રહસ્યાર્થ વચનામૃત ગ્રંથની રચના તથા આશીર્વાદ

સ્વયં શ્રીજીમહારાજ પોતાની સર્વોપરી ઉપાસના, અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિના સુખનું અપારપણું, તો વળી ધ્યાન-ભજન, અંતર્વૃત્તિ-ધર્મનિયમની દૃઢતા આદિ અનંત પ્રકારની વાતો અને સહેજે સહેજે જીવમાંથી શિવ કહેતા અનાદિમુક્ત કરી મૂર્તિના સુખમાં રમાડનારી વાતો જ્યારે બાપાશ્રીના મુખે કરતા હોય ત્યારે અનંત જીવોને લાભ મળે તેવા આશયથી સદ્‌ગુરુશ્રીને અંતરમાં કાયમ સંકલ્પ રહ્યા કરતો કે આ વાતોનો સંગ્રહ થાય તો સારું.

વિ.સ. ૧૯૬૨માં કચ્છમાં રામપુર ખાતે મુક્તરાજ ધનબાએ ચૈત્ર વદ ૨થી વૈશાખ સુદ ૧ સુધી પારાયણ કરાવવાનું નક્કી કર્યું અને બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “આ પારાયણમાં આપ પધારો અને  સાથે સદ્‌ગુરુઓને પણ લાવો.” બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રી પર પત્ર લખાવ્યો કે, “રામપુરમાં સાંખ્યયોગી ધનબાએ પારાયણ બેસાડવાનું નક્કી કર્યું છે, તો તમે સૌ સંતો મંડળે સહિત કચ્છમાં આવો.”

બાપાશ્રીનો પત્ર મળતાં સૌ સંતો રાજી થયા અને સદ્‌.વૃંદાવનદાસજી સ્વામી, સદ્‌.ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદ્‌.ઘનશ્યામજીવનદાસજી સ્વામી આદિ સદ્‌ગુરુઓ અમદાવાદમાં ચૈત્ર સુદ ૯નો હરિનવમીનો સમૈયો કરી કચ્છમાં પધાર્યા. આ યજ્ઞમાં બાપાશ્રી તથા સદ્‌ગુરુઓએ સૌને દર્શન-સમાગમનું સુખ આપ્યું અને સૌને રાજી કર્યા. મુક્તરાજ ધનબા પણ બાપાશ્રી અને સદ્‌ગુરુશ્રીના પધારવાથી તો વળી ઘણા બધા સંતો-હરિભક્તોએ લાભ લીધો તેનાથી રાજી થયાં. યજ્ઞ-પારાયણની પૂર્ણાહુતિ બાદ સૌ સંતો-હરિભક્તોને લઈ બાપાશ્રી સદ્‌ગુરુઓ સહિત વૃષપુર પધાર્યા.

પરંતુ રસ્તામાં સદ્‌ગુરુશ્રીના મનમાં એક જ વાત ઘોળાયા કરે કે, “વર્તમાનકાળે બાપાશ્રી મૂર્તિના સુખની નિત્ય નવી અનંત પ્રકારની વાતો કરી ખાંગા કરી રહ્યા છે ત્યારે અનંતજીવોના સમાસને અર્થે બાપાશ્રીની વાતોનો જો સંગ્રહ કરવામાં આવે તો બહુ સારું. પણ બાપાશ્રી જો આ વાતો લખાવવાની આજ્ઞા આપે તો જ લખાય, મરજી વગર લખાય કેમ ?”

વિચારમાં ને વિચારમાં વૃષપુર પહોંચ્યા. ઠાકોરજીનાં દર્શન કરી કથાવાર્તા, નિયમ-ચેષ્ટા પતાવી સૌ હરિભક્તો ઘેર ગયા અને સૌ સંતોએ આસન કર્યાં, ત્યારે રાત્રિના બાર થયા. વૈશાખી પૂનમનો પૂર્ણચંદ્ર આકાશમાં સોળે કળાએ ખીલ્યો હતો અને બાપાશ્રી પણ પ્રસન્નવદને પોતાના આસને બિરાજ્યા હતા.

