નળકંઠામાં દિવ્ય વિચરણ તથા આશીર્વાદ

સંવત ૧૯૭૯ના મહા સુદ ૧૦ ને રોજ મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ પતાવી બાપાશ્રી મણિપુરા પધાર્યા. ત્યારે મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી બાપાશ્રી જોશીપુરા, કલ્યાણપુરા, ધર્મપુર, વિશોતપુરા, કડી થઈ અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં બાપાશ્રીના અતિ કૃપાપાત્ર એવા બળદેવભાઈ શેઠનો આગ્રહ, પ્રેમ અને ભક્તિભાવ જોઈ બાપાશ્રીએ તેમની મિલમાં ઉતારો કર્યો. દરરોજ સવારે બાપાશ્રી બળદેવભાઈ શેઠની મોટરમાં (ગાડીમાં ) બેસી મંદિરે દર્શન કરવા જતા. મંદિરમાં પણ બાપાશ્રીના આગમનથી આનંદ આનંદ થઈ જતો. સૌ સંતો-હરિભક્તોના આગ્રહથી બાપાશ્રી મંદિરમાં બિરાજી સૌને કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા.

એક દિવસ નળકંઠાથી પ્રેમી હરિભક્તો બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેવા આવ્યા હતા. તેઓએ દર્શન-સમાગમનો લાભ લીધા પછી ઘરે પાછા વળતી વેળાએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “હે બાપા ! આપ કૃપા કરી અમારા ગામમાં દર્શન દેવા પધારો તો સારું. ઘણા જીવો આપનાં દર્શન-સમાગમનો લાભ લેવા વાટ જોઈ રહ્યા છે માટે આપ કૃપા કરી પધારો અને સૌને સુખિયા કરો.” નળકંઠાના આ પ્રેમીભક્તોનો નિર્દોષ ભાવ જોઈ બાપાશ્રી રાજી થઈ ગયા અને બાપાશ્રીએ કહ્યું જે, “અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ માટે તમારી પ્રાર્થના સ્વીકારી અમે તમારા ગામમાં આવીએ છીએ.” એમ કહી બાપાશ્રી તથા મોટા મોટા સંતો બળદેવભાઈ શેઠની ગાડીમાં બેસી નળકંઠામાં દેવ ધોલેરા, ઝાંપ, વનાળીયા, ઉપરદળ, રેથળ આદિ ગામોમાં થઈ વાંસવા ગામે પધાર્યા. ત્યાં સૌ પ્રેમી હરિભક્તોએ બાપાશ્રીનું સામૈયું કર્યું. બાપાશ્રીએ પણ રાજી થકા પોતાના દિવ્ય હસ્તે આ વાંસવા ગામે બાઈઓના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. સૌ હરિભક્તો પણ બાપાશ્રી પધાર્યા હતા તેના આનંદમાં નાચવા અને કૂદવા લાગ્યા. અને જોતજોતામાં તો આનંદોત્સવનું વાતાવરણ ઊભું થઈ ગયું.

વાંસવા ગામના સૌ હરિભક્તોને સુખિયા કરી, પ.ભ. જેઠાભાઈના આગ્રહથી બાપાશ્રી વાસણ ગામ પધરામણી માટે પધાર્યા. જેઠાભાઈએ ખૂબ મહિમાસભર હૈયે બાપાશ્રીને પોતાના ઘરે વધાવ્યા અને બાપાશ્રીનું પૂજન કર્યું. બાપાશ્રી પણ જેઠાભાઈના નિર્દોષ ભાવને જોઈ ખૂબ રાજી થયા અને સૌ હરિભક્તોને મહાપ્રભુના મહિમાની વાતોનો થોડી વાર લાભ આપ્યો. સભાની પૂર્ણાહુતિ થયા બાદ જેઠાભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “હે બાપા ! આપ સદાય અમારી ઉપર રાજી રહેજો અને મહારાજ સાથે સદાય આ ઘરમાં બિરાજમાન રહેજો.” ત્યારે જેઠાભાઈની પાસે ઊભેલા અન્ય હરિભક્તે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “હે બાપા ! જેઠાભાઈ બહુ ભલા અને નિર્દોષ ભક્ત છે. આપ એમના ઉપર રાજી થજો અને એમને મુક્ત સમો એક દીકરો પ્રાપ્ત થાય એવી દયા કરજો.” પ્રાર્થના સાંભળતાં જ બાપાશ્રી બોલ્યા જે, “શું કહો છો ? જેઠાભાઈને એકેય દીકરો નથી ? જેઠાભાઈ, જાવ તમારે ઘેર એક નહિ પરંતુ બે-બે દીકરા થશે, પરંતુ એક શરત છે.” ત્યારે અધીરા બનેલા જેઠાભાઈએ પૂછ્યું, “શું બાપા ?” બાપાશ્રી બોલ્યા જે, “બે દીકરા થશે, પરંતુ આધા તુમ્હારા અને આધા હમારા.”

આમ બાપાશ્રીએ આપેલા આશીર્વાદ મુજબ જેઠાભાઈના ઘરે બે દીકરાનો જન્મ થયો. તેમાં “આધા તુમ્હારા” એટલે મોટા દીકરા રતિભાઈ અને “આધા હમારા” એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના આદ્યસ્થાપક એવા આપણા સૌના વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી.