(રાગ : મૂર્તિમાં રહીને નીરખીએ રે...)
બાપાશ્રીની બાળલીલા રે, સૌને છે સુખદાઈ રે;
ચમત્કારી ને કલ્યાણકારી, સુખ દેનાર સદાઈ રે…બાપાશ્રી ટેક
પ્રગટ્યા કે તરત દિવ્ય પુરુષો, પૂજે છે બાળ રૂપ રે;
કુંકુમ ચંદન ને પુષ્પ હારે, માતા જુએ અનુપ રે…બાપાશ્રી ૦૧
છઠ્ઠીને દિવસે વાત બની રે, જુઓ મંગળકારી રે;
પુષ્પ ટોપી ને પુષ્પ કંદોરો, અંગરખરું સુખકારી રે…બાપાશ્રી ૦૨
તિલક ચંદ્રક અર્ચા સહિત છે, વિશાળ રૂડા ભાલ રે;
માતા સહિત સૌ આશ્ચર્ય પામ્યાં, મુક્તો કરી ગયા પૂજન રે…બાપાશ્રી ૦૩
બાળ રૂપનાં દર્શને આવે, મુક્ત ને દિવ્ય પુરુષ રે;
દર્શન પૂજન કરી જતા રહે, માતાને થાય દર્શન રે…બાપાશ્રી ૦૪
સંકલ્પ જાણી માતા કેરો, બોલે બાળ સ્વરૂપ રે;
મહિમા જાણી મુક્તો આવે, દર્શન કરવા અનુપ રે…બાપાશ્રી ૦૫
સ્તનપાન ક્યારેક કરે ન કરે, માસના માસ વીતી જાય રે;
તોપણ હૃષ્ટપુષ્ટ તાજા ને તાજા, જોઈને આનંદ ઉર ન સમાય રે…બાપાશ્રી ૦૬
ઘરમાંથી ખસતા ખસતા આવે, બાળ રૂપ બહાર રે;
દેવબાઈ જ્યાં જુએ છે ત્યાં તો, ભાલમાં ચંદન આડ રે…બાપાશ્રી ૦૭
કુંકુમનો છે ચંદ્રક મોટો, કંઠમાં ફૂલનો હાર રે;
આશ્ચર્ય પામી ઘરમાં જુએ તો, ફૂલ પડેલાં અપાર રે…બાપાશ્રી ૦૮
માતાએ બાળ સ્વરૂપને આપ્યું, દૂધ પીવાને ખાસ રે;
મોટા માણસ માફક જાણો, પી ગયા એકી શ્વાસ રે…બાપાશ્રી ૦૯
ક્યારેક હળવા ને ક્યારેક ભારે, તેડનારને જણાય રે;
માતાનું હાલરડું સુણી, પોઢે પારણિયામાંય રે…બાપાશ્રી ૧૦
માતાપિતાને સગાંસંબંધીને, પૂરો ન આવે ખ્યાલ રે;
બાપાની દિવ્ય બાળ લીલાથી, દાસાનુદાસ થાય ન્યાલ રે…બાપાશ્રી ૧૧
બાળપણથી જ મુક્તરાજ અબજીભાઈ નવી નવી લીલાઓ કરતા, ઐશ્વર્ય-પરચા-ચમત્કાર જણાવતા. અબજીભાઈની આવી અલૌકિક ચેષ્ટા જોઈ, સૌના માનસપટ પર સહેજે એવો વિચાર આવી જતો કે, આ બાળમુક્ત કોઈ સામાન્ય બાળક નથી પરંતુ બહુ સમર્થ અને મોટામુક્ત છે.અબજીભાઈ તો બાળપણથી જ એક-એક કે બે-બે માસ સુધી ઘણી વાર અન્ન-જળ કે દૂધ-દહીં લીધા વિના અખંડ મૂર્તિમાં જોડાઈ રહેતા. વળી ભાંખોડિયાં ભરતાં શીખ્યા પછી પણ દોડતા દોડતા ઘરમાં જ્યાં ઠાકોરજીનું સિંહાસન કે ઘરમંદિર હોય ત્યાં પહોંચી જતા અને આંગળી ચીંધી સહુને મહારાજની મૂર્તિ બતાવતા.
