શ્રીજીમહારાજ પાસે ધામમાં લઈ જતા રખાવ્યા

પુષ્પ ૧ : સદ્‌ગુરુ ધ્રુવાનંદસ્વામીને ધામમાં જતા રોકાવ્યા...

બાપાશ્રી અવારનવાર સમૈયા-ઉત્સવો-યજ્ઞો વગેરે યોજી આત્યંતિક કલ્યાણનું ખરેખરું સદાવ્રત ચલાવતા. જે કોઈ આવે, દર્શન-સેવા-સમાગમ-પ્રસાદીનો લાભ લે તે સૌનું પૂરું કરતા અને મૂર્તિસુખની લ્હાણી કરતા. તે મુજબ બાપાશ્રી કચ્છમાંથી મોટો સંઘ લઈને નીકળેલા. સૌ મહાપ્રભુની સ્મૃતિ સહિત ચાલે, કીર્તન ગાય અને મહાપ્રભુનું મહિમાગાન કરી સૌને મહિમા તથા ભક્તિસભર કરતા.

સંવત ૧૯૪૨ની સાલમાં સંઘ ચાલતા ચાલતા ધોળકા મુકામે આવી પહોંચ્યો. આ દરમ્યાન અનેરો પ્રસંગ બની ગયો ! બાપાશ્રી એટલે શ્રીજીની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત. અનાદિમુક્તની સામર્થી મહારાજ જેટલી ! અનાદિમુક્તનો સંકલ્પ એટલે સ્વયં મહારાજનો સંકલ્પ !

બાપાશ્રીએ પહેલા ભાગની ૧લી વાતમાં કહ્યું છે, “જેમ શ્રીજીમહારાજ અનાદિ ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે.” બસ, આ સંઘમાં પણ એવું જ થયું. ધોળકા ગામ. રાત્રિનો સમય હતો. બાપાશ્રીએ અંતર્યામીપણે જાણ્યું કે, ‘જેતલપુરમાં મોટા સંત ધ્રુવાનંદ સ્વામીને મહાપ્રભુ અનંત મુક્તમંડળે સહિત તેડવા જવાના છે.’ જેથી બાપાશ્રીને થયું કે, કચ્છનો સંઘ તીર્થ કરવા નીકળેલ છે. તો શું આવા તીર્થરૂપ સંતના દર્શનથી વંચિત રહી જશે ?  તે તો ખોટું કહેવાય ! એમ જાણી મહાપ્રભુને બાપાશ્રીએ પ્રાર્થના કરી, “દયાળુ ! આ કચ્છથી સંઘ નીકળ્યો છે. સૌને નંદપંક્તિના છેલ્લા સંત સદ્‌. ધ્રુવાનંદ સ્વામીનાં દર્શન થાય તો સારું. પછી તેમને આપ ચમત્કાર જણાવી બે દિવસ પછી તેડી જાવ, એટલી પ્રાર્થના છે જેથી હરિભક્તો એ લીલા સંભારે.” આવી પ્રાર્થના બાપાશ્રીએ કરી.

મહાપ્રભુ પોતાના મુક્તની પ્રાર્થના ન સાંભળે તો કોની સાંભળે ? તેઓ તો પોતાના અનાદિમુક્તને વશ વર્તે છે. એટલે કે તેમની ઇચ્છા પ્રમાણે સર્વે કાર્યો કરે છે અને એટલે આવાં પ્રાર્થના-વચનથી મહારાજે સ્વામીને વધુ બે દિવસ રાખ્યા. બાપાશ્રીએ આ વાત સંઘને કરી તેથી તુરત ત્યાંથી સંઘ ચાલ્યો અને સીધા જેતલપુર આવવા ડગ ભર્યા. સૌએ જેતલપુર આવી સદ્‌. ધ્રુવાનંદ સ્વામીનાં દર્શન કર્યાં.

પછી સંતો દ્વારા વાત સાંભળી, “આગલી રાત્રે શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત સ્વામીને તેડવા પધાર્યા હતા. પણ બાપાશ્રીના કહેવાથી રાખી ગયા.” વળી જસાભક્તને મહાપ્રભુનાં દર્શન થયાં તે વાત સાંભળીને સૌ વિસ્મય પામી ગયા. સદ્‌. ધ્રુવાનંદ સ્વામી બાપાશ્રીનાં દર્શનથી રાજી રાજી થઈ ગયા. પછી સંઘને ચાલવું હતું ત્યારે શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત સ્વામીશ્રીને તેડવા પધાર્યા. મહાપ્રભુએ અદ્‌ભુત પ્રતાપ જણાવ્યો. આખા જેતલપુર ગામમાં ચંદનની વૃષ્ટિ થઈ...! સર્વત્ર સુગંધ ફેલાઈ ગઈ...! સૌએ એ વખતે સ્વામીશ્રીને દંડવત કર્યા. સ્વામીએ બાપાશ્રીને હાથ જોડ્યા.

