બાપાશ્રીના મહિમાના કીર્તનો

કીર્તન-૧

ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, બાપા આજ તમોને ખમ્મા

ખમ્મા ખમ્મા ખમ્મા બાપા આજ તમોને ખમ્મા;

પાંચાપિતાના પુત્ર તમોને ખમ્મા.. આજ તમોને ખમ્મા...ટેક

દેવબાના લાડકવાયા, આશ્રિતજનના પ્રીતમ પ્યારા... આજ તમોને ખમ્મા... ૦૧

મમ ગુરુના પ્રાણપ્યારા, પ્રસિદ્ધ સ્વસિદ્ધ ન્યારા...    આજ તમોને ખમ્મા... ૦૨

સોનેરી પાઘ ધારી, જામો પણ સોનેરી ધારી...         આજ તમોને ખમ્મા... ૦૩

હૃષ્ટપુષ્ટ મૂર્તિ શોભે સારી, છોગલાવાળી પાઘ ધારી... આજ તમોને ખમ્મા... ૦૪

જીવોના કલ્યાણકારી, સૌના છો હિતકારી, સદા છો સુખકારી... આજ તમોને ખમ્મા... ૦૫

ઝૂલે ઝૂલનહાર, મૂર્તિમાં રમાડનાર, સુખને પમાડનાર... આજ તમોને ખમ્મા... ૦૬

જેષ્ટિકા કર ધારી, ચાલ જગતથી ન્યારી, સૌના છો હિતકારી... આજ તમોને ખમ્મા... ૦૭

દાસાનુદાસને, ન્યાલ કરનારા, પ્રેમીજનને સુખ કરનારા... આજ તમોને ખમ્મા... ૦૮

કીર્તન-૨

કોણ હતા બાપાશ્રી, તે વાત સુણી લો ભાઈ;

શ્રીજી સંકલ્પ મૂર્તિ, પ્રગટ થયા સુખદાઈ... ટેક

પ્રસિદ્ધ સ્વસિદ્ધ મહામુક્ત અનાદિ એ છે;

જેના વચને કરી શ્રીજી મૂર્તિ સુખ મળે છે... કોણ ૦૧

શ્રીજી સિદ્ધાંતોને સારી રીતે સમજાવે;

