ધર્માદાનું દ્રવ્ય

 

ગોંડલ દરબારના દીવાન જાદવજીભાઈ સારા સત્સંગી હતા. એક વાર મહારાજે હરજી ઠક્કર પાસેથી તેમને પાંચ રૂપિયા અપાવ્યા અને કહ્યું કે, “લ્યો જાદવજીભાઈ ! ધોરાજીની ધાબળી સારી આવે છે. તો એક ખરીદીને ગઢપુર મોકલી આપજો.” પરંતુ તે પાંચ રૂપિયામાંથી આઠ આના વધ્યા જે પોતાની પાસે રાખ્યા અને ધાબળી મોકલી આપી. ભગવાનના ધર્માદાનું દ્રવ્ય પોતાની પાસે રાખ્યું. તેથી તે જ દિવસે તેમને દીવાનપદનો અધિકાર છૂટી ગયો. તેથી ખૂબ ગરીબાઈ આવી ગઈ. પરિણામે જુવારની ધાણીના લાડુ કરીને વેચે ત્યારે શેર જુવાર મળે તેવી સ્થિતિ થઈ ગઈ.

થોડા સમય બાદ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા. બધા જ હરિભક્તો દર્શને આવ્યા પણ જાદવજીભાઈ ન આવ્યા. તેથી સ્વામીશ્રીએ પૂછ્યું કે, “જાદવજીભાઈ કેમ ન આવ્યા ?” હરિભક્તોએ કહ્યું કે, “દયાળુ ! તેમને તો વ્યવહારમાં ખૂબ તકલીફ છે. દીવાનપદ જતું રહ્યું છે અને જુવારની ધાણીના લાડુ કરીને વેચે છે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “સારું. તેમને બોલાવો.” ત્યારે સર્વેએ કહ્યું કે, “તે હમણાં અહીંથી વેપાર કરીને નીકળશે એટલે બોલાવીશું.” પછી જ્યારે તે નીકળ્યા ત્યારે હરિભક્તોએ જાદવજીભાઈને બોલાવીને કહ્યું કે, “મોટા સ્વામી પધાર્યા છે તો દર્શને આવો.” પછી તે અંદર આવ્યા ને સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા. સ્વામીશ્રીએ અંતર્યામીપણે કહ્યું કે, “જાદવજીભાઈ, આઠ આનામાં આટલી બધી ગરીબાઈ આવી ગઈ ?” આ સાંભળી જાદવજીભાઈ એકદમ ગળગળા થઈ ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા જે, “દયાળુ ! મારી ભૂલ થઈ ગઈ પણ હવે દયા કરો.” પછી સ્વામીશ્રીએ કહ્યું, “સારું, હવે તમે જે જુવાર લાવ્યા છો તે અમને આપી દો અને સર્વે ઘરના સહિત તમે આજે એક નકોરડો ઉપવાસ કરજો. અમે તે જુવાર લઈ તમારું દેવું ચૂકતે કરવા મહારાજને પ્રાર્થના કરીએ છીએ.”

સ્વામીશ્રીએ તે જુવારમાંથી બે રોટલા કરાવ્યા ને તેમાંથી પોતે તથા સંતો જમ્યા, “જાદવજીભાઈની હતી તેવી સ્થિતિ થાય.” તેવી મહાપ્રભુને પ્રાર્થના કરી.

ત્યારપછી થોડા સમય બાદ ગોંડલના દરબારને સ્વામીશ્રીની પ્રેરણાથી અંતરમાં પસ્તાવો થયો. તેમણે જાદવજીભાઈને બોલાવીને અધિકાર સોંપ્યો. આમ, ભગવાનના ભાગનું દ્રવ્ય ખવાઈ ગયું હોય તેવાનું પણ પોતે દેવું ચૂકતે કરી સુખિયા કર્યા.