બાપાશ્રીના દિવ્ય સંસ્મરણો

(ચલતી)

અવતારના અવતારી સ્વામી સહજાનંદની સંકલ્પ મૂર્તિ;

બળ જીવોને નવલું દઈને, આપે સહુને મૂર્તિ,

જીવનપ્રાણ છે આશ્રિત જનનાં, દુઃખડાં કાપે ભારી;

બાળકના ગુન્હા માફ કરીને, હિત કરે હિતકારી,

પાલન પોષણ આ લોકે કરે છે, પરલોકે સુખડાં દે છે;

સાર્થક નામ છે ‘અબજીબાપા’ દાસાનુદાસ એમ કે’ છે.

૧. મૂર્તિના સુખમાં મૂકી દે તેવા કોઈ ખરા ?

સંવત ૧૯૪૪ની સાલમાં અનાદિ મુક્તરાજ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. ત્યાં બાપાશ્રી તથા કુંવરજી પટેલ આદિ ઘણા હરિભક્તો આવેલા હતા. એક દિવસ બપોરના ત્રણ વાગે જ્યાં સ્વામીને નાહવા માટે ચોકડી કરી છે ત્યાં સ્વામીશ્રી તથા બાપાશ્રી શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા હતા. તે વખતે પુરાણી શ્રીકૃષ્ણદાસજી તથા માળિયા ઠાકોર મોડજી દરબાર પાસે બેઠા હતા. તે વખતે સ્વામી નિર્ગુણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “અહીં બેઠા થકા જીવને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા. ત્યાગીમાં તો મારી પાસે બેઠા છે તે અને ગૃહસ્થમાં તમારી પાસે બેઠા છે તે છે.” એમ મર્મ વચનથી દિવ્યભાવ જણાવ્યો.

૨. અબજીભાઈ તમને સુખિયા કરશે

એક વખત ઉપરદળના રામજીભાઈ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનાં દર્શને અમદાવાદ આવ્યા. ત્યાં સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને અતિ હેતને લીધે રોવા લાગ્યા ને બોલ્યા જે, “બાપજી ! તમે તો ધામમાં જવા તૈયાર થયા ને હું કોને આધારે જીવીશ ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે ?” ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, “અમારા વિયોગનું દુઃખ ટળે એવા કચ્છ દેશમાં વૃષપુર ગામમાં શ્રી અબજીભાઈ અનાદિ સિદ્ધમુક્ત છે તે શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે, તે તમને સુખિયા કરશે. માટે ત્યાં જજો પણ બીજે ક્યાંય જશો નહીં.” એવા સ્વામીશ્રીનાં વચન સાંભળી રામજીભાઈ સંતોષ પામ્યા ને થોડા દિવસ રહી પોતાને ગામ ગયા.

૩. મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે :

પછી સંવત ૧૯૫૩ની સાલમાં ઘણા દિવસો સત્સંગનો લાભ લીધા બાદ બાપાશ્રીએ હરજીભાઈને કહ્યું જે, “તમે કુંભારિયે જાઓ.” પણ તેમણે જવાની ના પાડી. પછી બાપાશ્રીએ કહ્યું જે, “એક મહિનો જઈને પાછા આવજો.” એટલે તે ગયા ને ત્યાં માંદા પડ્યા. દેહ મૂકવાને આગલે દિવસે તેમને સૂઝી આવ્યું જે, “કાલે મારો દેહ પડશે.” પછી એમની માતુશ્રીને કહ્યું જે, “બાપાશ્રીને વૃષપુરથી તેડાવો.” પછી ઊંટવાળાને તૈયાર કર્યો એટલામાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને સવારે દેહ મૂકવા ટાણે હરજીભાઈને કહ્યું જે, “કાંઈ ચમત્કારની ઇચ્છા હોય તો તમારી સાથે જે આવવાની હા પાડે તેનો દેહ મેલાવીએ.” પછી તેમણે સર્વને પૂછી જોયું જે, “જેને મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે.” ત્યારે એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ હા પાડી. પછી તેનો દેહ મેલાવ્યો ને બેયને સાથે તેડી ગયા.

પછી હરજીભાઈને દેહ મેલે દશ દિવસ થયા ત્યારે સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી ત્યાં હતા, તેમને બાપાશ્રીને કહ્યું જે, “અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે ત્યાં એમનાં માતુશ્રીને કંઠી બંધાવવી છે માટે કંઠી આપો.” પછી એમણે કંઠી આપી. પછી બાપાશ્રી કુંભારિયે પધાર્યા ત્યારે હરજીભાઈનાં માતુશ્રી બોલ્યાં જે, “તમે મનુષ્ય નથી. મારા હરજીને ને મારા ગોવાભાઈની દીકરીને સાથે તેડી ગયા તે મેં નજરે જોયું. માટે તમે મોક્ષ કરો એવા સમર્થ છો. માટે મને કંઠી બાંધો ને સત્સંગી કરો.” પછી બાપાશ્રીએ તેમને કંઠી આપીને કહ્યું જે, “રામપરામાં ધનબાઈ ડોશી મહા મુક્ત છે તેમની વાતો એક મહિનો જઈને સાંભળો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે. પછી અમે તમને હરજીભાઈની પાસે તેડી જઈશું.” પછી તેમણે એવી રીતે સમાગમ કર્યો ને ધામમાં ગયાં.

૪. ઈશ્વરલાલભાઈને આશીર્વાદ આપ્યા

સંવત ૧૯૫૧ની સાલમાં બાપાશ્રી કચ્છથી મોટો સંઘ લઈને અમદાવાદ તરફ આવતાં મૂળી, લખતર આદિ ગામોમાં થઈને ઉપરદળ આવ્યા. ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને પૂછ્યું જે, “હું ગયે વર્ષે આપની પાસેથી આ દેશમાં આવતો હતો ત્યારે માર્ગમાં તેજ દેખાણું તે શું હશે ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે અમારાં આપેલાં વચનની પરીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો, તેથી મહારાજે અને અમે પરીક્ષા આપી હતી.” તે સાંભળી રામજીભાઈ વિસ્મિત થયા. એવી રીતે તેમને આપેલાં બધાંય વરદાન સત્ય કર્યાં. પછી બાપાશ્રી સંઘે સહિત ભાયલા, કેસરડી આદિ ગામોમાં થઈ ધોળકે ગયા. ત્યાંથી જેતલપુર દર્શન કરીને ચૈત્ર સુદ ૮ને રોજ અમદાવાદ પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સંઘે સહિત કાંકરિયામાં નાહવા ગયા હતા. ત્યાં ઈશ્વરલાલભાઈ કાંકરિયા તરફ ઘોડાગાડીએ બેસીને હવા ખાવા ગયેલા તે ભેળા થયા એટલે બાપાશ્રીને બહુ વિનંતી કરીને પોતાની ગાડીમાં બેસારીને મંદિરમાં લાવ્યા. પછી જ્યાં સુધી સંઘ રહ્યો ત્યાં સુધી બાપાશ્રીનો સમાગમ કર્યો. અને જ્યારે સંઘ કચ્છ તરફ જવા નીકળ્યો ત્યારે ઈશ્વરલાલભાઈ મંદિરમાં આવ્યા ને કચ્છના હરિભક્તોને દેખ્યા નહીં. પછી સાધુને પૂછ્યું જે, “કચ્છના હરિભક્ત ક્યાં ગયા ?” ત્યારે તેમણે કહ્યું જે, “એ તો સ્ટેશને ગયા.” પછી પોતે સ્ટેશન પર આવીને, સમય થઈ ગયો હતો તોપણ ગાર્ડ પાસે ગાડી ઊભી રખાવીને, બાપાશ્રીને ઘણા હાર પહેરાવ્યા અને દંડવત  કરીને પ્રાર્થના કરી જે, “સદ્‌ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ આપની ઓળખાણ કરાવીને મારો હાથ આપના હાથમાં આપ્યો છે, ત્યારથી હું આપનો છું ને મારો મોક્ષ આપના હાથમાં છે. મેં કંઈ પણ સાધન કર્યાં નથી, માટે તમે તમારા પ્રતાપથી મારું આત્યંતિક કલ્યાણ કરજો. હું આપની પાસે મારા મોક્ષ માટે આવ્યો છું.” એમ ઘણીક પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, “તમારું કલ્યાણ અમે કરશું. તમે કાંઈ ફિકર રાખશો નહિ; આજથી તમે મહારાજની મૂર્તિમાં રહ્યા છો, પણ આ લોકમાં કે આ દેહમાં નથી રહ્યા, એમ જાણજો.” એવા આશીર્વાદ આપી બાપાશ્રી સંઘે સહિત કચ્છમાં પધાર્યા. પછી પંદર દિવસે સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીના આસને સદ્‌. પુરાણી દેવચરણદાસજી સ્વામી તથા સંત-હરિભક્તોની સભામાં ઈશ્વરલાલભાઈ આવીને બેઠા કે તરત દેહ પડી ગયો ને બાપાશ્રીએ મૂર્તિના સુખમાં મૂકી દીધા.

૫. આચાર્ય મહારાજશ્રી પણ મહિમા સમજતા

સંવત ૧૯૫૩ની સાલમાં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા. તે જ્યારે કેરા ગામમાં પધાર્યા ત્યારે બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ સંત તથા વૃષપુરના હરિભક્તો કેરામાં દર્શને ગયા હતા. ત્યાં બાપાશ્રીને પોતાના તંબૂમાં તેડાવીને કહ્યું જે, “તમને શ્રીજીમહારાજે જીવોના ઉદ્ધાર કરવા સારુ મોકલ્યા છે; એમ અમે સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી જાણીએ છીએ, માટે અમને તમારી પેઠે મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ આપો. તમને મારે અમદાવાદ તેડાવી બે મહિના રાખીને જોગ કરવો છે.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “બહુ સારું, મહારાજ.” પછી વ્યવહારિક વાત પૂછી જે, “અમારાથી અબડાસામાં જવાણું નહિ તેથી તે દેશ ફર્યા વિનાનો રહી ગયો અને મિસ્ત્રીઓનાં ગામોમાં પણ ઝાઝું રોકાવાનું કહે છે, માટે ત્યાં રોકાઈએ તો શ્રી હરિનવમીએ અમદાવાદ પહોંચાય નહિ, માટે તે સમૈયો અહીં ભૂજ કરીએ કે અમદાવાદ કરીએ ?” પછી બાપાશ્રીએ કહ્યું જે, “એ સમૈયો તો અમદાવાદ કરવો.” ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, “તમે મિસ્ત્રીઓનાં ગામોમાં ભેળા આવીને તેમને સમજાવીને વહેલી રજા અપાવો તો અમદાવાદ પહોંચાય.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે અમે ભેળા આવીને સમજાવશું. તમે કચ્છ મૂકીને ગુજરાત તરફ ચાલશો ને ધ્રાંગધ્રે પહોંચશો ત્યારે અમદાવાદથી કાગળ આવશે જે પ્લેગના રોગથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે માટે અહીં પેસવા દેશે નહીં. અને  ધ્રાંગધ્રાના રાજા શ્રી માનસિંહજી બે મહિના સુધી રોકાવાનો આગ્રહ કરશે અને તમારા ભેળા મોટા મોટા સંત છે તે પણ ત્યાં રોકાવાનું કહેશે, પણ રોકાશો નહીં. સમૈયા નજીક અમદાવાદ ઢૂકડા થઈ જજો. પછી ફેર કાગળ આવશે કે સમૈયાની છૂટી થઈ છે, એટલે અમદાવાદ પધારશો.” એમ વાત કરીને પછી રાત્રિએ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા.

૬. અંતર્યામીપણું જણાવ્યું

એક દિવસ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા રામકૃષ્ણદાસજી ત્રણે વૃષપુરના મંદિરમાં સૂતા હતા. રાત્રિના બાર વાગે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “કાલે તમારે અમારો વિયોગ થશે.” તેમણે કહ્યું જે, “કેમ આપને ક્યાંય જાવું છે ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ અમારા કુટુંબમાં નાનજીનો દીકરો દેવશી કૂવામાં પડી ગયો છે તેને અમે ધામમાં મૂકી દીધો છે પણ હજી સુધી એ છોકરો પાણી બહાર દેખાયો નથી. તે સવારે દેખાશે ત્યારે ભૂજથી ફોજદાર આવશે ને પંચાતનામું થાશે, પછી તેને દેન દેવાશે તે સાંજ પડી જશે ત્યાં સુધી રહેવું પડશે, માટે તમારી પાસે નહિ અવાય.” ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “તમે જાણો છો ત્યારે તો તમારે સ્નાન આવે.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે તો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમે તો દિવ્ય મૂર્તિ છીએ માટે અમારે તો સ્નાન-સૂતક આવે જ નહીં. બગદાલવ ઋષિ દેહધારી હતા, તોપણ એક વાળ તાણી નાખતા. તેમાં સ્નાન-સૂતક બેય જતાં તો અમારે હોય નહિ એમાં શું કહેવું ? પણ લોકના ભેળા રહ્યા તે લોકની રીતે ચાલવું જોઈએ. અત્યારે સૌ કહે છે કે જડતો નથી તો તે ભેળા અમે પણ એ જ કહીએ છીએ અને સવારે જડ્યો કહેશે તે ભેળા અમે પણ જડ્યો એમ કહેશું. જો કૂવામાં પડ્યો છે એમ કહીએ તો ઘણા માણસો અમારું અંતર્યામીપણું જાણી જાય માટે લોકોની પેઠે વરતીએ છીએ.”

