મુક્તનું મુક્તપતિ સાથેનું મિલન

 

ખુશાલ ભટ્ટે આવા આવા તો કેટલાય ચમત્કારોની ઝડી વરસાવેલી. જ્યારે જ્યારે વરસાદ ન પડે ત્યારે ગામ-પરગામના લોકો ખુશાલ ભટ્ટ પાસે આવીને પ્રાર્થના કરતા. ત્યારે ખુશાલ ભટ્ટ કૃપા કરી વરસાદ વરસાવતા. વળી, ક્યારેક જૂના પુરાઈ ગયેલા કૂવા વગેરે પણ ઘણાને બતાવતા. તથા સુપાત્ર વ્યક્તિને જમીનમાં જૂનું છુપાયેલું ધન પણ બતાવતા. વળી, તેને તે ધર્મકાર્યમાં વાપરવાનું પણ કહેતા. એવા તો અનેક વણનોંધ્યા પણ પ્રસંગો છે કે તેમના સંબંધે, દૃષ્ટિએ કે વાયરાથી અનેક જીવો પણ આ લોક-પરલોકમાં સુખી થયા હોય.

મોટાપુરુષ સદૈવ મોટા જ હોય છે. તે કોઈના કરવાથી, કહેવાથી, પ્રચારથી, શિષ્યોથી, મોટી મોટી મિલકતોથી કે આશ્રમથી મોટા નથી. એ તો ઠેઠ અક્ષરધામમાંથી સ્વયં શ્રીહરિના સંકલ્પથી જ અનંત જીવોનાં કલ્યાણ માટે જ આ લોકમાં પ્રગટ થતા હોય છે. તે ન્યાયે આપણા સદ્‌ગુરુ ગોપાળબાપાએ પણ આપણે જોયું તેમ પૂર્વાશ્રમમાં પણ ખુશાલ ભટ્ટ તરીકે અનંત જીવોને સુખિયા કર્યા કે જેનું વર્ણન કરતાં મોટા મોટા પણ નેતિ નેતિ કરી અટકી જાય છે. તેઓ પણ તેમનો મહિમા પૂર્ણતઃ ગાઈ શકતા નથી. તેવો અપાર મહિમા છે. તો હવે આગળ ખુશાલ ભટ્ટનો શ્રીહરિ સાથે કેવી રીતે મેળાપ થયો તે જોઈએ.

વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ખુશાલ ભટ્ટ (એ જમાનામાં વિદ્યાભ્યાસના ભાગ રૂપે ગણાતી) તીર્થયાત્રા માટે નીકળ્યા. સંવત ૧૮૫૧ના કાર્તિક વદ ૨ને દિવસે જગન્નાથપુરી તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી સાક્ષી ગોપાળતીર્થ, પક્ષીતીર્થ, શિવકાંચી, વિષ્ણુકાંચી, રામેશ્વર થઈ તિરુપતિ બાલાજી, હરદ્વાર વગેરે તીર્થમાં ફરતાં ફરતાં, પોતાના ચરણના સ્પર્શથી તીર્થભૂમિને તીર્થત્વ આપી, વિશેષ પવિત્ર કરતાં કરતાં સંવત ૧૮૫૫ના જેઠ સુદ ૧૧ને રોજ બદરીનારાયણ તીર્થમાં પહોંચ્યા.

બીજી બાજુ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ પણ તીર્થોને તીર્થત્વ આપવા અને હજારો વર્ષોથી તપ કરતા લાખો તપસ્વીઓને તપની પૂર્ણાહુતિ કરાવી તેમની સાધનાની સમાપ્તિ કરાવી તેનું ફળ આપવા તથા અસુરોનો સંહાર કરવા વનવિચરણ કરી રહ્યા હતા. તે નીલકંઠવર્ણી પણ વિચરણ કરતાં કરતાં સંવત ૧૮૫૫ના જેઠ સુદ ૧૧ના રોજ બદરીનારાયણ તીર્થમાં પધાર્યા. ત્યાં સૌપ્રથમ મુક્ત અને મુક્તપતિનું મિલન થયું. ઉપલક દૃષ્ટિએ સૌપ્રથમ ખુશાલ ભટ્ટે મહાપ્રભુનાં દર્શન કર્યાં. અનન્ય ભાવે પ્રભુના ચરણમાં શિશ નમાવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે નીલકંઠ બ્રહ્મચારીએ તેમનો હાથ પકડી ઊભા કર્યા અને હૃદય સાથે ચાંપ્યા. ખુશાલ ભટ્ટે મહાપ્રભુને ખૂબ જ પ્રાર્થના કરી કે, “દયાળુ, હવે તો દયા કરી સાથે રાખી લો. હવે વિરહની વસમી વેદના વેઠાતી નથી. મારા નાથ ! હવે ક્યાં સુધી આમ જુદા રહીશું ? માટે દયાળુ ! જે કાર્ય માટે પધાર્યા છીએ તે હવે ઝડપથી સાર્થક કરીએ.”

