સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાને અંતર્ધાન થવાનું હતું ત્યારે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાનું સર્વોપરીપણું પ્રવર્તાવવાની આજ્ઞા કરી હતી. સ્વામીશ્રી પણ કહેતા કે, “સ્વામિનારાયણ ભગવાને અમને કાનમાં છાના મંત્રો ફૂંકયા છે કે અમારી જેમ છે તેમ સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન દેહ પર્યંત કરજો.”
જ્યારે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ લોકમાંથી અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો ત્યારે પોતાના ઉત્તરાધિકારી તરીકે સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીને જવાબદારી સોંપતાં કહ્યું હતું કે, “હે નિર્ગુણદાસજી સ્વામી ! જ્યારે શ્રીજીમહારાજ આ લોકમાંથી અંતર્ધાન થવાના હતા ત્યારે અમને કહ્યું હતું કે, “આજથી હવે તમે અમારી જગ્યાએ છો. જેમ અમારાં દર્શન, સ્પર્શ, વાયરે અનંત જીવોનાં કલ્યાણ થાય છે, તેમ તમારા સંબંધે પણ અનંત જીવોનાં કલ્યાણ થશે. જેમ અમને શ્રીજીમહારાજે સૌને સર્વોપરી ઉપાસના અને સૌને નિયમ-ધર્મમાં રાખવાની જવાબદારી સોંપી હતી, તેમ હે નિર્ગુણદાસજી ! આજથી હવે તમે અમારા ઠેકાણે છો. તેથી તમારે દર્શને તથા સંબંધે જીવોનાં કામ થશે. અને આપ પણ અમારી જેમ દરેકને આજ્ઞા-ઉપાસનામાં વર્તાવજો. ”
આમ, આજ્ઞા અને આશીર્વાદ દઈ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના મુખ્ય શિષ્ય સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને પોતાના વારસદાર બનાવ્યા.
માટે વર્તમાનકાળે આપણી પર અહોકૃપા છે કે આપણે સૌ તે પેઢીના જ વારસદાર છીએ. કારણ કે ગુરુવર્ય પ.પૂ.બાપજી પણ આપણને ખબરદાર રીતે શ્રીજીમહારાજની આજ્ઞા અને ઉપાસનામાં વર્તાવી રહ્યા છે.