સદ્‌ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનો મંદવાડ

સંવત ૧૯૪૮ની સાલમાં જેઠ માસમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો તે કોઈ રીતે મટે જ નહીં. આ જ અરસામાં સદ્‌ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ પણ અમદાવાદમાં મંદવાડ ગ્રહણ કર્યો. સદ્‌ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને બાપાશ્રીના મંદવાડની જાણ થતાં તેઓ અતિશે ઉદાસ થઈ ગયા. બાપાશ્રીના મંદવાડના સમાચાર જાણવા સદ્‌ગુરુશ્રીએ વૃષપુર જવાની ઇચ્છા દર્શાવી. પરંતુ શરીરે મંદવાડ હોવાથી જઈ શકાયું નહીં. તેથી ભૂજના સદ્‌. અક્ષરજીવનદાસજી સ્વામી ઉપર પત્ર લખ્યો જે, “વૃષપુરમાં જીવનપ્રાણ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે તેવા ખબર અમને અહીં મળ્યા છે. તેથી ઉચાટ થાય છે. તેવા પુરુષ મળવા ખૂબ દુર્લભ છે. સહેજે મળે તેવા નથી. શ્રીજીમહારાજે તેમને આપણને સુખ દેવા સારુ મોકલ્યા છે. માટે એમની સંભાળ રખાવશો.”

સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીનો પત્ર મળતાં સ્વામીશ્રીએ ભૂજથી બે સંતોને બાપાશ્રીની સેવામાં  મોકલ્યા. પરંતુ બાપાશ્રી તો સમાધિમાં ચાલ્યા ગયા હતા. તે કોઈનાથી ઊઠ્યા જ નહીં. સૌની ધીરજ ખૂટી અને સૌએ વિચાર્યું કે, “જો બાપાશ્રી આમ ને આમ બોલ્યા વિના ધામમાં જતા રહેશે તો આપણે કાંઈ પ્રાર્થના નહિ કરી શકીએ તથા આશીર્વાદ પણ નહિ લેવાય. માટે જગાડવાનો કાંઈક ઉપાય કરીએ.” એમ વિચારી ખૂબ મોટેથી ધૂન બોલવા લાગ્યા. તેથી બાપાશ્રીએ નેત્ર ખોલ્યાં. પછી સર્વે હરિભક્તોએ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે કાંઈ એવા પરતંત્ર નથી, સ્વતંત્ર છીએ. અમારે જવાનું થશે ત્યારે સર્વેના મનોરથ પૂરા કરીને જઈશું. માટે હવે કોઈ અમને જગાડશો નહીં.” એમ કહી પાછા સમાધિમાં ચાલ્યા ગયા.

આ સમાચાર સદ્‌. અક્ષરજીવનદાસજી સ્વામીને મળતાં તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ પણ વૃષપુર આવી ગયા. સ્વામીશ્રીએ ઘણી પ્રાર્થના કરી છતાં જાગ્યા નહીં. તે બીજા દિવસે સવારે ચાર વાગ્યે જાગ્યા અને માળા, પ્રદક્ષિણા, દંડવત કરી સૌ સંતો-હરિભક્તો સાથે બેઠા અને બોલ્યા જે, “અમારો દાખડો નિષ્ફળ ગયો. અમારે અક્ષરધામમાં જવા માટે મહાપ્રભુ સાથે ૨૭ દિવસની ચોવટ ચાલી. પરંતુ હા-ના, હા-ના કરતા બહુ પ્રાર્થના કરી ત્યારે છેલ્લી વારે અમને લઈ જવાની મહારાજે હા પાડી.” પરંતુ સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું કે,“હે મહારાજ ! તેમના દ્વારા તો અનંત જીવોના ઉદ્ધાર કરવાનો આપનો સંકલ્પ છે તેથી તેમના વતી મને લઈ જાઓ ને એમને રાખો તો સારું.” ત્યારે શ્રીજીમહારાજ કહે “સારું, એમ કરીશું.” તેથી અમારો દાખડો નિષ્ફળ ગયો. એમ સર્વે વાત કરી બાપાશ્રીએ થાળ જમાડ્યો.

