“પ્રગટ્યા પોતે પરમ દયાળુ, શ્રીજી કૃપાળુ આજ;
દુખિયા દેખી જીવ માયાના, કરવા તેનાં કાજ.”
આમ, માયામાં ફસાયેલા જીવોને ઉદ્ધારવા મહાપ્રભુ પધાર્યા. પરંતુ સૌ જીવોને પોતાની ઓળખાણ પડાવવા માટે મુક્તોની જરૂર પણ પડે જ. તેથી તેમને પણ આ પૃથ્વી પર સાથે લઈ પધારવાનો દિવ્ય સંકલ્પ કર્યો. સદ્. ભૂમાનંદ સ્વામીએ પણ કીર્તનમાં લખ્યું કે,
“મુક્તમંડળને સાથે રે લાવ્યા, હરવા ભૂમિનો ભાર.”
અનેક મુનિઓનાં વૃંદને લઈને પધારવા મહાપ્રભુએ મુક્તોને અક્ષરધામમાં વાત કરી. તે સંવાદ પ્રસંગ-કીર્તનમાં પણ સુંદર રીતે વર્ણવ્યો છે :
“અક્ષરધામે વાત કરે છે, મુક્તો ને મુનિવર;
કેમ જીવોનાં કલ્યાણ કરવાં, બોલો થઈ તત્પર.
લાડીલા જે પોતાના તેને, શ્રીજી કહે કરી પ્યાર;
ચાલો મુનિઓ દર્શન દઈએ, ભરતખંડ મોઝાર.”
શ્રીજીએ જ્યારે પોતાની સાથે આવવા મુક્તોને કહ્યું ત્યારે મુક્તોએ નમ્રતાપૂર્વક હાથ જોડીને પ્રાર્થના કરી કે, “આપ સમર્થ અને સર્વ શક્તિમાન છો. વળી, સ્વતંત્ર મૂર્તિ છો. દયાળુ ! આપ તો સંકલ્પમાત્રથી જીવોના દુઃખને દૂર કરી શકો તેમ છો. વળી, હે દયાળુ ! જીવમાંથી શિવ (મુક્ત) કરવાનું કામ તો આપનું જ છે. વળી, પુરુષોત્તમ એવા આપનો નિશ્ચય પુરુષોત્તમ વડે એટલે કે આપ વડે જ થાય. તો હે કૃપાનાથ ! ત્યાં અમારી શું જરૂર છે ?”
“મુક્તો કહે હરિ તવ કૃપાથી, સદાય અમને સુખ;
આપ પધારી ટાળો જીવનાં, કોટિ જન્મનાં દુઃખ.
મુક્ત કરી સુખ આપવું એ છે, કેવળ આપનું કામ;
શું છે જરૂર અમારી ત્યાંય, બોલો પૂરણકામ.”
ત્યારે મહાપ્રભુ કહે કે, “હે મુક્તો ! તમારી વાત સાચી છે, પણ જીવો બિચારા મૂળમાયામાં ફસાયેલા છે. તેમને અમારા સર્વોપરી સ્વરૂપની ઓળખાણ કોણ કરાવશે ? સજાતિને સજાતિમાં જ હેત થાય. માટે તમો પૃથ્વી પર પધારો અને તેમના જેવા થઈ ત્યાં મારું ભજન કરો. તમારા વર્તન અને ઉપદેશથી જીવો અમારામાં આકર્ષણ પામશે. પછી તમો એમને અમારી ઓળખાણ પડાવજો ને વર્તમાન ધરાવી શુદ્ધ સત્સંગી કરજો.”
“વર્તમાન ધરાવી દેહ પડાવી, મૂર્તિમાં રાખી જીવ;
અનાદિમુક્તની પંક્તિમાં રાખો, સદ્ય કરીને શિવ.”
વળી, મહાપ્રભુ મંદ મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા કે, “મુક્તો ! આપ સર્વે અમારી સાથે પધારો તથા નવા મુમુક્ષુઓને અમારી સાથે હેત કરાવવા તમારી જરૂર પડશે. પછી તે જીવ જ્યારે અમારે વિષે જોડાશે ત્યારે જેમ છે તેમ મહિમા સમજાશે.”
