પુષ્પ ૧ : રામજીભાઈ ! તમે સ્વામીને ફેર દાખડો કરાવ્યો ને !!!
અમદાવાદ જિલ્લાનું સાણંદ તાલુકામાં ઉપરદળ નામનું નાનકડું ગામ આવેલું છે. બાપાશ્રી અને સદ્ગુરુઓની ચરણરજથી પ્રસાદીભૂત થયેલ આ ગામમાં શ્રીજીમહારાજના ખરેખરા ભક્ત રામજીભાઈ રહેતા.
રામજીભાઈ એટલે હેતની મૂર્તિ. તેઓને સદ્.નિર્ગુણદાસજી સાથે અપ્રતિમ પ્રીતિ હતી. તેમના માટે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના સાંનિધ્ય અને જોગ-સમાગમથી અધિક બીજું કશું જ ન હતું. આવો તેમનો સદ્ગુરુશ્રી માટેનો મમત્વ ભાવ હતો.
સંવત ૧૯૪૮ની સાલમાં સદ્. નિર્ગુણદાસજી સ્વામીએ અમદાવાદમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો. જેની જાણ થવાથી બાપાશ્રી સદ્ગુરુશ્રીના ખબરઅંતર માટે વૃષપુરથી અમદાવાદ આવી પહોંચ્યા. બાપાશ્રીએ કરુણા કરીને અંતર્યામીપણે હરિભક્તોને વાત કરતાં કહ્યું કે, “હવે સ્વામીશ્રી આ લોકમાં વધુ દર્શન આપશે નહીં. અંતર્ધ્યાન થશે. હજુ પણ તેમનાં દર્શન-સેવા તથા સમાગમનો લાભ લઈ લેજો, તેમને રાજી કરી લેજો. તેઓ તો શ્રીજીની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે.” એમ કહી બાપાશ્રીએ સદ્ગુરુશ્રીનો ખૂબ મહિમા કહ્યો.
બાપાશ્રીએ જણાવ્યા મુજબ સદ્ગુરુશ્રીના સવેળા અંતર્ધ્યાન થવા અંગેના સમાચાર ગામોગામ પહોંચી ગયા. સમાચાર મળતાં જ સદ્ગુરુશ્રી પ્રત્યેના મમત્વથી ખેંચાઈ રામજીભાઈ સદ્ગુરુશ્રીનાં દર્શન માટે દોડી આવ્યા. પોતાના પ્રાણસમા સદ્ગુરુશ્રીનાં દર્શનના તીવ્ર તલસાટ સહ હાંફળાફાંફળા બની તેઓ સદ્ગુરુશ્રીના આસને આવી પહોંચ્યા. સદ્ગુરુશ્રીનાં દર્શન થતાં જ આંખમાંથી વાદળી સમ અશ્રુધારા વરસી પડી. સદ્ગુરુશ્રી સંપૂર્ણ પથારીવશ હતા અને મોટો મંદવાડ ગ્રહણ કરેલો. સદ્ગુરુશ્રીને શરીરે અશક્તિ ખૂબ જ જણાતી હતી. પૂર્વે ક્યારેય રામજીભાઈએ સદ્ગુરુશ્રીનાં આવાં કરુણાસભર દર્શન કર્યાં ન હતાં. આવાં દર્શનથી તેઓ વધુ ઉદાસ થયા અને વિરહ-વ્યથાપૂર્ણ વિચારથી ખૂબ રડવા લાગ્યા.
સદ્ગુરુશ્રીએ તેમને શિક્ષાનાં તેમજ સત્સંગના બળવાળાં વચનો કહ્યાં. થોડો સમાગમ કરાવ્યો. આશ્વાસનથી રામજીભાઈએ રાહત અનુભવી.