રામપુરથી વળતાં પોતાના મનમાં ઉદ્‌ભવેલા વિચારો બાપાશ્રીની આગળ એકાંતમાં રજૂ કરવાની તક જોઈ, કઈ રીતે રજૂ કરવા તે પોતે વિચારી રહ્યા હતા, ત્યાં તો અંતર્યામીપણે બાપાશ્રી બોલ્યા, “સ્વામી ! દર વર્ષે તમે અહીં આવો છો અને જોગ-સમાગમ કરી રાજી થાવ છો. વાતો સાંભળો છો...ભારે ભારે પ્રશ્ન-ઉત્તર થાય છે અને નર્યો દિવ્યભાવ વર્તાય છે. સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા ત્યારથી તમે વખતોવખત આવો છો પણ આ વાતોની યાદી થતી નથી. જો આ વાતોની યાદી થાય તો આગળ જતાં અનંત જીવોને સમાસ થાય.”

સદ્‌ગુરુશ્રીના આનંદનો પાર ન રહ્યો. પોતાના મનની વાત બાપાશ્રીએ કરી અને સદ્‌ગુરુશ્રી તો રાજી રાજી થઈ ગયા. આનંદમગ્ન બનેલા સદ્‌ગુરુશ્રી બોલ્યા, “બાપા ! મને તો ઘણુંય થાય છે કે લખું, પણ આપની આજ્ઞા વગર કેમ લખાય ? આપની આજ્ઞા કઈ રીતે લેવી એ જ વિચાર આવતો.” ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી ! હવેથી લખતા રહેજો, નકરો પરભાવ ચાલ્યો આવે છે. આગળ જતાં એ વાતો ઘણાંને સમાસ કરશે..” અને આ રીતે બાપાશ્રીના મુખારવિંદમાંથી નીકળતી શ્રીહરિના મહિમાની જ્ઞાનગંગાને ઝીલવાનું અલૌકિક કાર્ય શરૂ થયું વિ.સં. ૧૯૬૨ ના વૈશાખ વદ ૧થી. સદ્‌ગુરુશ્રીએ કાગળ અને કલમ મંગાવ્યાં અને બાપાશ્રીની વાતોનો સંગ્રહ કરવાનું શરૂ થયું.

બાપાશ્રી મંદિરમાં હોય, વાડીએ હોય, અન્ય ગામોમાં ઉત્સવ-સમૈયા પ્રસંગો હોય કે કરાંચીનું વિચરણ હોય પણ બાપાશ્રીની સાથે સદ્‌ગુરુશ્રી હોય ત્યારે સદ્‌ગુરુશ્રીનું લેખનકાર્ય તો ચાલુ ને ચાલુ જ હોય. વાતોનો સંગ્રહ થતો જાણી અન્ય સદ્‌ગુરુઓ તથા સંતો-હરિભક્તો પણ અવનવા પ્રશ્નો પૂછતા અને બાપાશ્રી પણ રાજી થકા વિવિધ પ્રકારે વાસ્તવિક ઉત્તર કરતા ને મૂર્તિસુખની લહાણી કરતા.

જોગાનુજોગ એ અરસામાં અમદાવાદના બળદેવભાઈ શેઠ સદ્‌ગુરુશ્રીના જોગમાં આવ્યા. મોરબી ખાતેના સદ્‌ગુરુશ્રીના વિચરણ દરમિયાન સદ્‌ગુરુશ્રીની દિવ્યપ્રતિભા જોઈ સદ્‌ગુરુશ્રી પ્રત્યે શેઠને ખેંચાણ થયું અને દિવ્ય ભાવે સદ્‌ગુરુશ્રીનો સમાગમ કર્યો. મહારાજ અને બાપાશ્રીનાં સ્વરૂપ તથા સિદ્ધાંતોની ઓળખાણ થઈ તથા જ્ઞાન સમજાયું.

સદ્‌ગુરુશ્રીએ બળદેવભાઈ શેઠને કહ્યું, “બળદેવભાઈ ! બાપાશ્રી તો શ્રીજીમહારાજના અંગત રહસ્યને અને સિદ્ધાંતોને યથાર્થ જાણનારા છે અને એના પ્રવર્તન માટે તો બાપાશ્રીનું પ્રાગટ્ય છે. તો બાપાશ્રીના મુખે વચનામૃતના જે-જે પ્રશ્ન-ઉત્તર થાય છે તેનું લખાણ થાય અને ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ થાય તો સામાન્ય જીવોને પણ સહેજે શ્રીહરિનાં ગૂઢ રહસ્યો સરળ રીતે સમજાય. માટે બાપાશ્રી જ્યારે પધારે ત્યારે વિનય વચને બાપાશ્રીને પ્રાર્થના કરી રાજી કરજો અને ટીકાવાળાં વચનામૃત છપાવવાની મંજૂરી લેજો.”