મુક્તરાજ અબજીભાઈ થોડા મોટા થયા પછી પણ મંદિર બનાવવું, મહારાજની મૂર્તિ પધરાવવી, મહારાજની સેવાપૂજા કરવી એવી રમતો રમતા. બાળ-સખાઓને ભેળા કરી વાડીએ લઈ જતા અને ત્યાં પાણા ઉપરાઉપરી ગોઠવી મંદિર કરે અને બાળ-સખાઓને મહાપ્રભુનું પ્રગટપણું સમજાવતા કહે કે, “જુઓ, આમાં મહાપ્રભુ દિવ્ય તેજોમય સ્વરૂપે બિરાજમાન થયા છે માટે સૌ દર્શન કરો.” બાળસખાઓને બેસાડી મહાપ્રભુના મહિમાની વાતો કરે તથા ધૂન્ય બોલાવી સૌને પ્રસાદી વહેંચતા. આમ, એમની બાળલીલાઓ પણ કંઈક જુદી જ તરી આવતી.
વળી, બાળસખાઓને પોતાની સાથે ધ્યાન કરવા બેસાડે ત્યારે બીજા બાળસખાઓ થોડી વાર આંખો મીંચી રાખે અને પાછા આંખો ખોલી રમવા લાગે. જ્યારે મુક્તરાજ અબજીભાઈ તો ધ્યાન કરવા આંખો મીચતાંની સાથે જ મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી જતા. બાળસખાઓ તેમને જગાડવા ઘણા પ્રયત્ન કરે પરંતુ અબજીભાઈ ધ્યાનમાંથી જાગ્રત ન થાય. એટલે બાળકો થાકીને પાછા રમવા લાગે. થોડી વારે અબજીભાઈ જાગે એટલે સૌ બાળસખાઓને બેસાડી મહાપ્રભુની દિવ્યમૂર્તિનું તથા સુખનું વર્ણન કરે, પરંતુ બાળસખાઓ મુક્તરાજની અલૌકિક સ્થિતિને સમજી શકતા નહીં.
એક વખત મુક્તરાજ અબજીભાઈએ બાળસખાઓ સાથે ધુબાકા મારી નાહવાનું નક્કી કર્યું. તેમાં એવી શરત કરી કે પાણીમાં ધુબાકો મારવો, પણ કોઈએ પાણીમાં ઊંડા ઊતરી જવું નહિ અને અડધું શરીર બહાર રાખવું. શરત મુજબ સૌ બાળકો પાણીમાં પડ્યાં પરંતુ કોઈ અડધું શરીર પાણીથી બહાર રાખી શક્યા નહીં. મુક્તરાજ અબજીભાઈનો વારો આવ્યો ત્યારે તેમણે તો ‘સ્વામિનારાયણ’ કહી ધુબાકો માર્યો અને બરાબર કેડ સુધી જ શરીર પાણીમાં ડૂબ્યું. આ જોઈ સર્વે બાળસખાઓ આશ્ચર્ય પામ્યા અને સૌ અંદરોઅંદર કહેવા લાગ્યા કે અબજીભાઈ આવું ઐશ્વર્ય કઈ રીતે જણાવતા હશે ! થોડી વારે અબજીભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે મેં સ્વામિનારાયણ નામ બરાબર મૂર્તિ સંભારીને લીધું ને ધુબાકો માર્યો, ત્યાં તો મહારાજનાં તેજોમય દર્શન થયાં અને જાણે મહારાજે પણ ભેળો ધુબાકો માર્યો એવું જણાણું અને તેથી આમ પાણીમાં રહેવાણું. આમ જ્યાં મુક્તરાજ અબજીભાઈ વર્ણન કરતા હતા ત્યાં બાળસખાઓએ કહ્યું કે, “તમે તો જ્યાં જાવ, જે કરો તેમાં મહારાજની જ વાત કરો છો. પોઢતા મહારાજ, જાગતા મહારાજ, જમાડતા મહારાજ, દોડતા મહારાજ, સ્નાન કરતા મહારાજ. આમ બધે મહારાજ... મહારાજ જ બોલ્યા કરો છો.” એવું બોલ્યા પરંતુ મુક્તરાજની આ દિવ્ય ચેષ્ટાનો મર્મ એ ક્યાંથી સમજી શકે ?
