(૧) કાર્ય-કારણ
કાર્ય : મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી, સમૈયા-ઉત્સવો-દેશ-ગાદી, સેવા, ભજન-ભક્તિ, કથાવાર્તા, સાધન એ સર્વે કાર્ય છે. ટૂંકમાં, કારણ એવા મહારાજમાં જોડાવા માટે થતા સાધનો કે માધ્યમ એને કહેવાય કાર્ય.
કારણ : એકમાત્ર શ્રીજીમહારાજ જ કારણ છે. અને અનાદિમુક્તો તો મૂર્તિમાં જ છે. એટલે કે, સમગ્ર સંપ્રદાયના સર્વે આશ્રિત માત્રનો ધ્યેય, લક્ષ ને નિશાન એને કહેવાય કારણ.
(૨) કાર્ય સત્સંગ - કારણ સત્સંગ
કાર્ય સત્સંગ : સાધનનું કહેતાં ઉત્સવો, સમૈયા આ બધાનું પ્રધાનપણું હોય અને મહારાજ વિના અન્ય અન્વયના સંબંધવાળાનો ભાર કે સારપ રહેતી હોય, એમની વાત થતી હોય તથા મહારાજની મૂર્તિ તથા મૂર્તિમાં જોડાવવાનું ગૌણપણું હોય એ બધો જ કાર્ય સત્સંગ, ટૂંકમાં એકમાત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણનું જ મુખ્યપણું ન હોય તથા સાધન અને કાર્ય આનું જ મુખ્યપણું હોય એ કાર્ય સત્સંગ.
કારણ સત્સંગ : કારણમાં કારણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ મહારાજના સ્વરૂપને ઓળખીને, એ મૂર્તિને જ મુખ્ય રાખીને, એ મૂર્તિમાં જ જોડાવવા માટે સત્સંગ થાય એ કારણ સત્સંગ. ટૂંકમાં એકમાત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણનું જ મુખ્યપણું હોય અને સર્વોત્તમ એવી અનાદિમુક્તની સ્થિતિનો જ આગ્રહ હોય એ કારણ સત્સંગ.
(૩) અવરભાવ - પરભાવ
અવરભાવ : આપણી આંખે કરીને જે દેખાય છે પરંતુ ખરેખર એ સાચું નથી એનું નામ અવરભાવ. દા.ત. ચેક દેખાય છે કાગળિયું પરંતુ શું એ ખરેખર કાગળિયું છે ? ના... એ છે તો રૂપિયા જ... પરંતુ આંખે કરીને જે કાગળિયું દેખાય છે એ ચેકનો જ અવરભાવ કહેવાય. તેમ આપણી આંખે કરીને મહારાજની મૂર્તિ આરસની, પંચધાતુની કે ચિત્રપ્રતિમા દેખાય છે. પરંતુ સાચું નથી... એનું નામ અવરભાવ. ટૂંકમાં ઇન્દ્રિયો-અંતઃકરણથી અનુભવાય એ બધો અવરભાવ.
પરભાવ : આપણી આંખે કરીને જે દેખાતું નથી પરંતુ ખરેખર એ જ સાચું છે. એનું નામ પરભાવ. દા.ત. : ચેક દેખાય તો છે કાગળિયું પરંતુ એ સમજાય છે રૂપિયા જ. ભલે રૂપિયા દેખાતા નથી પરંતુ સમજાય છે. એ જે રૂપિયા સમજાય છે એ ચેકનો પરભાવ કહેવાય... તેમ આપણી આંખે કરીને મહારાજની મૂર્તિમાં તેજ, ઐશ્વર્ય, પ્રતાપ જણાતાં નથી, મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ દેખાતા નથી. પરંતુ એ બધું આ મૂર્તિને વિષે છે જ. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે જ એવું જે સમજવું એનું નામ પરભાવ.
(૪) પરોક્ષભાવ - પ્રત્યક્ષભાવ
પરોક્ષભાવ : શ્રીજીમહારાજે સંવત ૧૮૩૭માં મનુષ્યદેહ ધર્યો અને સંવત ૧૮૮૬માં દેહોત્સવ કર્યો. વળી, આ જે પ્રતિમા સ્વરૂપ મૂર્તિ છે એ મહારાજ તો ખરા પરંતુ જેવા મનુષ્ય રૂપે દેખાતા હતા તેવા તો નહીં. મહારાજ તો અધ્ધર અક્ષરધામમાં બિરાજે છે. વળી, એ જ રીતે મહારાજની મૂર્તિ અને અક્ષરધામ આ બે જુદા છે અને આપણે મરીને અક્ષરધામમાં જવાનું છે એવી જે સમજણ તેને પરોક્ષભાવ કહેવાય. ટૂંકમાં જે એવું સમજતો હોય કે મહારાજ મનુષ્ય રૂપે દેખાતા હતા ત્યારે પ્રગટ હતા પરંતુ અત્યારે નથી તેને પરોક્ષભાવ કહેવાય.
