્રાંતિની પળ આવતાં જ સૌ પથારીમાં આડેપડખે થયા ને ટૂંક જ સમયમાં નિદ્રાધીન થયા. આ બાજુ બાપુભાઈ પોતાની આગોતરી સેવામાં જોડાયા. સેવા કરવાના આનંદ-ઉમળકામાં બાપુભાઈને ઊંઘ જ ન આવે. દિવ્યભાવ અને મહિમાના મોજામાં રાચી રહેલા બાપુભાઈ આખી રાત અહોહોભાવથી માળા ફેરવતા રહ્યા અને સંઘની સલામતી માટે પ્રદક્ષિણા ફરતા ફરતા જાગતા રહ્યા.

માળા કરતાં કરતાં બાપુભાઈ તો બાપાશ્રી પ્રત્યેના મહાત્મ્યમાં લુબ્ધ બની ગયા. વિચારોમાં ડૂબી ગયા. “અહાહા... બાપાશ્રી કોણ છે ? એ કેવા છે ? બાપાનાં દર્શન મને હોય જ ક્યાંથી ? આ બાપો ને એમની સેવા મને મળે જ ક્યાંથી ? સ્વયં શ્રીજીમહારાજ અનંતને સુખ આપવા માટે જેના દ્વારા આ લોકને વિશે દર્શન આપે છે એવા બાપાશ્રીએ મારો હાથ ઝાલ્યો.

બાપાશ્રી સૂતા સૂતા બાપુભાઈની સેવા પ્રત્યક્ષ નહોતા નિહાળતા, પણ અંતર્યામીપણે બાપુભાઈના અંતરની ઊર્મિઓને જરૂર જાણતા હતા. આપણે કેટલી સેવા કરીએ છીએ તે નહિ પણ કેવી સેવા કરીએ છીએ તે જોઈ રાજીપાની વર્ષા થાય છે. એ મુજબ બાપુભાઈની સેવા જોઈને બાપાશ્રી પણ વરસી ગયા.

સવાર થતાં જ બાપાશ્રીએ નિત્ય ક્રમ પતાવ્યો. ત્યારબાદ બાપુભાઈ ઉપર કરુણાનો ધોધ વહાવવા માટે ઉતાવળે ઉતાવળે બાપુભાઈને બોલાવ્યા. બાપુભાઈ આવ્યા એટલે બાપાશ્રીએ કહ્યું, “બાપુભાઈ ! તમે રાત્રે ખૂબ દિવ્યભાવથી સંઘની સેવા કરી. અમે તમારી સેવા જોઈને ખૂબ રાજી થયા. માટે તમારે જે જોઈએ તે માંગો. આજે અમો તમારી ઉપર ખૂબ રાજી છીએ.

માછલાને જેમ જળ જીવન છે એમ બાપાશ્રી જ જેનું જીવન હતા એવા બાપુભાઈ વિચારમાં ડૂબી ગયા. બાપુભાઈ કહે, બાપા ! આપે મને જે આપવાનું હતું તે તો ક્યારનુંય આપી દીધું. મારે હવે બીજું કાંઈ જ જોઈતું નથી. પરંતુ જો આપ રાજી થયા હો તો આ સંઘ લઈને કાણોતર પધારો. એવી આ સેવકની પ્રાર્થના છે. બાપુભાઈની આવી નિષ્કામ પ્રાર્થના જોઈ બાપાશ્રી રાજી થઈ ગયા. બાપાશ્રીએ રાજી થકા બાપુભાઈને વચન આપ્યું, બાપુભાઈ ! જાઓ આજથી બે મહિના પછી તમારે ત્યાં અમે સંઘ લઈને જરૂર આવીશું.

બાપુભાઈ તો બાપાશ્રીનાં વચન સાંભળી રાજીના રેડ બની ગયા. તેઓ વિચારોમાં લીન બની ગયા કે બાપાશ્રી બે મહિને ફરી પાછા કાણોતર આવશે તો ખરા પરંતુ કેવી રીતે પહોંચી શકશે ? છતાં બાપાશ્રીનાં વચનમાં તેમને અતૂટ વિશ્વાસ હતો.

“એનાં આપેલાં વરદાનો ખોટાં હોય નહીં...”

અને બન્યું પણ એવું જ. બરાબર બે મહિના થયા, બાપુભાઈને માંદગી આવી. બાપુભાઈને આપેલા વચન મુજબ બાપાશ્રીએ સંઘ સહિત દિવ્ય રૂપે બાપુભાઈને દર્શન આપ્યાં અને કહ્યું કે, “બાપુભાઈ ! અમે સમયસર આવી પહોંચ્યા ને ? લો, કરો આ સંઘનાં દર્શન અને ચાલો અમારા મૂર્તિધામમાં.” આટલું કહેતાં જ બાપાશ્રીએ બાપુભાઈનો દેહ પડાવીને તેમના ચૈતન્યને મૂર્તિના અવિચળ સુખમાં મૂકી દીધા.