એક વખત મુક્તરાજ અબજીભાઈ બાળસખાઓ સાથે ઝાલમડી દાવની રમત રમતા હતા. બાળસખાઓ આ મુક્તરાજને પકડવા દોડે પરંતુ કોઈના હાથમાં પકડાય નહીં. બાળસખાઓ વધુ ઝડપે દોડીને જો પકડી લે તો બાથમાંથી નીકળી જાય. કોઈને ખબર ન પડે કે મુક્તરાજ કેવી રીતે નીકળી ગયા ? રમત પૂરી થઈ ત્યારે બાળસખાઓએ કહ્યું કે, “તમે બાથમાંથી કેવી રીતે નીકળી જતા હતા ?” ત્યારે મુક્તરાજ અબજીભાઈ કહે કે, “એ વાતની તો મને પણ કાંઈ ખબર નથી. હું તો મહારાજને સંભારીને દોડતો હતો અને મહારાજ ભેળા હતા. પછી એમને મૂકીને તમારી પાસે હું શું કરવા ઊભો રહું ?”
એક દિવસ મુક્તરાજ બાળસખાઓ સાથે ફરીથી ઝાલમડી દાવની રમત રમવા ગયા. સૌ સખાઓએ નક્કી કર્યું કે આ અબજીભાઈ આપણાથી પકડાતા નથી માટે સૌ ભેગા થઈને એમને પકડીએ તો જરૂર પકડાઈ જશે. એમ વિચાર કરી સૌ બાળસખાઓ અબજીભાઈને પકડવા દોડ્યા. પરંતુ આ શું ? જે બાળસખાઓ દોડતા હતા તે બધાયની આગળ આ મુક્તરાજ અબજીભાઈ જુદા જુદા રૂપે દેખાય. આ દૃશ્ય જોતાં સૌ બાળસખાઓ આભા જ બની ગયા. સૌ અબજીભાઈને પકડવા દોડ્યા પરંતુ પકડી ન શક્યા અને અંતે થાકીને બેઠા ત્યારે મુક્તરાજ ફરી એક રૂપે જેવા હતા તેવા જ બાળસખાઓની પાસે આવીને બેઠા. ત્યારે બાળસખાઓ બોલ્યા જે, “આજે તમે આવું નવીન શું કર્યું ?” ત્યારે મુક્તરાજ બોલ્યા કે, “મેં તો કાંઈ કર્યું નથી. મહારાજે તમને જે દેખાડ્યું હોય તે મહારાજ જાણે. તમે દોડતા દોડતા આજુબાજુ આમતેમ જોતા હતા, પણ હું તો કોઈ બીજા સામું જોતો ન હતો. હું તો મહારાજને જોઉં ને મહારાજ સાથે દોડું અને તમે તો જેને તેને જોતાં દોડો તે મને ક્યાંથી પકડી શકો ?” એમ કહી મંદ મંદ હસ્યા. બાળસખાઓએ આવું અલૌકિક ચરિત્ર જોઈ જાણ્યું કે, ‘જરૂર આ કોઈ ચમત્કારિક છે.’
આમ નિત્ય નવી નવી લીલાઓ જણાવતા મુક્તરાજની ઉંમર પાંચ વર્ષની થઈ.માતા-પિતાના આગ્રહથી મુક્તરાજે ભણવાનું ચાલુ કર્યું. ગુજરાતી પાંચ ચોપડીનું ભણતર પૂરું કર્યું. પરંતુ મુક્તરાજ આ ભણતર ભણવા થોડા આવ્યા હતા ? એ તો અનંતને મહાપ્રભુના સ્વરૂપની ઓળખાણ કરાવી ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા આવ્યા હતા.
