ખુશાલ ભટ્ટમાંથી ગોપાળાનંદ સ્વામી

 

વચ્ચેનાં ૫ વર્ષ દરમ્યાન શ્રીજીમહારાજે મુક્તરાજ ખુશાલ ભટ્ટને ગૃહસ્થાશ્રમમાં પોતાની સાથે રાખી તેમના દ્વારા ખૂબ પરચા-ચમત્કાર ને સામર્થી જણાવ્યાં હતાં.

ત્યારબાદ શ્રીજીમહારાજે ખુશાલ ભટ્ટને સંવત ૧૮૬૪ના કારતક વદ આઠમને રોજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીમાં સવારે શાસ્ત્રોક્ત રીતે વેદોક્ત વિધિથી દીક્ષા આપી અને ‘ગોપાળાનંદ સ્વામી’ નામ ધારણ કરાવ્યું. ખુશાલ ભટ્ટ બ્રાહ્મણ હતા, છતાં મહારાજે તેમને પ્રથમ બ્રહ્મચારીની દીક્ષા ન આપતાં સાધુની જ દીક્ષા આપી હતી. તેમને પોતાના અતિ વ્હાલા અને નજીકના સંત બનાવ્યા હતા.

દીક્ષા ગ્રહણ કર્યા બાદ સ્વામીશ્રીએ સત્સંગમાં મનુષ્ય સ્વરૂપે ૪૪ વર્ષ દર્શન આપ્યાં - જેમાંથી ૨૨ વર્ષ શ્રીજીમહારાજની હયાતીમાં અને ૨૨ વર્ષ મહારાજના અંતર્ધાન થયા પછી. સદ્‌. સ્વામીશ્રી ઘણુંખરું તો વડોદરા, ઉમરેઠ તથા ઝાડી દેશ (પંચમહાલ)માં વિચરણ વધારે કરતા. વળી, વડોદરાના સરકાર સયાજીરાવ ગાયકવાડ સહિત સર્વેને ઘણાં ઐશ્વર્યો બતાવી, સૌને સર્વોપરી શ્રીહરિના સમાશ્રિત કર્યા હતા.

જેમ સૂર્યના પ્રકાશને ચીબરી સહન કરી શકતી નથી, તેમ આસુરી મતિવાળા જીવો ભગવાન ને ભગવાનના સાચા સંતના પ્રૌઢ તપ્રતાપને સહન કરી શકતા નથી. પોતાની આવડતના કે બુદ્ધિના અભિમાનથી તેઓ ભગવાન અને સંતનો દ્રોહ કરે છે. પરંતુ અનંતકોટિ બ્રહ્માંડના સર્વે જીવોની ક્રિયાને હથેળીમાં જળના ટીપાની જેમ જોઈ શકવા સમર્થ એવા સંતની આગળ પામર જીવનું શું ગજું ? તેથી સદ્‌ગુરુશ્રીએ આવા અનેક અભિમાનીઓના અભિમાનને ઉતારી ભગવાન સન્મુખ કર્યા છે જે આપણે આગળના પ્રકરણમાં પણ ખુશાલ ભટ્ટ તરીકેના નામથી તેમના પ્રૌઢ પ્રતાપને નિહાળ્યો. હવેના પ્રકરણમાં મહાસમર્થ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના નામથી તેવા દિવ્ય પ્રસંગોનાં દર્શન કરી સુખ લઈશું.