પ્રત્યક્ષભાવ : શ્રીજીમહારાજે મનુષ્યદેહ ધર્યો જ નથી કે પ્રતિમા જેવા પણ થયા નથી. મહારાજ તો સદાય તેજના સમૂહમાં જ છે. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય. એટલે કે આ જે પ્રતિમા સ્વરૂપ મૂર્તિનાં દર્શન કરું છું એમાં જ અનંત તેજ, લાવણ્યતા, ઐશ્વર્ય, પ્રતાપ, અક્ષરધામ, અનંત અનાદિમુક્તો - આ સર્વે રહ્યું છે. એવી જેની સમજણ હોય તેને પ્રત્યક્ષભાવ કહેવાય.
(૫) સકામ ભક્ત - નિષ્કામ ભક્ત
સકામ ભક્ત : જેને એક મૂર્તિ અને મૂર્તિના સુખ સિવાય બીજા લૌકિક અને માયિક સુખ ભોગવવાની કે જગત સંબંધી વિષય ભોગની કે સારા પદાર્થો અને પુત્રાદિકની ઇચ્છા રહેતી હોય અને એને પામવાની ભાવનાથી, ઇચ્છાથી સત્સંગ કરતા હોય તેને સકામ ભક્ત કહેવાય.
નિષ્કામ ભક્ત : જેને એક મૂર્તિ અને મૂર્તિના સુખની જ લાલશા હોય અને એને જ પામવાની ઇચ્છા હોય એ સિવાય કોઈ જ લૌકિક પદાર્થની, પદવીની કે સુખ - સંપત્તિની ઇચ્છા, અપેક્ષા ન હોય. અને કેવળ મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં જોડાવવા માટે સત્સંગ કરતા હોય તેને નિષ્કામ ભક્ત કહેવાય. આવા ખરા નિષ્કામ ભક્ત તો એકમાત્ર અનાદિમુક્ત જ છે.
(૬) નાસ્તિક ભાવ - આસ્તિક ભાવ
નાસ્તિક ભાવ : મૂર્તિઓને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે પણ થતાં જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિક ભાવ કહેવાય.
આસ્તિક ભાવ : મૂર્તિઓને વિષે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્તિક ભાવ કહેવાય.
(૭) સંત - અસંત
સંત : ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સંતાય એ જ સંત એટલે કે જેને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા છે અને પોતાને પુરુષોત્તમરૂપ માની મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરે એ જ સાચા સંત.
અસંત : જેને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા નથી અને પંચવર્તમાન પણ પૂરા પાળતા નથી અને સંપૂર્ણ દેહરૂપ થઈને વર્તે છે તે અસંત.
(૮) ભક્ત - અભક્ત
ભક્ત : જેને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા છે અને શ્રીજીમહારાજે બાંધેલી જે પંચવર્તમાનરૂપ મર્યાદા એમાં દૃઢપણે રહેતો હોય અને જે કાંઈ સાધન કરે તે કેવળ મહાપ્રભુને રાજી કરવાની ઇચ્છાથી જ કરે તે ભક્ત.
અભક્ત : જેણે કંઠી ધારણ કરી, તિલક-ચાંદલો કરતો થયો પરંતુ સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ સર્વોપરી નિષ્ઠા નથી અને પંચવર્તમાન રૂપ જે મર્યાદા તેમાં પણ દૃઢપણે વર્તતો નથી તો એ ભક્ત હોવા છતાં અભક્ત તુલ્ય જ છે.
(૯) દેહભાવ - મૂર્તિભાવ
દેહભાવ : સર્વે દોષમાત્રનું મૂળ દેહભાવ છે. આ દેહભાવને આશરીને જ સર્વે દોષ રહ્યા છે. હું પટેલ, હું બ્રાહ્મણ, હું પ્રજાપતિ, હું પુરુષ, હું સ્ત્રી એવું જ સમજાતું હોય અને સંપૂર્ણ દેહરૂપ થઈને વર્તાય તેને કહેવાય દેહભાવ. દેહભાવે વર્તવાથી મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા થવાય નહીં.
