એક દિવસ સરકારના ખાનગી દીવાન નારૂપંત નાના તથા ભાઉપુરાણી સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીશ્રીએ તેમને સન્માન કરી બેસાડ્યા. પછી નારૂપંત નાના સાહેબના કપાળમાં કંકુનો આડો ચાંદલો જોઈ મંદ હાસ્ય કરતાં પૂછ્યું, “તમે કયા દેવની ઉપાસના કરો છો ?” ત્યારે નાના સાહેબે કહ્યું, “હું તો દેવીનો ઉપાસક છું.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “સર્વશ્રેષ્ઠ એવા ભગવાનને મૂકી અન્ય ઉપાસના શા માટે કરો છો ?” ત્યારે દીવાન સાહેબ કહે, “દેવીથી અધિક બીજી કોઈ શક્તિ આ દુનિયામાં નથી.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “તમે અવળું સમજી બેઠા છો. દેવીને તમે શક્તિ કહો છો તો તેના નિયામક કોઈક તો હોય ને ? માટે આ ભગવાન તે શક્તિના પ્રેરક અને નિયામક છે. તે સૌમાં સાક્ષી રૂપે રહ્યા છે. અને નિર્ગુણ, અખંડ ને અવિનાશી છે. અને સર્વને કર્મફળપ્રદાતા છે. માટે આ જન્મને સાર્થક કરવો હોય તો, સર્વ અવતારના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરો. અને તો જ અવિચળ સુખને પામશો.”
સ્વામીશ્રીની આવી વાતો સાંભળી બંનેના અંતરમાં ખૂબ શાંતિ થઈ ગઈ અને એકદમ દંડવત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “કેટલાક અજ્ઞાની લોકો આપને માટે જાદુગરા વગેરે શબ્દો બોલે છે. પરંતુ આજે આપની સામર્થીનો અમને પ્રત્યક્ષ અનુભવ થયો છે. માટે અમને વર્તમાન ધરાવો. અમે હવે નિત્ય આપનાં દર્શન તથા સમાગમનો લાભ લેવા જરૂરથી આવીશું.” એમ કહી બંને રાજી થતા ઘેર ગયા.
રાત્રે દેવીએ પણ દર્શન દઈને કહ્યું કે, “તમે સર્વોપરી ભગવાનના થયા તેથી હવે અમે જઈએ છીએ.” બીજે દિવસે સવારે ઊઠીને નારૂપંત નાનાએ જોયું તો પોતાના ઘરમાં સો વર્ષથી જે અખંડ દીવો બળતો હતો, તે પણ પોતાની મેળે ઓલવાઈ ગયો. અને દેવસ્થાનમાં સદ્. ગોપાળાનંદ સ્વામી પાસેથી મૂર્તિ લાવીને પધરાવીને પતિવ્રતાની ભક્તિ શરૂ કરી. કપાળમાં તિલક-ચાંદલો પણ કર્યાં અને રાજદરબારમાં ગયા. તેથી સરકારે પૂછ્યું ત્યારે સર્વે હકીકત જણાવી. તેથી ગાયકવાડ સરકારને પણ ખૂબ ભાવ થયો.