આપણા સદ્. નિર્ગુણદાસજી સ્વામી કહેતા જે, “બાવો મોટો અને મઢી નાની.” તેમ આ જીવ મહારાજનો અને મહારાજના ધામમાંથી આવેલા મુક્તોનો મહિમા શું સમજી શકે ? કારણ કે મહારાજ અને મુક્તો અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપે ત્યારે એમનો અવરભાવ સંપૂર્ણ મનુષ્યના જેવો જ હોય. એમનું બોલવું, ચાલવું, ખાવું, પીવું, બેસવું, સૂવું, જોવું આ સર્વે મનુષ્યના જેવી જ જણાય. તેમ છતાં આ સર્વે ક્રિયા એમના દિવ્ય વ્યક્તિત્વથી જુદી તરી આવે એ પણ વાસ્તવિકતા છે. અને એ જ એમના સ્વરૂપની અલૌકિકતા છે.
ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી અને પુરુષ બંને વર્ગને સુખ આપવાને અર્થે બાપાશ્રીને ગૃહસ્થાશ્રમમાં રાખ્યા હતા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં બાપાશ્રીની રીત ગૃહસ્થાશ્રમમાં રહેનાર સંસારીઓ જેવી નહોતી. તેઓ માત્ર વસ્ત્રેથી જ ગૃહસ્થાશ્રમમાં જણાતા હતા. તેમનું જીવન તો અનંત સંતો માટે પણ સાધુતા, ધર્મ-નિયમ આદિ અનંત ગુણો મેળવવા માટે પ્રેરણાદાયી હતું. તેઓ સંપૂર્ણ પ્રભુ-પ્રાધાન્ય રહી કાર્ય કરવાની રીત પોતાના અવરભાવની જીવનશૈલીથી દર્શાવતા. જેનાં દર્શન કરવા તથા શીખવા દેશો દેશથી મોટા મોટા સંતો આવતા અને દિવસોના દિવસો રોકાઈ બાપાશ્રીના સંગમાં રહેતા. બાપાશ્રીના સંગમાં રહી બાપાશ્રીના અવરભાવના જીવનમાં જણાતી રીતભાત, ધર્મ-નિયમમાં વર્તવાનો અને વર્તવવાનો આગ્રહ, મૂર્તિમાં રહેવાનો અને રાખવાનો આગ્રહ, કથાવાર્તાનો આગ્રહ તથા મહારાજના સર્વોચ્ચ સિદ્ધાંતો આ બધું બાપાશ્રીના સંગમાં રહી સંતો ચરિતાર્થ કરતા.
બાપાશ્રીનો મહિમા સમજી જોગ-સમાગમ કરનાર અને આત્મબુદ્ધિ કરનાર સંતો-હરિભક્તોને મન બાપાશ્રી ગૃહસ્થ હતા જ નહીં. તેઓ તો નિશ્ચે એવું જ સમજતા હતા કે આ બાપાશ્રી એટલે શ્રીજી સંકલ્પમૂર્તિ. તે અનંતને મૂર્તિમાં રાખવા આવ્યા છે અને એટલે જ તો સંતો આશ્રમનો ભેદ ભૂલી બાપાશ્રી સાથે આત્મબુદ્ધિ સહિત આગવી પ્રીતિએ જોડાયા હતા. આવા બાપાશ્રીને જેણે જેણે અવરભાવની દેહદૃષ્ટિથી જોયા તે કાંઈ ન પામી શક્યા અને જેણે જેણે માત્ર એમની અવરભાવના જીવનની સર્વોદયતાને નિહાળી માત્ર ગુણ લીધો કે મહિમા સમજ્યા તે પણ ન્યાલ થઈ ગયા. અત્રે બાપાશ્રીના જીવનની આવી કેટલીક વિશેષતાઓ રજૂ કરી છે.
બાપાશ્રી રે બાપાશ્રી, માથે પાઘ બાંધી; જુએ દૃષ્ટિ સાંધી રે, ભાઈ બાપાશ્રી... ટેક
બાપાશ્રી રે બાપાશ્રી, અંગરખી રૂડી ધારી; શોભે અતિ સારી રે... ભાઈ ૦૧
બાપાશ્રી રે બાપાશ્રી, આવે હાર પહેરી; જુઓ રંગ લ્હેરી રે... ભાઈ ૦૨
બાપાશ્રી રે બાપાશ્રી, કર જેષ્ટિકા લઈને; ચાલે ધીરા રહીને રે... ભાઈ ૦૩
બાપાશ્રી રે બાપાશ્રી, શ્રીજી સંકલ્પમૂર્તિ; સૌની હરે સુરતિ રે... ભાઈ ૦૪
બાપાશ્રી રે બાપાશ્રી, શ્રીજી વતી આવ્યા; સદ્ગુરુ સંગે લાવ્યા રે... ભાઈ ૦૫
બાપાશ્રી રે બાપાશ્રી, બાળલીલા કીધી; સખાની ખબર લીધી રે... ભાઈ ૦૬
બાપાશ્રી રે બાપાશ્રી, ગૃહસ્થાશ્રમમાં આવ્યા; તોપણ સંત કહાવ્યા રે...ભાઈ ૦૭
બાપાશ્રી રે બાપાશ્રી, સમાધિમાં જાય; મોટા તો જણાય રે... ભાઈ ૦૮
બાપાશ્રી રે બાપાશ્રી, યજ્ઞો કરે મોટા; તેના નહિ જોટા રે... ભાઈ ૦૯
બાપાશ્રી રે બાપાશ્રી, ટાળીને અજ્ઞાન; આપે રૂડું જ્ઞાન રે... ભાઈ ૧૦
બાપાશ્રી રે બાપાશ્રી, સમજાવી ભલી ભાત; કરે મૂર્તિની વાત રે... ભાઈ ૧૧
બાપાશ્રી રે બાપાશ્રી, પ્રીત કરી ન્યારી; મૂર્તિમાં ખેંચે ભારી રે... ભાઈ ૧૨
બાપાશ્રી રે બાપાશ્રી, રસબસ રીતે દાખે; અનાદિ સંગે રાખે રે... ભાઈ૧૩
બાપાશ્રી રે બાપાશ્રી, છે જો જીવનપ્રાણ; આપે અભયદાન રે... ભાઈ ૧૪
બાપાશ્રી રે બાપાશ્રી, દેહો ટાળી દે છે; મૂર્તિમાં રાખી લે છે રે... ભાઈ ૧૫
બાપાશ્રી રે બાપાશ્રી, સિદ્ધાંતો સમજાવે; સુખમાંહી ઠેરાવે રે... ભાઈ ૧૬
બાપાશ્રી રે બાપાશ્રી, મૂર્તિનાં દાન દેવા; આવ્યા જોયા જેવા રે... ભાઈ ૧૭
બાપાશ્રી રે બાપાશ્રી, આશીર્વાદ દે છે; સુખમાં જોડી દે છે રે... ભાઈ ૧૮
બાપાશ્રી રે બાપાશ્રી, કરી કૃપા આજ; પૂરાં કર્યાં કાજ રે... ભાઈ ૧૯
બાપાશ્રી રે બાપાશ્રી, વિનવે દાસાનુદાસ; પૂરો સૌની આશ રે... ભાઈ ૨૦