મૂર્તિભાવ : સર્વે દોષમાત્રનું મારણ અને ગુણમાત્રના આવિર્ભાવનું કારણ મહારાજની મૂર્તિ છે. હું દેહ નથી. દેહથી નોખો જે આત્મા તેને મહાપ્રભુએ પોતા જેવો પુરુષોત્તમરૂપ કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. માટે દેખાવ મહારાજનો થયો. એમ પુરુષોત્તમરૂપ લટકે વર્તવું તેને મૂર્તિભાવ કહેવાય.
(૧૦) મનુષ્યભાવ - દિવ્યભાવ
મનુષ્યભાવ : મહારાજ અને એમના સત્પુરુષ મનુષ્યદેહ ધરતા જ નથી. તેમ છતાં અનંત જીવોને સુખિયા કરવા માટે મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતાં હોય ત્યારે એમને વિષે મનુષ્યના જેવા દોષ, સ્વભાવ, પ્રકૃતિ પરઠવાં કે તેમને વિષે દેહ ને દેહના ભાવો પરઠવા એ મનુષ્યભાવ કહેવાય... ટૂંકમાં એમના અવરભાવને જ જોવો અને એમાં જ રાચ્યા કરવું તે મનુષ્યભાવ.
દિવ્યભાવ : મહારાજ અને એમના સત્પુરુષ અનંત જીવોને સુખિયા કરવાને માટે મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતાં હોય તેમ છતાં એમને વિષે કોઈ દૈહિક દોષ, સ્વભાવ કે દેહના ભાવો ન પરઠાય અને એમનો યથાર્થ મહિમા સમજાય કે આ મહારાજની મૂર્તિ તો સદાય તેજના સમૂહમાં જ છે અને એમના જે સત્પુરુષ છે એ તો નિરંતર મૂર્તિમાં રહ્યા છે. ને સંકલ્પથી એ દ્વારા મહારાજ દર્શન આપે છે. એવું સમજવું એ દિવ્યભાવ કહેવાય. ટૂંકમાં એમના અવરભાવને ન જોતા નિરંતર એમના પરભાવના જ મહિમાનો જ વિચાર કર્યા કરવો એ દિવ્યભાવ.
(૧૧) ક્રિયાસાધ્ય - કૃપાસાધ્ય
ક્રિયાસાધ્ય : ક્રિયા સાધ્ય એટલે સાધનનો માર્ગ. સાધને કરીને મહારાજના સુખને પામવાનો પ્રયત્ન કરવો એનું નામ ક્રિયાસાધ્ય. ટૂંકમાં ક્રિયા એટલે સાધન અને સાધ્ય એટલે સાધવા. અર્થાત્ સાધને કરીને મહારાજને પામવા એનું નામ ક્રિયા સાધ્ય. કાર્ય સત્સંગ આખો ક્રિયાસાધ્યમાં માને છે. એટલે સાધને કરીને મહારાજના સુખને પામવા પ્રયત્ન કરે છે. પણ તે સુખ સાધનથી પમાતું નથી, કૃપાથી પમાય છે.
કૃપાસાધ્ય : કૃપાસાધ્ય એટલે કૃપાનો માર્ગ. કેવળ કૃપાથી મહારાજના સુખને પામવું એનું નામ કૃપાસાધ્ય. ટૂંકમાં કૃપા એટલે મહારાજ અને મોટાનો રાજીપો અને સાધ્ય એટલે સાધવા. મહારાજ અને મોટાપુરુષની કૃપાથી (રાજીપાથી) મહારાજને પામવા એનું નામ કૃપાસાધ્ય. આપણને મળેલા કારણ સત્સંગમાં તો ક્રિયાસાધ્ય ગઈ અને કૃપાસાધ્ય રહી. માટે કારણ સત્સંગ એટલે જ કેવળ કૃપાનો માર્ગ. મહારાજની દિવ્ય મૂર્તિનું સુખ મહારાજ અને મોટાપુરુષની કેવળ કૃપાથી જ મળે છે.
