મુક્તરાજને વિષે માતાપિતાને દિવ્યભાવ તથા અંત અવસ્થા

મુક્તરાજ અબજીભાઈ નિત્ય નવાં નવાં અલૌકિક ચરિત્રો જણાવતા જેથી  માતા-પિતાને તથા ઘરના સૌ સભ્યોને એ નક્કી સમજાઈ ગયું હતું કે આ મુક્તરાજ અબજીભાઈ કોઈ સામાન્ય મનુષ્ય જેવા નથી. એ તો મહાપ્રભુના સંકલ્પથી પધારેલા અનાદિમુક્ત છે. પરિણામે સૌ સભ્યો તેમનો ખૂબ મહિમા સમજી સેવા કરતા.

વળી મુક્તરાજ અબજીભાઈ હવે ઉંમરે કિશોર વયના થયા હતા તથા પોતાના ઘરના સભ્યોના દેહનિર્વાહ અર્થે ખેતર તથા વાડીએ જવાનું પણ ચાલુ કરી દીધું હતું. આ બધું જોઈ માતાશ્રી દેવબાને પણ મુક્તરાજ અબજીભાઈની કોરનો સંપૂર્ણ સંતોષ હતો. વળી દેવબાને વૃદ્ધઅવસ્થા આવી ગયેલ હોવાથી શરીરે ક્યારેક ઠીક રહે, ક્યારેક ઠીક ન રહે એવું રહ્યા કરતું. જેથી દેવબાએ પોતાની વૃત્તિઓને પાછી વાળી મહાપ્રભુનાં ભજનભક્તિમાં જોડી દીધી. રાત્રિ-દિવસ ઘરમાં આરામ કરતા કરતા આ મુક્તરાજનાં દર્શન તથા સમાધિ આદિ ઐશ્વર્યો જોઈને, પોતે પણ મહારાજની મૂર્તિનું અહોનિશ ચિંતવન કરી સુખિયા રહેતા.

એક દિવસ દેવબા મુક્તરાજ અબજીભાઈને પોતાની પાસે બોલાવી કહેવા લાગ્યાં જે, “ભાઈ ! તમે મહાપ્રભુના સંકલ્પથી મારે ઘરે પ્રગટ થયા છો. અને અનંત જીવોનાં કલ્યાણ કરો છો. મહાપ્રભુએ કેવળ કૃપા કરી આપ જેવા અનાદિમુક્તની સેવા કરવાનો લ્હાવો મને આપ્યો છે. એ હું જાણું છું તોપણ મારાથી જાણે-અજાણે આપને કાંઈ કહેવાઈ ગયું હોય કે મનમાં કાંઈ સંકલ્પ થઈ ગયો હોય, તો તે સર્વે ગુના માફ કરજો. હવે મારાથી આ શરીરથી તમારી સેવા થઈ શકે તેમ જણાતું નથી. તો દયા કરી મને મહાપ્રભુની મૂર્તિ ન ભુલાય અને અખંડ એ મૂર્તિમાં સંલગ્ન બની રહું એવી દયા કરજો અને મારા ઉપર રાજી રહેજો.”

માતુશ્રીનાં આવાં વચનો સાંભળી મુક્તરાજશ્રીએ ધીરજ આપવા માંડી : “આપણે તો મહારાજ જેમ રાખે તેમ રહેવાનું છે. માટે મૂર્તિ વિના બીજો કોઈ જ સંકલ્પ કરવો નહીં. સદાય દિવ્ય, સાકાર અને તેજોમય એવા જે સર્વોપરી, સર્વ અવતારના અવતારી અને સુખમય સ્વરૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમની આપણને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે. હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. વળી, આપે તો મહાપ્રભુને ખૂબ રાજી કર્યા છે અને એટલે જ તો મહાપ્રભુએ આપને દિવ્ય તેજોમય તેજ તેજના અંબારમાં દિવ્ય દર્શન આપી વર માંગવાનું કહ્યું હતું. અનંત અક્ષરાદિક અવતારોને આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનાં દર્શન પણ થતાં નથી અને એવા સર્વોપરી ભગવાન આપણી સાથે વાતો કરે તેથી અધિક કૃપા બીજી કઈ જાણવી ? માટે તમારે તો સદાય આનંદમાં જ રહેવું.” મુક્તરાજશ્રીનાં આવાં મધુર વચનો સાંભળી દેવબા ઘણાં રાજી થયાં અને પ્રેમભીના નેત્રે ગદ્‌ગદ થઈ હાથ જોડ્યા.