૭. પ્રેમજીભાઈને અલૌકિક દર્શન

છપૈયામાં એક વખત રાત્રિએ સૂતી વખતે નારાયણપુરના પ્રેમજી ભક્તને સંકલ્પ થયો જે, ‘કચ્છમાંથી બાપાશ્રી અહીં આવવા નીકળ્યા ત્યારે અમદાવાદ જઈને પાછા કચ્છ તરફ વળવાનો વિચાર હતો અને અહીં આવવાનું થયું તેથી દિવસ વધારે લાગશે. વળી છોકરાને ભલામણ કરી નથી તે ખેતીનું કામ શી રીતે ચલાવશે ?’ તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “ઊઠો, નાહવા જવું છે.” પછી તે ઊઠ્યા ને બાપાશ્રી દરવાજા તરફ ચાલ્યા. ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, “દરવાજો બંધ છે. માટે માંહીલે કૂવે નાહવા પધારો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે આંખો મીંચો.” એટલે એમણે આંખો મીંચી પછી કહ્યું જે, “હવે ઉઘાડો.” ત્યારે ઉઘાડી તે નારાયણસરના કાંઠા ઉપર આવ્યા એમ દેખ્યું. પછી બાપાશ્રીને કહ્યું જે, “આપ વસ્ત્ર બદલો, હું પાણીનો લોટો ભરી લાવું.” ત્યારે બાપાશ્રી કહે જે, “હમણાં બેસો, હવા સારી આવે છે.” એટલાકમાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા ઉપર ઊભું રહ્યું. પછી બાપાશ્રી માંહી બેસી ગયા અને પ્રેમજીભાઈને કહ્યું જે, “તમે બેસો.” પછી તે પણ બેઠા. પછી વિમાન ઊડ્યું. તે બે મિનિટમાં નારાયણપુરમાં પોતાની વાડીએ આવ્યા, ત્યાં તેમના દીકરાઓએ બાપાશ્રીને દંડવત કર્યા અને મળ્યા. તે પ્રેમજીભાઈ ઊભા ઊભા જોતા હતા. તે વખતે બાપાશ્રીએ પ્રેમજીભાઈના દીકરાઓને કહ્યું જે, “આ વર્ષમાં કાળ પડવાનો છે. માટે વાડી સિવાય બીજાં ખેતરો વાવશો નહીં. એમ કહીને વિમાનમાં બેસી એક મિનિટમાં પાછા છપૈયાના મંદિરમાં ચોકમાં આવ્યા ને વિમાનમાંથી ઊતર્યા કે તરત વિમાન અદૃશ્ય થઈ ગયું. પછી આસને આવીને સૂતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કેમ ! તમારો સંકલ્પ સિદ્ધ થયો કે નહીં ?” ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, “હા બાપા ! તમે સત્ય કર્યો.” પછી જ્યારે છપૈયેથી કચ્છમાં આવ્યા ત્યારે પ્રેમજીભાઈ ને એમના દીકરાઓએ કહ્યું જે, “તમે ને બાપાશ્રી બેય પંદર દિવસ પહેલાં રાત્રિએ આપણી વાડીએ આવ્યા હતા ને પાછા ફેર ક્યાં ગયા હતા ?” ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જે, “એ તો બાપાશ્રી એમની સામર્થીએ કરીને લાવ્યા હતા.”

૮. રામજીભાઈને દિવ્ય રૂપે દર્શન

સંવત ૧૯૫૫ના ભાદરવા માસમાં રામજીભાઈને વધારે મંદવાડ થવાથી પોતાને કચ્છમાં જવાનો સંકલ્પ થયો એટલે સગાં-સંબંધીને કહ્યું જે, “મારે તો જરૂર બાપાશ્રી પાસે જવું છે, માટે મેનામાં સુવારી મને કચ્છમાં લઈ જાઓ.” ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, “તમારો દેહ માર્ગમાં પડી જાય એવો છે માટે જવાય નહીં.” ત્યારે રામજીભાઈ બોલ્યા જે, “દેહ પડે તો ભલે પડે પણ મારે તો નક્કી જવું છે.” પછી સર્વે સંબંધી મૂંઝવણમાં પડ્યા જે, “હવે આમને શી રીતે લઈ જવા ?” તે રાત્રિએ બાપાશ્રીએ રામજીભાઈને તેજના સમૂહમાં દર્શન આપ્યાં અને બોલ્યા જે, “રામજીભાઈ ! અમે કચ્છમાં છીએ અને અહીં નથી એમ ન જાણશો. અમે તો તમારી પાસે જ છીએ, કેમ જે અમે તો સર્વત્ર છીએ, માટે તમો કચ્છમાં જવાનો સંકલ્પ મૂકી દઈ મહારાજ તથા મોટાને સંભારો અને આજથી છઠ્ઠે દિવસે તમને તેડી જઈશું.” એમ બોલીને અદૃશ્ય થઈ ગયા. પછી રામજીભાઈ બહુ રાજી થયા ને પોતાના સંબંધીઓને કહ્યું જે, “મને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું છે જે, તને છઠ્ઠે દિવસે ધામમાં તેડી જઈશું. માટે તમે ચિંતા કરશો નહિ ને મારે હવે કચ્છમાં જવું નથી.” પછી છઠ્ઠે દિવસે મહારાજ તથા બાપાશ્રી સૌને દર્શન આપીને તેડી ગયા.

૯. સમુદ્રના તોફાનમાં રક્ષા

સંવત ૧૯૫૬ની સાલમાં બાપાશ્રી હરિભક્તો સાથે આગબોટમાં બેસીને ગુજરાત તરફ પધારતા હતા, તે આગબોટમાં મેમણ લોકો તથા બીજા માણસો પણ બેઠા હતા. આગબોટ બરાબર સમુદ્રના કંડલાના મધ્યોમધ્ય આવી, ત્યાં તોફાન થયું, તે બૂડવાનો સંભવ થયો. ત્યારે ખારવાઓએ કહ્યું જે, “ભાઈઓ ! સૌ સૌના ઇષ્ટદેવ સંભારો. અમારું હવે કાંઈ કારીગરું ચાલે તેમ નથી ને આગબોટ બૂડવા માંડી છે.” પછી સહુ ત્રાસ પામ્યા. ત્યારે બાપાશ્રીએ આગબોટમાં બેઠે બેઠે લાંબા હાથ વધારીને બેય બાજુએ આગબોટ હેઠે ઘાલ્યા ને આગબોટને ઉપાડી તે એક મેમણ જબરો શેઠિયો માંહી બેઠેલ તેણે જોયું. પછી તો આગબોટ તરીને સમી થઈ. પછી ખારવાએ ચાલતી કરી ને વવાણિયાના ખાળે આવીને સૌ ઉતારુઓ ઊતરી પડ્યા. પછી મેમણે ઊતરીને પોતાની પાસે મેવાનો ભરેલો કંડિયો હતો તે બાપાશ્રીને આપ્યો અને સૌના સાંભળતાં બોલ્યો જે, “આ પુરુષે આપણ સર્વેને જીવતા રાખ્યા, નહિ તો આજ સર્વેનું મોત હતું. આ તો બહુ જ મોટા સમર્થ પુરુષ છે. તે લાંબા હાથ વધારીને આગબોટ હેઠે રાખીને આગબોટ ઊંચી ઉપાડી ને ઠેઠ અહીં લગી હેઠે હાથ રાખતા આવ્યા છે તે હું જોતો આવું છું.” તે વાત સાંભળી સર્વે વિસ્મિત થઈ ગયા. પછી બાપાશ્રી ટ્રામમાં બેઠા. તે કંડિયામાં જે મેવા હતા તેની પ્રસાદી મૂળી સુધી સૌને વહેંચતાં વહેંચતાં આવ્યા.

