પુષ્પ ૧ : જો જો તમે અમને સામેથી જવાની રજા આપશો
સંવત ૧૯૫૫ની સાલ હતી. બાપાશ્રી ઉપરદળ ગામે રામજીભાઈને દર્શન દેવા પધાર્યા હતા. રામજીભાઈને બાપાશ્રી પ્રત્યે ખૂબ જ હેત-પ્રીત. બાપાશ્રી આવે એટલે તેમને આનંદનો સાગર ઊલટે. અને બાપાશ્રી પાછા પધારે ત્યારે તેમનાથી વિયોગ સહન ન થાય. બાપાશ્રીને રામજીભાઈને મૂકીને જવા રજા લેવાની બહુ જ તકલીફ પડે.
એક વાર બાપાશ્રી રામજીભાઈના ઘેર આવ્યા. એ વખતે રામજીભાઈને માંદગી હતી. છતાં બાપા પધાર્યા એટલે માંદગીને ભૂલી ગયા. માંદગીની જાણે વિસ્મૃતિ થઈ ગઈ હોય તેમ તેઓ વર્તતા હતા. તેઓ બાપાને આગ્રહ કરવા લાગ્યા કે, “દયાળુ ! આપ ઘણા સમયે આ સેવકને ત્યાં પધાર્યા છો. હવે આપ ૨-૩ મહિના સુધી તો અહીં જ રહેજો. દયાળુ ! હવે તમને નહિ જવા દઉં. તમે જવાનું નામ તો લેશો જ નહીં. જો જાઓ તો તમને મારા સમ છે.” આમ બાપાને તેઓ પ્રેમબંધનથી જાણે બાંધી ન દેતા હોય તેવું તેમને વર્તે. તેમને મહિમા ને મમત્વભાવ ખરો કે આ બાપા મારા ઘેર હોય જ ક્યાંથી ?
આ સાંભળી બાપાશ્રી બોલ્યા, “રામજીભાઈ ! તમે અમને ૨-૩ દિવસમાં જ સામેથી જવાની રજા આપો તો ?” રામજીભાઈ બાપાનાં આવાં મર્મભર્યાં વાક્યો ન સમજી શક્યા કે બાપા આવું કેમ બોલે છે ? તેમને લાગ્યું કે, “બાપા બોલે છે તેમ શી રીતે બને ?”
અને વાસ્તવમાં બન્યું પણ એમ જ. જ્યારે આજુબાજુના ગામમાં. “વા વાયા ને વાદળી ઊમટ્યાં” એની માફક સમાચાર મળતા ગયા તેમ તેમ હરિભક્તો બાપાનાં દર્શને રામજીભાઈના ઘેર આવવા લાગ્યા. થોડા વખતમાં તો હજારો હરિભક્તો તેમના ઘેર આવી પહોંચ્યા. દરેકની સરભરા કરવાની, ઉતારા આપવાના, જમવાની-પાણીની-સૂવાની વ્યવસ્થા તો કરવી પડે. રામજીભાઈને આવી વ્યવસ્થા કરતાં મુશ્કેલી પડવા લાગી. અને તેઓ મૂંઝાવા લાગ્યા કે, હવે મારે શું કરવું ? આવી તો મને ખબર નહોતી કે આટલા બધા હરિભક્તો બાપાનાં દર્શને ઊમટી પડશે. પહેલેથી જાણ હોત તો તૈયારી પણ કરી રાખી હોત.
આમ, રામજીભાઈને છેવટે બાપાશ્રીને કહેવું પડ્યું કે, “બાપા ! હવે આપ મારી પર રાજી થઈ પધારો.” રજા જાતે જ આપવી પડી. મોટાપુરુષ સહજતાથી બોલે તોપણ તે પથ્થર પર અંકિત કરેલા લખાણ સમાન હોય છે જે સત્ય બની જાય છે. જ્યારે સામાન્ય માણસ સોગંદ ખાઈને બોલે તોપણ તે પાણીમાં કરેલ લીટા સમાન બની જાય છે. એટલે કે નિરર્થક હોય છે. આમ, બાપાશ્રી જે બોલ્યા તે પ્રમાણે અચૂક બનતું કેમ કે તેમના દ્વારા બોલનારા શ્રીજીમહારાજ હતા તે સિદ્ધાંત વાત છે.