ધોળકા શહેરની આ બનેલી સત્ય ઘટના છે. ધોળકામાં કાશીનાથ નામે પંડિત હતા. તે મહાજ્ઞાની અને વિદ્વાન હતા. તેથી તેમની પાસે દૂર દૂરના દેશમાંથી, સેંકડો બ્રાહ્મણપુત્રો વિદ્યા મેળવવા તેમની પાઠશાળામાં આવતા અને વિદ્યાભ્યાસ કરતા. એક વાર કાશીનાથ પંડિત પાઠશાળામાં સૌને ભણાવી રહ્યા હતા અને તેમનો નાનકડો બાળક પુંડલિક દડાથી રમતો રમતો દડાની પાછળ પાછળ દોડતાં તેલના ટાંકામાં પડ્યો અને થોડી જ વારમાં દેહત્યાગ કર્યો.
બીજી બાજુ કાશીનાથ પંડિતનાં પત્નીએ રસોઈના કામકાજમાંથી પરવારી બાળક યાદ આવતાં શોધખોળ ચાલુ કરી. અંતે ખ્યાલ આવ્યો કે બાળક તો તેલના ટાંકામાં પડી ગયો છે. અને એકદમ માતૃહૃદય હાથ ન રહેતાં તેની પાછળ ટાંકામાં પડ્યાં ને જીવનનો અંત આણ્યો.
આ બાજુ કાશીનાથ પંડિતે પાઠશાળામાંથી પાછા આવીને ઘરમાં જોયું તો પુત્ર કે તેની મા એક પણ મળે નહીં ! તેથી વિવશ થઈ શોધખોળ કરી અને જ્યાં તેલના ટાંકા પાસે આવ્યા ને જોયું તો બંનેના દેહ તેલના ટાંકામાં હતા. અને આ જોતાં જ વિચાર્યું, “આ બંને મૃત્યુ પામ્યા, તો મારે જીવીને શું કામ છે ?” પુત્ર અને સ્ત્રીની વાસનાને કારણે તે પણ પાછળ ટાંકામાં પડ્યા ને જીવનનો અંત આણ્યો. પરંતુ વાસનાને કારણે તેઓ થયા બ્રહ્મરાક્ષસ.
હવે જે કોઈ ત્યાં પાઠશાળાની પાસે આવે, એ સૌને ભરખી લે ને પોતાની ટુકડીમાં ભેળવી દે. એમ કરતાં ૩૦૦ વ્યક્તિઓનો જીવ લીધો ને ભૂતોની મોટી સેના તૈયાર કરી.
એક દિવસ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી ફરતાં ફરતાં ધોળકામાં પધાર્યા. આવીને કોઈને પૂછ્યું કે, “ક્યાંય ઉતારો મળશે ?”
ત્યારે કોઈ વિરોધીએ કહ્યું કે, “આ પાઠશાળા છે, ત્યાં તમને સારું ફાવશે. કારણ કે તે અલાયદું સ્થાન છે.”
સ્વામીશ્રી તથા સંતોએ તો પાઠશાળામાં ઉતારો કર્યો. જ્યાં રાત્રિ થઈ ત્યાં તો ભયંકર હાસ્ય થવા લાગ્યું. તેથી સ્વામીશ્રી પાસેના નાના સંતો તો ડરવા લાગ્યા. થોડી વારમાં આ બ્રહ્મરાક્ષસ તેની મોટી સેના સાથે આવીને દૂર ઊભો રહ્યો. તે સ્વામીશ્રી સાથે જ્ઞાનની ખૂબ ચર્ચાઓ કરવા લાગ્યો.
દિવસ પર દિવસ ત્રણ દિવસ સુધી સદંતર સામસામે ચર્ચા ચાલી. છેલ્લે સ્વામીશ્રીએ કહ્યું, “હે કાશીનાથ પંડિત ! તારી પાસે જ્ઞાન તો ઘણુંય છે; પરંતુ સાચા સંતના સમાગમના અભાવે તારી આ દશા થઈ છે. માટે કંઈક પાછો વળીને વિચાર કર. ક્યાં ગયું તારું જ્ઞાન ? તારે શાથી બ્રહ્મરાક્ષસ થવું પડ્યું ?” આમ, જ્યાં ઉપદેશના શબ્દો કહી બરાબર અડધો કલાક ઉપદેશ આપ્યો; ત્યાં કાશીનાથ પંડિતને પસ્તાવો થયો. તેથી તે એકદમ સ્વામીશ્રીના ચરણમાં ઢળી પડ્યો અને પ્રાર્થના કરતાં કહ્યું, “આપ ખરેખર મોટાપુરુષ છો. મારું કલ્યાણ કરો. વળી, હું એકલો નથી. મારી સાથે ૩૦૦ની મોટી સેના છે. તે સર્વેનું પણ રૂડું કરો.”
ત્યારે અતિ દયાળુ સ્વામીશ્રીએ કહ્યું, “જાવ, અત્યારે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ મંદિર બંધાવે છે. ત્યાં પથ્થરની ખૂબ તંગી છે તો તમે ત્રણસો જણ જઈ ત્યાં સેવા કરો. અને જ્યારે મંદિર પૂરું થશે, ત્યારે અમે તમારું કલ્યાણ કરીશું.” કાશીનાથ પંડિત ૩૦૦ની સેના સાથે ગઢપુર ગયા ને આખી રાત ઘેલામાંથી પથ્થર લાવી ઢગલો કરે. અને કડિયા આખો દિવસ તે પથ્થરથી મંદિર ચણે.
જ્યારે સર્વે સંતો-ભક્તો સવારે ઊઠે ને આવડો મોટો પથ્થરનો ઢગલો જુએ. તેથી શ્રીજીમહારાજને પૂછે કે, “આ ઢગલો કોણ કરે છે ?” ત્યારે શ્રીજીમહારાજ કહે, “સદ્. ગોપાળાનંદ સ્વામીએ તેમના ૩૦૦ સેવકોને મોકલ્યા છે. તે આખી રાત સેવા કરે છે.”
આમ, જ્યારે ગઢપુરનું મંદિર પૂર્ણ થયું ને પ્રતિષ્ઠા થઈ ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીએ ૩૦૦નો મોક્ષ કરી, બ્રહ્મરાક્ષસમાંથી મુક્ત કર્યા. જ્યારે બીજી બાજુ ધોળકાની પાઠશાળા પણ બ્રહ્મરાક્ષસની નાગચૂડમાંથી છૂટી તેથી તે જગ્યા પણ ભેટ મળી કે જ્યાં હાલમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર છે.