૧૦. મોટા જ મોટાને ઓળખાવી શકે

સંવત ૧૯૫૮ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતાં, મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈ ને આગળ જતાં સામું વહાણ આવ્યું, તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી, તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા. ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પોતાના સિગરામમાં બેસાર્યા  તેને સ્વામીશ્રીએ પૂછ્યું જે, “તમે સત્સંગી છો ?” ત્યારે તેણે કહ્યું જે, “હું સત્સંગી તો નથી, પણ શેઠ કરમશીભાઈ દામજી તમારા સત્સંગી છે, તેમનો મિત્ર છું. તે હું મુંબઈથી નીકળ્યો ત્યારે વિચાર કર્યો જે બૈરાં-છોકરાં અને બધી કમાણી સાથે છે. તે ખાડીમાં જઈએ તો હરકત ન આવે. એમ જાણી મુંબઈથી પાધરો આગબોટમાં ન આવ્યો ને અહીં આવ્યો. ત્યારે અહીં પણ ડૂબવાનું થયું, તેમાંથી ઊગાર્યા. એથી મને વિચાર થયો જે, આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે, તેમના પ્રતાપે આગબોટ બચી. એમ જાણી તમને સિગરામમાં બેસાર્યા છે.” પછી અંજાર ગયા. ત્યાં એમણે માણસ મોકલી પુછાવ્યું કે, “તમારે સીધું કેટલું જોઈએ ?” ત્યારે સ્વામીએ કહેરાવ્યું જે, “આજ તો આગબોટમાં બેઠા છીએ, માટે જમાય નહીં.” પછી બીજે દિવસે ગાડું મળ્યું, તેમાં બેસીને ભૂજ ગયા ને તેમણે સીધું મંદિરમાં મોકલાવ્યું, ત્યાં તો સ્વામીશ્રી આદિ નહોતા. પછી તે ઘોડાગાડી લઈને ભૂજ ગયા અને રસોઈ આપી, ધોતિયાં ઓઢાડ્યાં. પછી તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી છે તેમનાં દર્શને અમે જઈએ છીએ.” પછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મળીને બોલ્યા જે, “થાંભલો ન ભાંગ્યો હોય તો તમે ક્યાં હોત ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “તમારા ભેળા હોત.” પછી બાપાશ્રી બોલ્યા જે, “તમને ઉગારવાને માટે અમે થાંભલો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહીં.” એમ બોલ્યા. તે સાંભળીને શેઠને ઘણું આશ્ચર્ય થયું. અને પ્રાર્થના કરી જે, “આપ મહાસમર્થ છો, તેથી આપને પ્રતાપે મારો મોક્ષ કરજો;” એમ પ્રાર્થના કરી પોતાને ગામ ગયા.

૧૧. ચમત્કાર જણાવી તેડી ગયા

સંવત ૧૯૬૨ની સાલમાં ગામ સરસપુરમાં પટેલ જેઠાભાઈ તથા ઈશ્વરદાસની ફઈ પાર્વતીબાઈને બાપાશ્રી તેડવા આવ્યા. તે સમે બાઈ બોલ્યાં જે, “બાપા ! તમે મને અડશો નહીં. મને સંગ્રહણીનો રોગ છે તેથી ખાધેલું ને પાણી પેટમાં ટકતું નથી તેથી બોળે છું.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આ ખાટલો ને ગોદડું બધુંય કાઢી નાખીને લીંપાવો ને બીજો ખાટલો ને ગોદડાં પાથરો અને જેટલી ચીજો જમવી હોય તેટલી આજ આખો દિવસ જમો અને પાણી પીઓ, પણ સાંજ સુધીમાં લઘુ તથા દિશાએ જવાનું નહિ થાય.” પછી સર્વ વસ્તુઓ આખો દિવસ જમ્યા ને પાણી પીધું. અને બાપાશ્રીએ પાટ ઉપર બેઠેલા એવાં સવારથી સાંજ સુધી દર્શન આપ્યાં ને રાત્રિ પડી એટલે શ્રીજીમહારાજ તથા ઘણાય મુક્તનાં દર્શન થયાં. તેવી રીતે બીજા ઘણાક મનુષ્યને પણ બાપાશ્રીનાં દર્શન થયેલાં. એ રીતે એ બાઈને દેહ મૂકતી વખતે ચમત્કાર જણાવી તેડી ગયા.

૧૨. સંત હરિભક્ત અમને ખેંચે છે

એક સમયે બાપાશ્રી ભૂજ પધાર્યા હતા. તે પાછા વૃષપુર તરફ જવા તૈયાર થયા એટલે બ્રહ્મચારી તથા સંતો કહે જે, “બે દિવસ રહો ને વાત કરો.” પછી બાપાશ્રી કહે જે, “ઘર સુધી જઈ આવીએ, પછી પાછા આવશું.” એમ કહીને ચાલ્યા તે આઘા જઈને પાછા વળ્યા ને કહે જે, “કોઈક સંત-હરિભક્ત અમને ખેંચે છે તે નહિ જવાય.” એટલામાં તો રામજીભાઈ અંજારથી ભૂજ ગયા. ત્યાં બાપાશ્રી મંદિરના ચોકમાં મળ્યા અને ઉત્તમાનંદ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તોએ કહ્યું જે, બાપાશ્રી તો ચાલ્યા હતા ને પાછા વળ્યા ને બોલ્યા જે, “કોઈક હરિભક્ત ખેંચે છે તે અમને નહિ જવા દે;” એમ કહેતા હતા એટલી વારમાં તો તમે આવ્યા. પછી બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે, “અમે સર્વેને કહ્યું હતું જે અમને કોઈક ખેંચે છે તે નહિ જવાય, તેથી રોકાણા છીએ.” પછી તેમણે હાથ જોડીને કહ્યું જે, “એક ગાઉ ઉપર નંદવાણાં મોંઘીબાએ આપના સમાચાર આપ્યા ને કહ્યું જે, બાપાશ્રી ભૂજ છે ને હમણાં વૃષપુર જવાના છે, ત્યાંથી જ મને બહુ ખેંચ થઈ હતી.” એમ કહીને પોતે ભૂજ રહી બાપાશ્રી સાથે વૃષપુર ગયા.

૧૩. ગમતું છોડાવી રક્ષા કરી

એક સમયે ઘણા હરિભક્તો આફ્રિકા કમાવા જતા હતા ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બાપાશ્રીને પૂછવા આવ્યા જે, “હું જાઉં ?” ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી ચોમાસામાં વરસાદ ઘણો થવાથી ડુંગરામાં ખડ ખૂબ થયું. પછી તેમને બાપાશ્રીએ આજ્ઞા કરી જે, “આ ખડ લાવીને મોટી ગંજી કરો.” પછી તેમણે તેમ કર્યું. પછી જેઠ મહિનામાં એક જણે એ ગંજી પાંચસો કોરીઓ માગી ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી વળી એક હજાર કોરીઓ માગી, ત્યારે પણ ના પાડી. પછી વળી થોડા દિવસ કેડે પાંચ હજાર કોરીએ માગી, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હવે તારું કરજ વળી જશે, માટે આપી દે.” પછી તેમણે આપી દીધી ને તેમનું કરજ વળી ગયું. અને બીજા આફ્રિકા ગયા હતા, તે ત્યાં પ્લેગ હોવાથી બધાને પાછા આવવું પડ્યું હતું.

૧૪. સદ્‌ગુરુની રક્ષા કરી

એક વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખમાં રોગ હતો તે પીડા બહુ થતી ને કાંઈ ગરમ વસ્તુ ખવાતી નહિ ને વંચાય પણ નહીં. પછી બાપાશ્રીએ કહ્યું જે, “આંખોનો રોગ મટી જશે ને જે મળે તે સર્વે જમજો. તમને નડશે નહીં.” વળી એક વખત સ્વામીને કેડમાં આંટી પડી હતી તે બેઠું રહેવાતું નહોતું તેથી સૂઈ રહ્યા હતા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સભામાં તો બેઠા રહેવું જોઈએ.” પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “કાંઈક ભાર ઉપાડવાથી કેડે આંટી પડી ગઈ છે. તેથી બેઠું રહેવાતું નથી ને સૂઈ રહેવું પડે છે.” પછી તેમનું કાંડું ઝાલીને બોલ્યા જે, “બેઠા થાઓ.” એટલે તરત આંટી છૂટી થઈ ને પીડા ટળી ગઈ. વળી એક સમયે મૂળી જતાં સ્વામીને રેલમાં બહુ શૂળ આવતું હતું તે ખમાયું નહિ, ત્યારે બાપાશ્રીને કહ્યું જે, “શૂળ ખમાતું નથી.” પછી તેમણે હાથ ફેરવ્યો એટલે મટી ગયું.