તે વખતે ખુશાલ ભટ્ટને ધીરજ આપતાં મહાપ્રભુ કહે છે કે, “હમણાં તો હજી ગુપ્ત વિચરવું છે. હજી તો અમારે રામાનંદ સ્વામી પાસેથી ગુરુદીક્ષા લેવી છે. માટે તમે અત્યારે ટોરડા જાઓ અને માતાપિતાને સુખિયા કરો.” ત્યારે ખુશાલ ભટ્ટે ગદ્‌ગદ કંઠે વિનય વચને મહાપ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું છે કે, “હે દયાળુ ! અમારા કયા અપરાધે આ વિયોગ સહન કરાવો છો ?” ત્યારે વર્ણીરાજે કહ્યું, “હે ભટ્ટજી ! અમે દીક્ષા ગ્રહણ કરીશું એટલે તરત જ તમોને તેડવા આવીશું.” ત્યારે ખુશાલ ભટ્ટે કહ્યું, “પણ ક્યારે ?” ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, “સંવત ૧૮પ૯ના કારતક સુદ ૧૧ના રોજ અમે તમને ટોરડા મુકામે તેડવા આવીશું.” અને અંતે ભારે હૃદયે બંને ત્યાંથી પોતપોતાના માર્ગ પર પ્રયાણ કરવા છૂટા પડ્યા. અને ખુશાલ ભટ્ટ, થયેલા શ્રેષ્ઠ મિલનને અંતરમાં વાગોળતાં વાગોળતાં ટોરડા પધાર્યા.

ત્યારબાદ તેઓ ગુજરાતમાં આવેલા ડભોઈ મુકામે સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરવા ગયેલા. ત્યાં એક પ્રસંગ બન્યો કે સ્વામિનારાયણ ભગવાનના સંત સર્વેશ્વરાનંદજીનો ખુશાલ ભટ્ટને ડભોઈમાં જ મેળાપ થયો. તેમણે શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્વર્યની ખુશાલ ભટ્ટને ઘણીબધી વાતો કરી. આ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી છે વગેરે ખૂબ મહિમાની પણ વાતો કરી. તેથી ખુશાલ ભટ્ટ સવિશેષ પ્રભાવિત થયા અને શ્રીહરિનાં દર્શનની સવિશેષ ઉત્કંઠા અંતરમાં પ્રબળ બની. તેથી તુરત જ સર્વેશ્વરાનંદ સ્વામીને કહ્યું કે, “મને પણ શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શનનો લાભ અપાવો તો વિશેષ ધન્યભાગી થઈશ.”

ત્યારે સર્વેશ્વરાનંદજીએ કહ્યું કે, “હાલ તો મહાપ્રભુ ડભાણમાં બિરાજે છે. તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં.” ખુશાલ ભટ્ટને તો તાલાવેલી હતી જ. તેથી તુરત જ તૈયાર થયા. પછી સંતો સાથે પ્રગટ પ્રભુના મહિમાની વાતો સાંભળતાં સાંભળતાં ડભાણ આવ્યા. જ્યારે મહાપ્રભુનાં દર્શન કર્યાં અને બસ દર્શન કરતાની સાથે જ આંખમાંથી સ્નેહનાં આંસુ સરી પડ્યાં, કારણ કે

“પ્રથમની પ્રીત હતી, પ્રથમ મેળાપ થયો;

દીપક જે પ્રેમ તણો, અચાનક પ્રગટાઈ ગયો.”

જાણે કે યુગોથી છૂટા પડી ગયેલ સાથીનું મિલન થયું. તેમની ચિત્તવૃત્તિ ભગવાનની દિવ્ય મૂર્તિમાં જોડાઈ ગઈ. સામે શ્રીજીમહારાજે પણ ખૂબ પ્રસન્નતા દર્શાવી. ત્યારપછી ખુશાલ ભટ્ટ શ્રીહરિના શરણાગત થઈ ટોરડા પાછા પધાર્યા. ત્યાં પોતાની યોગશક્તિથી ઘણાને સમાધિ કરાવી. પોતે ભગવાન જેવી સામર્થીવાળા હોવા છતાં લોકોને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જ મહિમા સમજાવતા : “મારા જેવા તો અનંત તેમના દાસ છે.” આમ, અનન્ય દાસભાવ દર્શાવતા. દિવસ વીતતાં તેમની શ્રીજીને પામવાની લગની અતિ તીવ્ર બની ગઈ.