આમ, શ્રીજીમહારાજ પાસે ધામમાં લઈ જતા રખાવે તેવું અદ્‌ભુત કાર્ય અને પ્રૌઢ પ્રતાપ બાપાશ્રી સહેજે બતાવતા.

પુષ્પ ૨ : પ્રેમીજનોની વિનંતી સ્વીકારી કોઈને રાખે આ ઠામે રે...

પ્રોફેસર કાશીરામભાઈ પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામે રહેતા. તેઓ વડોદરા, મોરબી, તેમજ અમદાવાદ ખાતે પણ રહેલા. તેઓએ અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી. તેઓ શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા એટલું જ નહિ, નિષ્ઠા અને નિયમમાં પણ ખબડદાર વર્તતા. મહાપ્રભુને વિષે પ્રગટભાવ અને દિવ્યભાવ પણ ઘણો જ હતો. કોઈ તેમની આગળ હલકું વેણ પણ ન બોલી શકે તેવો તેમનો જાજરમાન રજમો ને પ્રભાવ રહેતો.

સંવત ૧૯૫૭ ની સાલમાં તેમને શ્રીજીમહારાજે દર્શન આપીને કહ્યું, “કાશીરામભાઈ ! તમે તૈયાર રહેજો. આજથી ચોથે દિવસે રાત્રે સવા આઠ વાગ્યે અમે તમને ધામમાં તેડી જઈશું.” આમ મહાપ્રભુના આવા વચનથી તેઓ ખૂબ રાજી થયા. કેમ કે મહારાજ સદાયને માટે આ દુઃખરૂપી અવરભાવ દૂર કરી પરભાવનું સુખ આપવાના હતા. આવા મહાસુખની પ્રાપ્તિ થવાનો આનંદ કોને ન વર્તે !

આ બાજુ તેમણે ધામમાં જવાની તૈયારીઓ કરી દીધી. તેમના મોટાભાઈ રણછોડલાલભાઈ જે મોરબીમાં સરન્યાયાધીશ હતા તેમને તાર કરીને બોલાવી લીધા. રણછોડલાલભાઈ મોરબીથી તાબડતોબ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા. કાશીરામભાઈએ પોતાના મોટાભાઈને મહારાજ તેડવા આવવાના છે તે વાતની જાણ કરી.

રણછોડલાલભાઈ વિચારમાં પડી ગયા, ‘શ્રીજીમહારાજ કાશીરામભાઈને તેડવા પધારશે તે પણ નિશ્ચિત છે. કાશીરામભાઈને ધામમાં પણ જવું છે. વળી, તે પોતે અખંડ શ્રીજીમહારાજને સંભાર્યા કરે છે. તેઓ તો છતે દેહે મૂર્તિસુખમાં જ છે ને ! પરંતુ હું ઉંમરમાં મોટો છું ને તેની ઉંમર હજુ નાની કહેવાય. મારા પહેલાં મહારાજ તેમને ન લઈ જાય તો સારું’ આવા વિચારથી તેઓ દુઃખી થઈ ગયા. પરંતુ હવે શું થાય ? જો ગાડી એક વાર પ્લૅટફૉર્મ છોડીને આગળ નીકળી ગઈ તો પછી પાછી આવે ? આ બાબતમાં પણ કંઈક એવું જ થયું હતું. આ પરિસ્થિતિનો કોઈક ઉકેલ મળે તો ઠીક. ઘણા વિચારને અંતે તેમને કચ્છના અબજીભાઈ (બાપાશ્રી) યાદ આવ્યા.

તેઓ વિચારવા લાગ્યા કે, ‘અબજીભાઈ બહુ સમર્થ છે. મહારાજ તેમની સર્વે ક્રિયાઓ કરે છે. વળી તેઓને મહારાજ વશ વર્તે છે. તેથી જો તેમને પ્રાર્થના કરવામાં આવે તો મહારાજ જરૂરથી તે સાંભળે.’ તેમના હૈયે હાશ થઈ. પરંતુ બાપાશ્રી પણ ક્યાં પાસે હતા તે જલ્દી પહોંચી જવાય ! તેમને મનમાં થયું કે, ‘હવે મારા માટે તો બાપાશ્રી એક જ આધાર છે.’ “મેરે તો તુમ એક હી આધારા...”

તેમણે ગદ્‌ગદ કંઠે બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “હે બાપા ! આપ દિવ્ય રૂપે પણ સદાય પ્રગટ છો. માટે મારી આટલી વિનંતી છે કે આ રીતે શ્રીજીમહારાજે કાશીરામભાઈને દર્શન આપીને તેડી જવાનું કહ્યું છે પરંતુ હમણાં તેમને રાખો તો સારું.” રણછોડલાલભાઈની સાચી પ્રાર્થના બાપાશ્રી સુધી પહોંચી અને થયું પણ તેમ જ.