૧૫. વાઘજી પટેલને દિવ્ય દર્શન

એક સમયે રામપરામાં વાઘજી પટેલ માંદા થયા. તેને દર્શન દેવા બાપાશ્રી પધાર્યા હતા. તેમની મૂર્તિમાંથી તેજ નીકળ્યું તે થોડીક વાર રહીને પાછું સમાઈ ગયું. પછી બાપાશ્રીએ તેમની ખબર પૂછી ને બેઠા, એટલામાં તો એમના ઘરના વળામાં મોટા મોટા તેજના ગોળા વળગેલા તે ચળક ચળક થાય. તે જોઈને આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછ્યું જે, “આ શું છે ?” ત્યારે બાપાશ્રી કહે જે, “જ્યાં મહારાજ ને મોટા પધારે ત્યાં અવતારાદિક દર્શન કરવા આવે તે આવ્યા છે.” પછી તે ઘડીક વાર દેખાઈને અદૃશ્ય થઈ ગયા.

૧૬. હરજીને સાજો કર્યો

ગામ દહીંસરામાં કેસરાભાઈના દીકરા દેવજીભાઈના પૌત્ર હરજીએ દેહ મૂક્યો તે જોઈને દેવજીભાઈ બહુ ઉદાસ થઈ ગયા. તે વખતે બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમે ઉદાસ કેમ થઈ ગયા છો ? અમે તમારા હરજીને સાજો કરવા આવ્યા છીએ.” ત્યારે દેવજીભાઈ કહે, “બાપા ! એ તો દેહ મૂકી ગયો.” પછી બાપાશ્રી બોલ્યા જે, “જુઓ, તે તો સાજો થયો છે.” ત્યારે દેવજીભાઈએ તેની પાસે જઈને જોયું ત્યાં તો હરજી બેઠો થયો ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ દેવજીભાઈ અતિ આશ્ચર્ય પામ્યા.

૧૭. કેશરબાઈને અલૌકિક અનુભૂતિ

એક સમયે નારાયણપુરમાં ફૂલદોલને દિવસે બાપાશ્રી ધનજીભાઈની વાડીએ ગયા હતા. ત્યાં આંબા તળે ધ્યાનમાં બેસી રહ્યા. પછી અર્ધા કલાકે જાગ્યા, ત્યારે ધનજીભાઈ આદિક હરિભક્તોએ કહ્યું જે, “અમારે રંગ નાખવાની હોંશ હતી, પણ આપ તો ધ્યાનમાં બેસી રહ્યા.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ગોડપરમાં કુંવરજીએ દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા.” પછી કુંવરજીનો ભાઈ કાનજી ત્યાં હતો તેને જોઈને બાપાશ્રી બોલ્યા જે, “કાનજી ! તારો ભાઈ દેહ મૂકી ગયો છે માટે તું ઝટ ઘેર જા.” ત્યારે તે કાનજી ઘેર ગયો. ત્યાં કુંવરજીને દેન દેવા લઈ ગયા હતા. તે અગ્નિસંસ્કાર કરતી વખતે ભેગો ગયો, ને બાપાશ્રીએ કરેલી વાત કહી તે સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા.

૧૮. જાદવજીભાઈનો વહેમ ટળાવ્યો

એક સમયે નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા હતા. તેમને તેડવા બાપાશ્રી પધાર્યા. તે વખતે જાદવજીભાઈના મનમાં એમ થયું જે ‘મને તેડવા તો આવ્યા પણ મેં પૂરાં સાધન કર્યાં નથી, માટે મને બીજે ક્યાંક મૂકશે તો શું થશે ?’ એવો વહેમ આવ્યો. પછી બાપાશ્રીએ રહેવા દીધા ને સાજા થયા ને થોડા દિવસ પછી ધનજીભાઈનાં માતુશ્રી માંદાં પડ્યાં. તેમને જોવા સારુ દિવસમાં એક વાર બાપાશ્રી આવતા. તે એક દિવસ કાંઈક કામ આવ્યું, તેથી જવાણું નહિ ને બીજે દિવસે ગયા. ત્યારે તે બાઈ બોલ્યાં જે, “ગઈ કાલે કેમ ન આવ્યા ?” ત્યારે કહે જે, “કામ હતું તેથી અવાણું નહીં.” ત્યારે તે બાઈ બોલ્યાં જે, “આવતી કાલે કેમ કરશો ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “આવતી કાલે તો આવ્યા વિના છૂટકો જ નથી, માટે જરૂર આવીશું.” પછી બીજે દિવસે સવારમાં વહેલાં વૃષપુરથી ચાલ્યાં તે નારાયણપુરના ઝાંપામાં આવ્યાં. ત્યાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી આદિ અનંત મુક્ત રંગે રમે છે એવું એ બાઈના દેખવામાં આવ્યું. પછી બાપાશ્રી એમના ઘરમાં આવ્યા. ત્યારે તે બાઈએ શ્રીજીમહારાજ સાથે રંગે રમેલાં તે રંગવાળી પછેડી બાપાશ્રી પાસેથી માગી લીધી અને કહ્યું જે, “આ પછેડી મારા ઉપર ઓઢાડજો.” પછી એમણે દેહ મેલ્યો. તેમના ઉપર એ પછેડી ઓઢાડી તેમાંથી ખુશબો ઘણી આવતી હતી, તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા જે આ પછેડીમાંથી આવી અલૌકિક ખુશબો ક્યાંથી આવતી હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તથા શ્રીજીમહારાજ અને અનંત મુક્ત આ નારાયણપુરના ઝાંપામાં હમણાં જ રંગે રમ્યા તેની ખુશબો છે.” પછી જાદવજીભાઈને કહ્યું જે, “તમારા કલ્યાણનો વહેમ છે કે મટી ગયો ?” ત્યારે તે બોલ્યા જે, “આ ધનજીની માનું કલ્યાણ કર્યું, એ પ્રમાણે તો મારે હવે વહેમ નથી રહ્યો.” પછી જાદવજીભાઈને પણ તેડી ગયા.