“મુક્ત વચન સુણી બોલ્યા શ્રીજી, એમ જ કરવું ખાસ;
પણ અજ્ઞાની જીવ મૂંઝાશે, નહિ આવે કોઈ પાસ.
હરિ હરિજનની રીત જ ન્યારી, દેહદર્શીને ન પડે ગમ;
પોતા જેવા ભાવો પરઠે, જાણે ન આપણો મર્મ.”
આમ, મુક્તો સાથે નક્કી કરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અયોધ્યા પાસે છપૈયાપુર ખાતે ધર્મ-ભક્તિને ત્યાં, સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ (નોમ)ને રાત્રે ૧૦ વાગે પ્રગટ થયા.
(૧) પોતાના એકાંતિક ભક્તને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા.
(૨) અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવા ભક્તિ-ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી.
(૩) પોતાનું સર્વોપરી જ્ઞાન તથા સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુક્ત ભેળા ભેળવવા.
(૪) પોતાના અવતારોને તથા અવતારોના ભક્તોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઉપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઈ જવા.
(૫) એકાંતિક ધર્મને સ્થાપન કરવો તથા દુષ્ટજનનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું.
(૬) મુમુક્ષુને મુક્ત કરવા તથા પોતાના અને પોતાના મુક્તોનાં દર્શન-સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો.
એ છ હેતુને લઈને આ બ્રહ્માંડમાં દિવ્ય દર્શન આપ્યાં. વળી, સાથે પોતાના મુક્તોને પણ લાવ્યા. તે સૌએ નરવિગ્રહ ધારણ કર્યો.
“શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો, ધામ થકી આ વાર;
નરના જેવું નાટક ધારી, જીવો કરે ભવપાર.”
આમ, મહાપ્રભુ પ્રગટ થયા તે સાથે તથા તે પહેલાં પૂર્વભૂમિકા તૈયાર કરવા તથા તેમની પાછળ પણ જુદાં જુદાં સ્થળે, ઘણાબધા મુક્તો પ્રગટ થયા. જેવા કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદાખાચર, મૂળજી બ્રહ્મચારી, જીવુબા, લાડુબા, આદિ. આ સર્વે મુક્તોની સામર્થી અપાર હતી. મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહ્યા મુજબ જેટલું શ્રીજીમહારાજનું કર્યું થતું તેટલું આવા મુક્તોથી પણ થતું.
જેમ સમુદ્રમાં સમાતી અનેક નદીઓમાંથી કોઈક નદી વિશેષ શ્રેષ્ઠતા ધરાવતી હોય, આકાશના અનંત તારાઓમાં કોઈક વિશેષ તેજસ્વી હોય છે તેમ સહજાનંદ સિંધુની અનેક નદીઓમાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી એ શ્રેષ્ઠ સરિતા સમાન હતા. એટલે કે સર્વે મુક્તોમાં શ્રીજીમહારાજે અવરભાવની રીતે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીમાં વિશેષ સામર્થી બતાવેલી. તેઓ મહાઐશ્વર્યશાળી, મહાપ્રતાપી અને મહાસમર્થ હતા. વળી, સ્વયં શ્રીજીમહારાજે પણ પોતાના વારસદાર તરીકે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીની જ નિયુક્તિ કરી હતી. તેમને સૌના આગેવાન કર્યા હતા. અને પોતાના અંતર્ધાન થયા પછી પણ આખોય સંપ્રદાય ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહે તેવી ભલામણ કરી હતી. આમ, ગોપાળાનંદ સ્વામીનો તો અપાર અપાર મહિમા છે. બસ, તેમના મહિમા આકારે થવા માટે જ અને સદાય સુખી થવા માટે જ આ પુસ્તિકામાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીના દિવ્ય ગુણોનું ગાન કરેલ છે.
તટસ્થભાવે ભૌતિક અને સાંસારિક વિચારોનું પૂર્ણવિરામ આણી, પુસ્તિકાનું પઠન કરી મહિમા આકારે થનાર સૌ કોઈ સંત-હરિભક્ત જરૂરથી અંતરે અખંડ સુખિયા થશે જ. કારણ કે અંતરે સદાય સુખી રહેવાનો એકમાત્ર સરળ રસ્તો બતાવતાં સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે કે,
“મળેલા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે વર્તવું.”
