વડોદરામાં નવકોટિ નારાયણના નામથી વિખ્યાત મહા ગર્ભશ્રીમંત અને અતિ મુમુક્ષુ રાવ સાહેબ ગોપાળરાવ મૈરાળ સત્સંગી હતા. તેમના ભાઈ આંબાસાહેબ સત્સંગમાં ગુણભાવવાળા હતા. તેઓ એક વખત સદ્. ગોપાળાનંદ સ્વામી પાસે મંદિરમાં આવ્યા. તેમણે પૂછ્યું કે, “સ્વામી ! મારે દ્વારિકાની યાત્રાએ જવું છે. તો મને ત્યાં ભગવાન પ્રત્યક્ષ દર્શન આપશે ?” ત્યારે સ્વામીશ્રીએ તેમને પ્રગટનો મહિમા સમજાવતાં કહ્યું કે, “જો પ્રત્યક્ષ ભગવાનનાં દર્શનની ઇચ્છા હોય તો હમણાં તો સ્વામિનારાયણ ભગવાન એ જ પ્રગટ અને પ્રત્યક્ષ મનુષ્ય રૂપે છે. જે હાલ તેમને શરણે જવાથી તમારા સર્વે મનોરથો પૂર્ણ થશે.” તો કહે, “ભલે, બહુ સારું.”
પણ પછી ઘેર ગયા. પોતાના સગાંસંબંધી બૈરાં-છોકરા વગેરે સર્વે કુસંગી ને અતિ કુપાત્ર હતાં. તેથી તેમણે કહ્યું કે, “આ સ્વામિનારાયણનો પંથ તો નવો છે. આપણે જે વર્ષોથી માનીએ છીએ તે મૂકીને નવા થયેલા ભગવાનને શા માટે માનવું ? દ્વારિકા તો આપણું જૂનું તીર્થ છે. માટે ત્યાં ચાલો.” પછી પોતે સંબંધીઓને વશ થઈને વિવશ થકા, દ્વારિકા જવાનું નક્કી કર્યું. ત્રીસ ચાલીસ માણસો સાથે પોતાના બે દીકરા તથા સ્ત્રી-કુટુંબ લઈને બારોબાર દ્વારિકા જાત્રા કરવા ગયા. ત્યાં સુદામાપુરી થઈને વહાણમાં બેઠા.
પછી બીજે દિવસે દરિયામાં વાવાઝોડાનું તોફાન થવાથી દરિયામાં વહાણ ચકડોળે ચઢ્યું. તેને બચાવવા ખલાસી લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ છેવટે વહાણ ડૂબ્યું. ડૂબતી વખતે આંબા સાહેબને યાદ આવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સંત શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જવાનું કહ્યું હતું. ત્યારે મેં ‘ભલે દયાળુ’ કહીને પણ એવા મોટાપુરુષનું વચન માન્યું નહીં. પરંતુ આ કુપાત્ર બૈરાં-છોકરાનું માનીને હું અહીં આવ્યો. તેથી આ ભૂંડા હાલ થયા. એમ સંકલ્પ કરતા હતા. અને મનોમન સાચા ભાવે પ્રાર્થના કરી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરે છે ત્યાં જ શ્રીજીમહારાજે પ્રત્યક્ષપણે દર્શન આપીને કહ્યું, “આ લાકડાંનું મોટું પાટિયું છે. પકડી લો. જુઓ અમે ગોપાળાનંદ સ્વામીના ભગવાન છીએ. તે સ્વામીને વિષે તમારે હેત છે. તેથી તમારી રક્ષા કરવા આવ્યા છીએ. માટે આ પાટિયું ઝાલીને બહાર નીકળી શકશો. અને બહાર નીકળીને અમારાં દર્શને આવજો. તમે ભલે સ્વામીનું ન માન્યું પણ તેમનાં તમને દર્શન થયાં હતાં. વળી, તેમને તમે મોટાપુરુષ જાણીને ગુણ લીધો, માટે અમે તમને દર્શન આપીને રક્ષા કરી છે. અને તમારાં બૈરાં-છોકરાં સત્સંગનો વિરોધ કરંતા હતાં તેથી તે ગયાં. માટે હવે સૌ સારાં વાનાં થશે.”