વિ.સં. ૧૯૬૯માં અશ્લાલીનાં સાંખ્યયોગી કંકુબા તરફથી અમદાવાદમાં પારાયણ બેસાડવામાં આવી હતી. બાપાશ્રી આ પ્રસંગે કચ્છમાંથી લાભ આપવા પધારેલા. બાપાશ્રી સદ્‌ગુરુશ્રીના આસને હરિભક્તો લાભ લેવા માટે ઊમટી પડતા.પારાયણની સમાપ્તિ પછી બાપાશ્રી સદ્‌ગુરુઓને સાથે લઈ રનોડા, ધોળકા, જેતલપુર, અશ્લાલી, ગામડી વગેરે ગામોમાં અનંતજીવોને દર્શન દઈ બારેજડીમાં બળદેવભાઈ શેઠની મિલમાં પધાર્યા.

સમય-સંજોગોની સાનુકૂળતા ને બાપાશ્રીની પ્રસન્નતા જોઈ સદ્‌ગુરુશ્રીની સાથે થયેલી વાતચીત મુજબ શેઠ બળદેવભાઈએ બાપાશ્રીને ટીકાવાળાં વચનામૃત છપાવવા માટે અનુમતિ માંગી ત્યારે બાપાશ્રીએ કહ્યું, “બળદેવભાઈ ! શ્રીજીમહારાજે વચનામૃતમાં કઈ જગ્યાએ કઈ વાત કયા કારણથી કરી છે અને શ્રીજીમહારાજનો અંતર્ગત અભિપ્રાય તથા સિદ્ધાંત શો છે એ તો એમના અનાદિમુક્ત જ યથાર્થ જાણતા હોય. માટે સ્વામી- (સદ્‌ગુરુશ્રી)નો અને તમારો વિચાર ઘણો સારો છે.” અને રાજી થકા બળદેવભાઈ શેઠની વાત સાંભળી મંજૂરીની મહોર મારતા બાપાશ્રી સદ્‌ગુરુશ્રી પ્રત્યે બોલ્યા જે, “સ્વામી ! ગ્રંથરાજ વચનામૃતની રહસ્યાર્થ ટીકાનું કામ શરૂ કરો. મહારાજનો બહુ રાજીપો છે. મહારાજ અને મુક્ત આ કામમાં ભેળા ભળશે. માટે આ અલૌકિક કાર્ય તો જરૂર કરો. આ ટીકાથી તો સામાન્ય જીવ પણ વચનામૃતનાં ગૂઢ રહસ્યોને સહેલાઈથી સમજી શકશે.”

બાપાશ્રીની કૃપાથી સદ્‌ગુરુશ્રીએ શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતો કે જે બાપાશ્રી વચનામૃતના જ આધારે સરળપણે સમજાવતા હતા અને તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને સુગમ કરતા હતા તેને તથા બાપાશ્રીની અમૃતવાણીને ગ્રંથસ્થ કરી ૧૮-૧૮ વર્ષ દાખડો કર્યો અને અનંતજીવોને ‘યાવદ્‌ચંદ્રદિવાકરૌ’ સંજીવની સમાન ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ અને ‘બાપાશ્રીની વાતો ભાગ-૧,૨’ની અણમોલ ભેટ આપી. વળી આ બે અમૂલ્ય ગ્રંથોનું છાપકામ પૂર્ણ થતાં સૌપ્રથમ સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીને તેડાવી આ ગ્રંથો ઉપર આશીર્વાદની અમીવર્ષા વરસાવવા પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રીએ આ દિવ્યગ્રંથો પર દિવ્ય આશીર્વાદ વરસાવ્યા :

“જે મુમુક્ષુ આ દિવ્ય ગ્રંથ સૂણશે, હેતે કરી જે વાંચશે,

કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા, ઉત્તમ સુખો માણશે;

આશીર્વાદ દીધો અતિ બળભર્યો, બિરદ પોતાનું ગણી,

પામી આનંદ જય જય બોલો, શ્રીજી ને બાપા તણી.”