કદાચ આપણને લાગે કે મહિમા તો છે જ. પરંતુ હજી મહિમા આકારે નથી થયા. તેથી જ ક્યારેક સુખિયા અને વળી પાછા મોટા ભાગે દુખિયા જ થઈ જવાય છે. આપણા પર બહુ મોટી કૃપા છે કે આપણને મળેલા મહાપ્રભુનો મહિમા તો અપાર છે. તેનો ક્યારેય પાર પામી શકાય તેમ નથી.
“કદાચ પૃથ્વીના રજકણને ગણી શકાય અને કદાચ સમુદ્રના પાણીના બુંદ બુંદને ગણી શકાય. કદાચ આકાશના તારાને ગણી શકાય પણ આ સર્વોપરી, સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન અને તેમના મળેલા સત્પુરુષના મહિમાનો પાર પામી શકાય તેમ નથી.” અરે ! સ્વયં શ્રીજીમહારાજ પણ સ્વમહિમાનું અતિશયપણું બતાવતાં કહે છે કે, “અમારા મહિમાનો પાર તો અમે પણ પામી શકતા નથી.” વળી, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે, “પૃથ્વીનો કાગળ કરીએ, સર્વે વૃક્ષોની કલમ કરીએ અને સાત સમુદ્રની શાહી કરીએ તોપણ આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જેમ છે તેમ મહિમા વર્ણવી શકાય તેમ નથી.” ટૂંકમાં ન ઇતિ ન ઇતિ છે. વળી, જેવો મહારાજનો મહિમા છે તેવો જ મુક્તોનો પણ મહિમા છે. કારણ કે તે કદી જુદા નથી.
તથા, “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પય માંહી ભળી.” તથા,
“ખાતાં પીતાં હરતાં કે ફરતાં, નથી તે જતાં કે આવતાં;
જીવોના મોક્ષને માટે, સ્વયં હરિ ભૂ પરે ફરતા.”
એટલે કે સ્વયં શ્રીજીમહારાજ મુક્ત રૂપે દર્શન દે છે તો તેમના મહિમાનો પાર ક્યાંથી પામી શકાય ?
આવા સ્વયં શ્રીજીમહારાજના સંકલ્પ સ્વરૂપ એવા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીનો મહિમા પણ અપાર છે. જે અલ્પ બુદ્ધિથી લખવો, ગાવો કે વર્ણવવો તે અશક્ય છે. છતાં પણ તેમની અમીરપેઢીના દીકરા થવાની અહોકૃપા સાંપડી છે, તે જ આપણા સૌની પર થયેલ અતિ મહામોટી કૃપા છે. તે વાતનો અખંડ આનંદ હશે તો સંસાર-વ્યવહારનાં કે તનનાં, મનનાં, ધનનાં કે જનનાં કોઈ દુઃખ પણ નજીક નહિ આવી શકે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના શબ્દોમાં કહીએ તો,
“હું ખાનદાન બાપનો ખમીરવંતો દીકરો છું.’ તથા ‘મુઝે કૌન મિલા હૈ ઔર કૈસા કિયા હૈ !’ તે બે વાતનો કેફ તથા બળ રાખશું તો અખંડ આનંદમાં સહેજે રહેવાશે.”
એટલે જ સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે,
“શીદને રહીએ કંગાલ રે, સંતો શીદને રહીએ કંગાલ;
જ્યારે મળ્યો મહા મોટો માલ રે.” તથા
“આજે આવિયો આનંદ અંગ ઉમંગ ઉર અતિ;
અતિ મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતિ;
મતિમાંય કર્યો છે વિચાર આવા સાચા સંત મળ્યા.”
તો આવો મુક્તો, આપણા વડદાદા એવા સદ્. શ્રી ગોપાળબાપાના દિવ્ય ગુણોની ઝાંખી કરી જીવન ધન્ય બનાવીએ અને હરિને ગમે તેવું દિવ્ય જીવન જીવતા થઈએ.