છેવટે રામજીભાઈ બોલ્યા, “બાપજી ! આપ જ ધામમાં પધારશો તો પછી હું કોના આધારે જીવીશ ? મારાથી તમારો વિયોગ કેવી રીતે સહન થશે ? હું કોને રાજી કરીશ ? કોના થકી સુખ પામીશ ? સદ્ગુરુશ્રીએ કહ્યું, “રામજીભાઈ ! સત્સંગ સાજો મૂર્તિને આધારે છે. માટે તમારે પણ મૂર્તિનો આધાર રાખવો. મહારાજ અને મોટાપુરુષો આ બ્રહ્માંડમાં સુખ આપવા પધાર્યા અને અંતર્ધ્યાન થયા એવું આપણને જણાયું. પરંતુ એ તો સદાય છે, છે ને છે જ. અમારા અંતર્ધ્યાન થયા પછી અમે તમને નોંધારા નહિ બનવા દઈએ. કચ્છમાં વૃષપુર ગામે અનાદિ સિદ્ધ મુક્ત અબજીભાઈ રહે છે જેમનાં તમે દર્શન કર્યાં છે. તેઓ મહા સમર્થ છે. અમે જેમ તમને સુખ આપતા હતા તેમ અમારા અંતર્ધ્યાન થયા બાદ તમે તેમનો જોગ-સમાગમ કરજો અને તેમને રાજી કરજો, તે તમને સુખિયા કરશે. શ્રીજીના સંકલ્પથી તેઓ અહીં દેખાય છે. માટે ત્યાં જઈ તેમને રાજી કરજો. બીજે જ્યાંત્યાં જશો નહીં. ખોટી દોડાદોડી કરશો નહીં.
આ સાંભળી રામજીભાઈને સંતોષ થયો. આસો સુદ એકમના રોજ સદ્ગુરુશ્રી અંતર્ધ્યાન થયા. સદ્ગુરુશ્રી અંતર્ધ્યાન થયા તે વાતને એક વર્ષનાં વહાણાં વાઈ ગયાં. પરંતુ રામજીભાઈને સદ્ગુરુશ્રીએ કહ્યું હતું કે, “બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા જજો.” તે આજ્ઞાને તેઓ ભૂલી ગયા. આવી મહત્ત્વની વાતની વિસ્મૃતિ થઈ ગઈ. પરંતુ નિરંતર આપણા આત્માની ચિંતા રાખે એનું નામ જ સત્પુરુષ. અને એમાંય ભગવાન ને ભગવાનના સત્પુરુષ તો અંતર્યામી હોય, તેઓ તો
તન કી જાને મન કી જાને, જાણે ચિત્ત કી ચોરી,
ઉનકે આગે ક્યાં છુપાના, જિનકે હાથ મેં જીવા દોરી.
એ ન્યાયે સદ્ગુરુશ્રીએ રામજીભાઈને અંતર્યામીપણે એક વાર સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, “રામજીભાઈ, ઓ રામજીભાઈ ! તમે ભાઈશ્રીનાં દર્શન કરવા વૃષપુર કેમ જતા નથી ? અમે તમને કહ્યું તે તમે ભૂલી ગયા ?” સદ્ગુરુશ્રીનાં દર્શન તથા વચનો સાંભળી રામજીભાઈ આનંદિત થઈ ગયા. પરંતુ સાથે સાથે આજ્ઞા પાળી ન શક્યા એનું દુઃખ પણ ભારોભાર થયું હતું. વળી પશ્ચાત્તાપ થયો. પોતાને પોતાની ભૂલ ઓળખાઈ. તરત જ બીજે દિવસે શ્રીજીમહારાજને સંભારતા ડગ કચ્છ તરફ માંડ્યા અને ઉતાવળા વૃષપુર મંદિરે આવી પહોંચ્યા.
અહીં આવી ઠાકોરજીનાં દર્શન કર્યાં અને બાપાશ્રી પાસે આવ્યા ત્યારે બાપાશ્રીએ અંતર્યામીપણે કહ્યું, “કેમ રામજીભાઈ ! તમે સ્વામીશ્રીને ફેરદાખડો કરાવ્યો ?” આટલું સાંભળતાં રામજીભાઈ અવાચક બની ગયા. કેમ જે સદ્ગુરુશ્રીએ દર્શન આપ્યાં એની વાત તો એમને એકને જ ખબર હતી તો બાપાશ્રીને ક્યાંથી ખબર પડી ? વાહ ! બાપાશ્રીનું કેવું અંતર્યામીપણું! આ વિચારથી ગદ્ગદિત થઈ ગયા. તેમનાં નેત્રોમાં હેતનાં હર્ષાશ્રુ વહી રહ્યાં. તેઓ હર્ષાશ્રુને અટકાવી ન શક્યા. પછી બાપાશ્રીએ તેઓને પાસે બેસાડીને ધીરજ આપી અને કહ્યું, “રામજીભાઈ ! તમે મૂંઝાશો નહીં. તમારા ઉપર અમે રાજી જ છીએ. તમે તો જૂના સેવક છો.” બાપાશ્રીની દૃષ્ટિમાંથી દિવ્યતાનો પ્રવાહ છૂટ્યો. રામજીભાઈની નિર્દોષતા અને મુમુક્ષુતા જોઈ બાપાશ્રી ખૂબ પ્રસન્ન થયા.