જે કહે બાપાશ્રી તે સુણજો સાચે ભાવે... કોણ ૦૨

દિવ્ય મૂર્તિ શ્રી ઘનશ્યામની અક્ષરધામે,

તે જ મનુષ્યરૂપ દીસે છે આ ઠામે... કોણ ૦૩

નિજ મંદિરમાં પધરાવેલ સ્વરૂપ,

હરિકૃષ્ણ ઘનશ્યામ સહજાનંદ અનુપ... કોણ ૦૪

એ ત્રણે સ્વરૂપો સ્વયં શ્રીજી પોતે,

રોમ ફેર એક નહિ સિદ્ધાંતોને જોતે... કોણ ૦૫

સ્વામિનારાયણ ભગવાન એક જ છે જાણો,

મુક્ત અનેક થયા ને થશે અનાદિ પ્રમાણો... કોણ ૦૬

અનાદિમુક્તોને શ્રીજી એક જ સુખના દાતા,

સર્વે એક મૂર્તિમાં રહ્યા થઈ સુખ ભોક્તા... કોણ ૦૭

સકામ ભક્ત થયા બ્રહ્માથી અક્ષર જેવા,

નિષ્કામ ભક્તને મળે મૂર્તિના મેવા... કોણ ૦૮

સેવક હોય હરિનો સાચો તે દાસ રહાવે,

થાય અનાદિ પણ હરિ પદવી ન ચહાવે... કોણ ૦૯

અનાદિને રસબસ ભાવે લુબ્ધ બનાવે,

નિજ મૂર્તિમાં પયસાકરવત્‌ થિજાવે... કોણ ૧૦

પુરુષોત્તમ પામવા પુરુષોત્તમરૂપ બનવું,

તેનું પ્રમાણ શ્રીમુખવાણી એકાવન ગણવું... કોણ ૧૧

સ્વામિનારાયણની મૂર્તિ ને મુક્ત અનાદિ,

તેને છેટાપણું કે જુદાપણું નથી કે’દી... કોણ ૧૨

એકમેક ઓતપ્રોત વાણાતાણાને ન્યાય,

તદ્‌રૂપ તલ્લીન થવે અંતરાય જાય... કોણ ૧૩

ક્ષણમાત્ર મૂર્તિથી દૂર જ્યારે ન રહેવાય,

આજ્ઞા વિહિત ક્રિયા કરનાર હરિ ત્યારે થાય... કોણ ૧૪

એવો લક્ષ્યાર્થ થવા મૂર્તિ ધ્યાન ધરાય,

ત્યારે અનાદિ મુક્તની પંક્તિમાં સ્હેજે ભળાય...  કોણ ૧૫

પરમએકાંતિકને અનાદિમુક્ત બનાવે,

રોમે રોમનું સુખ એકી હારે ભોગવાવે... કોણ ૧૬

પ્રભુ પ્રગટ અને મુક્ત પ્રગટ મળ્યા જ્યારે,

કાળ કર્મ માયા દેહ અવસ્થાઓ ગઈ ત્યારે... કોણ ૧૭

દૃઢ નિશ્ચય ને દૃઢ આશ્રય થયો હરિનો,

મૂળ અજ્ઞાન કાઢી નાશ કર્યો અરિનો... કોણ ૧૮

દેહ મૂક્યા પછી શ્રીજી ધામમાં તેડી જાશે,

તેવી માનીનતાને મૂકી આમ સમજાશે... કોણ ૧૯

દેહાદિક મુકાવી મોક્ષ હરિએ કીધો,

શ્રીજીરૂપ કરી અનાદિની પંક્તિમાં લીધો... કોણ  ૨૦

કૃતારથપણું માની હવે નિયમને પાળો,

ન્યૂન માનો નહિ ને છકી ન જાવો તે સંભાળો... કોણ ૨૧

પૂરું થઈ ગયું એમ માની બેસી ન રહેવું,

ધ્યાન કરી શ્રીજીનું સ્થિતિએ સુખડું લેવું... કોણ ૨૨

સ્વસિદ્ધ અનાદિ સ્વતંત્રપણે સુખ લે છે,

પાર સુખનો નહિ પામીને અપાર કહે છે... કોણ ૨૩

તેના જેવા થાવા દેહાંત તત્પર રહેવું,

એમ પોતાના જનને બાપાનું છે કહેવું... કોણ ૨૪

આવા શ્રીજીના સિદ્ધાંતો સમજાવનારા,

હતા બાપાશ્રી દાસાનુદાસને પ્યારા... કોણ ૨૫

  • ૧. આજ્ઞા પ્રમાણે • ૨. કામ-ક્રોધાદિક શત્રુઓ

કીર્તન-૩

(રાગ : આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી)

શ્રીજી સંકલ્પથી રે, બાપા પ્રગટ્યા કચ્છ મોઝાર;

વૃષપુર ગામમાં રે, પિતા પાંચા માતા દેવ દ્વાર... ૧

શ્રીજી સિદ્ધાંતને રે, બાપા સમજાવે ભલી ભાત;

મીઠી વાણીએ રે, નિત્યે કરીને નવલી વાત... ૨

શ્રીજીએ મોકલ્યા રે, સ્વ સિદ્ધાંતો કે’વા કાજ;

સુણજો સત્ય કહું રે, શ્રીજી છે સૌના શિરતાજ... ૩

પૂર્ણ પુરુષોત્તમ રે, સ્વામિનારાયણ ભગવાન;

એની આગળે રે, અવતાર સર્વે ભક્ત નિદાન...   ૪

સદાય દિવ્ય છે રે, સ્વામિનારાયણ એક પ્રગટ;

સમજી પહોંચશો રે, મૂર્તિના સુખમાં ઝટપટ...   ૫

મૂર્તિમાં જે રહે રે, તેનું અનાદિમુક્ત છે નામ;

સર્વથી શ્રેષ્ઠ છે રે, તે જ ખરેખરા પૂરણકામ...

