ઢુંઢુબાને શરણાગત કર્યો

 

એક વખત ગાયકવાડ સરકાર શ્રીમંત સયાજીરાવનો ડાયરો ભરાયો હતો. તેમાં વાત નીકળી કે ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ  ભગવાનના શિષ્ય છે. તેઓ વેદ-ઉપનિષદ-ભાગવત વગેરે શાસ્ત્રો સારી રીતે જાણે છે. તેઓ શાસ્ત્રો પ્રમાણે વાત કરી પોતાના ગુરુ સ્વામિનારાયણને ભગવાન તરીકે ઠેરવે છે. પરંતુ કળિયુગમાં ભગવાન હોય જ નહીં. વળી, આવા ઘોર કળિયુગમાં પણ નાના છોકરા, શૂદ્ર જાતિ વગેરેને પણ સમાધિ કરાવે છે, તે પણ અસંભવ છે. કેમ જે પૂર્વે સત્‌યુગમાં મોટા મોટા મહર્ષિઓ હજારો વર્ષ તપ કરી રાફડા થઈ જતા તોપણ સમાધિ થતી ન હતી. અને સ્વપ્નમાં પણ ભગવાનનાં દર્શન થતાં ન હતાં. તો પછી આવા હળાહળ કળિયુગમાં તો ભગવાન હોય જ ક્યાંથી ? આમ એકદમ વેગમાં વાતોનો વાયુ પ્રસરી રહ્યો હતો.

તેવામાં સભામાં બેઠેલા પ્રખર પંડિત શોભારામ શાસ્ત્રી બોલ્યા જે, “આવા પ્રતિષ્ઠિત રાજ્યમાં આવું તૂત ક્યાં સુધી ચાલશે ? માટે તેનો અટકાવ કરવા બંદોબસ્ત કરો. આ ગોપાળ બાવો બધાને વાતો કરીને પોતાના સંપ્રદાયમાં ખેંચી લે છે. તે ગામના તેમજ શહેરના ભોળાભલા લોકો બિચારા ગાંડાતૂર થઈને તેમની કેડે ભમ્યા કરે છે.” તેવામાં તે સભામાં બેઠેલો ઘમંડી એવો ઢુંઢુબા ભભૂકી ઊઠ્યો અને બોલ્યો, “એને સીધા કરવા એ તો મારું કામ છે. મારું હથિયાર ડંગોરો છે. તે જેના પર તડાક દઈને પડે તેને લોહીલુહાણ કરી નાખે. હું કાલે જ ત્યાં જઈને તેની ખબર લઉં છું. કેમ જે મારા ડંગોરામાં એવો પ્રતાપ છે કે જે ઢોંગી હોય, ધુતારો હોય, પ્રપંચી હોય તેનું માથું ફોડ્યા વિના રહે જ નહીં.” ત્યારે સૌ સભાજનો એકી અવાજે બોલી ઊઠ્યા, “હા, બરાબર છે. ઢુંઢુબા, એ  કામ તમારું જ છે.”

સભા વિસર્જન થઈ અને સૌ પોતપોતાને ઘેર ગયા. આખા વડોદરા શહેરમાં વાત ફેલાઈ ગઈ જે, ઢુંઢુબા ગોપાળાનંદ સ્વામીની પરીક્ષા લેવા જવાનો છે. તેથી કેટલાક હરિભક્તો ચિંતામગ્ન પણ બન્યા; કારણ કે તેઓ જાણતા હતા કે ઢુંઢુબા ખૂબ માથાભારે તથા ખરાબ માણસ છે. વળી, જે સદ્‌ગુરુશ્રીનો મહિમા જાણતા હતા તેઓએ તો નક્કી જ કરી નાખ્યું હતું કે ઢુંઢુબા બીજે બધે ભલે જીતે કે સૌને દબાવે પણ આજે તો તેના પૂરેપૂરા ઘાટ ઘડાઈ જવાના છે. સારાય શહેરમાં વાત ફેલાઈ હોવાને કારણે ‘તમાશાને તેડું ન હોય’ તે ન્યાયે સવારના પહોરમાં જ લોકોનાં ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં. ઢુંઢુબા પોતાનો સાજ સજી શરીરે ભભૂતિ લગાવી, કપાળમાં સિંદુરનો મોટો ચાંદલો કરી, લાલ લંગોટી પહેરી, ઉપર કાળું વસ્ત્ર નાખી, લોખંડની સાંકળ કેડે બાંધી, એક હાથમાં ડંગોરો ને બીજા હાથમાં ત્રિશૂળ ધારણ કરી, ડંગોરો હાથમાં ઉછાળતો અને મદ્યપાન કરવાથી અંગારા જેવી લાલચોળ આંખોવાળો ભયંકર ભૂત જેવો તે અડાણિયાના વિશાળ મેદાન તરફ નીકળી પડ્યો.