આ રીતે બાપાશ્રીએ અગાઉથી ધામમાં જવાની અવધિ જણાવી અને સમયે શ્રીજીમહારાજ સાથે તેડવા આવીને ધામમાં લઈ ગયા.

પુષ્પ ૩ : તારા માતુશ્રીને બે મહિને તેડવા આવશું માટે ઘેર જા...

બાપાશ્રી એટલે શ્રીજી સંકલ્પમૂર્તિ. તેઓ વૃષપુરમાં મોટા મોટા યજ્ઞો કરતા. આ યજ્ઞોમાં દેશદેશના તથા ગામોગામના હજારો હરિભક્તો આવતા. આ બધા યજ્ઞો કરવા પાછળ બાપાશ્રીનો તો એક જ ઇશક હતો કે સૌ મૂર્તિને વળગે ને મૂર્તિના સુખને ભોગવે અને એટલે જ તો તેઓ મહાપ્રભુની મૂર્તિમાં જોડાવા માટે જ સર્વે નાની-મોટી ક્રિયાઓ કરતા. આવા યજ્ઞ પ્રસંગે પણ જે કોઈ આવે, દર્શન કરે, પ્રસાદી જમે તે સૌને આત્યંતિક કલ્યાણના આશીર્વાદ વરસાવતા !

જેની પાસે જે હોય તે આપે. જેની પાસે માયા હોય તે માયા આપે અને જેની પાસે મહારાજની મૂર્તિ હોય તે મહારાજની મૂર્તિ આપે. બાપાશ્રી પાસે બીજું કાંઈ નહોતું પણ મૂર્તિ હતી. અને એટલે જ આવો મૂર્તિનો વેપાર કરવા જ બાપાશ્રી યજ્ઞો કરતા. બાપાશ્રીના આવા જ એક યજ્ઞમાં વાંકાનેરનાં ડોશી આવી ગયેલાં. તેઓ ગુણબુદ્ધિવાળાં સત્સંગી હતાં. શ્રીજીમહારાજને વિષે નિષ્ઠા નહિ, નિયમ-ધર્મ નહીં. પરંતુ બાપાએ તો કાંઈ જોયું નહીં. ન જોઈ કોઈની જાત, ન જોયું તેમનું જીવન. બસ એક જ આગ્રહ કે જે જીવ શરણે આવે તેનું પૂરું કરવું. એ મુજબ વાંકાનેરનાં ડોશીએ કોઈ સાધન કર્યાં નહોતાં. તેઓ તો માત્ર કોઈ સત્સંગીની સાથે યજ્ઞમાં આવી ગયાં અને ફદલમાં ફાવી ગયાં હતાં. કહે છે ને કે જ્યારે મુશળધાર વરસાદ પડે ત્યારે તે ક્યાં ન પડે ? એટલે કે બધે જ પડે. બાપાએ તો આત્યંતિક કલ્યાણની રેલમછેલ કરી દીધી હતી. તેમના આ અલૌકિક આશીર્વાદમાં મુમુક્ષુ ડોશી પણ આવી ગયાં.

ડોશીનો  દેહાંત સમો આવ્યો. ડોશીમાને ખબર નથી કે આત્યંતિક કલ્યાણ કોને કહેવાય ? અક્ષરધામ શું છે ? બાપાશ્રીના આશીર્વાદ કેટલા જબરજસ્ત છે ? અરે ! બાપાશ્રીએ શું આશીર્વાદ આપ્યા હતા તેની પણ સ્મૃતિ કદાચ ડોશીમાને નહિ રહી હોય, ભલે તેમને ખબર નથી. પરંતુ, જેમણે આશીર્વાદ આપ્યા તેમને તો ખબર છે ને કે એમણે શું આશીર્વાદ આપ્યા છે ? ને કેવી રીતે એ આશીર્વાદ પૂરા કરશે ?

ડોશીમાનો એકનો એક દીકરો અમદાવાદ ખાતે નોકરી કરતો હતો. બાપાએ તેને દર્શન આપ્યાં અને કહ્યું, “તારાં માતુશ્રીને અમે બે મહિને તેડવા માટે આવીશું માટે તારે જવું હોય તો ઘેર પહોંચી જા.” છોકરો બે મહિને ખાતરી કરવા ઘેર પહોંચી ગયો. બાપાશ્રીએ જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ બે મહિને શ્રીજીમહારાજ સાથે બાપાશ્રી આવી પહોંચ્યા. દર્શન આપ્યાં અને જાણ કરી, “ડોશીમા ! ચાલો અમારા અક્ષરધામમાં.” ડોશીમાએ જતાં જતાં છોકરાને કહ્યું કે, “બાપાશ્રી મને તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું.” અને આટલું બોલતાં ડોશીએ દેહ મૂક્યો. આહાહા ! કેવો પ્રૌઢ પ્રતાપ !

આમ, અગાઉથી ધામમાં લઈ જવાની અવધિ જણાવી મહારાજ સાથે તેડવા આવવું એ મહારાજ અને મોટાનો કેવો આગવો પ્રૌઢ પ્રતાપ છે !