મૂર્તિનું સુખ છે રે, રોમે રોમમાં અપરંપાર;

અનાદિ તેમાં થયા રે, સુખ ભોક્તાપણે તદાકાર... ૭

એ સુખ પામવા રે, કહે છે શ્રીજી કરવા ધ્યાન;

વિઘ્નો ટાળવા રે, લેજો અનુભવીથી જ્ઞાન...

દેહમાં હવે નથી રે, તમને રાખ્યા મૂર્તિની માંય;

કેવળ કૃપા કરી રે, હરિએ થિજાડ્યા સુખમાંય...   ૯

પાકો સિદ્ધાંત કે’છે રે, શ્રીજીનો સમજવા ખાસ;

શ્રીજી ને બાપા તણી રે, જય બોલો કે’ દાસાનુદાસ... ૧૦

કીર્તન-૪

બાપા પધાર્યા હરખ વધાર્યા, આવી અમારા જનમ સુધાર્યા.

કચ્છ દેશની પવિત્ર ભૂમિ, પાવન કણબી કુળમાં;

ખેડૂત કેરો વેષ ધરીને, મોતી પકવ્યાં ધુડ્યમાં... બાપા ૦૧

એવાં ઉત્તમ મોતી પાક્યાં, પરમહંસનો ચારો;

સુખ તલસતા જીવને આવ્યો, મૂર્તિસુખનો વારો...  બાપા ૦૨

સુખિયું થાવા સૂઝયું જેણે, જોયું આંખ ઉઘાડી;

શ્રીજી ને બાપાશ્રી મળિયા, દિવ્ય સુખ રહ્યા જમાડી... બાપા ૦૩

સાધનવાળા સિદ્ધ બદ્ધ પર, કૃપા વાપરી પૂરી;

દીન દાસ પર કૃપા થતાં, ન રહી આશ અધૂરી... બાપા ૦૪

કીર્તન-૫

બાપા આપ સદાય દિવ્ય રૂપે, ભેળા જ છો સર્વદા,

બાપા બાળક આપનાં અમ સહુ, તેને ભૂલો નહિ કદા;

બાપા આપ આ સમયમાં, આવી બિરાજ્યા અહીં,

બાપા બિરદ આપનું ઉર ધરી, રાખ્યા સદા મૂર્તિ મહીં... ૧

બાપા આપ મનુષ્ય સ્વરૂપે, જેવાં સુખો આપતા,

બાપા દિવ્ય નવીન સુખ તેવાં, આજે અમો માંગતા;

બાપા આનંદ આજ ઉર ઊલટે, તેથી સહુ ડોલતા,

બાપા ને ઘનશ્યામ કેરી જય હો, મુખે ઘણા બોલતા...   ૨

વાસી શ્રી વૃષપુરના ગુણનિધિ, આશિષ આપે મુદા,

કાપે સ્વાશ્રિતની સદૈવ કુમતિ, ટાળી બધી આપદા;

સારો બોધ કરે સહુ ચિત્ત ધરે, સંભાળ રાખે સદા,

મૂર્તિના સુખમાંહી સ્થાપન કરે, ન દૂર રાખે કદા... ૩

શ્રીજીની ઇચ્છા થકી જ પ્રગટ્યા, બાપા દયા દિલ ધરી,

વચનામૃત સુગ્રંથ કેરી વ્હાલે, રહસ્યાર્થ ટીકા કરી;

મૂર્તિમાં રસબસ જનોને કરવા, બે ભાગ વાતો થઈ,

પુરુષોત્તમ લીલામૃત ગ્રંથ કર્યો, વર્ણીજી દ્વાર લઈ... ૪

જે મુમુક્ષુ આ દિવ્ય ગ્રંથ સુણશે, હેતે કરી વાંચશે,

કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા, ઉત્તમ સુખો માણશે;

આશીર્વાદ દીધો અતિ બળ ભર્યો, પોતાનું બિરદ ગણી,

પામી આનંદ જય જય બોલો, શ્રીજી ને બાપા તણી... ૫

  • ૧. આનંદ

કીર્તન-૬

બાપા મળ્યા અણમોલ, ભાઈ અમને બાપા મળ્યા અણમોલ;