આ બાજુ યોગીન્દ્ર સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અડાણિયાના વિશાળ મેદાનમાં પીપળાના વૃક્ષ નીચે બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી મહિમાની વાતોની લહાણી કરી રહ્યા હતા. ત્યારે કેટલાકે ઉતાવળે ઉતાવળે આવીને પ્રાર્થના કરતાં કહ્યું જે, “સ્વામી ! તમે આજે જાઓ તો સારું. કેમ કે દુષ્ટ ઢુંઢુબા તમને મારવા માટે આવે છે.” ત્યારે સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “આપણા ઇષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ‘મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.’ માટે જે કાંઈ થાય છે અને થશે તે સર્વે એમની ઇચ્છાથી જ થાય છે. પરંતુ તેમની ઇચ્છા વિના  કાળ, કર્મ, માયા કે અન્ય કોઈનું જોર કાંઈ ચાલતું નથી. માટે નાહકના કદી કોઈથી ડરવું નહીં. અને એકમાત્ર સર્વોપરી શ્રીહરિનો દૃઢ આશરો રાખવો. અને ભલે એ તુચ્છ પ્રાણીને જેમ કરવું હોય તેમ કરે. ભલે ઊંચોનીચો થાય ને ધમપછાડા કરે પરંતુ તેનાથી સૂકું પાંદડું પણ હલવાનું નથી.”

સર્વે હરિભક્તો કથાશ્રવણમાં મગ્ન બન્યા હતા. જ્યારે કેટલાક તો ઢુંઢુબાનું પરાક્રમ નિહાળવા એકત્ર થયા હતા. ત્યારે જોતજોતામાં ભૂતની જેમ ભયંકર ભેંકાર કરતો બૂમબરાડા કરતો ઢુંઢુબા આવીને બેમર્યાદ રીતે ઊભો રહ્યો. તેનું ભયંકર રૂપ જોઈ કેટલાક તો ખૂબ ત્રાસ પામ્યા. ત્રાડ પાડીને તે અહંકારી બોલ્યો, “તમે કોના અખાડાના છો ? અને કોનું ભજન કરો છો ?” ત્યારે તેની મૂર્ખાઈ પર હસતાં હસતાં સદ્‌. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, “અમે સાક્ષાત્‌ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાનના સંત છીએ. અમે તેમનું ભજન કરીએ છીએ.” ત્યારે ઢુંઢુબા એકદમ ભભૂકતાં બોલ્યો, “મારો ડંગોરો જોયો છે ? જે મિથ્યા ગુરુ હોય તેના માથા પર તે ધડાધડ પછડાય છે. માટે તમે બધું જ પાખંડ મૂકી દઈ જલદીથી આ શહેર છોડી ચાલ્યા જાવ; નહિ તો તમારી ભૂંડી દશા થશે. માટે કાલ સુધીમાં ચાલ્યા જજો; નહિ તો તમને છોડીશ નહીં.”

આ સાંભળી સદ્‌. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, “કાલના વાયદાની શી જરૂર છે ? આજે જ ઇચ્છા પૂરી કર. અમે પણ જોઈએ કે તારો ડંગોરો કેવો પ્રતાપી છે ?” સદ્‌ગુરુનાં આવાં વચન સાંભળી ઢુંઢુબાને નખથી શિખા પર્યંત ક્રોધ વ્યાપી ગયો અને જંત્રમંત્ર બબડતો, ડંગોરાને ફેરવતો ફેરવતો બોલવા લાગ્યો, “લે, જો આ મારા ડંગોરાનો પ્રતાપ.” એમ કહીને ડંગોરાને છૂટો મૂક્યો. ડંગોરો ઊછળ્યો તો ખરો, પણ આજે ઢુંઢુબા માટે ન બનવાનું બન્યું. ઊછળેલો ડંગોરો ઢુંઢુબાના જ માથે તડાક તડાક કરતો ટીચાવા લાગ્યો. જોતજોતામાં તો તે લોહીલુહાણ થઈ ગયો. સર્વે માણસો વિચારવા લાગ્યા કે ઢુંઢુબાએ મંત્રો ઊંધા ભણ્યા કે શું ? સમજુ હતા તે કહેવા લાગ્યા જે, “આ સદ્‌. ગોપાળાનંદ સ્વામી સાચા છે. માટે તેમના પ્રતાપથી તેમને કાંઈ થયું નહીં. પરંતુ ઢુંઢુબા પોતે જ પાખંડી છે. તેથી પોતાનો જ ડંગોરો પોતાના ઉપર જ ટીચાય છે.”