બીજા દિવસે સવારમાં દેવબા પાંચાભાઈને પોતાની પાસે બેસારીને કહેવા લાગ્યાં જે, “હવે મારા દેહનો નિરધાર નથી. મહારાજની જેમ મરજી હશે તેમ થશે. પરંતુ મારે આપને થોડું કહેવું છે જે, “મહાપ્રભુના આપેલા આશીર્વાદથી આપણે ઘેર અનાદિમુક્તરાજ અબજીભાઈનું પ્રાગટ્ય થયું છે. એ આપણા ઉપર મહાપ્રભુની અઢળક કૃપા છે. આજ સુધી આપણે એમનાં ઘણાં બધાં ચરિત્રો જોતાં આવ્યાં છીએ. પરંતુ જાણે નિત્યે નવાં ને નવાં જ દર્શન થતાં. વળી એમની વાતોમાં પણ ‘મહારાજ ! મહારાજ ! ને મહારાજ !’  એમ મહાપ્રભુનું જ મુખ્યપણું જણાય છે.મોટા મોટા સંતો આવે છે તે પણ એમનો મહિમા સમજે છે અને એમને રાજી કરવાની ત્વરા દર્શાવે છે.માટે હું ધામમાં જાઉં ત્યારપછી આપ એમને કદી વઢતા નહિ આટલું મારું વચન જરૂર માનજો. મને ઘણી વાર મહાપ્રભુની મૂર્તિ ભેળા આ મુક્તરાજનાં પણ દિવ્ય તેજોમય દર્શન થતાં. પણ હું તમને કહેતી નહીં. એમને તો મહારાજ વિના બીજું કાંઈ છે જ નહીં. એમનો મહિમા ઝાઝો તો કેટલો કહું પણ એટલું જરૂર જાણજો કે આપણા ઉપર મહારાજની અઢળક કૃપા છે. માટે આ મારા પુત્ર છે કે અમારા જેવા છે એવો ભાવ આ મુક્તરાજને વિષે ક્યારેય પરઠતા નહીં. શ્રીજીમહારાજે એમ કહ્યું હતું કે અમારા અનદિમુક્ત અમારા જેવા કહેવાય અને તે અનાદિમુક્ત આપણને સેવા કરવા યોગ્ય થયા છે. માટે તેમનો ખૂબ મહિમા સમજજો.”

મુક્તરાજશ્રીનો આટલો મહિમા કહેતાં દેવબા ગદ્‌ગદ થઈ ગયાં અને હાથ જોડ્યા ત્યારે પાંચાભાઈએ કહ્યું જે, “તમારે મુક્તરાજની કાંઈ ચિંતા કરવી નહીં. એ તો અનંતને સાચવે એવા સમર્થ છે. સત્સંગમાં એમનાં દર્શને અનંત જીવો સુખિયા થાય છે. વળી મોટા મોટા સંતો પણ એમનો જોગ કરે છે અને રાજી કરવાની ત્વરા દર્શાવે છે. તે શું હું નથી જાણતો ? હું બધું જ જાણું છું. મને પણ મુક્તરાજને વિષે અખંડ દિવ્યભાવ વર્તે છે. માટે તમે એવી ચિંતા રાખશો નહીં. આમ દેવબા અને પાંચાભાઈ અરસપરસ એકબીજાને આ મુક્તરાજશ્રીનો મહિમા કહેતા.

એક દિવસ દેવબાને તાવની પીડા ખૂબ વધી ગઈ અને શરીર પણ ઠંડું પડવા લાગ્યું ત્યારે દેવબાએ મુક્તરાજ અબજીભાઈને પાસે બોલાવી એક કીર્તન બોલવા પ્રાર્થના કરી. ત્યારે મુક્તરાજ તો મહાપ્રભુની દિવ્ય મૂર્તિનું વર્ણન કરતા “વંદું સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ...” એ કીર્તન ગાવા લાગ્યા. દેવબા કીર્તનમાં આવતા મહાપ્રભુનાં દિવ્ય અંગોના વર્ણન મુજબ મહાપ્રભુની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાનમાં મહાપ્રભુનાં તથા આ મુક્તરાજનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને બે હાથ જોડતાં જ મહાપ્રભુએ તેમના ચૈતન્યને પોતાની મૂર્તિમાં ખેંચી લીધો.

દેવબા મહાપ્રભુની મૂર્તિના સુખે સુખિયા થયા બાદ પાંચાભાઈ પણ આ મુક્તરાજનો ખૂબ મહિમા સમજી સેવા કરતા હતા. પરંતુ વૃદ્ધાવસ્થાને લીધે પણ શરીરે કસર વર્ત્યા કરતી. જે દિવસે પાંચાભાઈ ધામમાં જવાના હતા તે દિવસે મુક્તરાજ તેમની પાસે બેસી મહાપ્રભુના લીલાચરિત્રની વાતો કરવા લાગ્યા. મુક્તરાજના મુખે આ બધી વાતો સાંભળતાં જ પાંચાભાઈની વૃત્તિઓ મહાપ્રભુના સ્વરૂપમાં જોડાઈ ગઈ. પાંચાભાઈ બે હાથ જોડી આ મુક્તરાજશ્રીને વિનય વચને કહેવા લાગ્યા જે, “મને પણ તમારાં માતુશ્રીની પેઠે ઠેઠ મહાપ્રભુની મૂર્તિમાં મૂકી દેજો. મારી કાંઈ ભૂલચૂક થઈ હોય કે વાંકગુનો થયો હોય તો સર્વે માફ કરજો. અને મારા ઉપર રાજી રહેજો.” એમ પ્રાર્થના કરતા પાંચાભાઈની આંખમાં પ્રેમનાં આંસુ આવી ગયાં. ત્યારે મુક્તરાજ બોલ્યા જે, “કાંઈ ભૂલેય નથી, ચૂકેય નથી. એક મહાપ્રભુની મૂર્તિ છે. માટે મહાપ્રભુની મૂર્તિનું ધ્યાન કરો.” એમ વચન સાંભળતાંની સાથે જ પાંચાભાઈએ મહાપ્રભુના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કર્યું. ધ્યાન કરતાની સાથે જ મહાપ્રભુની સાથે આ મુક્તરાજશ્રીનાં પણ દિવ્ય તેજોમય દર્શન થયાં અને મહાપ્રભુએ પાંચાભાઈના ચૈતન્યને પણ મૂર્તિના સુખમાં મૂકી દીધો. આમ માતા-પિતાને મુક્તરાજે દિવ્યભાવ જણાવી મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા કર્યાં.