ગાયોની રક્ષામાં

એક સમયે વાડીમાં મહંમદ તળાવ ઉપર ગોપાળાનંદ સ્વામી ચાર વાગે સાત-આઠ સંતો સહિત નહાવા ગયા હતા. ત્યાં એક જૂનો મોટો કૂવો છે. તેના મથાળાના કાંઠા પડી ગયેલા હતા. ત્યાં રાવ સાહેબ ગોપાળરાવની બે મોટી જબરી ગાયો લડતી લડતી પાછે પગે ખસતી ઊંડા કૂવામાં પડી ગઈ. તે જોઈ આસપાસથી ઘણા માણસો પણ ત્યાં દોડી આવ્યા. કૂવામાં જોયું તો ગાયો જીવતી હતી અને પાણીની અંદર ફરતી તર્યા કરતી હતી. તેમને બહાર કાઢવા સારુ ચામડાની વરતો (દોરડા) તથા જાડાં બીજાં દોરડાં લાવી ઘણા માણસો પ્રયત્ન કરતા હતા. તોપણ તે જબરી હોવાથી નીકળી શકી નહીં. તેથી અંતે તે સર્વે થાકીને નિરાશ થઈને બેઠા.

તેમને નિરાશ થયેલા જોઈ ત્યાં આગળ થઈને તળાવને સામે કાંઠે નહાવા જતા સંતોએ સ્વામીશ્રીને વાત કરી ત્યારે સ્વામીશ્રીએ એક સંત પુરુષાનંદ સ્વામીને કહ્યું કે, “તમે કૂવામાંથી એ ગાયોને બહાર કાઢી આવો.” પછી તેમણે ત્યાં જઈ સર્વે લોકોને આંખો બંધ કરવા અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા કહ્યું. પછી પોતાના હાથ લાંબા કરી એ ગાયોને ઊંડા કૂવામાંથી ફૂલની પેઠે ઊંચકી બહાર કાઢી. તરત સ્વામીશ્રી સાથે આવીને નહાવા લાગ્યા. આવું આશ્ચર્યકારી કાર્ય જોઈ “આ સંત તો પરમેશ્વર જેવા છે” એમ કહી હજારો માણસો દંડવત પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. પણ સદ્. ગોપાળાનંદ સ્વામી તો સાધુ સહિત તત્કાળ નાહીને ઉતાવળા મંદિરમાં જતા રહ્યા.

પછી લોકોએ આ બધી વાત રાવ સાહેબને કરી. તેમણે આવી આશ્ચર્યકારી વાત સાંભળી બંને ગાયો વાછરડા સાથે મંદિરમાં ભેટ આપી દીધી. બીજા પણ કેટલાક મુમુક્ષુ હતા તે પણ સત્સંગી થયા. પુરુષાનંદ સ્વામીએ બે ગાયો હાથ વડે કાઢી તે જોઈ ત્યાં ઊભેલા કરાળી ગામના બે મુમુક્ષુ બ્રાહ્મણો સત્સંગી થયા હતા; તે ખૂબ આશ્ચર્ય પામી સંતની પાછળ મંદિરમાં આવ્યા. ત્યાં સભા મધ્યે ગોપાળાનંદ સ્વામીને નમસ્કાર કરીને બેઠા. પછી હાથ જોડી બોલ્યા કે, “સ્વામી ! જેમ બે ગાયો કૂવામાંથી કાઢી અમે પણ આ સંસારરૂપી ઊંડા કૂવામાં પડ્યા છીએ તો અમને પણ કૃપા કરીને બહાર કાઢો.” ત્યારે સ્વામી બોલ્યા કે, “તમને વિષયની વાસના ઘણી છે. માટે સંપૂર્ણપણે બ્રહ્મચર્યવ્રત પાળી સાધુના સમૂહમાં નિર્માની થઈને રહી શકશો ?” ત્યારે બંને બ્રાહ્મણોએ હાથ જોડીને કહ્યું, “દયાળુ ! અમારે આપના રાજીપાનો ખપ છે. માટે આપ જેમ કહેશો તેમ જરૂરથી કરીશું. બસ, આપ દયા કરી ભેળા ભળજો અને બળ આપજો.” ત્યારે સ્વામીએ કહ્યું, “સારું, જાઓ ઘેર જઈને પરણવા માટે દાન-દક્ષિણા લઈને ભેગા કરેલા રૂપિયા ગરીબ બ્રાહ્મણને દઈને નિષ્કંચન થઈને આવો.”

પછી બંને જણ ઘેર જઈને સ્વામીશ્રીએ કહ્યા પ્રમાણે ચારસો રૂપિયા ગરીબ બ્રાહ્મણોને દક્ષિણા તરીકે આપી આવ્યા અને ચારસો રૂપિયા મંદિરમાં ઠાકોરજીને અર્પણ કર્યા. પછી ઘરનો તથા સગાંસંબંધીનો વિષ્ટાની પેઠે ત્યાગ કરી છ માસ સુધી શ્વેત વસ્ત્ર રાખી, અતિ નિર્માની થઈ સ્વામીશ્રી તથા સર્વે સંતોનાં વસ્ત્રો ધોવાં, વાળવું, લીંપવું ઇત્યાદિક ઘણી સેવા કરી સર્વે સંત-હરિભક્તોને અતિશય રાજી કર્યા; તેથી અનંત જન્મો ધરાવનાર એવાં કામ, ક્રોધ, લોભ, સ્નેહ, માન અને રસાસ્વાદ એ સર્વે દોષથી સંપૂર્ણપણે તત્કાળ રહિત થઈ ગયા. પછી વિજ્યાનંદ સ્વામી અને સિધવાનંદ સ્વામી નામે બે બ્રહ્મચારી થઈને જીવન પર્યંત સત્સંગની અણમોલ સેવા-ભજન-ભક્તિ કરતા.