(૧૨) પરોક્ષાર્થ - પ્રત્યક્ષાર્થ
પરોક્ષાર્થ : શ્રીજીમહારાજે વચનામૃતમાં મુખ્યત્વે ચાર પ્રકારની વાતો કરી છે. રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક. એ જ રીતે જુદાં જુદાં શાસ્ત્રોમાં શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ જ્યાં જેવી સભા અને જેવા ભક્તો સામે બેઠા હતા તેમને પથ્ય પડે એવી રીતે વાત કરી હતી. જે વાતો પોતાની મેળે સમજાતી નથી અને ભ્રમી જવાય છે. તે પરોક્ષાર્થ કહેવાય.
પ્રત્યક્ષાર્થ : શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ શાસ્ત્રોમાં જે જે વાત કરી એ કયા હેતુથી કરી ? શા માટે કરી ? અને એનો સાચો રહસ્ય અને ગૂઢ અર્થ શું થાય ? એ સમજવું એ કહેવાય પ્રત્યક્ષાર્થ. જેના મુખે બોલનારા સ્વયં મહારાજ હોય, જેની ક્રિયાના સંપૂર્ણ કર્તા મહારાજ હોય એવા મહારાજની મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત સત્પુરુષ જ એવો પ્રત્યક્ષાર્થ સમજાવી શકે. બાકી કોઈ દેહધારી સમજી કે સમજાવી શકે નહીં.
(૧૩) અનુલોમ - પ્રતિલોમ
ધ્યાન કરવા માટેની બે રીત છે. (૧) અનુલોમપણે ધ્યાન કરવું (૨) પ્રતિલોમપણે ધ્યાન કરવું.
અનુલોમ : મહારાજની મૂર્તિનું સન્મુખ ભાવે (સામે ધારવી) ધ્યાન કરવું એનું નામ અનુલોમ ધ્યાન. આ લટકે ધ્યાન કરવાથી એકદેશી પુરુષોત્તમરૂપ થવાય છે અને પરમએકાંતિકની સ્થિતિ થાય છે. આ લટકે ધ્યાન કરવામાં હું અને મહારાજ આ બે અસ્તિત્વ જુદા રહે છે.
પ્રતિલોમ : મહારાજની મૂર્તિનું મુખોન્મુખ ભાવે ધ્યાન કરવું એનું નામ પ્રતિલોમ ધ્યાન. મુખોન્મુખ ભાવે એટલે મહારાજની મૂર્તિ સામે નથી, પણ અનાદિમુક્ત એવો હું મૂર્તિમાં છું અને આ જે દેખાય છે ત્યાં મહારાજ છે. એમ પોતાને વિષે મૂર્તિભાવ સમજી મહારાજની મૂર્તિને પ્રતિલોમપણે ધારવી. મહારાજના મસ્તકે મસ્તક, નેત્રે નેત્ર, છાતીએ છાતી, ઉદરે ઉદર, ચરણે ચરણ એમ મૂર્તિમાં રહીને મૂર્તિને સળંગ નિહાળવી એ પ્રતિલોમ ધ્યાનની લટક છે. આ લટકે ધ્યાન કરવાથી સર્વદેશી પુરુષોત્તમરૂપ થવાય છે અને અનાદિમુક્તની સ્થિતિ થાય છે. આમ, પ્રતિલોમપણે ધ્યાન કરવું એ જ કારણ સત્સંગની સાચી રીત છે.
(૧૪) જ્ઞાન - ધ્યાન
જ્ઞાન : મહારાજના સ્વરૂપને તથા પોતાના (આત્માના) સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું એનું નામ જ્ઞાન. જ્ઞાનનું મનન કરવાના નિરંતર અભ્યાસથી જ્ઞાનની દૃઢતા થાય છે. સત્સંગમાં આવ્યા પછી મહારાજના સ્વરૂપનું, મોટાપુરુષ તથા સંતો-ભક્તોના સ્વરૂપનું જ્ઞાન દૃઢ કરવું એની સાથે સાથે પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ દૃઢ કરવું એટલું જ જરૂરી છે.
ધ્યાન : મહારાજના સુખને પામવું, માણવું એનું નામ ધ્યાન. મહારાજની મૂર્તિનું પ્રતિલોમભાવે ચિંતવન કરવાના નિરંતર અભ્યાસથી ધ્યાનની દૃઢતા થાય છે. જેને ધ્યાનમાં સુખ લેવું હોય તેને સૌપ્રથમ જ્ઞાનની દૃઢતા કરવી ફરજિયાત છે. માટે મહારાજના સ્વરૂપનું જ્ઞાન + પોતાના સ્વરૂપનું જ્ઞાન. ત્યારપછી પ્રતિલોમપણે તેજોમય સળંગ મૂર્તિનું કરવું પડે ધ્યાન.
