બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનું ટાળ્યું

જીવનપ્રાણ અબજીબાપાશ્રી વિક્રમ સંવત ૧૯૦૧માં આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. ત્યારે બાપાશ્રીનો આ બ્રહ્માંડમાં ૭૫ વર્ષ દર્શન આપવાનો સંકલ્પ હતો.

વિક્રમ સંવત ૧૯૭૩ની સાલ ચાલતી હતી. એક દિવસ બાપાશ્રીએ સદ્‌ગુરુ આદિ સંતો તથા હરિભક્તોને ભેગા કરીને કહ્યું કે, “આ જોગ હવે ઝાઝા દિવસ નહિ રહે. કેમ જે અમને ૭૫ વર્ષ પૂરાં થયાં.” ત્યારે સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી બોલ્યા, “બાપા ! હજી તો બે વર્ષ બાકી છે. આમ ઉતાવળ કેમ ?” ત્યાં તો બાપાશ્રીએ કહ્યું કે, “૭૩ વર્ષના અધિક માસ ચોવીસ ગણીને અમે પંચોતેર કર્યાં છે.”  ત્યારે સદ્‌ગુરુશ્રીએ કહ્યું કે, “બાપા ! અધિક માસ તો ના ગણાય.” આ સાંભળી મોળું હાસ્ય કરતા બાપા બોલ્યા, “અમારે અહીં વેપારી અધિક માસનું વ્યાજ ગણે છે. માટે એ બધા માસ ગણો તો પૂરાં પંચોતેર થાય.” ત્યારે સદ્‌ગુરુશ્રી કહે, “વેપારી તો લોભિયા હોય તે વ્યાજ લે અને ગણે. પણ આપણે એમ ગણીને વર્ષ પૂરાં ન કરવાં જોઈએ.” સદ્‌ગુરુશ્રીનાં આવા વિનય વચનો સાંભળી બાપાશ્રીએ કહ્યું, “બહુ સારું મહારાજ. એમ નહિ ગણીએ.”

સંવત ૧૯૭૪ નો જેઠ માસ ચાલતો હતો. બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રીને પત્ર લખી જણાવ્યું, “આ પત્ર મળે એટલે તુરત વૃષપુર આવવું. તમારું જરૂરનું કામ છે.” આ વખતે કેટલાંક વ્યવહારિક કારણોસર સદ્‌ગુરુશ્રી નીકળી શક્યા નહીં. ત્યાં તો ફરી પાછો બીજો પત્ર આવ્યો. એમાં પણ બાપાશ્રીએ આ જ વાત લખી હતી. અને વળી, બે દિવસમાં બાપાશ્રીનો ત્રીજો પત્ર આવ્યો. આ પત્ર સદ્‌ગુરુશ્રીને વિસતપરામાં મળતાં ખૂબ ચિંતિત થયા. સદ્‌ગુરુશ્રી તો મનમાં અટકળ કરવા લાગ્યા : “શું કામ હશે ? બાપાશ્રીની શી મરજી હશે ? મંદવાડ તો ગ્રહણ નહિ કર્યો હોય ને ?” અને આવા સંજોગોમાં અમદાવાદ આવી સદ્‌ગુરુશ્રી વૃંદાવનદાસજી સ્વામી તથા ઘનશ્યામદાસજી સ્વામીને લઈ તાત્કાલિક પોતે ભૂજ થઈ, અષાઢ સુદ એકમની સાંજે વૃષપુર પધાર્યા.

સદ્‌ગુરુશ્રી આદિ સંતો મંદિરમાં આવ્યા ત્યારે બાપાશ્રી મંદિરમાં ઉપર ઊભા હતા. સદ્‌ગુરુશ્રીને આવેલા જોઈ બાપાશ્રી ખૂબ રાજી થયા અને કહ્યું, “એક મહિનાથી તમારી રાહ જોતા હતા. તમે ઘણી વાર લગાડી. અમારે મંદવાડ ગ્રહણ કરવો છે. તે આજ દિન સુધી ખમ્યા.”

સંતોએ આરતી તથા ધૂન કરી અને આસન કર્યાં. તેટલામાં તો બાપાશ્રીએ તાવ ગ્રહણ કર્યો. વળી ઊલટી અને બહિર્ભૂમિ (શૌચવિધિ) જવાનું થાય. આ રીતે બાપાશ્રીએ ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો.

આ લોકમાં દર્શન આપવાનો પોતાના પંચોતેર વર્ષનો સંકલ્પ પૂરો થયો ને બાપાશ્રી હવે આ લોકમાં દર્શન નહિ આપે. અને આ છેલ્લો મંદવાડ છે એવા સમાચાર જેને જેને મળ્યા તે સૌ સંતો અને હરિભક્તો અંતિમ દર્શન તથા સેવામાં જોડાઈ ગયા.

સૌ સંતો-હરિભક્તો બાપાશ્રી આ લોકમાં વધુ દર્શન આપે; પોતાનો અવરભાવ પૂરો ન કરે તે માટે સજળ નેત્રે મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા.

પોતાનો અંતર્ધ્યાન થવાનો સંકલ્પ જાણે દૃઢ હોય એમ બાપાશ્રીએ નારણપુરથી ધનજીભાઈને બોલાવી પોતાની મિલકતની વહેંચણી કરાવી લીધી. સૌ કોઈ અતિશય દિલગીર થઈ ગયા.

અષાઢ સુદ ૧૨ ની સવારે બાપાશ્રી પોતાનો ખાટલો ઉપડાવી મંદિરે દર્શને આવ્યા ને સૌની રજા માંગી. સદ્‌ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા, “સ્વામી ! રાજી રહેજો. રજા આપો ને આપણું મંડળ વિખરાય નહિ તેમ સૌની સંભાળ રાખજો. આપણે હવે મૂર્તિના સુખમાં અખંડ ભેળા રહીશું.” અને હેતવાળા સંતો અને હરિભક્તોના ઉપદેશ તેમજ આજ્ઞા કરતાં કહ્યું, “આ સદ્‌ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીની આજ્ઞામાં રહેજો. એમને રાજી કરજો. અને સૌ રાજી થઈ રજા આપો.”

સૌ સંતો-હરિભક્તો પ્રાર્થના-સ્તુતિ કરવા લાગ્યા. પરંતુ નિરર્થક. આખરે સદ્‌ગુરુ વૃંદાવનદાસજી સ્વામી અને સદ્‌ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ પ્રાર્થના કરી અને સદ્‌ગુરુશ્રીનાં વિનય વચનો સાંભળી બાપાશ્રી રાજી થઈ કહે, “અમે અંતર્ધ્યાન નહીં થઈએ. ચિંતા ન કરશો. અમે હજુ બીજાં દસ વર્ષ દર્શન આપીશું.” આમ બીજાં દસ વર્ષ વધાર્યાં. મહારાજની મરજી હોય એમ જ થાય ને ? આમ, સદ્‌ગુરુશ્રીના વચને બાપાશ્રીએ પોતાનો અંતર્ધ્યાન થવાનો સંકલ્પ ટાળી દીધો.