આ ઉપરાંત બાપાશ્રીએ આ દિવ્યગ્રંથો માટે અન્યત્ર જણાવેલા આશીર્વચન

અનાદિ મુક્તરાજશ્રી મહાસભામાં આવીને આસન ઉપર બેસતા ને તે સમૈયામાં સ્વામી ઈશ્વચરણદાસજી આદિ સંત મંડળ બાપાશ્રીએ વચનામૃતની ટીકા જે ‘રહસ્યાર્થ પ્રદીપિકા’ નામે કરી છે તે ટીકાએ સહિત વચનામૃતના ગુટકા નવા છપાવીને સર્વેને આપવા લાગ્યા હતા ને સંત-હરિભક્તને આપતા હતા. ત્યારે સંત-હરિભક્તમાં કોઈકને શંકા થઈ જેે, ‘વચનામૃત ગુજરાતી ભાષામાં છે તેમાં ટીકા શું કરવાની હશે ? ને ટીકાના કર્તા અનાદિમુક્ત બાપાશ્રીને લખ્યા છે, તે શું તેમણે ટીકા કરી હશે ?’ ત્યારે એ વાત બાપાશ્રીના જાણવામાં આવી. એટલે સંત-હરિભક્તની સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘વચનામૃત છે તે અક્ષરાતીત મુક્તના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મુખકમળની વાણી છે, તે પરોક્ષાર્થ ને પ્રત્યાર્થ એમ દ્વિઅર્થી છે તે તેનો રહસ્યાર્થ સમજવો અતિ ગુહ્યમાં ગુહ્ય ને ગહન છે તેથી પોતાની મેળે તે રહસ્યાર્થ સમજવામાં આવે નહીં. એ તો અખંડ મૂર્તિમાં રહેતા હોય ને શ્રીજીમહારાજની મરજી જાણતા હોય એવા અનાદિમુક્ત સમજાવે ત્યારે સમજાય, માટે સર્વેને સમજાય તે સારુ વચનામૃતની ટીકા અમે કરી છે ને સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે લખાવી છે. આ ટીકા પ્રમાણે વચનામૃતમાંથી શ્રીજીમહારાજનો મહિમા સમજશે તે સર્વેને અમે શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખશું; ને મૂર્તિમાં રહેવું-તે જ આત્યંતિક મોક્ષ છે.’ એવી બાપાશ્રીની વાતો સાંભળીને તે સર્વે સત્સંગીઓએ ટીકાવાળા ‘વચનામૃત’ના ચોપડા લીધા ને સાધુએ પણ લીધા.  

  (અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત - વિશ્રામ ૭૭)