(૧૫) અંતર્વૃત્તિ - બહારવૃત્તિ
અંતર્વૃત્તિ : પોતાના ધ્યેય તરફ નિરંતર દૃષ્ટિ રાખી તથા વૃત્તિઓનો સંકેલો કરી વર્તવું એનું નામ અંતર્વૃત્તિ.
બહારવૃત્તિ : સેવા, પ્રવૃત્તિ, સાધન, ભક્તિ, સંસાર-વ્યવહાર જે કાંઈ કરીએ એમાં પોતાના ધ્યેયને ભૂલી ચોજાળા બની વર્તવું એનું નામ બહારવૃત્તિ.
(૧૬) કૃતાર્થપણું - અકૃતાર્થપણું
કૃતાર્થપણું : આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને આવો દિવ્ય કારણ સત્સંગ મળ્યા પછી એવું મનાય કે હવે મારું કલ્યાણમાં અધૂરું નથી અને ભગવાનના ધામને પામવાનું કે જવાનું પણ બાકી રહ્યું નથી. સ્વામિનારાયણ ભગવાન મને પ્રગટ અને પ્રત્યક્ષ મળી ગયા છે મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે અને મને એમને એમના જેવો પુરુષોત્તમરૂપ કર્યો છે. આવું મનાય તેનું નામ કૃતાર્થપણું.
અકૃતાર્થપણું : આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને આવો દિવ્ય કારણ સત્સંગ મળ્યા પછી પણ જો એવું મનાય કે હજુ મારું કલ્યાણ થયું નથી અને મારે ભગવાનના ધામમાં જવાનું બાકી છે. વળી એવું મનાય કે ભગવાન તો સંવત ૧૮૮૬માં ગયા... હવે એવી રીતે પ્રગટ નથી... અને પોતાને દેહરૂપ મનાય એનું નામ અકૃતાર્થપણું.
(૧૭) એકદેશી પુરુષોત્તમરૂપ- સર્વદેશી પુરુષોત્તમરૂપ
પુરુષોત્તમરૂપ થવાના આ બે પ્રકાર છે :
૧. એકદેશી પુરુષોત્તમરૂપ, ૨. સર્વદેશી પુરુષોત્તમરૂપ.
એકદેશી પુરુષોત્તમરૂપ : એકદેશી પુરુષોત્તમરૂપ એટલે અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ. શ્રીજીમહારાજની મૂર્તિના અનુલોમ ધ્યાનની લટકે ધ્યાન કરવાથી એકદેશી પુરુષોત્તમરૂપ થવાય છે. પરમએકાંતિક મુક્ત એકદેશી પુરુષોત્તમરૂપ છે. જેમ છાલ ઝાડની ફરતે બહાર હોય છે તેમ પરમએકાંતિક મુક્ત બહારથી અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે.
સર્વદેશી પુરુષોત્તમરૂપ : સર્વદેશી પુરુષોત્તમરૂપ એટલે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ. શ્રીજીમહારાજની મૂર્તિના પ્રતિલોમ ધ્યાનની લટકે ધ્યાન કરવાથી સર્વદેશી પુરુષોત્તમરૂપ થવાય છે. અનાદિમુક્ત સર્વદેશી પુરુષોત્તમરૂપ છે. જેમ ઝાડમાં રસ અંદર-બહાર બધે જ રહેલો છે અને સાકર દૂધમાં ઓગળ્યા પછી અંદર-બહાર બધે જ છે તેમ અનાદિમુક્ત અંદર-બહાર રોમરોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે.
(૧૮) સાધનદશા - સિદ્ધદશા
સાધનદશા : જેને વિષે હજુ દેહ અને દેહના ભાવો છે તથા સાધન કરી મહારાજને રાજી કરવાના છે. વળી, હજુ મૂર્તિસુખના ભોક્તા થયા નથી તે સર્વેને સાધનદશામાં કહેવાય.
સિદ્ધદશા : જેને વિષે દેહ અને દેહના ભાવો નથી. જે નિરંતર મૂર્તિમાં છે. અને મૂર્તિમાં રહ્યા થકા કાર્ય કરે છે. વળી, જેની સર્વે ક્રિયાના કર્તા સ્વયં શ્રીજીમહારાજ છે. એવા મહારાજના સંકલ્પથી વિચરતા સત્પુરુષને સિદ્ધદશામાં કહેવાય.
