સદ્‌ગુરુ ઈશ્વર સ્વામીનો હાથ બાપાશ્રીને સોંપ્યો

એક દિવસ સદ્‌ગુરુશ્રી પોઢેલા અને બાપાશ્રી જોડે આસન પર બિરાજેલા ત્યારે સાનુકૂળતા જોઈ બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રીને કહ્યું, “બાપજી ! આ તમારા સાધુ, ઈશ્વરચરણદાસજી અમારો મહિમા બહુ જ સમજે છે અને સેવાનો આગ્રહ રાખે છે. તે અમને બહુ ઠીક પડતું નથી કારણ કે અમે રહ્યા ગૃહસ્થ અને તમે રહ્યા ત્યાગી. તે આશ્રમની રીતે યોગ્ય નથી અને કોઈ જુએ તો કોઈને કાંઈના કાંઈ સંકલ્પ થાય.”

બાપાશ્રીના મુખે આ વાત સાંભળતાં સદ્‌ગુરુશ્રી બેઠા થયા અને સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવી પોતાની પાસે બેસાડ્યા અને પોતાના આ વહાલા શિષ્ય- સેવકને સંબોધી કહેવા લાગ્યા, “આ ભાઈશ્રી કહે છે કે તમે એમનો મહિમા બહુ સમજો છો તે અમે તમને મહિમા સમજવાની ના પાડીએ; પરંતુ આજથી અમારી તમને આજ્ઞા છે કે જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી આ મૂર્તિનો અધિકાધિક મહિમા સમજજો અને અનંતને સમજાવજો. આ તો શ્રીહરિના સંકલ્પથી પધાર્યા છે; એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવશો નહીં. એમને રાજી કરજો અને અનંતને એમનો રાજીપો અપાવજો. એમના દ્વારા વર્તમાનકાળે સ્વયં શ્રીજીમહારાજ કાર્ય કરી રહ્યા છે. દિવ્યભાવે એમનાં દર્શન-સેવા-સમાગમ કરજો અને કરાવજો....”

અને... આ સાંભળતાં બાપાશ્રી કહે, “હંઅઅઅ...બાપજી ! આ શું બોલો છો ?” ત્યાં તો સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ બાપાશ્રીને સોંપતાં સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીને કહ્યું, “અને તમે પણ નાનાથી નાના થવાનું પ્રકરણ બંધ કરી દયા કરો ને તમારી આગળ જે કોઈ સાધુ-હરિભક્ત આવે તેને સુખિયા કરો. શ્રીજીમહારાજે તમને એના માટે તો મોકલ્યા છે અને આજથી આ અમારા સાધુ તમને સોંપ્યા. એમને સાચવજો. તમારા છે અને તમારા કરી રાખજો.” અને સદ્‌ગુરુશ્રીના વચનને જાણે માથે ચડાવતા હોય તેમ બાપાશ્રી બોલ્યા, “બાપજી ! આ સાધુ તો બહુ મોટા છે. જોજો તો ખરા...એમના દ્વારા શ્રીજીમહારાજ બહુ અદ્‌ભુત કાર્યો કરશે અને આપની જેમ સૌને સુખિયા કરશે. હીરો કાંઈ છાનો થોડો રહે ? આ તો અમારા જ છે.”