ડંગોરાના સખત પ્રહારથી ઢુંઢુબા ઘડીભર બેહોશ થઈ પડી રહ્યો. પછી સ્વસ્થ થતાં નીચું મોં ઘાલી પડતો-આખડતો ધૂળમાં રગદોળાતો માંડ માંડ ઘેર પહોંચ્યો. તેને એમ હતું કે આ વાત છાની રાખું પણ સારાય ગામે સગી આંખે જે નજરે નિહાળ્યું હોય, તે વાત છાની કેમ રહે ? જ્યારે ગાયકવાડ સરકાર પાસે આ વાત પહોંચી ત્યારે સરકારે વિચાર્યું જે, “સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી પાખંડી નથી. ખરેખર સત્ય જ છે, નહિ તો આવું ન બને.”

ઢુંઢુબા જ્યારે પોતાના પરાક્રમનું પ્રદર્શન કરવા સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો ત્યારે હજારો માણસો એકત્ર થયા હતા. ઢુંઢુબાના પાડોશનો એક બ્રાહ્મણનો પાંચ વર્ષનો છોકરો પણ બેઠો હતો; તેના ઉપર સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કૃપાદૃષ્ટિ કરી તેથી તે છોકરાને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં તેને શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં. સ્વામિનારાયણ ભગવાને તે છોકરાને એક પેંડો આપ્યો. પછી સમાધિમાંથી તે બાળક જ્યારે જાગ્યો ત્યારે તેના હાથમાં પેંડો જોઈ તેનો મામો બોલ્યો જે, “ગોપાળબાપાએ જાદુ કરી તારા પર ભભૂકી નાખવા તને આ પેંડો આપ્યો છે. માટે તું તેને ખાઈશ નહીં.” એમ કહી પેંડો ઝૂંટવી લઈ ઘેર જઈને, પડોશમાં રહેતી ઢુંઢુબાની પાંચ વર્ષની નાની છોકરી મથુરાબાઈને તે આપી દીધો. એટલે તે તરત જ ખાઈ ગઈ. દિવ્ય પ્રસાદી ખાવાથી તેને સમાધિ થઈ ગઈ. અને તેણીને સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં. અને અનંત અપરંપાર ઐશ્વર્ય પણ જોયાં.

આ બાજુ સમાધિ પામેલી છોકરીને સ્થિર શબવત્‌ પડેલી જોઈ ઢુંઢુબાની પત્ની વગેરે ખૂબ રુદન કરવા લાગ્યાં. આથી ઢુંઢુબાએ પૂછ્યું, “આપણા ઘરમાં આ શું થઈ રહ્યું છે ?” ત્યારે તેની પત્નીએ કહ્યું કે, “આપણા પાડોશીએ આપણી દીકરીને પેંડો આપ્યો તે ખાવાથી લાકડાની માફક સ્થિર થઈ ગઈ છે.” આ સાંભળી ભય પામી ઢુંઢુબા એકદમ ઊભો થઈ ગયો. જોકે તેને ચાલવાનીય શક્તિ ન હતી. છતાં પણ આવીને જોયું ત્યારે કહેવા લાગ્યો જે, “ગોપાળબાપાનો પ્રતાપ અહીં પણ આવી પહોંચ્યો ?”

