ગૃહત્યાગ અને મેળાપ

 

શ્રીહરિ ખુશાલ ભટ્ટને તેડવા માટે ટોરડા પધાર્યા તે અગાઉ ત્રણ-ચાર વખત ટોરડા ગામે ભાઈ રામદાસ સ્વામી આદિ સંતોને પણ મોકલેલા. ત્યારે ખુશાલ ભટ્ટ કેટલાક બ્રાહ્મણો સાથે ડભાણમાં આવીને શ્રીજીમહારાજનાં દર્શન કરી ઘેર પાછા પધાર્યા હતા.

પછી જ્યારે શ્રીહરિ જેતલપુર પધાર્યા ત્યારે શ્રીહરિ સ્વયં વિપ્ર વેશ ધારણ કરી તીર્થયાત્રામાં આપેલ વચનને ચરિતાર્થ કરવા ખુશાલ ભટ્ટને તેડવા ટોરડા પધાર્યા. મહાપ્રભુ જાણતા હતા કે ખુશાલ ભટ્ટની અમને મળવાની હવે તીવ્ર ઝંખના જાગી છે. વળી, મહાપ્રભુને હવે સત્સંગમાં પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી હતી. તેથી પોતાના અનંત મુક્તોમાં સૌથી પ્રથમ નંબર ધરાવતા તેવા મુક્તને નજીક ખેંચી લેવા, તે હવે અત્યંત જરૂરી લાગ્યું.

સંવત ૧૮૫૯ના કાર્તિક સુદ ૧૧(પ્રબોધિની એકાદશી)ના રોજ વિપ્રના વેશે મહાપ્રભુ ટોરડા ગામ પધાર્યા. ગામ બહાર એક ઓટલા પર આવી બિરાજ્યા અને એક બ્રાહ્મણ સાથે ખુશાલ ભટ્ટને સમાચાર મોકલ્યા. સમાચાર મળતાં ખુશાલ ભટ્ટ તુરત જ ત્યાં આવ્યા. અપરિચિત લાગતા આ ભૂદેવ સાથે થોડી વાતચીત બાદ જાણવા મળ્યું કે તે ભૂદેવ અત્યારે પ્રગટ ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કરવા માટે જેતલપુર મુકામે જઈ રહ્યા છે. વળી, તે પોતાને લેવા આવ્યા છે તેમ જાણી તુરત જ તૈયાર થઈ ગયા. પછી માતાપિતા, પત્ની તથા કુટુંબીઓની રજા લઈ ચાલી નીકળ્યા.

રસ્તામાં તેમના જૂના મિત્ર કાનદાસ પટેલનું ટાકાટૂકા ગામ આવ્યું. બાળપણમાં કાનદાસે કહેલું કે ,“તમને પ્રગટ ભગવાન મળે તો મને જરૂરથી દર્શન કરાવજો.” તે વાત યાદ આવતાં ખુશાલભાઈએ કાનદાસને બોલાવવા સંદેશો મોકલાવ્યો. સંદેશો મળતાંની સાથે જ ‘ખુશાલભાઈ પ્રગટ ભગવાનનાં દર્શન કરવા જાય છે અને પોતાને તેડવા આવ્યા છે,’ તેમ જાણી પોતાનાં ઘરબારની જાળવણીનું કામ પણ સોંપવા રોકાયા સિવાય ભાગોળમાંથી જ ખુશાલભાઈની જોડે ચાલી નીકળ્યા.

થોડે છેટે ગયા પછી કાનદાસ પટેલે ખુશાલ ભટ્ટને કહ્યું કે, “મારે અફીણનું બંધાણ છે. અને અફીણની ડાબલી ઘેર પડી રહી છે.” ત્યારે ખુશાલભાઈએ તેમને વ્યસન ન કરવા સમજાવ્યા અને કહ્યું કે, “જ્યારે તમારે અફીણ લેવાનો વખત થાય ત્યારે મને કહેજો.” પછી જ્યારે કાનદાસભાઈને અફીણ લેવાનો વખત થયો ત્યારે ખુશાલ ભટ્ટે વનસ્પતિનાં બે પાંદડાં તોડી, ચોળીને આપ્યાં. તે કાનદાસ પટેલ ચાવી ગયા. ત્યારથી તેમનું અફીણનું બંધાણ હતું તે પણ છૂટી ગયું. (પાછળથી કાનદાસ પટેલ પણ સાધુ થયેલા.) આમ, પગપાળા પ્રવાસ કરતાં કરતાં તથા પ્રગટ ભગવાનના પ્રૌઢપ્રતાપની વાતો કરતાં કરતાં એક સાંજે તેઓ માણસા ગામના પાદરમાં આવી પહોંચ્યા.

