પુષ્પ ૧ : રામજી પરબતની દિવ્ય રૂપે રક્ષા કરી
વૃષપુરમાં રામજી પરબત નામે કણબી ભક્ત રહેતા. તેમને ભૂજના સદ્ગુરુ નિર્ગુણાનંદ બ્રહ્મચારી સાથે ઘણું હેત હતું.
એક વાર રામજીભાઈએ વિચાર કર્યો કે, આફ્રિકા કમાવવા માટે જવું છે. પરંતુ નિર્ગુણાનંદ બ્રહ્મચારી જો મને રજા આપે તો જ મારે જવું છે. તેથી રજા લેવા તેઓ બ્રહ્મચારી પાસે આવ્યા. તેમણે સ્વામીને બધી વાત કરી. તે વખતે બ્રહ્મચારીએ તેમને બાપાશ્રીની રજા લેવા માટે બળદિયા મોકલ્યા.
તેથી તેઓ બળદિયા આવ્યા અને બાપાશ્રીનાં દર્શન કરી પાસે બેઠા. એ વખતે તેમણે બાપાશ્રીને આફ્રિકા જવાની વાત ન કરી. તેમ જ બાપાશ્રીએ પણ તેમને સામેથી કાંઈ પૂછ્યું નહિ જેથી તેઓ ત્યાંથી ઊઠી પાછા ભૂજ ખાતે બ્રહ્મચારી પાસે આવ્યા.
બ્રહ્મચારી મહારાજે તેમને ઠપકો આપ્યો, “તમે છેક (ઠેઠ) જઈને આવ્યા તોપણ બાપાશ્રીને કાંઈ કહ્યું નહીં ? રજા લેવા માટે તો મેં તમને મોકલ્યા હતા અને તમે પાછા કેમ આવ્યા ? માટે તમે ફરીથી બાપાશ્રી પાસે બળદિયા જાવ અને રજા લઈને જ આવજો.” તેમ વાત કરી.
રામજીભાઈ ફરીથી બળદિયા આવ્યા. તે વખતે બાપાશ્રી ધ્યાનમાં બેઠા હતા. થોડી વાર થઈ અને બાપાશ્રી ધ્યાનમાંથી ઊઠ્યા. આ વખતે રામજીભાઈએ બાપાશ્રીને બધી વાત કરી. તે સાંભળીને બાપાશ્રી કહે, “ભલે જાઓ. પરંતુ નિયમ-ધર્મ બરાબર પાળજો અને જો કાંઈ તકલીફ પડે તો શ્રીજીમહારાજ અને અમને સંભારજો.” આવી રીતે રામજીભાઈએ બાપાશ્રીના રૂડા આશીર્વાદ લીધા અને રજા મેળવી સાઉથ આફ્રિકા જવાની તૈયારી કરી. સાઉથ આફ્રિકામાં તેઓ નાઇરોબી આવી પહોંચ્યા. ત્યાં લાકડાંની એક કંપનીમાં તેમને નોકરી મળી ગઈ. તેમને લાકડાં લેવા માટે અવારનવાર જંગલમાં રખડવું પડતું.
એક દિવસ લાકડાં લેવા માટે તેઓને આફ્રિકાનાં ઊંડાં જંગલોમાં જવાનું થયું. જતા જતા તેઓ ઘણા આગળ નીકળી ગયા. સારાં લાકડાં લાવવાની લાલચે આગળ જતા રહ્યા. એટલામાં ચાર મસાઈ લોકોનો તેમને ભેટો થયો. તેઓ મસાઈની ભાષા ન જાણે અને મસાઈ લોકો તેમની ભાષા ન જાણે તેથી ઇશારાથી કામ ચાલે. મસાઈ લોકો તેમને તેમના ઝુંબે લઈ ગયા ને તેમાં પૂરી દીધાં. પછી તેમને બહારથી ઝુંબે તાળું વાસીને તેઓ જતા રહ્યા.
રામજીભાઈ ચિંતામાં પડ્યા, ‘હવે શું કરવું ?’ તેમણે આજુબાજુ તપાસ કરી. બહાર નીકળવાના રસ્તાની નિરર્થક તપાસ આદરી. દરમ્યાન બહાર પાણી ભરીને જતી ચાર પનિહારીઓમાંથી એકને પૂછ્યું કે, “મને આ લોકો શું કરશે ?” ત્યારે તે વિસ્તારની જાણકાર બાઈએ કહ્યું કે, “તમને રાત્રે મારી નાખશે ને તમારું માંસ ખાઈ જશે.”
