૧. બાપાશ્રીના અવરભાવના જીવનમાં આ એક સૂત્ર મુખ્યપણે સ્પષ્ટ થઈ આવતું જે “વ્યવહારને ગૌણ કરો અને મહારાજને મુખ્ય કરો.”
૨. બાપાશ્રી વસ્ત્રો પણ શ્વેત અને સાવ સાદાં ધારણ કરતા. બાપાશ્રી બહુધા કેડિયું-અંગરખું, ધોતી તથા મસ્તકે પાઘ ધારણ કરતા. બાપાશ્રીને હરિભક્તો સારાં વસ્ત્રો લાવીને આપે તોપણ અન્યને આપી દે, પરંતુ પોતે ગ્રહણ કરતા નહીં.
૩. બાપાશ્રીનું જમાડવાનું પણ સંપૂર્ણ નિઃસ્વાદી હતું. બાપાશ્રી જમવામાં મુખ્યત્વે મઠની ખીચડી, રાતડિયાનું શાક, બાજરીનો રોટલો પાણીમાં પલાળીને જમતા. જમવામાં કદી મીઠાઈ કે ફરસાણ તો જમતા જ નહીં. દર્શને આવનાર દેશવિદેશના હજારો હરિભક્તો બાપાશ્રી માટે વિવિધ મેવા તથા ફળફળાદિ લાવતા પરંતુ બાપાશ્રી કદી ગ્રહણ કરતા નહિ, સભામાં આવેલ હરિભક્તોને પ્રસાદ રૂપે આપી દેતા.
૪. બાપાશ્રી ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં જડ માયા(દ્રવ્ય) અને ચૈતન્ય માયાનો (સ્ત્રી) અતિશે અભાવ દર્શાવતા તથા જોગમાં આવનાર સંતો-હરિભક્તોને પણ એ બેથી દૂર રહેવાનો ઉપદેશ આપતા.
૫. મોટા મોટા સદ્ગુરુઓ પણ જે શાસ્ત્રોના શબ્દોનો ગૂઢાર્થ ન સમજી શકે તેવો ગૂઢાર્થ બાપાશ્રી સૌને સહજમાં સમજાવતા. વળી જોગમાં આવનાર સૌ સંતો-હરિભક્તોને મહાપ્રભુએ આપેલા પંચવર્તમાનરૂપી મર્યાદામાં વર્તાવતા અને આજ્ઞાનો લોપ કરનારને પ્રાયશ્ચિત્ત પણ કરાવતા.
૬. અનંત જીવોને સુખિયા કરવા માટે શ્રીજીમહારાજે બાપાશ્રીને ગૃહસ્થાશ્રમમાં રાખ્યા હતા. બાપાશ્રી પણ અનંતને સુખ આપવા માટે મનુષ્યના જેવી રીતે વર્ત્યા તેમ છતાં બાપાશ્રી કહેતા કે, “લોકો અમને કણબી કહે છે. પરંતુ તેમનાથી અમારી સ્થિતિ કેમ સમજ્યામાં આવે ? અમે કણબી ખરા પરંતુ બી-વાળા.” “અમે કોઈના બાપ નથી કે કોઈ અમારા પુત્ર-પરિવાર નથી કે કોઈ અમારાં સગાં નથી. અમે તો મહાપ્રભુની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છીએ. માટે અમારે વિષે કોઈ મનુષ્યભાવ પરઠશો નહીં. અમને જો મુક્ત સમજશો તો અમે જે સુખમાં છીએ તે સુખ તમને અપાવીશું.”
૭. સંપ્રદાયના હજારો સાધુ અને મોટા મોટા સદ્ગુરુ સંતો પણ બાપાશ્રીનો ખૂબ મહિમા સમજતા. ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં સૌ કોઈ બાપાશ્રીનો એક શ્વેત વસ્ત્રધારી સંતના(મોટાપુરુષ) ભાવથી જોગ-સમાગમ કરતા. કેટલાક મહિમાવાળા સંતો તો ઠેઠ ભૂજથી બળદિયા બાપાશ્રીનાં દર્શન માટે દંડવત કરતા કરતા જતા.
૮. બાપાશ્રીનું સંપૂર્ણ જીવન સંતોની જેમ પરમાર્થ અર્થે હતું. બાપાશ્રી આ લોકમાં માત્ર દેહનિર્વાહ પૂરતો જ વ્યવહાર કરતા અને બહુધા સમય અનેક જીવોને સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ સમજાવી મહાપ્રભુના સુખે સુખિયા કરતા.
૯. બાપાશ્રીના જીવનમાં સંતોનાં પંચવર્તમાન જે નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન આદિ ગુણોની દૃઢતા સહેજે જણાઈ આવતી. એટલું જ નહિ, બાપાશ્રી સ્ત્રી અને દ્રવ્ય આ બેના ખંડનની વિશેષ વાત કરી સૌ સંતોને પંચવર્તમાનની બાંધેલી મર્યાદામાં ખટકો રાખી વર્તાવતા.