(૧૯) જ્ઞાની - અજ્ઞાની
જ્ઞાની : જેને દેહ અને આત્મા આ બે જુદા છે એની ખબર છે અને મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખી સાથે પોતાના આત્માનું સાચું સ્વરૂપ જે મૂર્તિ, તે મૂર્તિરૂપ પોતાને માનીને વર્તે છે એ જ્ઞાની છે.
અજ્ઞાની : જેને દેહ અને આત્મા આ બે જુદા છે એની ખબર જ નથી અને દેહને જ પોતાનું સ્વરૂપ માનીને વર્તે છે એ સર્વે અજ્ઞાની છે.
(૨૦) સંગ - પ્રસંગ
સંગ : મહારાજનો અને મુક્તનો ઉપરથી એટલે કે દેહે કરીને સંગ કરવો કહેતાં જોગ-સમાગમ કરવો એનું નામ સંગ. જો એકલો ઉપરથી જ મહારાજ અને મુક્તનો સંગ કર્યો હોય તો એમની સમીપમાં રહે ત્યાં સુધી દોષ દબાયેલા રહે ને છેટે જાય ત્યારે વળી પાછા ઉદય થાય. જેમ આકાશમાં મોદ બાંધી હોય તેની તળે રહે ત્યાં સુધી તાપ ન લાગે ને બહાર નીકળે એટલે તડકો લાગે તેમ.
પ્રસંગ : મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરમાં એમ બંને પ્રકારે સંગ કરવો એનું નામ પ્રસંગ. અંતરથી સંગ કરવો એટલે મહારાજ અને મોટા મુક્તનો દિવ્યભાવ સમજીને એમની સાથે આત્મબુદ્ધિ કરવી. આવી રીતે મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરથી એમ બંને પ્રકારે સંગ કરે તો તેઓ દોષમાત્ર ટાળી દે અને મૂર્તિ પધરાવી દે.
(૨૧) દેહ - આત્મા
દેહ : ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, પંચવિષય, ચાર અંતઃકરણ, પાંચ ભૂત, દસ ઇન્દ્રિયો, દસ પ્રાણ, ચૌદ દેવતા આદિ સત્તાવનના ટોળાથી બનેલું આ જે શરીર એને કહેવાય દેહ, જે નાશવંત છે, અનિત્ય છે.
આત્મા : આ સત્તાવનના ટોળાથી બનેલા દેહથી સંપૂર્ણ વિલક્ષણ છતાં તેનું કારણ અને કર્તા એવું જે તત્ત્વ તે છે આત્મા. આ આત્મા દેહને ચલાવનાર હોવા છતાં આત્મા દેહથી અને દેહના ભાવોથી સંપૂર્ણ જુદો છે. આ આત્મા નિરાકાર છે. તેને જો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું સુખ લેવું હોય તો અનાદિમુક્તની લટકે વર્તી પુરુષોત્તમ જેવા સાકાર થવું પડે તો જ પુરુષોત્તમનું સુખ પામી શકે છે.
(૨૨) દેહરૂપ - બ્રહ્મરૂપ - પુરુષોત્તમરૂપ
આ બંને સમજતા પહેલાં બહુધા દેહરૂપ વર્તાતું હોય છે તેને સમજીએ.
દેહરૂપ : આ દેખાતું જે શરીર તે જ હું છું એવું જે માની લેવું અને એવું માનીને વર્તવું એ દેહ રૂપે વર્ત્યા કહેવાય. ખરેખર દેખાતું જે શરીર તે આપણે નથી. આપણે એ શરીરથી જુદા જ આત્મા તે છીએ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ એટલે મહારાજનું તેજ. મહારાજની સર્વોપરી ઉપાસના દૃઢ કરી પોતાના આત્માને મહારાજના તેજરૂપ માનીને વર્તવું એ બ્રહ્મ રૂપે વર્ત્યા કહેવાય. જેનાથી પરમએકાંતિકની સ્થિતિ થાય છે.
પુરુષોત્તમરૂપ : પુરુષોત્તમ એટલે મહારાજ. મહારાજની સર્વોપરી ઉપાસના દૃઢ કરી પોતાના આત્માને પુરુષોત્તમરૂપ માનીને વર્તવું એ પુરુષોત્તમ રૂપે વર્ત્યા કહેવાય. જેનાથી અનાદિમુક્તની સ્થિતિ થાય છે.