અતિ અનુગ્રહ કરી વાસના ટાળી

 

એક વખત સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી સારંગપુરથી ગઢપુર પધારતા હતા. સાથે દસ સંતો હતા. સ્વામીશ્રીનું શરીર ખૂબ કોમળ હોવાથી થાક ખૂબ જ લાગ્યો હતો. તેથી રસ્તામાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, “આજે તો ઠાકોરજીને થાક ખૂબ જ લાગ્યો છે.” રાત્રે સ્નાન કરી ઠાકોરજી જમાડી પોઢ્યા ત્યારે સર્વે સંતો ચરણસેવા કરવા લાગ્યા. થોડી વાર થઈ ત્યારે છ સંતોએ વિચાર્યું  કે, “આપણે પણ સ્વામીશ્રીની સાથે ચાલીને જ આવ્યા છીએ. આપણને પણ થાક તો લાગ્યો જ છે. તેથી હવે ચાલો પોઢી જઈએ.” તે છ સંતો પોઢી ગયા ને ચાર સંતો સેવા કરતા રહ્યા.

થોડી વાર થઈ ને સ્વામીશ્રીને થાકને કારણે નિદ્રા આવી ગઈ. ચારમાંથી ત્રણે વિચાર્યું જે સ્વામીશ્રી હવે પોઢી ગયા છે, આપણે પણ પોઢી જઈએ. આમ વિચારી તે પણ પોઢી ગયા. હવે ફક્ત એક જ સંત રહ્યા. તેમણે વિચાર્યું જે, “સ્વામીશ્રી ભલે પોઢી ગયા, પરંતુ થાક તો હજી ખૂબ લાગેલો જ છે. તેથી ધીરે ધીરે સ્વામીશ્રીના ચરણ દબાવું. જો સેવા બંધ કરીશ તો સ્વામીશ્રી જાગી જશે.” તેથી ખૂબ જ દિવ્યભાવથી આખી રાત સેવા કરતા રહ્યા. “બસ, આ આ લોકનું સ્વરૂપ જ નથી. આ દિવ્ય જ છે. મને સુખિયો કરવા માટે જ, મારા માટે પધાર્યા છે.” તેવા દિવ્યભાવથી સેવા કર્યે જ રાખી. સવાર થયું ત્યારે અચાનક સ્વામીશ્રીની આંખ ખૂલી; જોયું ને પૂછ્યું, “સાધુરામ ! તમે હજી સેવા કરો છો ? તમને થાક નથી લાગ્યો ?” ત્યારે હાથ જોડીને કહે, “ના દયાળુ !  આપની સેવા, એ જ મારા માટે આરામ છે. આપનો રાજીપો એ જ મારું જીવન છે.”

આ સાંભળી સ્વામીશ્રી ખૂબ રાજી થઈ ગયા અને કહ્યું, “સાધુરામ ! અમે તમારી ઉપર ખૂબ રાજી છીએ. માગો, તમે જે માગશો તે આપીશું.” ત્યારે પેલા સંતે કહ્યું, “દયાળુ ! મારા દોષ ટળે અને નિર્વાસનિક થવાય તેવી દયા કરો.” ત્યારે સ્વામીશ્રીએ પોતાનો કોમળ કર તે સંતના મસ્તકે મૂકી કહ્યું, “જાવ, આજથી દોષ તમારી સામે મીટ પણ નહિ માંડી શકે.” આમ ક્ષણ વારમાં નિર્દોષ અને નિર્વાસનિક કરી દીધા.

આમ, કેવળ કૃપા કરી જીવની અનાદિની વાસના પણ ક્ષણવારમાં ટાળી, અનેકને સુખિયા કરતા. કોટિ કોટિ વંદન હો આપણા ગોપાળબાપાને.