ઓસરીમાં બેસીને સાધુ કેશવપ્રિયદાસ પાસે પોતે કરેલી ટીકાએ સહિત ‘વચનામૃત’ વંચાવીને સાંભળતા હતા. તે સમે ધનજીભાઈ જમવા બોલાવવા આવ્યા ને બાપાશ્રીને કહ્યું જે, ‘થાળ તૈયાર થયા છે માટે જમવા પધારો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘પ્રથમ વચનામૃતની કથા સાંભળ્યા વિના અમે કોઈ દિવસ જમતા નથી; તે પૂછો આ સાધુને, જે કલાક બે કલાક વચનામૃતની કથા નિત્યે પ્રથમ સાંભળીએ છીએ કે નહીં ?’ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે કહ્યું કે, ‘હે બાપા ! એ આપનો નિયમ છે તે જ્યારે અમે આપની પાસે હોઈએ ત્યારે દેખીએ છીએ.’ પછી ધનજીભાઈએ કહ્યું જે, ‘બાપા ! આજ બારસનાં પારણાં સર્વેને કરવાનાં છે, તેથી જો આપ જમો તો પછી સર્વે જમે. માટે ઘરના સૌ આપની વાટ જોઈને બેઠાં છે ને મને તો બહુ ભૂખ લાગી છે, માટે દયા કરીને જમવા પધારો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘આ વચનામૃતની ટીકામાં કેટલાક ખોટ કાઢે છે, તે આમાં શું ખોટ છે ? એક અક્ષર કોઈ ખોટો બતાવે તે તેનો જવાબ હું દઉં. આ વચનામૃત શ્રીજીમહારાજનાં વચન છે; તેવી જ આ ટીકા પણ શ્રીજીમહારાજનાં વચન છે; કેમ જે શ્રીજીમહારાજે અમારા દ્વારે કરી છે ને શ્રીજીમહારાજનો ખરો સિદ્ધાંત આમાં છે. આ પ્રમાણે સમજશે તે શ્રીજીમહારાજને પામશે, અને આમાં જે ખોટ કાઢે છે તે શ્રીજીમહારાજનો દ્રોહ કરે છે; આ શ્રીજીમહારાજની વાણીની મૂર્તિ છે.’ ત્યારે દેવરાજભાઈ અને ધનજીભાઈએ કહ્યું કે, “હે કૃપાળુ ! અમે તો આપ જેમ કહો છો તેમ જ ટીકા ને આ વચનામૃતનો મહિમા સમજીએ છીએ પણ કેટલાક ન સમજે તેને શું કરીએ, તોપણ જે માનશે તેને સમજાવશું ને નહિ માને તો એ જાણે, પરંતુ અમે તેના ભેળા નહિ ભળીએ.” ત્યારે બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, “આ સટીક વચનામૃતની કોઈ પારાયણ કરશે અથવા કરાવશે તેને અમે ધામમાં તેડી જઈશું એમ વર આપ્યો.”       

(અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત - વિશ્રામ ૭૯)

પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા થતી હતી તે વખતે હરિભાઈએ બાપાશ્રીને કહ્યું જે, બાપા ! આપે બહુ દયા કરી, જેથી આ વચનામૃતના પરભાવ તથા અર્થ સૌને સમજાય તેવી રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકા થઈ તે સાંભળી સૌ હરિભક્તો અતિ રાજી થાય છે ને કહે છે કે, બાપાશ્રીએ આ અતિ મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતનું અધ્યાત્મજ્ઞાન આવું સુગમ કરી કોણ સમજાવે ! ત્યારે બાપાશ્રી કહે, આ બધી શ્રીજીમહારાજની દયા છે. એમના સંકલ્પે આવાં કામ થાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કર્તાહર્તા શ્રીજીમહારાજને રાખીએ એટલે જે સમજવાનું છે, તે સમજાણું. પછી કથામાં વચનામૃત વંચાવા લાગ્યાં.

(બાપાશ્રીની વાતો ભાગ - ૨, વાર્તા - ૭૦)

સ્વામી ઈશ્વરચરણદાસજી પ્રત્યે બોલ્યા જે, આ તમે લખો છો તે શ્રીજીમહારાજનો સિદ્ધાંત સજીવન કરવા સારુ લખો છો અને કોઈક સારુ લખો છો એટલે પાછળવાળાને કામ આવે તે માટે લખો છો. તો ખૂબ ખબરદાર થઈને લખજો. અને તમે વચનામૃતની ટીકા લખી ગયા હતા તે લખી રહ્યા કે હજી કાંઈ બાકી છે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, પૂરી થવા આવી છે, ફક્ત છેલ્લા પ્રકરણની બાકી છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભલે લખજો અને અમે સદાય ભેગા રહીને સહાય કરીશું ને પૂરું કરાવી દઈશું ને માંહે પૂરો સિદ્ધાંત આવ્યો છે.

(બાપાશ્રીની વાતો  ભાગ - ૧, વાર્તા - ૧૮૯)

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાનું પારાયણ કરે તો શું ફળ થાય ? ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નાહતા હોય તે પાણીમાં મહિમાએ સહિત જે નહાય અથવા તે પાણી માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળી જાય.

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, કેટલાં પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાંચ પારાયણે. અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય.

(બાપાશ્રીની વાતો ભાગ - ૧, વાર્તા -  ૨૨૫)

તે જ દિવસે બાપાશ્રીની કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ, ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી તેમને તથા આ સંત-હરિજનોએ સાંભળી તે સર્વેને આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને તથા વાંચનારને તથા સાંભળનાર સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્‌સ્વરૂપદાસજી, સાધુ દેવજીવનદાસજી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી તથા અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંત ત્રીસ તથા હરિજનો પચાસના આશરે છે, તે સર્વેને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાશું.