આમ ધમાલ ચાલી રહી હતી તેવામાં છોકરી જાગી. આ જોઈ બધા ખૂબ જ આનંદ પામ્યા અને પૂછવા લાગ્યા, “તને શું થયું હતું ?” ત્યારે સમાધિમાં જ્ઞાન પામેલી મથુરાબાઈ બોલી, “મને તો દિવ્ય તેજોમય સિંહાસન પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં અલૌકિક દર્શન થયાં અને પિતાજી, તમે શા માટે નાહકના સદ્‌. ગોપાળાનંદ સ્વામી સાથે વેર રાખો છો અને પાપને વહોરી લો છો ? તમારે મોક્ષ જોઈતો હોય તો તમે તેમનું શરણું સ્વીકારી લ્યો. તમે આ લોકની રીતે મારાં માતાપિતા કહેવાઓ છો પરંતુ તમે કોના બાપ અને હું કોની પુત્રી ? આ તો પૂર્વના સંસ્કારના સંબંધ છે અને આ બધી માયાની જાળ છે. આ બધું જ નાશવંત છે. એક ભગવાનનો સંબંધ અવિનાશી છે. અને તમારા જેવા પાપકર્મ કરનાર યમયાતનારૂપી ઘોર દુઃખ ભોગવે છે. તમને પોતાને જ પરચો થયો પણ હજુ તમે ચેતતા નથી તો પછી ક્યારે સુખી થશો ?”

આવાં જ્ઞાનભર્યા તે બાઈનાં વચનો સાંભળી, વગર સમાધિએ જાણે સમાધિ થઈ ગઈ હોય તેમ ઢુંઢુબા વિચારવા લાગ્યો જે, “આ નાની દીકરીમાં આટલું બધું જ્ઞાન કેવી રીતે આવ્યું ? આ જોતાં તો ખરેખર મને લાગે છે કે ગોપાળાનંદ સ્વામી મહાન છે. માટે હું પણ તેમનું શરણું સ્વીકારી અપરાધ માફ કરાવી લઉં. તેથી ઢુંઢુબાએ દૃઢ નિર્ણય કરી સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જવાનો નિર્ધાર કર્યો.

તે વખતે સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી નિયમ મુજબ, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચતમ સિદ્ધાંતોની સર્વોપરી વાતો કરતા હતા, ત્યાં આ મહામહેનતે ચાલતો છતાં પણ સદ્‌. ગોપાળાનંદ સ્વામીને મળવાની તીવ્ર ઇચ્છાથી ઉતાવળ કરવા પ્રયત્ન કરતો ઢુંઢુબા સભામાં આવ્યો ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી ગદ્‌ગદ કંઠે પ્રણામ કરવા લાગ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો જે, “હે સ્વામી ! તમારો પ્રતાપ જાણ્યા વગર મેં દેહાભિમાનમાં ચકચૂર બનીને આપના ઉપર અઘટિત પગલું ભર્યું અને આપને દૂભવીને આપનો દ્રોહ કર્યો માટે મારો અપરાધ માફ કરો. આજથી હું આપને શરણે છું અને મારા ઉપર દયા કરો. મારા પર રાજી થાઓ.”

ભગવાનના સત્પુરુષ કેવળ દયાળુ સ્વરૂપ છે. કેવળ દયાનો દરિયો છે. તે કોઈ જીવના વાંકગુના કે અવગુણ સામું ક્યારેય જોતા નથી. કદાચ જુએ તો, આ જીવનો ક્યારેય વારો આવે તેવો પણ નથી. તેથી તે કરુણાળુ સ્વરૂપમાં કાયમને માટે કેવળ “દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત.” માટે જ તો વિરોધીને પણ સહજમાં સુખિયા કરનાર, સૌનાય આધાર એવા સ્વામીશ્રી અનરાધાર વરસી પડ્યા. ઢુંઢુબા ઉપર અમૃતદૃષ્ટિ વરસાવતાં દયાળુ સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેને અભય હસ્તની મુદ્રાથી ધીરજ પ્રેરી અને સાચો ખપ જોઈ વર્તમાન ધરાવ્યા. પછી ઢુંઢુબા ખરેખરા ભક્ત થયા. આ વાત સરકારશ્રીને કાને પડતાં તેમણે નક્કી કર્યું કે સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીમાં અલૌકિક ઐશ્વર્ય રહેલું છે.

આમ, વડોદરામાં રહી સ્વામીશ્રીએ ઘણા મોટા મોટા શાસ્ત્રીઓ અને વિદ્વાનોના અભિમાનને ઉતારીને, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો હતો તથા ઐશ્વર્યના પરચા સહેજે બતાવી તેમને શ્રીજીમહારાજના પાકા આશ્રિત બનાવ્યા હતા.