પુષ્પ ૨ : અમે તો અંતર્યામીપણે બધું જ જોઈએ છીએ ને જાણીએ છીએ.
સદ્ગુરુ ઈશ્વરસ્વામીને બાપાશ્રી પ્રત્યે અપ્રતિમ પ્રીતિ અને બાપાશ્રીને પણ સદ્ગુરુ પ્રત્યે માતૃવત્ વાત્સલ્ય અને પ્રીતિ. સદ્ગુરુશ્રી વર્ષમાં બે-ત્રણ વાર બાપાશ્રીનાં દર્શન-સમાગમે અને અંગત સેવાનો લાભ લેવા વૃષપુર જતા. બાપાશ્રી પણ સદ્ગુરુના આગ્રહને વશ થઈ ખૂબ ખાંગા કરતા. આ ઉપરાંત જ્યારે-જ્યારે બાપાશ્રી મંદવાડ ગ્રહણ કરે ત્યારે સદ્ગુરુશ્રીને સંભારે અને સદ્ગુરુશ્રી પણ બાપાશ્રીનો પત્ર મળે કે તત્કાળ બધાં જ સેવાનાં કામો છોડી વૃષપુર આવી પહોંચે. આવું બાપાના પાવન સાંનિધ્યનું અદકેરું ખેંચાણ તેમને રહેતું.
જ્યારે જ્યારે સદ્. ઈશ્વરસ્વામી આદિક સંતો વૃષપુર આવે ત્યારે બાપાશ્રી મંદિરમાં પોઢાડવાનું અચૂક રાખતા. એક વાર સદ્ગુરુ ઈશ્વરસ્વામી બાપાશ્રી પાસે વૃષપુર પધારેલા. બાપાશ્રી નિત્યક્રમ મુજબ રોજ સાંજે નિત્યનિયમ પછી વાડીએ જવાનું રાખતા. વાડીએ જઈ ખેતર સંભાળતા તથા ત્યાંના બળદને ચારો નીરવો, દેખરેખ રાખવી આવી જાળવણી કરતા. પરંતુ આજે મંદિરમાં સંતો પધાર્યા હતા તેથી “મહારાજને મુખ્ય રાખવા અને વ્યવહારને ગૌણ કરવો” એ મુજબ બાપાએ વાડીએ જવાનું બંધ રાખ્યું. બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્તે આજે દરરોજના ક્રમ મુજબ આવીને બાપાશ્રીને કહ્યું, “બાપા ! વાડીએ હાલશું ? ત્યાં જવાનો સમય થઈ ગયો છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “આજે તો મંદિરમાં સંતો આવ્યા છે. તેથી અમે ખેતરે આવીશું નહીં. માટે આજે તો તમે જ ખેતરે જાઓ. ત્યાં જઈને અમારા બળદને પણ ચારો નાખજો તથા ખેતરની સંભાળ લેજો.”
પછી ગોવિંદભક્ત વાડીએ આવ્યા. બાપાશ્રીના કહેવા મુજબ તેમણે બાપાશ્રીના બળદને ચારો નીર્યો. તેમાંથી સાથે સાથે પોતાના બળદને પણ ચારો નીર્યો. ગોવિંદભક્તને સહજ ભાવે એમ કે ‘બાપાશ્રી તો અત્યારે મંદિરમાં છે. વળી, તેઓ સંતોની સરભરામાં છે. વળી, એમણે જ મને સેવા સોંપી છે કે બળદને ચારો નીરજો. તો આ ચારામાંથી થોડોક ચારો મારા બળદને પણ નીરી દઈશ તો બાપાશ્રી ક્યાં જોવાના છે ? અને તેમને ક્યાં કાંઈ ખબર પડવાની છે ?’ આવું વિચારી તેઓ નિશ્ચિંત હતા.
