અંતરધ્યાન લીલા

સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રાગટ્યથી લઈ, અંતર્ધાન સુધી અનેક પરચા અને દિવ્ય ચરિત્રોની હારમાળા સર્જી છે.

જૈન સાધુને પણ સમાધિ કરાવી સમજણ કરાવી હતી તથા લુણાવાડામાં ૧૦૦ સ્વરૂપે દર્શન આપ્યાં તેમજ લુણાવાડામાં ફક્ત મંદિરનો રસ્તો બતાવનાર દાતણ કરતા મુસલમાનને પણ અંતકાળે દાતણની સ્મૃતિ બતાવી ધામમાં લઈ ગયા. તથા હરિરામ માળીની વાડીમાં પધરામણી કરી, મોર ઉપર દિવ્ય દૃષ્ટિ કરી તેને અભયવર આપ્યો કે જેથી મોરને ૧૨ ગોળી મારવા છતાં તે મોરને કાંઈ થયું નહીં.

વડોદરામાં ગોસાંઈવાળા સાથે સંવાદમાં પણ સ્વામીશ્રીએ દિવ્ય સામર્થી વાપરીને સૌને જીતી લીધા હતા. આમ, મહારાજની જીત કરી હતી.

તથા પોતે જમેલી કેરીનો પણ મોક્ષ કર્યો કે જેથી તે કેરીના ગોટલા વાવ્યા, પણ તે ઊગ્યા જ નહીં. એટલે કે તેના માથેથી પણ જન્મમરણના ફેરા દૂર કરી દીધા.

ખંભાતના સદાશિવભાઈને પણ હવેલીમાં ખૂબ હેત ને બંધન હતું. તેમને સમાગમ કરાવી, સમજણ દૃઢ કરાવી, સર્વેથી વૈરાગ્ય કરાવ્યો કે જેથી હવેલી બળી ગઈ છતાં સમજણના કારણે તે સુખિયા રહી શક્યા હતા.

આવા આવા તો અનેક પરચા તથા સામર્થીનાં વારંવાર દર્શન થતાં જે અહીં તો કિંચત્‌ માત્ર લખ્યા છે. સ્વામીશ્રીએ આટલા સત્સંગ-પ્રચારનાં કાર્યોની સાથે સાથે સમગ્ર સત્સંગ સમાજ અને પાછળની પેઢી માટે પણ ગ્રંથક્ષેત્રે બહુ મોટો ફાળો આપીને કુલ ૨૦ જેટલા મોટા સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે. વળી, સાત જેટલા પ્રાકૃત ગ્રંથોની પણ રચના કરી છે. તેમજ ભક્તને સારા-નરસા પ્રસંગે તથા દુઃખમાં દીવાદાંડી સમાન મહાપૂજાનું મહત્ત્વ પણ સમજાવ્યું છે કે જેથી ઘણાબધા ભક્તો સુખી થયા છે.

સદ્‌. ગોપાળાનંદ સ્વામી આ લોકમાં ૭૧ વર્ષ રહ્યા. તેઓશ્રી ૨૮ વર્ષ ગૃહસ્થમાં રહ્યા. ત્યાં પણ તેમણે લોકોપયોગી અને પરોપકારનાં અનેક કાર્યો કર્યાં. તેમજ તેમણે અદ્‌ભુત પરચા અને ચમત્કારો બતાવીને પણ જનજીવનની સામાજિક, ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરેલી છે, જેનો આપણને આ પુસ્તિકામાંથી ઉત્તમ ખ્યાલ આવે છે.

તેઓશ્રીએ ૪૪ વર્ષ સુધી ત્યાગાશ્રમમાં રહી સત્સંગની સેવા કરી. તેમાં ૨૨ વર્ષ શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપની હયાતીમાં, સત્સંગની વૃદ્ધિ માટે અજોડ લાભ આપ્યો અને ૨૨ વર્ષ, અંતર્ધાન થયા પછી, મહારાજના સર્વાવતારી અને સર્વોપરીપણાને જેમ છે તેમ ઓળખાવવાની અજોડ સેવા કરી.

સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી સંવત ૧૯૦૬ની સાલમાં પોતે શ્રીહરિની સેવામાં જવા તૈયાર થયા. પછી ધર્મધુરંધર આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની પ્રાર્થના કરવાથી, શ્રીજીમહારાજે આ લોકમાં ૨ વર્ષ વધારે રાખ્યા. એટલે સંવત ૧૯૦૮ના વૈશાખ સુદ ૫ના દિવસે ૭૧ વર્ષ ૩ માસ અને ૧૨ દિવસનું આયુષ્ય ભોગવી અવરભાવમાં દેખાતા ભૌતિક દેહનો ત્યાગ કરી  અંતર્ધાન થઈ ગયા. ભલે તેમણે તેમના ભૌતિક દેહનો ત્યાગ કર્યો, પરંતુ તેઓશ્રી સદા દિવ્ય દેહે પ્રગટ, પ્રગટ અને પ્રગટ જ છે.