તે વખતે માણસામાં સાંકળેશ્વર ઉપાધ્યાય નામે એક મેવાડા બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ખુશાલ ભટ્ટના દૂરના સગાં થતા હતા. તેમનાં પત્ની પાનબાઈ પરમ ભગવદીય હતાં. સાંજ પડી ગઈ હતી. તેથી રાતવાસો પાનબાઈને ત્યાં કરવાનો સંકલ્પ કરી ત્રણેય જણા તેમના ઘેર ગયા. પાનબાઈએ ત્રણેય મહેમાનોનો ખૂબ આદરસત્કાર કર્યો. ખૂબ પ્રેમથી ખબરઅંતર પૂછ્યા અને જમાડ્યા. ખુશાલ ભટ્ટે પણ રાત્રે પ્રગટ ભગવાનની ઘણીક વાતો કરી. તેથી પાનબાઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે ઘણા ઉત્સુક બન્યા.

બીજે દિવસે ત્યાંથી વિદાય થતી વખતે ખુશાલ ભટ્ટ તેમને, “તમારી કૂખે એક મુક્ત પ્રગટ થશે” એવા આશીર્વાદ આપી, આગળ ચાલી નીકળ્યા. આખાય રસ્તા પર પેલા બ્રાહ્મણે ખુશાલ ભટ્ટની ખૂબ સારસંભાળ રાખી હતી. એમ કરતાં અમદાવાદ થઈ જેતલપુર પહોંચ્યા. અને જ્યાં જેતલપુર પહોંચ્યા કે તરત પેલા ભૂદેવ કહે કે, “હું થોડી વારમાં તળાવે સ્નાન કરીને આવું છું. મહાપ્રભુજી ત્યાં મહોલ પર બિરાજે છે. તો તમે ત્યાં પહોંચો.” એમ કહી થોડાક આગળ જઈ તરત અદૃશ્ય થઈ ગયા. પાછળથી શ્રીજીમહારાજે રસ્તામાં બનેલી બધી વાત કહી તેથી ખબર પડી કે તે બ્રાહ્મણ તે બીજું કોઈ નહિ પણ, “અમે સ્વયં તમને તેડવા આવીશું” તે વચન મહારાજે પોતે વિપ્ર સ્વરૂપે આવીને પૂરું કર્યું.

તે સમયે શ્રીજીમહારાજ જેતલપુરમાં દેવ સરોવરના દક્ષિણ કાંઠા પાસે મહોલની સમીપમાં આસોપાલવના વૃક્ષ નીચે, ગાદી-તકિયા નખાવીને બિરાજમાન હતા. અને સામે સંતો-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે જમણા હાથની તર્જની આંગળી (અંગૂઠા પાસેની પ્રથમ આંગળી)થી ખુશાલ ભટ્ટને પોતાની પાસે બોલાવ્યા. શ્રીહરિ સ્વયં એકદમ ઉતાવળા ઉતાવળા પાટ ઉપરથી નીચે ઊતર્યા અને ભટ્ટજીને અતિ હેતથી ભેટ્યા. ખુશાલ ભટ્ટે સાષ્ટાંગ દંડવત કર્યા ત્યારે શ્રીજીમહારાજ અખંડ તેમની સામું જોઈ જ રહ્યા. તેથી સર્વે હરિભક્તોને અતિ આશ્ચર્ય થયું. તે સમયે ખુશાલ ભટ્ટે બ્રાહ્મણની ધોળી પાઘડી પહેરી હતી. ચંદનના તિલક મધ્યે મોટો ચંદનનો જ ચાંદલો કર્યો હતો. જાડા માદરપાટનું ધોતિયું મોટી પાટલી વાળીને પહેર્યું હતું. કેડે ધોતિયું વીંટાળેલું હતું. અને જમણે ખભે પૂજાની ઝોળી લટકતી હતી. તથા ડાબે ખભે દોરી-ગળણા સહિત જળનો લોટો હતો.