મુક્તરાજ અબજીભાઈ ૯-૧૦ વર્ષની ઉંમરે તો સવારમાં વહેલા ઊઠી મૂર્તિનું ધ્યાન કરવા બેસી જાય. ત્યારબાદ શૌચવિધિ અને દાતણક્રિયા પતાવી મહાપ્રભુની મૂર્તિને સંભારતા થકા સ્નાન કરે. એક વસ્ત્ર પહેરી, એક ઓઢી મંદિરમાં જઈ પવિત્ર આસન ઉપર બેસી પૂજા કરે. સવારે અને સાંજે સુમધુર કંઠે વચનામૃત, ભક્તચિંતામણિ તથા નિષ્કુળાનંદ કાવ્ય જેવા ગ્રંથ વાંચી, સૌને મહારાજના ગૂઢાર્થ સમજાવે. એક એક શબ્દ પર મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ-પંડિતો કે સંપ્રદાયના મોટા મોટા સદ્ગુરુવર્ય સંતો અર્થ ન કરી શકે તેવા પરોક્ષાર્થનો પ્રત્યક્ષાર્થ આ મુક્તરાજ સમજાવતા. તેમની દરેક વાતમાં નાનપણથી જ એ વાત મુખ્ય આવતી કે “સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન છે. એકમેવાદિત્ય બ્રહ્મ, અજોડ અને સનાતન એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન જ છે. એમની મૂર્તિમાં રસબસ ભાવે રહેલા અનાદિમુક્તો અનેક છે અને ભગવાન સ્વામિનારાયણ એક છે. અનાદિમુક્તો ભોક્તા છે અને શ્રીજીમહારાજ દાતા છે. એમની આજ્ઞામાં રહેવું અને નિયમ-ધર્મમાં ખબરદાર થઈ મહાપ્રભુને રાજી કરવા.”
આમ બાળપણથી જે જે એમની વાતો સાંભળતા તેમને એવી પ્રતીતિ સહેજે જ થઈ આવતી કે આ મુક્તરાજ મહારાજના સંકલ્પથી જ પ્રગટ થયેલા છે. તેમ છતાં મુક્તરાજ તો પોતે પોતાનો પ્રતાપ ઢાંકી-ઢબૂરી સેવક ભાવે વર્તતા. કિશોર અવસ્થાને પામેલા આ મુક્તરાજને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે નંદસંતોનાં બનાવેલાં અગિયારસો ચાર-ચાર પદવાળાં કીર્તન મુખપાઠ આવડતાં. આ બધા ગુણો જ તેમની મહાનતાનું દર્શન કરાવતા. મુક્તરાજ જ્યારે મંદિરમાં ઠાકોરજી આગળ ઊભા રહી સુમધુર કંઠે કીર્તન બોલે કે તેમના મુખે સભામાં બેસી કથા વાંચે ત્યારે કેટલાય નિર્દોષ ભક્તોને સિંહાસનમાં બિરાજેલ મૂર્તિનાં દિવ્ય તેજોમય દર્શન થતાં. કેટલાયને તે વખતે અખંડ મૂર્તિ દેખાવા લાગતી. તો વળી કેટલાય ભક્તોને મહારાજ સાક્ષાત્ આ સભામાં આવીને બિરાજ્યા છે તેવાં દર્શન થતાં. અને કેટલાકને તેજના અંબારમાં મહારાજની સાથે આ મુક્તરાજનાં પણ દર્શન થતાં. આમ, મુક્તરાજ અબજીભાઈ સૌ પ્રેમી અને નિર્દોષ હરિભક્તોને દિવ્ય દર્શનનો અનુભવ કરાવતા. તો વળી પ્રસંગોપાત્ત પોતાનાં માતાપિતાને પણ દિવ્યભાવ જણાવતા.