(બાપાશ્રીની વાતો ભાગ - ૧, વાર્તા - ૨૦૫)

બાપાશ્રીએ બે ભાગ વાતોમાં રહસ્યાર્થ વચનામૃત ગ્રંથની પારાયણ સંપૂર્ણ થઈ હોય તેવો ઉલ્લેખ ચાર વખત છે :

વાર્તા ૧/૧૯૮ સંવત ૧૯૭૪ ભાદરવા સુદ પાંચમ,

વાર્તા ૧/૨૦૫ સંવત ૧૯૭૫ વૈશાખ વદ સાતમ,

વાર્તા ૧/૨૨૫ સંવત ૧૯૮૧ વૈશાખ વદ એકાદશી,

વાર્તા ૨/૭૦ સંવત ૧૯૮૩ ફાગણ વદ નોમ.

બાપાશ્રીની વાતો પર બાપાએ વર્ષાવેલાં આશીર્વચનો :

તમે આ વાતો લખો છો તેમાં આફૂડું બરાબર લખાઈ જશે એમ વર આપ્યો.

(બાપાશ્રીની વાતો : ભાગ - ૧, વાર્તા - ૧૮૪)

મહારાજની કે મોટાની લખેલી વાર્તા સાંભળીએ ત્યારે તેમનો સમાગમ મળ્યો એમ પ્રત્યક્ષ જાણવા.

(બાપાશ્રીની વાતો : ભાગ - ૧, વાર્તા -  ૩૩)

એમની કરેલી વાતો સંભાળીને વાંચીએ ત્યારે પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું.

(બાપાશ્રીની વાતો : ભાગ - ૧, વાર્તા - ૪૮)

આ વાતો ઠેકાણે ઠેકાણે ને ઘેર ઘેર ન હોય. જેમ વરસાદ ઓચિંતાનો આવે છે તેમ આ વાતો કોઈક વખતે ઓચિંતાની થઈ જાય છે. આ મુક્તને મોટાએ પ્રમાણ કરેલા છે. કોઈ અણવિશ્વાસ રાખશો નહીં. આ શબ્દ તો અમારે વિષે રહીને શ્રીજીમહારાજ પોતે બોલે છે. માટે મહારાજ બોલે છે એમ જાણજો.           

(બાપાશ્રીની વાતો : ભાગ - ૧, વાર્તા - ૬)

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અમે આપની વાતો લખેલી છે તે છપાવીએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે વચનામૃત છપાવ્યાં છે તે વાંચીને અનેક મુમુક્ષુ ન્યાલ થાય છે. માટે વાતો પણ છપાવજો તેથી અનંત જીવોનો આત્યંતિક મોક્ષ થશે.

(બાપાશ્રીની વાતો : ભાગ - ૨, વાર્તા ૧૬)

બાપાશ્રીની બે ભાગ મળી ૪૦૮ વાતોમાંથી ૧૪૭ વાતોમાં બાપાશ્રીએ વચનામૃત પર લાભ આપી તેનાં ગૂઢ રહસ્ય સમજાવ્યાં છે.

કીર્તન

જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે;

જીવોના મોક્ષને માટે, સર્વોત્તમ સૌથી ન્યારો છે...   જગતના ૦ટેક

કેવળ કૃપાળુ બાપાશ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા;

સદ્‌ગુરુ ઈશ્વરચરણદાસે, પ્રશ્નો પૂછી કરી ટીકા...  જગતના ૦૧

વચનામૃતના જ આધારે ઉત્તર પ્રશ્નો તણા કીધા;

રસબસની વાત સમજાવી, જીવોને ન્યાલ કરી દીધા... જગતના ૦૨

શ્રીજીના વચનાનુસારે ટીકામાં વચનો ગાયાં છે;

પોતાનાં બાળકો જાણી, અનેરાં અમૃત પાયાં છે... જગતના ૦૩

પોતે દુઃખો ઘણાં વેઠી જીવોને સુખ આપ્યાં છે;

કૃપાથી મૂર્તિ આપીને, જનમનાં દુઃખ કાપ્યાં છે...   જગતના ૦૪

રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત જે છે;

