જડના પણ સ્વભાવ ટાળ્યા

 

એક વાર રાજકોટમાં સ્વયં શ્રીજીમહારાજ પધાર્યા હતા. સાથે સદ્‌. ગોપાળાનંદ સ્વામી પણ હતા. એક બોરડીના વૃક્ષ નીચે મહાપ્રભુ થોડી વાર બિરાજ્યા હતા. તે જ્યારે ઊભા થયા; ત્યારે મહારાજની પાઘમાં બોરડીના કાંટા ભરાઈ ગયા. એ જોઈ સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ બોરડીને ઉદ્દેશીને કહ્યું કે, “સ્વયં અક્ષરધામના અધિપતિનો તને યોગ થયો અને તારી સેવા સ્વીકારી, છતાં તારા સ્વભાવને તેં ન છોડ્યો ?” આ સાંભળતાં જ સ્વામીના કુરાજીપાની બીકથી, બોરડી જાણે દુઃખી થઈ ગઈ હોય તેમ દુષ્ટ સ્વભાવરૂપ કાંટાને ખેરવી દીધા. તે કાંટા વિનાની બોરડી આજે પણ મોજૂદ છે. જગતમાં ક્યાંય હજી કાંટા વિનાની બોરડી જોવા નથી મળતી, પરંતુ સ્વામીશ્રીની કૃપાથી જડ વૃક્ષ બોરડી જે જાતે અસુર જેવી હોવા છતાં, સત્પુરુષની ટકોરે સ્વભાવ છોડ્યા.