એક વાર અગત્રાઈના પર્વતભાઈના દીકરા મેઘજીભાઈએ પર્વતભાઈને કહ્યું જે, “અમારે જાત્રાએ જવું છે.” ત્યારે પર્વતભાઈએ દીકરા મેઘજીભાઈને મળેલ પ્રાપ્તિનો મહિમા સમજાવતાં કહ્યું જે, “આપણને આવા સર્વોપરી ભગવાન ને સંત મળ્યા પછી ક્યાંય જવાનું રહેતું નથી. એવાં તો અનંત તીર્થો ભગવાન ને સંતના તથા તેમના મુક્તના ચરણમાં, પોતાનાં પાપ બાળવા નિત્યે આવતાં હોય છે.” મેઘજીભાઈને આ વાતમાં વિશ્વાસ ન આવ્યો તેથી કહ્યું જે, “તમારે મને યાત્રાનો ખર્ચો આપવો પડે છે તેથી કહો છો. પણ મારે તો નક્કી જવું જ છે.” આમ મેઘજીભાઈ તો જાત્રાએ નીકળ્યા.
થોડા સમય પછી સદ્. ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં અગત્રાઈ પર્વતભાઈને ઘેર પધાર્યા. અને વાતચીત દરમ્યાન જાણ્યું કે તેમનો દીકરો મેઘજીભાઈ ના પાડી છતાં જાત્રાએ ગયો છે. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “સારું, અમે તેને પાછો લાવીએ છીએ.” એમ કહી ઝડપથી પૃથ્વીથી ઊંચે ચાલવા લાગ્યા. તે મેઘજીભાઈથી આગળ થઈ ગયા.
જ્યારે મેઘજીભાઈએ જોયું કે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી આગળ ને આગળ જઈ રહ્યા છે. તેમાંય આશ્ચર્ય જોયું કે તેમના ચરણ નીચે શ્વેત તેજોમય ઘણીબધી મૂર્તિઓ છે. તેથી તેમણે સ્વામીશ્રીને પૂછ્યું કે, “દયાળુ ! આપના આ ચરણ નીચે શ્વેત તેજોમય મૂર્તિઓ છે તે કોણ છે ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “ગણી જુઓ તો, કેટલી છે ?” ત્યારે મેઘજીભાઈએ ગણીને કહ્યું કે, “પૂરી અડસઠ છે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “તે સર્વે ૬૮ તીરથ છે જે નિત્ય અમારી ચરણની રજ લઈ પાવન થવા આવે છે.”
આ વાત સાંભળી મેઘજીભાઈને ખૂબ મહિમા સમજાયો. તે બોલ્યા, “સ્વામી ! હવે જાત્રાએ જવું નથી.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “તમારા પિતાશ્રી પર્વતભાઈ પણ મોટા મુક્ત છે. તેમના ચરણમાં પણ અડસઠ તીરથ નિત્યે આવે છે. તેમને તમે કહેજો તેથી તે દર્શન કરાવશે.” પછી મેઘજીભાઈ અતિશય મહિમા સમજી ધન્યતા અનુભવતાં અડધે રસ્તેથી પાછા વળ્યા.