પારાયણ પાઠ કરતાને, શ્રીજી મૂર્તિ માંહી લે છે... જગતના ૦૫

પ્રમાણ અપ્રમાણનાં ગપ્પાં છોડી શ્રીજી વચનને જોજો;

દાસાનુદાસ કહે ભાઈ, મૂર્તિ સુખમાં સહુ ઠરજો...  જગતના ૦૬

કીર્તન

મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો… ટેક

નારાયણ સકલના સ્વામી, સ્વામિનારાયણ બહુનામી;

સર્વોપરી સમજવાને...  વાંચો ૦૧

જે છે મૂર્તિ અક્ષરધામે, તે જ મનુષ્યરૂપ આ ઠામે;

તેવી જ પ્રતિમા જાણવાને... વાંચો ૦૨

શ્રીહરિ છે કલ્યાણકારી, તેવા જ મુક્તો પણ હિતકારી;

અવગુણ દ્રોહ થકી બચવાને... વાંચો ૦૩

શ્રીજી ને મુક્તોનો મહિમા, તેની આવે નહિ કાંઈ સીમા;

તેમાંથી મનુષ્યભાવ તજવાને...  વાંચો ૦૪

મોટા સંગે જીવને જોડી, દેહાદિક સર્વેથી તોડી;

ધ્યાનની ચાવી મેળવવાને... વાંચો ૦૫

મૂર્તિના સુખમાંહી ઠરેલા, અનાદિમુક્તો જે રહેલા;

તેના જેવાં સુખ લેવાને... વાંચો ૦૬

દિવ્યભાવે ધ્યાન ધરીને, પુરુષોત્તમરૂપ બનીને;

છ માસે મૂર્તિ દેખવાને... વાંચો ૦૭

દાસાનુદાસ કહે છે ગાજી, શ્રીજી બાપા ધ્યાને રાજી;

શ્રીજી મૂર્તિમાં વસવાને... વાંચો ૦૮

કીર્તન

(રાગ... વ્હાલા તારી મૂર્તિનું બંધન...)

બાપાશ્રીની વાતો મુને લાગે બહુ પ્યારી, મૂર્તિના સુખમાં છે રમાડનારી... ટેક

મંદિર, આચાર્ય, સાધુ કાર્ય ગણાય છે, મહાપ્રભુ ને મુક્તો એ કારણ ગણાય છે,

કાર્ય ને કારણની રીતિ છે ન્યારી... મૂર્તિના ૦૧

મનુષ્ય રૂપ મૂર્તિ ને પ્રતિમા સ્વરૂપ જે, અક્ષરધામનું દિવ્ય સ્વરૂપ તે,

ત્રણ નથી, એક છે તે સમજાવનારી... મૂર્તિના ૦૨

શ્રીજીના તેજની અનંત છે કિરણો, તેમાંની એક જ અન્વય પ્રમાણો,

અક્ષરાદિક અનંત એ કિરણ આધારી... મૂર્તિના ૦૩

શ્રીજીની મૂર્તિ તે વ્યતિરેક સ્વરૂપ છે, ચાલોચાલ, એકાંતિક, પરમ, અનાદિ,

ચારેય વર્ગને શ્રીજી સુખકારી... મૂર્તિના ૦૪

અન્વય વ્યતિરેક એવી વિગત પાડી, નવા નવા સુખ આપે મુક્તોને દાડી,

સર્વોપરી ઉપાસનાની વાત કેવી સારી... મૂર્તિના ૦૫

ધ્યાનની રુચિ એમ સ્પષ્ટ બતાવી, પુરુષોત્તમરૂપની લટક બતાવી,

પુરુષોત્તમરૂપ કર્યો નથી દેહધારી... મૂર્તિના ૦૬

બુદ્ધિ ને આશ્રમના ડોડ મૂકીને, વાતો પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને,

તટસ્થભાવે વાંચ તેને છે સુખકારી... મૂર્તિના ૦૭

સદ્‌ગુરુ બાપાએ મહિમા સમજાવ્યો, દેવનંદન સ્વામીશ્રીએ જીવમાં ઉતરાવ્યો,

દાસ સેવક છે સદા બલિહારી... મૂર્તિના ૦૮