ભગવાન ને ભગવાનના સત્પુરુષનો આ આગવો ગુણ છે... તેમને કોઈ આવરણ હોતું નથી. તેઓ હજારો ગાઉ દૂરનું જોઈ શકે છે તેમજ હજારો ગાઉ દૂર તત્કાળ પહોંચી શકે છે. કેમ કે તેમની સર્વે ક્રિયાના કરનારા શ્રીજીમહારાજ છે. વળી, તેઓ બીજાના અંતરમાં-મનમાં શું સંકલ્પ ચાલે છે તેને જાણે પણ ખરા અને કહી પણ દેખાડે.
આ બાજુ બાપાશ્રીએ અંતર્યામીપણે ગોવિંદભક્તની મેલી મુરાદ જાણી લીધી અને બળદને ચારો નાખ્યો તે બીના જોઈ લીધી. બાપાશ્રી એ વખતે મંદિરમાં સદ્ગુરુ ઈશ્વરબાપા સાથે પોઢેલા. પરંતુ ગોવિંદભક્તે કરેલી ભૂલ બદલ તેની પ્રતિક્રિયા રૂપે બાપાશ્રીએ તત્કાળ પોતાનો હાથ લાંબો કરી ગોવિંદભક્તના માથેથી પાઘડી ઉપાડી લીધી અને સીધી જ પોતાના ઓશીકા નીચે મૂકી દીધી. શું બાપાનો હાથ આટલો લાંબો હશે ? હા... ભગવાન અને સત્પુરુષના હાથ બહુ લાંબા છે એટલે કે એ ધારે તે કરી શકવા સમર્થ છે.
આ લીલા સદ્ગુરુ ઈશ્વરસ્વામીના જોવામાં આવી. ત્યારે તેમણે કહ્યું, “બાપા ! ઓશીકું નીચું પડે છે કે શું ? ” ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “ના, સ્વામી ! ઓશીકું તો બરાબર છે પણ પેલા ગોવિંદે અમારો ચારો તેના બળદને નીર્યો છે. તેના મનમાં એમ કે બાપાશ્રી આટલું દૂરનું જોઈ શકવાના નથી. માટે એમને કાંઈ ખબર પડશે નહીં. તેણે અમારામાં એના જેવા ભાવો પરઠ્યા કે જેમ હું ના જોઈ શકું તેમ બાપા પણ ના જોઈ શકે. પરંતુ એ અજ્ઞાનીને ક્યાં ખબર છે કે અમે અંતર્યામીપણે બધું જોઈએ છીએ અને જાણીએ પણ છીએ. એ ફરીથી ભૂલ ન કરે તેથી અમારે તેને પાઠ શીખવવો હતો. કેમ કે તે ખોટું કરી રહ્યો હતો. આથી તેના માથા પરથી અમે પાઘડીને ઉપાડી લીધી ને અમારા ઓશીકા નીચે મૂકી દીધી છે.
મહારાજ અને મુક્તનું નાનુંમોટું દરેક ચરિત્ર મુમુક્ષુઓ માટે સહેતુક અને હિતકારી હોય છે. તેની ખબર આપણને શું પડે ?
આ બાજુ ગોવિંદભક્તે આજુબાજુ ઘણી તપાસ કરી પરંતુ પોતાની પાઘડી ક્યાં જતી રહી છે તેનો અણસાર સુધ્ધાં આવ્યો નહીં.
બીજા દિવસનો સૂર્યોદય થયો. નિત્યનિયમ મુજબ દૈનિક ક્રિયાથી પરવારીને ગોવિંદભક્ત સવારે મંદિરમાં આવ્યા. બાપાશ્રીને આવીને મળ્યા ત્યારે બાપાશ્રીએ તેમની પાઘડી પાછી આપતાં કહ્યું કે, “લે, હવે કદી આવું કરીશ નહીં. તું એમ ન માનીશ કે અમે કશું જોતા નથી. અમે તો ઘણે દૂરનું જોઈ શકીએ છીએ તથા બીજાના અંતરનું જાણી પણ શકીએ છીએ.” આ સાંભળી ગોવિંદભક્તને પોતાની ભૂલ ઓળખાણી. તેથી તેમણે બાપાશ્રીની માફી માંગી અને ફરીથી આવું કદી ન કરવાનો નિયમ લીધો. વળી, બાપાશ્રીના આવા અંતર્યામીપણાનાં દર્શન અને અનુભવથી તેમને બાપાશ્રીનો અધિકાધિક મહિમા સમજાયો.