૧૯. બાપાશ્રીને સર્પ કરડ્યો

બાપાશ્રીને ત્રણ વાર સર્પ કરડ્યો. તેમાં એક વાર ગાડામાં નાખવા ઘરમાં આડાં લેવા ગયા ત્યાં કરડ્યો. તે ગાડું જોડીને ચાલ્યા ને વાટમાં જતાં ચડ્યો. તે ગાડું બીજા મનુષ્યે હાંક્યું ને ઘેર લાવ્યા, પણ ઉતરાવ્યો નહિ ને કોઈને વાત પણ કરી નહિ ને ઊતરી ગયો. બીજી વાર વાડીમાં બપોર વખતે સામો આવીને કરડ્યો તેને ચડવા દીધો નહીં. તે વાત વાદીના જાણવામાં આવી. તેણે વાડીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, “તમને નાગ ચડ્યો નહિ, માટે તમારી પાસે બહુ ચમત્કારી મંત્ર અથવા બુટ્ટી હોવી જોઈએ તે મને આપો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમારે તો સ્વામિનારાયણ એ જ મંત્ર અને એ જ બુટ્ટી છે.” પછી તે વાદીએ પોતાની વિદ્યાથી ઝેર ચડાવ્યું એટલે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા ને વાદી બેસી રહ્યો. પછી થોડીક વારે બાપાશ્રી બહાર આવ્યા તે જોઈને આશ્ચર્ય પામ્યો જે આ મંત્ર કે બુટ્ટીવાળા નથી. આ તો કોઈક મોટાપુરુષ છે. એમ જાણીને પગમાં પડ્યો ને પ્રાર્થના કરી જે, “મેં તમને ઝેર ચડાવીને દુઃખ દીધું તે મારો ગુનો માફ કરો.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “અમને તો કાંઈ દુઃખ જ નથી. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ.” પછી તે ચાલી નીકળ્યો. વળી ત્રીજે ફેરે કરડ્યો ત્યારે પણ ચડવા દીધો નહીં. તે સર્પ એ ગામનો કણબી હતો. તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહીં. પછી બાપાશ્રીએ ત્યાગી બાઈઓના ભેળી તેની સ્ત્રીને મોકલી દીધી. તેનું વૈર હતું તે મૂઆ પછી સર્પ થઈને કરડ્યો હતો.

૨૦. સંતદાસજીને ધામમાં મૂક્યા

મૂળીના સાધુ સંતદાસજી તથા ભગવતસ્વરૂપદાસજી તથા શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીના શિષ્યો પુરુષોત્તમપ્રિયદાસજી આદિ સંવત ૧૯૬૮ના ફાગણ માસમાં શ્રી વૃષપુર ગયા હતા. ત્યાં બાપાશ્રીએ સર્વેને અતિ પ્રસન્ન થકા જળ હાથમાં આપીને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. ત્યારે સંતદાસજી કહે જે, “બાપા ! હું તુંબડું ભરવા ગયો હતો તે રહી ગયો છું માટે મને પણ હાથમાં જળ આપીને આશીર્વાદ આપો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાણી અધિક કે વચન અધિક ?” એમ કહીને બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચળંતિ ધર્મ.” પછી કાંડું ઝાલીને કહ્યું જે, “લો ! આ મૂર્તિ આપી.” એમ કહીને અંતર્વૃત્તિ કરાવી દીધી. પછી બપોરના કાકરવાડીએ નાહવા ગયા ત્યાં નાહ્યા અને પુરુષોત્તમપ્રિયદાસજી આંબા નીચે વાતો કરતા હતા તે બોલ્યા જે, “સંતદાસજી ! અહીં આવો ને. કેમ તડકે બેઠા છો ?” ત્યારે કહે જે, “તાવ આવ્યો છે તે તડકો ઠીક લાગે છે.” પછી મંદિરમાં આવ્યા, ને સાંજ વખતે બાપાશ્રી ગાજર લાવીને સુધારીને બોલ્યા જે, “જેમ સાધુ બળદેવચરણદાસનો જામફળનો દહાડો કર્યો હતો, તેમ આજ સંતદાસજીનો રાતડિયાંનો દહાડો કરીએ છીએ.” પછી ઠાકોરજીને જમાડીને સર્વેને વહેંચી આપ્યાં અને બોલ્યા જે, “હવે સંતદાસજી ધામમાં જશે.” ત્યારે નાના સનાતનદાસજી બોલ્યા જે, “બાપા ! મેં કોઈને દેહ મૂકતાં જોયા નથી.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “જાઓ ઓરડીમાં સંતદાસજી દેહ મૂકે છે તે જુઓ.” પછી તે ગયા ને સંતદાસજીએ દેહ મૂક્યો.

૨૧. ગંગાબાઈને મૂર્તિના સુખમાં ખેંચી લીધાં

સંવત ૧૯૭૦ની સાલમાં કરાંચીના લાલુભાઈના ઘરનાં ગંગાબાઈ માંદાં થઈ જવાથી બે દિવસ અવાચક રહ્યાં. પછી ઓચિંતાં ઊઠીને સિંધી ભાષામાં બોલવા લાગ્યાં જે, “મહારાજ મુખે સદ કરીંતા ચવિંતા જે હલો (મહારાજ મને કહે છે જે ચાલો).” ત્યારે લાલુભાઈ પૂછવા લાગ્યા જે, “મહારાજ કી આંઈન આઉં તો નથો ડીસો (મહારાજ ક્યાં છે, હું તો નથી દેખતો.).” ત્યારે એ બાઈએ કહ્યું જે, “મથે વિમાન મેં બીઠા આંઈન મંજ બાપા આહે (માથે વિમાનમાં બેઠા છે, માંહી બાપા છે.) મુખે ચવંતા જલ્દ સ્નાન કર તૈયાર થી (કહે છે કે જલ્દી નાહીને તૈયાર થાઓ.)” ત્યારે લાલુભાઈએ પોતાની સાસુ અને વૈદને કહ્યું જે, “મહારાજ ને બાપા આને તેડવા આવ્યા છે તે ભલે તેડી જાય, હવે એને નવરાવીએ.” ત્યારે વૈદે તથા તેમની સાસુએ કહ્યું જે, “હાણે હીતો ગાલાઈતા હાણે હીતો ચંગા ભલા થયા ઈન જો સ્નાન કરાંઇંધા તો બિમારી બધી વેંધી સ્નાન ન કરાયો (હવે તો વાતો કરે છે તે સાજાં થઈ ગયાં છે અને જો નવરાવશો તો બિમારી વધી જશે માટે નવરાવશો નહીં.)” પછી લાલુભાઈએ કહ્યું જે, “મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તો નવરાવો, ભલે તેડી જાય.” પણ બંનેએ માન્યું નહીં. ત્યારે વળી તે બોલ્યા જે, “બાપા ચવીંતા જે, જલદી તૈયાર થીયો; હાણે અધ કલાકજી દેર આહે મુખે સ્નાન કરાયો. (બાપા કહે છે જે, જલ્દી તૈયાર થાઓ, અડધી કલાકની વાર છે માટે મને નવરાવો)”. પછી લાલુભાઈએ એ બાઈને કહ્યું જે, “મહારાજ કે વંજી પ્રાર્થના કરીઓ જે મુંજા શરીર તે કપડાં અંઈન સે મીડે પવીતર આંઈન હાણે મુખે હેતાં જ વઠી હલો. (મહારાજને પ્રાર્થના કરો જે લૂગડાં છે તે પવિત્ર છે માટે અહીંથી જ તેડી ચાલો.)” ત્યારે તેમણે મહારાજની એવી રીતે પ્રાર્થના કરી. ત્યારે મહારાજે કહ્યું જે, “તું સબનીખાં મોકલ વઠ તો આઉં તોખે કોઠી હલાં (તમે બધાયની રજા લો તો તેડી જાઉં).” પછી એ બાઈએ સર્વેને હાથ જોડ્યા જે, “મુખે ચયો-ચવાયો તેંજી માફ કીજા મુખે મોકલ દયો આઉં હાણે વંજાતી (બોલ્યુંચાલ્યું માફ કરજો; હવે હું જાઉં છું.)” એમ કહીને સર્વની પાસે માફી માગી રજા લીધી એટલે બાપાશ્રી કહે, “હવે મહારાજની મૂર્તિ સામું જોઈ રહો.” ત્યારે તેમણે એકતાર વૃત્તિ મૂર્તિમાં જોડી દીધી ને મૂર્તિના સુખમાં ઊતરી ગયાં. આવાં દર્શનથી તેમનાં સગાંવહાલાંએ મહારાજ તથા બાપાશ્રીનો બહુ પ્રતાપ જાણ્યો.