ત્યારબાદ ખુશાલ ભટ્ટ બે હાથ જોડી સભામાં બેસી એકાગ્ર દૃષ્ટિથી શ્રીહરિના મુખકમળ સામું જોઈ રહ્યા. સ્વયં મહારાજ પણ ખુશાલ ભટ્ટ સામું જોઈ રહ્યા. બંનેનાં નેત્રોમાંથી પ્રેમનાં પૂર વહેવા લાગ્યાં. સૌ હરિભક્તો પણ આવા પ્રેમના અમી ઝરણામાં તરબોળ બની સુખિયા થયા. સૌને આશ્ચર્ય લાગ્યું. સૌ અનિમેષ દૃષ્ટિએ બંનેને નિહાળી રહ્યા.

તે સમયે ગંગામાએ દામોદરભાઈને કહ્યું જે, “થાળ તૈયાર થઈ ગયો છે તો મહારાજને જમવા માટે બોલાવી લાવો.” ત્યારે દામોદરભાઈ સભામાં આવ્યા અને હાથ જોડી મહાપ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા, “હે મહારાજ ! દયાળુ, થાળ તૈયાર થઈ ગયો છે તેથી જમવા પધારો.” ત્યારે મહારાજે કહ્યું, “અમે એકલા આવીએ કે સભાએ સહિત આવીએ ?” ત્યારે દામોદરભાઈએ હાથ જોડીને કહ્યું, “હે દયાળુ ! થાળ તો આપના એક માટે જ કર્યો છે. પછી જેવી આપની મરજી.”

શ્રીજીમહારાજ ઊઠ્યા અને સૌ સંતોને પણ સાથે ગંગામાને ઘેર આવવા કહ્યું. મહારાજ ખુશાલ ભટ્ટનો હાથ પકડી ચાલવા લાગ્યા. માર્ગમાં સૌ કીર્તન બોલતા જતા હતા. જ્યારે તળાવથી થોડે દૂર આવેલા કૂવા પાસે બધા આવ્યા; ત્યાં તો હજારો માણસો રડતા હોય તેવો કોલાહલ કૂવામાંથી સંભળાયો સાથે પ્રાર્થના પણ સંભળાઈ કે, “આપ સર્વોપરી ભગવાન છો. તો આપ કૃપા કરી અમારો મોક્ષ કરો.” તેથી સૌ ત્યાં ઊભા રહ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટને કહ્યું કે, “જુઓ ને, આ કોલાહલ શાનો થઈ રહ્યો છે ?” ત્યારે ખુશાલ ભટ્ટ કૂવા પાસે ગયા અને જોઈને કહ્યું કે, “કૂવામાં તો ભૂતાવળ છે; તેઓ મોક્ષ માટે પ્રાર્થના કરે છે.” ત્યારે શ્રીજીમહારાજ ખુશાલ ભટ્ટ સામું જોઈને બોલ્યા કે, “તો એમનો મોક્ષ કરો.” ત્યારે ખુશાલ ભટ્ટે કહ્યું, “ભલે દયાળુ, જેવી આપની આજ્ઞા.” પછી પોતાના ખેસને લઈને “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...” મંત્ર બોલતાં બોલતાં કૂવામાં ખેસને ફરકાવ્યો અને કહ્યું, “જાઓ બધા અક્ષરધામમાં.” તે સમયે તરત જ કૂવામાંથી હમહમાટ કરતો ધુમાડાનો મોટો ગોટો નીકળ્યો. આમ, સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટ દ્વારા પ્રથમ દિવસે જ પ્રૌઢ પ્રતાપ બતાવી ભૂતોનો મોક્ષ કર્યો તે સર્વેએ પ્રત્યક્ષ જોયું.

