ગૃહસ્થાશ્રમમાં ઉદાસીનતા તથા સાદાઈ

સ્ત્રી-પુરુષ આ બંને વર્ગને મુક્તરાજ અબજીભાઈનાં દર્શન-સમાગમનું સુખ મળે તે માટે પર્વતભાઈ જેવા મુક્તોની જેમ આ મુક્તરાજને પણ શ્રીજીમહારાજે ગૃહસ્થાશ્રમમાં રાખ્યા હતા. તેમ છતાં જગતના જીવ જેવી તેમની માયિક ક્રિયાઓ નહોતી. જે અનંતને માયાથી પર કરવા પધાર્યા હોય એ સ્વરૂપમાં માયા હોય જ ક્યાંથી ?

ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અબજીભાઈનું જીવન સંતો જેવું નિર્ગુણ હતું. સંસાર-વ્યવહારની કોઈ જ પ્રવૃત્તિમાં અબજીભાઈ મુદ્દલ પણ રસ દર્શાવતા નહીં. મોટા મોટા મુક્તોનો ગૃહસ્થાશ્રમ જેમ શ્રીજીમહારાજે અતિ દુર્બળ દેખાડ્યો હતો તેમ આ મુક્તરાજશ્રીનો વ્યવહાર પણ મહારાજે દુર્બળ રાખ્યો હતો. તેથી ઘરના સભ્યોના દેહનિર્વાહ અર્થે પ્રવૃત્તિ કરવી પડે તે પણ મહાપ્રભુની મૂર્તિમાં રહી કરતા. વળી પોતાના સંગમાં આવનારને પણ સંસારની પ્રવૃત્તિ તથા વ્યવહાર કરવાની રીતે શીખવતા અને કહેતા કે, “વ્યવહારને ગૌણ કરો અને મહારાજને મુખ્ય કરો.

મુક્તરાજશ્રી ખેતરમાં કે વાડીમાં કામ કરતા તેમાં પણ તેમની અલૌકિક ચેષ્ટાનાં દર્શન થતાં. ક્યારેક ખેતરે કોશ હાંકવા જતા ત્યારે કોશ પર બેઠા બેઠા પણ મૂર્તિમાં ઊંડા ઊતરી જતા. વળી કોઈ હરિભક્ત દર્શન કરવા આવે તો કોશ ચલાવવો મૂકી દઈ તેમની સાથે અખંડ મૂર્તિના સુખની વાતો કરવા બેસી જતા. ક્યારેક ખેતરમાં કે વાડીએ ધ્યાન કરવા બેસે તો ધ્યાનમાં ઊંડા ઊતરી જઈ સમાધિમાં જતા રહે તો વળી ક્યારેક પાંચ દિવસ તો ક્યારેક આઠ-દસ કે વીસ-વીસ દિવસ સુધી પણ સમાધિમાં બેસી રહેતા. આમ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં આવી અલૌકિક સ્થિતિનાં દર્શન થતાં સૌને સહેજે જ એ ભાવ દૃઢ થઈ આવતો કે આ મુક્તરાજશ્રી આપણા જેવા સંસારી નથી. તેઓ તો સદાય નિર્લેપ અને મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા છે.

મુક્તરાજ અબજીભાઈનું જીવન પણ સંપૂર્ણ સાદગીવાળું હતું. મુક્તરાજશ્રીનાં અલૌકિક ચરિત્રો જોતાં તો એમ જ લાગે કે આ કોઈક ચમત્કારી પુરુષ છે. પરંતુ એમનો દેખાવ જોતાં તો એવું જ લાગે કે આ કોઈક સામાન્ય પુરુષ છે. આમ સમર્થ થકા જરણા કરવું એવી સામર્થી સામાન્ય પુરુષમાં હોય નહીં. સગાં-સંબંધીમાં કોઈના લગ્ન પ્રસંગ હોય કે દિવાળી જેવા મોટા ઉત્સવના દિવસો હોય, પરંતુ મુક્તરાજશ્રી બહુધા કેડિયું, અંગરખું અને મસ્તકે સાફો એવાં સાદાં વસ્ત્રો જ પહેરતા. કોઈ સારાં વસ્ત્રો લાવી આપે તોપણ બીજાને આપી દે પરંતુ પોતે ગ્રહણ કરે નહીં.

જમવામાં પણ મુક્તરાજશ્રીની સાદગી અને નિઃસ્વાદીપણાનાં દર્શન સહેજે જ થઈ આવતાં. મુક્તરાજશ્રીને જમવામાં રોટલો આપ્યો હોય અને દાળ આપવાનું ભૂલી જવાય તો એકલો રોટલો જમી લે પરંતુ દાળ કેમ ન આપી એમ પણ કહે નહીં. ખીચડીમાં ઘી હોય તોય ભલે અને ન હોય તોય ભલે. કદી ખારું-મોળું કહેવાનું જ નહીં. બસ, મહાપ્રભુની મૂર્તિ સંભારી જમી લેવાનું. એટલું જ નહિ, કોઈ બે વચન કહી દે, વઢી નાખે, અપમાન કરે તોપણ કદી ગુસ્સે થાય નહીં. વળી ક્યારેક શરીરે તાવ આવ્યો હોય તો કોઈને કહે નહીં. અને જો કોઈને ખબર પડે ને ઔષધ લેવાનું કહે ત્યારે કહે “મહારાજ પોતાની મેળાએ સારું કરી દેશે. એ કરે તે ખરું...” આમ મુક્તરાજશ્રીના જીવનમાં ગૃહસ્થાશ્રમમાં તદ્દન અરુચિ તથા સાદગીભર્યું જીવન અને મહાપ્રભુનું મુખ્યપણું આવા ગુણોનાં દર્શન સ્પષ્ટ થઈ આવતાં.

આમ, અવરભાવની દૃષ્ટિએ અબજીભાઈ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંતોના જેવું નિર્લેપજીવન જીવતા અને અખંડ મૂર્તિમાં રહી અનંતને સુખ આપતા.