૨૨. જનની સેવા લઈ મોક્ષ કર્યો

પાટડીમાં એક જણના ઘરમાં જન રહેતો. તે ઘરમાં રાત્રિએ કોઈથી રહેવાતું નહિ, ને જે રહે તેનો જીવ લેતો. તે ઘર લઈને ભાઈઓનું મંદિર કરવાની બાપાશ્રીએ નાગજીભાઈને આજ્ઞા કરી તેથી નાગજીભાઈએ લઈને મંદિર કરાવ્યું. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા બાપાશ્રી સંવત ૧૯૭૨ના ફાગણ વદ ૧૨ને રોજ પધાર્યા હતા. તે દિવસે પ્રતિષ્ઠા કરતી વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ ખૂણામાં જન ઊભો છે તે અમારાં દર્શન કરવા સારુ રહ્યો હતો. તેને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધો. એના રહેવાથી ઘર સોંઘું મળ્યું, એટલી એની સેવા માની એનો મોક્ષ કર્યો.” પછી કાલિદાસભાઈને ઘેર પધાર્યા ને ત્યાં વર આપ્યો જે, “આ ઘરના બારણામાંથી જે નીકળશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું.”

૨૩. કલ્યાણજીભાઈની દીકરીને વળગેલ જન કાઢ્યો

રાજકોટના મિસ્ત્રી કલ્યાણજીભાઈની દીકરીને જન વળગ્યો હતો, તે ઘણા ઉપાયથી ન ગયો. પછી બાપાશ્રી મૂળીએ સમૈયો કરવા આવ્યા હતા, ત્યાં એ દીકરીને લઈને આવતાં રેલમાં એ બાઈને બાપાશ્રીનાં શ્વેત વસ્ત્ર પહેરેલાં એવાં તેજોમય દર્શન થયાં. પછી તે ધ્રૂજવા લાગી ને તેમાં જન હતો તે બોલ્યો જે, “આ મને બાળે છે.” એમ બોલતાં બોલતાં મંદિરમાં આવ્યા ને ઉતારો કરીને ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી કલ્યાણજીએ બાપાશ્રીને આસને આવીને પ્રાર્થના કરી જે, “મારી દીકરીને જન વળગ્યો છે, તેથી હું બહુ દુઃખિયો છું, માટે કૃપા કરીને એને કાઢો.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ સભાની ચરણરજ લઈ જઈને એ બાઈને માથે નાખજો.” પછી તે બાઈને માથે નાખી એટલે તરત જન ભાગી ગયો.

૨૪. જુમલાનો મોક્ષ કર્યો

એક સમયે માનકૂવાથી બે બાઈઓ બાપાશ્રીને દર્શને જતાં ડુંગરામાં શ્રીજીમહારાજની પ્રસાદીનું સ્થાન છે, ત્યાં આગળ વાતો કરતા જતાં હતાં જે, “બાપાશ્રીનાં દર્શન કરશું પછી અન્ન-જળ લઈશું.” તે સાંભળી જુમલો નામનો જન હતો તેણે જાણ્યું જે, ‘આ કોઈક મહાત્મા પુરુષ પાસે જાય છે, માટે હું પણ ભેળો જાઉં તો મારો મોક્ષ થાય;’ એમ જાણી એક બાઈમાં પ્રવેશ કર્યો. પછી તે બાઈએ જાંબુડાવાળી નવી વાડીમાં આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. ત્યાં જે બાઈમાં જને પ્રવેશ કર્યો હતો તે બાઈ ધૂણવા લાગી. ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, “તું કોણ છે ?” ત્યારે તે બોલ્યો, “હું જુમલો છું, મારો મોક્ષ કરો, તમે બહુ મોટા છો અને હું મોક્ષ માટે જ આવ્યો છું.” પછી એને અક્ષરધામમાં પહોંચાડી દીધો.

૨૫. લાલુભાઈને દિવ્ય અનુભૂતિ

એક સમયને વિષે કરાંચીના લાલુભાઈને મારગમાં ચાલતાં સામેથી ગાડી ભટકાવાથી ઘણું વાગ્યું ને રુધિર ઘણું નીકળવાથી શરીરની શુદ્ધિ રહી નહીં. તેથી તેમને મોટી ઇસ્પિતાલમાં લઈ ગયા. જ્યારે શુદ્ધિ આવી, ત્યારે કહે જે, “મને ઘેર લઈ ચાલો, મારે અહીં રહેવું નથી.” ત્યારે તેમનાં સગાં-સંબંધીઓએ પ્રાર્થના કરી રાખ્યા. પછી રાત્રિએ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા ઘણા સંતોએ સહિત તેજોમય આકાશમાર્ગે અધ્ધરથી આવતા હોય એમ તેમને દેખાયા. તે ખાટલા પાસે આવીને ઊભા રહ્યા. તેથી લાલુભાઈને બહુ આનંદ થયો. પછી મહારાજ તથા બાપાશ્રી સંતોએ સહિત અદૃશ્ય થઈ ગયા, ને પોતે બીજે દિવસે ઇસ્પિતાલમાંથી ઘેર આવ્યા. પછી દાક્તર પાસે પાટો બંધાવતાં પણ આરામ થયો નહિ ને તેમને બાપાશ્રી પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ તેથી ઘણા ઉદાસ થઈ ગયા. તે જ દિવસે રાત્રિએ બે વાગે ઓચિંતા ત્રણ પુરુષનાં દર્શન થયાં. તે બહુ પુષ્ટ ને ઊંચા ને તેજોમય હતા. તે જોઈને લાલુભાઈએ પૂછ્યું જે, “આપ કોણ છો ?” ત્યારે તેમણે કહ્યું જે, “અક્ષરધામમાંથી મહારાજની આજ્ઞાએ તમને તેડવા આવ્યા છીએ.” તે સાંભળી લાલુભાઈ બહુ રાજી થયા. ત્યાં તો એ ત્રણે મુક્તો લાલુભાઈને ઉપાડી અક્ષરધામમાં લઈ ગયા અને લાલુભાઈને એક મોટી પાટ ઉપર સુવાર્યા પછી પાટા બાંધેલા હતા તે છોડી નાખ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી લાગેલા ભાગ ઉપર હાથ ફેરવ્યા અને તરત જ પાછા ઉપાડી તેમના ઘરમાં મૂકી ગયા. પછી સવારે દાક્તર પાટો બાંધવા આવ્યો તેણે પાટા છોડી નાખેલા જોઈને પૂછ્યું. ત્યારે લાલુભાઈએ બનેલી વાત વિસ્તારીને કહી. તેથી દાક્તરને તથા સૌને શ્રીજીમહારાજનો તથા બાપાશ્રીનો અલૌકિક પ્રતાપ જણાયો. પછી લાલુભાઈ સાજા થઈ ગયા અને હળવદ જઈને બાપાશ્રીનાં દર્શન કર્યાં. એમને બાપાશ્રીએ કહ્યું જે, “તમને અમારાં દર્શને આવવાની ઘણી તાણ હતી તેથી તમને મહારાજે ને અમે મટાડી દીધું.” તે સાંભળી લાલુભાઈ બહુ રાજી થયા.