એની વાતોના નહિ મોલ, ભાઈ અમને બાપા મળ્યા અણમોલ...       ટેક

કોઈ કહે સસ્તા ને કોઈ કહે મોંઘા, પણ બાપા મળ્યા અણતોલ...       ભાઈ ૦૧

કોઈ કહે ભક્ત છે ને કોઈ કહે મુક્ત છે, પણ બાપાની મૂર્તિ અજોડ... ભાઈ ૦૨

કોઈ કહે આદિ ને કોઈ કહે અનાદિ, પણ બાપા હરિને તોલ... ભાઈ ૦૩

ત્યાગી ગૃહીના એ તો જીવનપ્રાણ, ગુરુ ગુરુના એ બોલ... ભાઈ ૦૪

શરણાગતને લાડ લડાવી, પૂરે સર્વના કોડ... ભાઈ ૦૫

જ્ઞાન સિદ્ધાંતોનો ઉપદેશ કરીને, કરે અનાદિની જોડ... ભાઈ ૦૬

દિવ્યભાવ બાપામાં જોઈને, મૂર્તિમાં રહી તું ડોલ... ભાઈ ૦૭

દાસાનુદાસને પ્યારા બાપા, દે છે મૂર્તિના કોલ... ભાઈ ૦૮

કીર્તન-૭

અમે તો બાપાનાં સંતાન, અમારા બાપા જીવનપ્રાણ...   ટેક

બાપાને શિર પાઘ સોહાવે, શોભે અંગરખીની ચાળ;

ગુલાબના હાર ગજરા બાજુ, ધારણ એ કરનાર... અમે તો ૦૧

પ્રેમીજનોને લાડ લડાવી, આપ્યાં સુખ અપાર;

ટાણે ટાણે દુઃખડાં કાપવા, સદાય છે તૈયાર... અમે તો ૦૨

બાપાશ્રી છે રક્ષક જેના, દ્રોહી શું કરનાર;

બાપાશ્રીના કર છે શિર પર, ભાગ્ય તેના અપાર... અમે તો ૦૩

બાપાશ્રીની વાણી તે છે, મૂર્તિ સુખ દેનાર;

જ્યારે વાતો વંચાય ત્યારે, બાપા બોલનહાર... અમે તો ૦૪

બાપાશ્રી આજ પ્રગટ મળ્યા તો, કોની હવે ઓશિયાળ;

દાસાનુદાસ કહે મસ્ત બનો ભાઈ, બાપા છે રખવાળ... અમે તો ૦૫

કીર્તન-૮

શ્રીજી મળ્યા બાપા મળ્યા, હવે અન્યની પરવા નથી;

મૂર્તિસુખ ઉત્તમ મળ્યું, હવે અન્યની ઇચ્છા નથી... ટેક

જો મળ્યા સર્વોપરી, સ્વામિનારાયણ મહાપ્રભુ;

ભજન કરતાં નાત તજશે તો, નાતની પરવા નથી... શ્રીજી ૦૧

નિયમ નિશ્ચય રાખશું, દૃઢ ટેક એક ઉર ધરી;

પક્ષ રાખતાં શિર જાય તો, શિરની પરવા નથી... શ્રીજી ૦૨

પ્રચાર કરશું સિદ્ધાંતનો, તન મન અને વળી ધનથી;

તેમ કરતાં જો ધન જશે તો, ધનની પરવા નથી... શ્રીજી ૦૩

સિદ્ધાંત બાપાશ્રી તણો, શૂરવીર થઈને રાખીશું;

રાખતાં જો દેહ જશે તો, દેહની પરવા નથી...   શ્રીજી ૦૪

ઝંડો અમે ફરકાવીશું, બાપાશ્રીના સિદ્ધાંતનો;

જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી... શ્રીજી ૦૫

ઘનશ્યામ પ્રભુ ને બાપાશ્રીને, રાજી કરવા છે ખરા;