એ જ દિવસે સાંજે બાપાશ્રીએ સર્વે સંતો-હરિભક્તોને ભેળા કરી વાત કરી જે, “હવે તમે સૌ  વહેલી તકે સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજીનાં દર્શન કરી આવો; કારણ કે, સ્વામીશ્રી હવે ઝાઝું રહેશે નહીં. એ પુરુષની સેવા કરી રાજી કરી લેવા જેવા છે. અહીં મનુષ્ય રૂપે દેખાય છે, પણ એ તો સદાય મૂર્તિમાં જ છે. માટે સર્વે ત્યાં જઈ દર્શન-સેવા-સમાગમે કરી સ્વામીશ્રીને રાજી કરી આવો.” એમ કહી સર્વે સંતો-હરિભક્તોને સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીનાં દર્શન માટે જવાની આજ્ઞા કરી.

બાપાશ્રીની આજ્ઞા થતાં સર્વે સંતો-હરિભક્તો અમદાવાદ સદ્‌ગુરુશ્રીનાં દર્શને ગયા. ત્યાં સદ્‌ગુરુશ્રીના આસને આવી સૌએ દંડવત કર્યા. સદ્‌ગુરુશ્રીએ સૌને જય સ્વામિનારાયણ કહ્યા. સદ્‌ગુરુશ્રીએ સૌ સંતો-હરિભક્તોને જોયા, પરંતુ પોતે જેમની રાહ જોતા હતા તે પોતાના જીવનપ્રાણ બાપાશ્રી જોવામાં ન આવ્યા. એટલે તુરત જ પૂછ્યું કે, “બાપાશ્રી કેમ ન આવ્યા ?” ત્યારે સૌએ બાપાશ્રીના  મંદવાડના સમાચાર આપ્યા અને કહ્યું કે, “બાપાશ્રી આવી શકે તેમ નથી.” ત્યારે સદ્‌ગુરુશ્રી અંતર્યામીપણે બોલ્યા જે, “બાપાશ્રી જરૂર પધારશે અને એ પધારે પછી અમે જમાડીશું.”

અગાઉથી જ બાપાશ્રીએ સૌ સંતો-હરિભક્તોને કહેવડાવ્યું હતું કે, “અમે સદ્‌ગુરુશ્રીનાં દર્શને આવી શકીએ તેમ નથી માટે અમારા વતી સદ્‌ગુરુશ્રીને દંડવત, દર્શન તથા સેવા કરજો.” પરંતુ બીજા દિવસે સવાર પડતાં તો બાપાશ્રી સદ્‌ગુરુશ્રીના મંદવાડનાં દર્શન કરવા આવી ગયા. બાપાશ્રીને પધારતા જોઈ સદ્‌ગુરુશ્રી અતિશે રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા જે, “આ સંતો કહેતા હતા કે બાપાશ્રી નહિ આવે, પરંતુ અમારો સાચો ભાવ જાણીને તમે પધાર્યા તે બહુ કૃપા કરી.” સૌ સંતોએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, આપને તો મંદવાડ હતો તે આપ કેવી રીતે આવ્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારા નીકળ્યા પછી અમને એમ સંકલ્પ થયો જે સૌ સ્વામીશ્રીનાં દર્શને ગયા અને હું રહી ગયો. તેથી અમે મંદવાડને રજા આપીને અડધી રાત્રિએ અણદાભક્તના લાલજીને જગાડી સાથે લઈને અમદાવાદ આવવા નીકળ્યા તે સવારે અહીં પહોંચી ગયા.” એમ કહી સૌને રાજી કર્યા.

પછી તો બાપાશ્રી તથા સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી એકબીજાને વિષે ઘણું હેત જણાવી ભેટ્યા. બાપાશ્રી પણ પાંચ-સાત દિવસ સુધી સદ્‌.નિર્ગુણદાસજી સ્વામીના આગ્રહથી અમદાવાદ મંદિરે રોકાયા અને સૌને સુખિયા કર્યા. બાપાશ્રી સૌ સંતો-હરિભક્તોને સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીનો ખૂબ મહિમા કહી, સૌને એમની સેવા કરવાની આજ્ઞા કરી, પછી પોતે બળદિયા પરત પધાર્યા. બાપાશ્રીએ અગાઉથી અંતર્યામીપણે સૌને જણાવ્યા મુજબ બાપાશ્રીના પરત પધાર્યા બાદ થોડા જ દિવસોમાં આસો સુદ ૧ પડવાને રોજ રાત્રે એક વાગ્યે સદ્‌.નિર્ગુણદાસજી સ્વામી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થયા. જે સમયે સદ્‌ગુરુશ્રી અંતર્ધ્યાન થયા ત્યારે બાપાશ્રીએ અંતર્યામીપણે બળદિયા બેઠા બેઠા જોડે રહેલા સંતોને સદ્‌ગુરુશ્રીના અંતર્ધ્યાન થવાના સમાચાર આપ્યા.