રામજીભાઈને ચિંતાનો પાર ન રહ્યો. હવે શું કરવું ? તેમને બાપાશ્રી યાદ આવ્યા. બાપાશ્રીએ મને રજા આપતી વેળાએ કહેલું કે, “તમને કંઈ તકલીફ આવે તો શ્રીજીમહારાજને ને અમને યાદ કરજો.” તેમને બાપાશ્રીના આશીર્વાદ ઇદમ્ સાંભરી આવ્યા. તેમણે પ્રાર્થના શરૂ કરી, “હે મહારાજ ! હે બાપાશ્રી ! મારી રક્ષા કરો. મને આ ભયાનક આપત્તિમાંથી છોડાવો. હે દયાળુ ! હું તો અહીં ફસાઈ ગયો છું. મારું મૃત્યુ નિશ્ચિત છે. તો દયાળુ ! કૃપા કરીને મને બચાવો.”
ભક્તરક્ષક ભગવાન ને મોટાપુરુષ સદાય ભક્તોની રક્ષામાં જ હોય છે. તેમને સંભારીએ તો દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. તેમણે દુઃખમાં પ્રાર્થના કરી તેથી આર્તનાદે પ્રાર્થના થઈ ગઈ.
મહારાજ અને બાપાશ્રી તો સદાય પ્રગટ અને અંતર્યામી જ હોય. બાપાશ્રીએ દર્શન આપ્યાં અને કહ્યું, “રામજી ! આ પડખેનાં ત્રણ પાટિયાં સડી ગયાં છે. તમે લાત મારશો એટલે સરળતાથી તૂટી જશે. પછી તમે ત્યાંથી ભાગી જજો. અમે તમારી રક્ષા કરીશું.”
રામજીભાઈને હિંમત આવી. તેમણે જેવી લાત મારી કે ત્રણ પાટિયાં તૂટી ગયાં. પછી તો તેઓ તેમાંથી સહેલાઈથી બહાર નીકળીને ભાગવા માંડ્યા. એટલામાં મસાઈ લોકોને ખબર પડી ગઈ કે અમારો શિકાર છટકી ગયો છે. તેથી તેઓ હથિયારબંધ પાછળ પડ્યા. પરંતુ મહારાજની મરજીથી બીજા માણસોનો સહારો મળી ગયો. તેથી તેઓ બચી ગયા અને નાઇરોબી હેમખેમ પહોંચી ગયા. આમ, મહારાજ અને બાપાશ્રી ભક્તોની રક્ષામાં સદાય તૈયાર રહે છે.
પુષ્પ ૨ : ટી.ટી. મહંમદની રક્ષામાં બાપાશ્રી
અમદાવાદ સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, શ્રી વૃંદાવનદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામી આ બધા વર્ષે એકાદ-બે વાર અમદાવાદથી ગાડીમાં બેસી રાજકોટ-જામનગર થઈ કચ્છમાં બાપાશ્રીનો સમાગમ કરવા જતા.
એક વખત સદ્ગુરુઓ ગાડીમાં બેઠા હતા. ગાડીનો ટિકિટચેકર ટી.ટી. જ્ઞાતિએ મુસલમાન હતો. તેનું નામ હતું મહંમદ. તેની ફરજ પ્રમાણે એક વાર તે ટિકિટ ચેક કરવા આવ્યો.
આ મહંમદ સદ્ગુરુને દર વર્ષે ગાડીમાં જતા જોતો. આ વખતે ટી.ટી.ને વિચાર આવ્યો કે, “લાવ ને પૂછી જોઉં તો ખરો કે આ ત્રણ સંતો દર વખતે ક્યાં જતા હશે ?” તેથી સહજ કુતૂહલતાથી તેણે પૂછ્યું, “હે સંતો ! આપ કાયમ આ ટ્રેનમાં જાઓ છો જે હું જોતો આવ્યો છું તે આમ ક્યાં જાઓ છો ?” સદ્ગુરુ કહે, “અમારા એક ગુરુ કચ્છમાં બિરાજે છે. તેમનાં દર્શન કરવા અમે આ રીતે દર વર્ષે જઈએ છીએ.” મહંમદે પૂછ્યું, “ઠેઠ કચ્છમાં જાઓ છો ? દર વરસે ? તે એવા તો કેવા તમારા ગુરુ છે ?” “બહુ મોટા... બહુ મોટા...” સદ્ગુરુએ તેને સમજાય તેવો સરળ અને ટૂંકો ઉત્તર વાળ્યો.
“બહુ મોટા એટલે કેવા મોટા ?” મહંમદ ટી.ટી.ને જાણવાની ઇંતેજારી થઈ. તેના મનમાં ‘બહુ મોટા’ શબ્દની ઘેડ્ય પડી નહિ તેથી તેનો અર્થ સ્પષ્ટ કરવા તેણે પૂછી નાખ્યું.