દાસાનુદાસ કહે એ રીઝે તો, અન્યની પરવા નથી... શ્રીજી ૦૬

કીર્તન-૯

શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા, પ્યારા સ્વામી;

જય  બોલો  આનંદને પામી... ટેક

સર્વોપરી સૌના અવતારી, સ્વામિનારાયણ સુખકારી;

કોઈથી જાય નહિ કળ્યા, એવા ઘનશ્યામ મળ્યા... પ્યારા ૦૧

પાપ પુણ્ય સર્વેનાં તો બાળ્યાં, કર્મ અનેક જન્મનાં ટાળ્યાં;

ખાતાં વળી ગયાં, કરી પૂરી દયા... પ્યારા ૦૨

મારો હાથ ઝાલ્યો હરિવરે, અભય કર મૂક્યો મમ શિરે;

મુને એનો કર્યો, એ તો મારા થયા... પ્યારા ૦૩

નવી લીલાઓ કરી સુખ દીધાં, પ્રેમી જનોના કોડ પૂરા કીધા;

જન્મ સુફળ કર્યા, પૂરણકામ કર્યાં... પ્યારા ૦૪

વ્હાલે કોલ મૂર્તિના દીધા છે, રસબસ કરી રાખી લીધા છે;

કશી રહી નહિ ખામી, હું તો મહાપદ પામી... પ્યારા ૦૫

નથી દેશ પરદેશ તે કાંઈ, સદા ભેળા મૂર્તિસુખ માંહી,

ક્યારેય વિયોગ નથી, શ્રીજી કહે છે કથી... પ્યારા ૦૬

જુઓ શ્રીજીની કેવી દયા છે, સદા પ્રત્યક્ષપણે રહ્યા છે;

પ્રગટ પરચા આપે, દુઃખ જનનાં કાપે... પ્યારા ૦૭

વ્હાલા તમને રીઝવવાને ખાસ, નિત્ય વિનવે છે દાસાનુદાસ;

સદા ભેળા રહેજો, નિત્ય દર્શન દેજો... પ્યારા ૦૮

કીર્તન-૧૦

પ્રગટે અનાદિમુક્ત વૃષપુર, મૂર્તિમાં જન જોડવા;

તૃષ્ણા અવિદ્યા વાસનાનું ત્રિવર બંધન તોડવા... પ્રગટે   ટેક

દૃષ્ટિ કૃપાવૃષ્ટિ કરી, અઢળક ઢળ્યા હરિભક્ત પર;

દુક્ષણ દુરિત્ર દુઃખ દ્રોહ દારુણ, મોહ કટક મરોડવા... પ્રગટે ૦૧

દેહાત્મ મતિ ટાળી નિરંતર, નિકટ અંતર દાસની;

સર્વોપરી હરિ જ્ઞાન સુખનો, ખૂંટ અવિચળ ખોડવા... પ્રગટે ૦૨

શુદ્ધ પાત્ર સેવકમાત્રને, અક્ષર થકી ઊંચા કર્યા;

સત્તા સમર્પી ધ્યાન સ્થિતિની, દિવ્ય સુખમાં દોડવા... પ્રગટે ૦૩

અવતાર અને અવતારી, ઐશ્વર્ય ધારી ઈશ્વરો;

કેરી વિગતની ગુપ્ત ગ્રંથિ, સુગમતાથી છોડવા... પ્રગટે ૦૪

સત્સંગમાં વિચર્યા શું કારણ, શીખવવા સદ્‌-રીતને;

નિષ્કામ ભાવથી સકામપણાને, તુચ્છ ગણી તરછોડવા... પ્રગટે ૦૫

અભય અબજી ધાર કર, પાવન કચ્છ સૌ દેશ પર;

કવિ હમીરદાન નિદાન જાચક, મોટા કટકને મોડવા... પ્રગટે ૦૬

  • ૧. ભયંકર, ભયાનક • ૨. મુશ્કેલી, સંકટ • ૩. નિર્દય, કઠોર • ૪. યાચક • ૫. દૂર કરવું, મરડી તોડી નાખવું