એક વખત વડોદરામાં ગાયકવાડ સરકારનો મોટો જબરો હાથી હતો. તેને સાઠમારી કરવામાં જબરો અને મદમસ્ત હતો. તે પોતાના સ્થાનમાંથી એક વાર જબરી લોઢાની સાંકળોને તોડીને નાઠો. તેણે મોટા બજારમાંથી દોડતાં દોડતાં કેટલાંય ઘર તથા દુકાનોને તોડી નાખ્યાં અને કેટલીય વ્યક્તિઓને જાનથી મારી નાખી. કેટલાકને ઘાયલ પણ કર્યા. તેથી હજારો માણસો ગભરાઈને ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યા. અને આખું શહેર દોડધામ કરતું હતું. તે હાથીને પકડવા હજારો બળિયા મહાવત વગેરે લોકો ભાલા, ચીપિયા, બાણ, ફાંસા વગેરે પકડવાના હથિયાર લઈને હાથીની પાછળ દોડધામ કરતા હતા. પણ તેની નજીક કોઈથી જવાયું નહીં. કેટલાક પકડવાના ફાંસા નાખવા ગયા; તેમને હાથીએ સૂંઢથી તથા પગ વડે ચગદીને મારી નાખ્યા. એમ સવારથી સાંજ સુધી હાથીએ ઘણા માણસોને માર્યા અને ઘણું જ તોફાન મચાવી દીધું.
ગાયકવાડ સરકાર સહિત સૌ ચિંતામાં હતા કે હાથીને કેમ વશ કરવો ? છેવટે દોડતો તે હાથી બે ગાઉ છેટે તરસાલી ગામની સીમાના મેદાનમાં ઊભો હતો. અને તેથી અડધો ગાઉ છેટે તેને પકડવા સરકારે મોકલેલા હજારો શૂરવીરો, મહાવતો હાથમાં ભાલા, ચીપિયા, બાણ વગેરે લઈને ઝાડની ઓથે સંતાઈને સાવચેતીથી ઊભા રહ્યા હતા. પણ મારી નાખવાની બીકથી કોઈની તે હાથીને ફંદો નાખવાની કે પકડવાની હિંમત ચાલતી ન હતી. પછી રાત્રે મંદિરમાં ઘણા ભક્તોએ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીની આગળ આ વાત કહી. પછી સ્વામીશ્રીએ સમાધિવાળા લખા ભગત સામું જોઈને કહ્યું, “એ હાથી કોઈથી પકડાશે નહીં. અને ઘણા માણસોને મારી નાખશે. માટે તમે જાઓ અને હાથીને ઝાલીને કોઈ ન જાણે તેમ કબજે કરીને કેદ કરીને આવજો.” પછી લખા ભગત સ્વામીશ્રીને દંડવત કરીને ચાલ્યા ને શહેર બહાર જઈને પોતાનું શરીર મોટા પર્વત જેવું વધારીને દોડ્યા. જ્યાં હાથી ઊભો હતો ત્યાં જઈને તેને એક હાથે ફૂલની પેઠે ઊંચકીને બિલાડાંનાં બચ્ચાંને બગલમાં દાબે તેમ દાબીને પાછા આવ્યા. એક ક્ષણમાં હાથીને સાઠમારી કરવાના આગળના મેદાનમાં મૂકીને બે તરફના ઝાંપા બંધ કરવાની મોટી લોઢાની જબરી ભૂંગળો હતી તેને એક હાથે વાસીને ત્યાંથી મૂળ સ્વરૂપ ધારણ કરી, તુરત સ્વામીશ્રી પાસે સભામાં આવીને દર્શન-દંડવત કરી બેસી ગયા.
જેના સેવકમાં જ આટલી સામર્થી હોય તો તેના સ્વામીમાં કેવી હશે ? જેના દીકરા જ કરોડોના ચેક લખે તો બાપનો વિચાર કરો ! માટે આવા હતા આપણા વડદાદા ગોપાળબાપા.