એક વખત પાંચાભાઈ માંદા પડ્યા હતા. ઘણા દિવસથી માંદગીને લીધે તેઓ કાંઈ જ જમેલા નહીં. એક દિવસ શરીરે થોડું સારું થયું એટલે દેવબાએ પૂછ્યું કે “તમારે કાંઈ જમવું છે ?” પાંચાભાઈએ ખજૂર જમવાની ઇચ્છા બતાવી. પણ ખજૂર લાવવી ક્યાંથી ? બળદિયામાં ખજૂર મળે નહિ અને મળે તોપણ લાવવા માટે ઢીંગલા (પૈસા) હતા નહીં. તેથી દેવબાની આંખમાં આંસુ આવી ગયાં અને ચિંતા કરવા લાગ્યાં. એ જ સમયે મુક્તરાજ અબજીભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો. માતુશ્રીની આંખમાં આંસુ જોઈ કહ્યું, “શું થયું ? કેમ ચિંતા કરો છો ?” ત્યારે દેવબાએ બધી વાત કહી. મુક્તરાજ તો નિખાલસ ભાવે બોલ્યા, “તમે ચિંતા ન કરો. હું હમણાં જ ખજૂર લઈ આવું છું.” અને ૫-૧૦ મિનિટમાં જ મુક્તરાજ તો નવી - મોટી સુંદર ખજૂરનો થાળ ભરી ઘરમાં આવ્યા. ઠાકોરજીને ખજૂર ધરાવી પાંચા પિતાને તથા ઘરના સૌ સભ્યોને આપી અને પોતે પણ જમ્યા. આ અલૌકિક ચરિત્ર જોઈ માતુશ્રીએ પૂછ્યું, “હે મુક્તરાજ ! આ ખજૂર ઢીંગલા વગર ક્યાંથી લાવ્યા ?” મુક્તરાજ કહે, “હે માતુશ્રી ! હું ખજૂર લેવા બહાર નીકળ્યો ત્યાં તો શ્રીજીમહારાજ ખજૂરનો થાળ ભરી સામે મળ્યા અને મને એ થાળ આપતાં કહ્યું જે, “લ્યો આ ખજૂર. તમારા પિતાશ્રીને જમાડજો અને સૌને પ્રસાદી આપજો.” આમ મુક્તરાજના આવા નિત્ય બાળ ચમત્કાર જોઈ તથા મહારાજ સાથેની એકતા જોઈ માતાપિતા તથા ઘરના સૌ સભ્યોને પણ આ મુક્તરાજને વિષે દિવ્યભાવ વધવા લાગ્યો.
સંતો મંદિરમાં આવે ત્યારે મુક્તરાજ અબજીભાઈ સેવા કરવા માટે અડધા અડધા થઈ જાય અને દોડા-દોડ કરી મૂકતા. સંતોનાં આસન પાથરી આપવાં, વસ્તુ લાવી આપવી વગેરે સેવા કરવા મંડી પડતા. સંતો તેમનો મહિમા સમજી ના પાડતા છતાં સદાય નિર્માનીપણે જ વર્તતા. વળી કોઈને ત્યાંથી રસોઈનું સીધું લાવવાનું હોય તો દરેક આંટે એક એક વસ્તુ જ લાવે. ત્યારે સંતો કહે કે, “મુક્તરાજ ! આ એક આંટે બધું લાવી દેતા હોય તો વધુ આંટા ખાવા ન પડે ને !” ત્યારે મુક્તરાજ કહેતા, “સ્વામી ! સંતોની સેવા માટે વધુ આંટા ખાવા પડે તો મહારાજનો વધુ રાજીપો થાય ને !” કેવી સેવાની ધગશ અને ઉત્સાહ !
આમ, મુક્તરાજ અબજીભાઈનું સંપૂર્ણ બાળપણ સૌના માટે અત્યંત સુખકારી હતું.