બળદિયાની બજારમાં, માણસ ઊભા ન માંય;
દેશી વિદેશી જન સહુ, સમુંદર સમ ઊભરાય...૧
કચ્છી કાઠિયાવાડીઓ, સિંધી અને ગુજરાત;
આવ્યા સૌ શુભ અવસરે, જન સહુ જુજવી જાત...૨
મહા અનાદિમુક્તનાં, દર્શન કરવાં કાજ;
બાપા અબજી આંગણે, અતિ ભીડ થઈ આજ...૩
સંપ્રદાયના મોટા મોટા સમર્થ સદ્ગુરુઓ પણ આ મુક્તરાજના જોગ-સમાગમનો તથા સેવાનો લાભ લેવા વૃષપુર આવતા અને ત્રણ, પાંચ, સાત, દશ દિવસ તો વળી મહિનો મહિનો પણ રોકાતા. એમ ધીરે ધીરે આ મુક્તરાજ અબજીભાઈ સૌના દ્વારા બાપાશ્રીના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા.
સદ્. ગોપાળાનંદ સ્વામીના વારસદાર એવા સમર્થ સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા બાપાશ્રી અરસપરસ એકબીજાનો ખૂબ મહિમા સમજતા. સદ્. નિર્ગુણદાસજી સ્વામી જ્યારે જ્યારે અમદાવાદથી ભૂજ મંદિરે પધારતા ત્યારે બાપાશ્રી પણ બે-બે, ચાર-ચાર દિવસ ભૂજ મંદિરે સદ્ગુરુશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેવા જતા. એવી જ રીતે સદ્ગુરુશ્રી પણ અવારનવાર બાપાશ્રીના જોગ-સમાગમનો લાભ લેવા વૃષપુર પધારતા અને આઠ-દસ દિવસ સુધી રોકાતા.
બાપાશ્રી મહાસમર્થ હોવા છતાં ઐશ્વર્ય પ્રતાપ તથા સામર્થીને ઢાંકી-ઢબૂરીને વર્તતા તેથી સદ્ગુરુશ્રી બહુધા બાપાશ્રી પાસે કથાવાર્તા કરાવતા અને બાપાશ્રી પણ સદ્ગુરુશ્રીની મરજી જાણી મૂર્તિના સુખની વાતો કરતા. સદ્ગુરુશ્રી બાપાશ્રીનો અપાર મહિમા સમજતા એ જોઈ હરિભક્તોને પણ એવી પ્રતીતિ થવા લાગી કે મહાસમર્થ સદ્. ગોપાળાનંદ સ્વામીના વારસદાર એવા સદ્ગુરુશ્રી પણ આમનો આટલો બધો મહિમા સમજે છે માટે જરૂર એ કોઈક મોટા પુરુષ છે.
વળી સદ્ગુરુશ્રી બાપાશ્રીનું પૂજન કરે, હાર પહેરાવે ત્યારે બાપાશ્રી કહે કે, “સ્વામી ! અમે તો તમારા પ્રતાપે સુખિયા છીએ, તમે આમ શું કરો છો ? અમારાથી ભાર નહિ ખમાય !” ત્યારે સદ્ગુરુશ્રી કહેતા કે, “ભાર ખમનારા બહુ સમર્થ છે. તમે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છો ને આમ ઢાંક્યું ક્યાં સુધી રાખશો ? હવે તો સુખની લ્હાણી કરો. અનંતને મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા કરવા માટે તો મહારાજે તમને મોકલ્યા છે, માટે હવે તો સૌને સુખિયા કરો.” એમ કહી સૌને બાપાશ્રીનો મહિમા સમજાવતા.
વળી સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તો જ્યારે ભૂજથી અમદાવાદ પધારે ત્યારે ત્યાં પણ સભામાં બાપાશ્રીનો મહિમા જણાવતા કે, “જેને આ ટાણે શ્રીજીમહારાજનું સુખ વહેલું જોઈતું હોય તેણે વૃષપુર ગામમાં અનાદિ મહામુક્તરાજ અબજીભાઈ પ્રગટ થયા છે તેમનો જોગ, સમાગમ અને સેવા કરી રાજી કરવા. એ અખંડ મૂર્તિમાં રહે છે. એમની સર્વે ક્રિયાના કરનારા સ્વયં શ્રીહરિ છે. વળી કેટલાક હરિભક્તો દેહ મૂકે છે ત્યારે તેમને શ્રીજીમહારાજ સાથે તેમનાં પણ તેજોમય દર્શન થાય છે.” આવી રીતે બાપાશ્રીનો મહિમા કહી જે જે પોતાના જોગમાં આવતા તેમને વૃષપુર બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા જવાની આજ્ઞા કરતા. આમ દિનપ્રતિદિન બાપાશ્રીનો મહિમા સમગ્ર સત્સંગ સમાજમાં વધવા લાગ્યો અને વૃષપુર ગામમાં બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા માટે સંતો-હરિભક્તોની ભીડ થવા લાગી.