સદ્ગુરુ વિચારમાં પડી ગયા. ટી.ટી.નાં તદ્દન અનુભવ બહારનો વિષય હતો. કેવી રીતે બાપાશ્રીની અગાધ મોટપ તેને શબ્દોમાં સમજાવવી ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ? ક્યાં ચંદ્રમા અને ક્યાં તારા ?
સદ્ગુરુએ કહ્યું, “જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને કોઈ ઊગરવાનો ઉપાય ન હોય ને તેમને જ ખરા દિલથી સંભારે તેની તે સમયે જરૂર રક્ષા કરે એવા મોટા.” આમ, સદ્ગુરુએ તદ્દન સરળ અર્થથી વાસ્તવિક જીવનમાં મોટાઈનું મહત્ત્વ દર્શાવ્યું.
“ઓહોહો! જરૂર રક્ષા કરે ! શું નામ છે તમારા ગુરુનું ? જો તેમનો ફોટો તમારી પાસે હોય તો મને આપશો ?” મહંમદને સદ્ગુરુની સબીજ વાણીથી અલ્પ સમયમાં ‘બાપા’નો મહિમા સમજાયો આથી તેમણે તેમના ફોટોગ્રાફની માંગણી મૂકી. તે વખતે સદ્ગુરુ કહે, “એમનું નામ છે ‘બાપા’. લે આ તેમની મૂર્તિ.” એમ કહી બાપાશ્રીની પૂજાની નાનકડી મૂર્તિ આપી. મહંમદને આનંદ થયો. તે મૂર્તિ લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને તે મૂર્તિ સાચવીને યોગ્ય જગ્યાએ મૂકી.
બધા જ દિવસો એકસરખા નથી હોતા. સુખ અને દુઃખની ઘટમાળ તો રોજિંદા જીવનનો ક્રમ હોય છે. તે તો વારાફરતી આવવાનાં જ.
એક દિવસ મહંમદ તકલીફમાં મુકાયો. તેના વિરોધીઓએ તેની ખોટી રીતે સંડોવણી કરી અને તેને ગુનેગાર ઠરાવ્યો. પરિણામે તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો.
મહંમદને માથે તો જાણે આભ તૂટી પડ્યું. આટલાં બધાં વર્ષોની નોકરીમાંથી રૂખસદ મળી તે હવે ગુજરાન શી રીતે ચલાવવું તેનો યક્ષપ્રશ્ન તેની સામે ઉપસ્થિત થયો. તેની મૂંઝવણનો પાર ન રહ્યો. તેને વિચાર આવ્યો કે ‘લોકોએ ખોટી રીતે મારી સંડોવણી કરી છે. આ બાબતમાં તો હું તદ્દન નિર્દોષ છું. પણ હવે શું કરવું ? કોને કહેવું ? અને મારું સાંભળે પણ કોણ ?’
વિચારમંથનમાં સમય પસાર થતો ગયો. અચાનક તેને ‘બાપા’ યાદ આવ્યા. ‘હા’, તે દિવસે ગાડીમાં ત્રણ સંતો મળેલા મને તેમણે બાપાની મૂર્તિ આપી હતી અને કહ્યું હતું કે આ બાપાની મૂર્તિ છે. તેઓ બહુ મોટા છે એટલે કે મુશ્કેલીમાં દિલથી યાદ કરે તો જરૂર રક્ષા કરે તેવા મોટા છે.
તેને મનમાં આ શબ્દો સ્ફુરી આવતાં સાંત્વના મળી. રાત પડી ગઈ હતી. પોતે ઘરમાં બાપાની નાનકડી મૂર્તિ સામે રાખી બેસી ગયો. એકીશ્વાસે “બાપા... બાપા... બાપા...” રટણ ચાલુ કરી દીધું. મુશ્કેલીના પ્રસંગે થતું રટણ પણ સાચા ભાવથી થતું હોય છે. ભક્તરક્ષક બાપાશ્રીએ મહંમદને દર્શન આપ્યાં અને માથા પર હાથ મૂકી અને કહ્યું કે, “હે મહંમદ ! તું મૂંઝાઈશ નહીં. ભગવાન સ્વામિનારાયણને અમે પ્રાર્થના કરીશું ને તેઓ જરૂર તને પાછો નોકરીનો ઑર્ડર અપાવશે. તું ચિંતા ન કરીશ.” આટલું કહી બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. મહંમદને વિશ્વાસ તો પૂરો હતો. આજે તેના આનંદની અવધિ ન રહી. ૮-૧૦ દિવસ વીતી ગયા. મહંમદના હાથમાં એક દિવસ રી-એપૉઇન્ટમેન્ટનો ઑર્ડર આવી ગયો. તે રાજી રાજી થઈ ગયો. તેનાથી મોટેથી બોલી જવાયું “બાપા ! તમે દયા કરી. વાહ ! બાપા વાહ !”