આમ, મહારાજે જણાવ્યું કે, “જેમ અમે સંકલ્પમાત્રથી જીવોને અક્ષરધામમાં મોકલીએ છીએ તેવી જ રીતે અમારા મુક્ત (ખુશાલ ભટ્ટ) પણ અસદ્‌ગતિને પામેલા જીવોને ધામમાં મોકલે છે.”

ત્યાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સભા સહિત ગંગામાને ઘેર પધાર્યા. ત્યારે ગંગામાએ પંચાંગ નમસ્કાર કરી બાજોઠ ઢાળીને તે પર મહારાજને બિરાજમાન કર્યા. પછી મહારાજે ખુશાલ ભટ્ટને સાન કરી તેથી પાસે જે પાટલો હતો તે પર તે બેસી ગયા. પણ ગંગામા હાથ જોડી બોલ્યાં કે, “હે દયાળુ ! થાળ તો મેં આપ એક માટે જ બનાવ્યો છે અને આપ તો સભાએ સહિત જમવા પધાર્યા.” ત્યારે મહારાજે કહ્યું, “કાંઈ નહિ ગંગામા, તમે નચિંત રહો. આ ખુશાલ ભટ્ટ બહુ જ સમર્થ છે. તે બધાને પીરસી દેશે તોપણ ખૂટવા નહિ દે.” મહારાજે સૌ સંતો-ભક્તોને પંક્તિ કરવાની આજ્ઞા કરી. પછી ગંગામા થાળ લાવ્યાં તેમાંથી અડધો થાળ લઈ ખુશાલ ભટ્ટ પીરસવા લાગ્યા. સહુ સંતો-ભક્તોને ખૂબ પીરસ્યું તોપણ ખૂટ્યું જ નહીં. બધાય કહેવા લાગ્યા, “બસ.. અમો ધરાઈ ગયા.”

પછી શ્રીજીમહારાજ ખુશાલ ભટ્ટને સાથે લઈને થાળ જમવા પધાર્યા. ગંગામાએ બે પાટલા મૂક્યા; તેમાં એક પાટલા પર મહારાજે ખુશાલ ભટ્ટને બેસવાની આજ્ઞા કરી અને બીજા પાટલા પર મહારાજ પોતે બિરાજ્યા. ત્યારે ગંગામા થાળ લઈને પીરસવા આવ્યાં. ત્યારે બંનેને દિવ્ય તેજોમય દીઠા. વળી બંનેનાં એકસરખાં સ્વરૂપ ! ગંગામા આંખો ચોળતાં વિચાર કરવા લાગ્યાં કે આ બેમાંથી કોણ મહારાજ અને કોણ ખુશાલ ભટ્ટ ? તેથી પ્રાર્થના કરવા લાગ્યાં, “હે મહારાજ ! મને ખબર પડતી નથી જે આ બે મૂર્તિમાંથી આપ કોણ છો ? માટે દયા કરી મૂળ સ્વરૂપે દર્શન આપો.”

પછી મહારાજે તેજ સંકેલી લઈ પૂર્વવત્‌ દર્શન આપ્યાં. આમ, પોતાના મુક્તની સામર્થી કેટલી છે તે ગંગામાને દેખાડ્યું. પછી ગંગામાએ બંનેને ખૂબ પ્રેમપૂર્વક પીરસ્યું. મહારાજ પણ ખૂબ પ્રેમથી ખુશાલ ભટ્ટને પીરસવા લાગ્યા અને કહેવા લાગ્યા, “તમે ઘણા દૂરથી આવ્યા છો માટે બહુ ભૂખ લાગી હશે માટે જમો.” આમ, પ્રેમપૂર્વક ખૂબ જમાડી મહારાજ ખુશાલ ભટ્ટ સાથે ઉતારે પધાર્યા.

ખુશાલ ભટ્ટના આગમનના પ્રથમ જ દિવસે આવો અલૌકિક પ્રૌઢ પ્રતાપ જોઈ સહુ સંતો-હરિભક્તોને દૃઢ નિશ્ચય થયો જે, ‘આ ખુશાલ ભટ્ટ મહામુક્ત છે ને સ્વામિનારાયણ ભગવાનની સાથે અક્ષરધામમાંથી પ્રગટ થયા છે.’