આપેલ વચન પ્રમાણે શ્રીજીમહારાજ કાશીરામભાઈને તેડવા ન આવ્યા. તેથી કાશીરામભાઈ મૂંઝાણા. તેમને તો આ લોકમાં રહેવાની મુદ્દલ અભીપ્સા નહોતી. તેમણે વિચાર્યું કે, ‘આવું કદી બની ન શકે. આમ થવાનું કારણ શું ?’ તેથી તેમણે મહાપ્રભુને પ્રાર્થના ચાલુ કરી દીધી. મહાપ્રભુએ કાશીરામભાઈને દર્શન આપ્યાં અને વાત કરી જે, “કાશીરામભાઈ ! તમારા મોટાભાઈએ અમારા અનાદિમુક્ત અબજીભાઈને તમને ન લઈ જવા માટે પ્રાર્થના કરી છે. જેથી તેમણે અમને કહ્યું છે કે, “કાશીરામભાઈને હમણાં રાખો તો ઠીક. માટે હવે અમારાથી તમને તેડી જવાય નહિ, કેમ કે અમારા અનાદિમુક્તને અમે વશ વર્તીએ છીએ.” છતાં એક ઉપાય છે, તમે તમારા મોટાભાઈને રાજી કરી લો અને એ અમારા અનાદિમુક્તને કહે તો તેમની પ્રાર્થના પછી અમે તમને તેડી જઈએ.”

આટલું કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. આધ્યાત્મિક માર્ગની આ દિવ્ય યાત્રામાં પ્રારંભથી અંત સુધી સત્પુરુષની અને એમના રાજીપાની જરૂર તો પડે, પડે ને પડે જ. માટે પ્રત્યેક પગથિયે રાજીપારૂપી ડગલું ભરીને આગળ વધવું પડે છે. આ પ્રસંગે પણ આવું જ હતું. અને એટલે જ તો કીર્તનમાં કહ્યું છે,

“અંત સમે હરિસંગ દર્શન દઈ, જીવોને લઈ જાય ધામે રે;

પ્રેમી જનોની વિનંતી સ્વીકારી, કોઈને રાખે આ ઠામે રે...! મુક્ત૦

આયુષ્ય હોય નહિ તોપણ રાખે, કોઈને હોય તો પડી રહાવે રે;

એવા કલ્યાણકારી પુરુષના, દાસાનુદાસ ગુણ ગાવે રે... મુક્ત૦”

સોનેરી કિરણો પૃથ્વી ઉપર ઝળહળી રહ્યાં. પ્રાતઃકાળે કાશીરામભાઈ દાતણ કરવા બેઠા હતા. એટલામાં તેમના મોટાભાઈ રણછોડલાલભાઈ તેમની પાસે આવ્યા. પોતે નાના ભાઈને ધામમાં ન મોકલ્યા તેનો આનંદ હતો. તેથી તેમણે કહ્યું કે, ભાઈ ! વાયદા મુજબ મહારાજ ન આવ્યા તેથી તમે હવે સાજા થઈ જશો.”

કાશીરામભાઈએ ખુલાસો કર્યો, “મોટાભાઈ ! રાત્રે મને મહાપ્રભુએ દર્શન આપીને બધી વાત કરી છે. હવે દયાળુ ! તમારી રજા વિના મહારાજ મને તેડી નહિ જાય. માટે તમે રાજી થઈ મુક્તરાજ અબજીભાઈને મારા વતી ફરી પ્રાર્થના કરો. મારે કોટિ ઉપાયે આ લોકમાં રહેવું જ નથી. માટે મહારાજને પ્રાર્થના કરો કે મને ધામમાં તેડી જાય.”

આમ, બે દિવસ દરમિયાન અવારનવાર કાશીરામભાઈ તેમના મોટાભાઈ આગળ રાવ રટ્યા કરે. તેથી રણછોડલાલભાઈએ જાણ્યું કે, આને મહારાજના સુખમાં રહેવાની ખરેખરી તાણ જાગી છે. માટે હવે તેને અહીં રોકવો ઠીક નથી. “હવે મારે પરાણે તમને રાખવા નથી. માટે ચિંતા કરશો નહીં. હું બાપાશ્રીને પ્રાર્થના કરું છું. હવે તમને મહારાજ તેડી જશે.” એમ કહી તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી તે જ દિવસે શ્રીજીમહારાજ અને બાપાશ્રી દિવ્ય તેજોમય દર્શન આપી, કાશીરામભાઈને ધામમાં તેડી ગયા. કેવો ગજબનો પ્રૌઢ પ્રતાપ !