૨૬. ભાઈશંકરભાઈને અંતર્ધ્યાનનાં એંધાણ

ભૂજના તાર માસ્તર ભાઈશંકરભાઈને બાપાશ્રી અંતર્ધ્યાન થયા તે વખતે દર્શન દઈને ખભા ઉપર હાથ મેલીને કહે જે, “હવે જય સ્વામિનારાયણ; અમો જઈએ છીએ.” એમ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા એટલે માસ્તર ઘણા શોકાતુર થઈ ગયા ને જાણ્યું જે, ‘બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તે નક્કી અંતર્ધ્યાન થયા હશે.’ એમ ધારીને શોકમાં બેઠા હતા, ત્યાં તો લાલશંકરભાઈ વૃષપુરથી આવ્યા અને કહ્યું જે, “બાપાશ્રી ધામમાં પધાર્યા.” પછી આ વાત એમણે લાલશંકરભાઈને કહી.

૨૭. અમરશીભાઈને અંતર્ધ્યાનનાં એંધાણ

વિરમગામમાં વઢવાણવાળા દેપાળા અમરીશભાઈને રાત્રિના બાર વાગે અંતર્ધ્યાન થયા તે વખતે બાપાશ્રીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું જે, “સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરમાં ચરણારવિંદ પધરાવવા ગયા છે, તે ચાલો આપણે જઈએ;” એમ કહીને મંદિરમાં ગયા. પછી બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો, એટલામાં તો તેજ તેજ થઈ રહ્યું અને મહા ઘાટો પ્રકાશ થઈ ગયો. તે પ્રકાશમાં એક વિમાન દેખાયું. પછી તેમાં બાપાશ્રી બેસીને તેજના સમૂહમાં આકાશમાર્ગે પધાર્યા; એવાં દર્શન થયાં.

૨૮. અંતર્ધ્યાન છતાં પ્રગટના પરચા

(૧) રાત્રિએ વૃષપુરના મૂળજી પર્વતનાં ઘરનાં બાઈ તેજાએ ખાવાનું રાંધ્યું નહિ અને રોતાં રોતાં એમ બોલ્યાં જે, “મારી ગાયનું દૂધ બાપાશ્રી નિત્ય પીતા તે હવે કોણ પીશે ?” એટલામાં તો બાપાશ્રી એના ઘરમાં આવીને ખાટલો ઢાળીને તે ઉપર બિરાજ્યા અને બોલ્યા જે, “લાવો દૂધ-સાકર, ઊનાં કરો. અમે ગઈ રાત્રિ અગિયાર વાગે પીધું હતું; લાવો આજ પીએ.” પછી દૂધ આપ્યું તે બાપાશ્રીએ અતિ હેતે કરીને પાન કર્યું ને પછી અદૃશ્ય થઈ ગયા.

(૨) અષાડ વદ ૧ને રોજ બાપાશ્રીને ઘેર વાલબા, રામપુરનાં કાનબા, પ્રેમબા, નારાયણપુરનાં અમરબા, મેઘપરનાં અમરબા આદિ ઘણાં બાઈઓ શોકાતુર થઈ વિલાપ કરતાં હતાં. તે વખતે શ્રીજીમહારાજની તથા બાપાશ્રીની મૂર્તિ તેમને ઘેર હતી, તે મૂર્તિમાંથી બાપાશ્રી જેવા પોતે હતા તેવા મનુષ્ય આકારે દર્શને આપીને બોલ્યા જે, “રુદન શું કરો છો ? અમે તો સદાય છીએ જ. તમે શોકમાં ને શોકમાં તેર દિવસથી અમને જમાડવા પણ ભૂલી ગયાં છો, માટે થાળ લાવો; જમીએ.” પછી પ્રેમબાએ ઊઠીને થાળ તૈયાર કરીને આપ્યો, તે જમીને બોલ્યા, “હવે તૃપ્ત થયા.” પછી બોલ્યા જે, “કાર્ય મોટું આદર્યું છે તે કાર્ય તો અમારે નીવેડવું છે તે શા માટે ફિકર કરો છો ?” એમ મૂર્તિમાંથી પ્રગટ થઈને શોક નિવૃત્ત કર્યો.

(૩) ગામ વૃષપુરના રામજી હીરજી ઉદાસ થયા થકા વિચારમાં બેઠા હતા જે, ‘બાપાશ્રી આપણને મૂકીને જતા રહ્યા.’ તેવામાં બાપાશ્રી જે ઓરડીમાં પોઢતા તે ઓરડીમાં બાપાશ્રીનાં દર્શન થયાં, તે એવી રીતે કે એક બાજુ સ્વામી વૃંદાવનદાસજી અને બીજી બાજુ સ્વામી ઈશ્વરચરણદાસજી અને તેવી જ રીતે બાપાશ્રીના દીકરા એક બાજુ કાનજીભાઈ ને બીજી બાજુ મનજીભાઈ; બે પડખે બબે બેઠેલા, એવાં  દર્શન થયાં. તે સમયે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ કાનજીભાઈ ને મનજીભાઈને તો મૂર્તિમાં રાખ્યા છે.” ત્યારે રામજીભાઈ અતિ દિલગીર થઈને બોલ્યા જે, “મને પણ સદાય મૂર્તિમાં રાખજો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને પણ મૂર્તિમાં રાખશું; કાંઈ ચિંતા રાખશો નહિ, અમે તમારા ભેગા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

(૪) સંવત ૧૯૯૨ની સાલમાં સવારના પાંચ વાગે કરાંચીમાં લાલુભાઈને ઘેર બાપાશ્રી આદિ અનંત મુક્તો ઓસરીમાં તેજોમય ફરતા હતા, એવાં દર્શન થયાં. પછી તેમણે દંડવત કર્યા ને તેમના દીકરા હરિલાલને કહ્યું જે, “તું સૌ હરિભક્તોને ખબર આપ જે, અમારે ઘેર બાપાશ્રી આદિક મુક્તો નવીન રૂપે દર્શન આપે છે તે જેને દર્શન કરવાં હોય તે આવો.” પછી સૌ આવ્યા ને પગે લાગીને નવીન સ્વરૂપ જોઈ રહ્યા અને લાલુભાઈ તો પલાંઠી વાળીને બાપાશ્રીના સામા બેઠા. તેમને બાપાશ્રીએ દિવ્ય હાર પહેરાવ્યો તે હારમાંથી બહુ સુગંધી આવવા માંડી. પછી બાપાશ્રી કહે જે, “લાલુભાઈ ! અમને પાણી પાઓ.” ત્યારે લાલુભાઈએ તેમના ઘરનાં માણસને કહ્યું જે, “પાણી લાવો.” ત્યારે બાપાશ્રી કહે જે, “આ સામા લોટામાં છે તે આપો.” પછી બાપાશ્રીએ જળ પીધું અને કહે જે, “ખુરશી મંગાવો તો બેસીએ.” પછી વળી કહ્યું જે, “અમને ઊંઘ બહુ આવે છે તે આસન પાથરી દો; સૂવું છે.” એમ કહીને જમીન ઉપર પાથર્યા વિના સૂઈ ગયા. પછી લાલુભાઈએ કહ્યું જે, “આમ ને આમ સૌને દર્શન આપો, હું પાથરવા આસન લાવું છું.” એમ કહી આસન લેવા ગયા. ત્યાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. વળી એક સમયે લાલુભાઈની દીકરી મેડેથી ઊતરતાં પગથિયું ભૂલવાથી પડી ગયાં. તેને બાપાશ્રીની છબીએ લાંબો હાથ કરીને ઝાલી લીધી. તેણે લાલુભાઈને વાત કરી જે, ‘આ મૂર્તિએ લાંબો હાથ કરીને મને ઝાલી લીધી.’