એક વખત સદ્. ગોપાળાનંદ સ્વામી ગાડીમાં બેસી પંદર-વીસ સંતો સાથે વડોદરાથી કરાળી ગામ જતા હતા. અને પાછળ હરિભક્તો વળાવવા જઈ રહ્યા હતા. તેમને પરાણે સ્વામીશ્રીએ પાછા વાળ્યા. પરંતુ અતિશય પ્રેમને કારણે ભારે હૈયે મહાપરાણે પાછા વળ્યા. પરંતુ નથુરામ જાની તો પાછા નહિ વળતાં ગાડીની પાછળ દોડતા હતા. તેઓ સ્વામીશ્રીને હાથ જોડીને ગદ્ગદ થઈ ગયા. ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું કે, “જાની, કેમ તમારે કાંઈ દુઃખ છે ?” ત્યારે તે બોલ્યા કે, “સ્વામી, છોકરાને જનોઈ દેવી છે પણ મારી પાસે દ્રવ્ય નથી. તેથી મનમાં મૂંઝવણ થાય છે.” ત્યારે દયાળુ મૂર્તિ સ્વામીશ્રીએ કહ્યું, “જાની ! જનોઈમાં કેટલો ખર્ચ થાય ?” ત્યારે તેમણે કહ્યું કે, “પચીસ રૂપિયા જનોઈની વિધિમાં થાય અને સો રૂપિયા નાત તથા બ્રાહ્મણોના ભોજનમાં થાય. એમ મળી સવાસોનો ખર્ચ થાય.”
પછી સ્વામીશ્રી તો ગાડી ઊભી રખાવીને ઊતર્યા અને જાનીનો હાથ ઝાલીને વગડામાં આડે રસ્તે થોડે છેટે લઈ ગયા. ત્યાં એક જૂનું રાયણનું વૃક્ષ હતું. ત્યાં ઊભા રહીને કહ્યું કે, “જાની, તમે આ લાકડાથી અહીં થોડી ધૂળ ખોદી કાઢો.” પછી તેમણે હાથ-બે હાથ માટીનાં ઢેફાં ખોદી કાઢ્યાં. અને નીચે જોયું તો સોનામહોરનો ભંડાર ભરેલો જોયો. પછી સ્વામીશ્રીએ કહ્યું કે, “જાની, તેમાંથી તમે પાંચ સોનામહોર લઈને કપડાના છેડે બાંધી લો. પણ જોજો ! વધારે લેશો નહિ હોં... એક સોનામહોરની કિંમત પચીસ રૂપિયા છે. તેથી પાંચના સવાસો રૂપિયા તમને પ્રાપ્ત થશે. તેથી તમારા દીકરાને જનોઈ દેવાનો ખર્ચ થઈ રહેશે.”
પછી જાનીએ “ભલે દયાળુ !” એમ કહીને લોભવૃત્તિમાં તણાઈને પાંચને બદલે છ સોનામહોરો લઈને સ્વામી ન દેખે તેમ પોતાના કપડાના છેડે ગાંઠ વાળીને બાંધી. સર્વેનું અંતરનું તથા બહારનું જાણનાર અંતર્યામી સ્વરૂપ એવા સ્વામીશ્રીએ પૂછ્યું કે, “પાંચ લીધી ?” ત્યારે જાની કહે, “હા દયાળુ !” પછી સ્વામીશ્રી કહે, “હવે ખાડો ધૂળ વડે પૂરી દો.” પછી તેમણે ખાડો ધૂળથી પૂરીને સર્વ ઠીક કરી દીધું. ત્યારબાદ સ્વામીશ્રી ત્યાંથી પાછા આવીને બિરાજ્યા અને જાનીને પોતાને ઘેર જવા કહ્યું ને પોતે ત્યાંથી કરાળી પધાર્યા.
હવે જાનીએ તો ઘેર જઈને કપડાંની ગાંઠ છોડી તો પાંચ જ સોનામહોરો હતી. અને છઠ્ઠી મહોરને બદલે એક મોટો વીંછી કપડામાંથી નીચે પડ્યો. તે જોઈને દૂર ખસી ગયા. “હાય ! આવો મોટો વીંછી છે તે જો કરડશે તો ?” એમ કહી ચીપિયાથી પકડીને બહાર નાખી આવ્યા. પછી પેલી મહોરો બજારમાં જઈને વટાવી. તેના સવાસો રૂપિયા પૂરા મળ્યા. તે વડે છોકરાને જનોઈ દીધી.
પરંતુ ‘લોભને થોભ નથી’ તે મુજબ વળી પાછા થોડા દિવસ પછી જાનીને લોભ ઉદય થયો. તેથી પેલી સોનામહોરના ભંડાર પાસે ગયા. જ્યાં થોડી જ માટી ખોદી ત્યાં તો મોટા મોટા અસંખ્ય વીંછીનો ભંડાર ભરેલો દીઠો. તેમાંથી વીંછીઓ બહાર નીકળવા લાગ્યા. તેથી જાની તો જીવ લઈને નાઠા. તે સીધા ઘેર આવતા રહ્યા. આમ, લોભને થોભ નથી. મોટાપુરુષનો આવો દિવ્ય પ્રૌઢ પ્રતાપ દેખ્યો છતાં તેમનું અંતર્યામીપણું તથા દિવ્યપણું તથા મોટપ સમજી ન શક્યા. છતાં અતિ દયાળુ સ્વભાવના સ્વામીશ્રીએ પોતાના ભક્તની દુઃખમાં સદાય લાજ રાખી ને રક્ષા જ કરી છે.