પછી આંબા સાહેબે લાકડાંના પાટિયાંને બાથ ભરી લીધી. તે મડાગાંઠ પડી ગઈ. પછી દરિયાના પાણીના મોટા મોટા તરંગો ને મોજાંથી ત્રીજે દિવસે કાંઠે આવ્યા. પણ પાટિયાંને વળગેલા અને મૂર્છાવશ હતા. શરીર પણ પાણીથી ફૂલી ગયું હતું. આ વાતની ખબર પડવાથી ત્યાં રહેનારા ઘણા લોકો કાંઠા ઉપર જોવા આવ્યા અને તેમના શરીરની કાંતિ, ગળામાં કંઠી તથા હાથે હીરાની વીંટીઓ વગેરે જોઈ આ કોઈ મોટા માણસ છે એમ સૌએ નક્કી કર્યું.
પછી તેમને નજીકના ગામમાં લઈ જઈને રૂમમાં લાવ્યા. અને અગ્નિથી તપાડ્યા. તે બે પહોરે શુદ્ધિમાં આવ્યા. તે વખતે જવાબ આપ્યો કે, “હું વડોદરામાં રાવ સાહેબ ગોપાળરાવ મૈરાળ શ્રીમંત છે; તેમનો ભાઈ છું. મારા બૈરાં-છોકરાં વગેરે સર્વે દરિયામાં ડૂબી ગયાં. પરંતુ મને તો ડૂબતાં ડૂબતાં સ્વામિનારાયણ ભગવાને પોતે દર્શન આપીને પાટિયું દેખાડી પકડાવ્યું હતું. તેથી કાંઠે આવી શક્યો છું.”
પછી તે ગામમાં બે-ત્રણ સત્સંગી હતા. તેથી તેમણે આંબા સાહેબને દસ-બાર દિવસ પોતાને ઘેર ખૂબ પ્રેમથી રાખીને સાજા થયા ત્યારે ગાડું જોડીને જૂનાગઢ મૂકવા ગયા. ત્યાં મંદિરમાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ તેમને ઘણા ભાવથી આગ્રહ કરી આઠ દિવસ રાખ્યા. કથાવાર્તાથી સુખિયા કર્યા અને ઉત્તમ સત્સંગી કર્યા.
પછી પેલા ત્રણ સત્સંગી ગરીબ જેવા હતા તેમણે ખૂબ ભાવથી સેવા કરી તેથી ત્યાં જૂનાગઢના શાહુકારને હૂંડી લખીને તેમને દોઢ હજાર રૂપિયા અપાવ્યા. ને મંદિરમાં ઠાકોરજીને પણ બસો રૂપિયા ભેટ મૂક્યા. તથા સંતોને પણ રસોઈ આપી અને વસ્ત્ર ઓઢાડ્યાં. એમ ભાવથી ખૂબ સેવા કરી.
આ બાજુ વડોદરામાં વહાણ ડૂબ્યાની ખબર થવાથી રાવ સાહેબે કારભારી વગેરેને દસ-બાર ઘોડેસવારો સાથે પોતાના ભાઈની શોધ કરવા મોકલ્યા. તે ત્યાં જૂનાગઢ મળ્યા. પછી તેમની સાથે વડતાલ હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરવા આવ્યા. ત્યારે સ્વયં હરિકૃષ્ણ મહારાજે કંઠમાંથી મોગરાના પુષ્પનો હાર ઉતારીને આપ્યો અને બોલ્યા કે, “આંબા સાહેબ ! તમારી ઇચ્છા છે તો ફરી ગૃહસ્થાશ્રમ કરજો અને સર્વે રીતે સુખી થશો. પણ અમને સદાય સાથે રાખજો. કદી ભૂલશો નહિ અને જે સંતની કૃપા થઈ છે તેને સદાય જાળવી રાખજો. બરાબર મહિમા સમજી લેજો. તેમાં કદી બીજો ભાવ પરઠશો નહીં.” આવા આશીર્વાદ મુજબ તે ખૂબ સુખી અને સારા સત્સંગી પણ થયા.