પંચમહાલને પાવન કર્યો

 

પંચમહાલ દેશને ઝાડી દેશ કહેવાય. જ્યાં જંગલી જાનવરોનો ખૂબ ત્રાસ હતો. એટલે ઝાડી દેશમાં કોઈ સંતનું મંડળ સત્સંગ અર્થે જવા તૈયાર ન થાય. ત્યારે આપણા સમર્થ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તે કાર્યનું બીડું ઝડપ્યું. અને સ્વામીશ્રીએ બે હાથ જોડી પ્રાર્થના કરતાં કહ્યું, “મહારાજ દયાળુ ! ત્યાં અમે જઈશું.” પરંતુ સદ્‌ગુરુશ્રીના કેટલાક નાના નાના સંતો જાનવરથી ખૂબ ડરે. ત્યારે સ્વામીશ્રીએ હિંમત આપતાં કહ્યું, “સંતો ! તમે કોઈ ડરશો નહીં. આપણા ભેળા સ્વયં શ્રીજીમહારાજ છે. આપણો વાળ વાંકો કરનાર કોણ છે ?” સ્વામીશ્રી જ્યારે જ્યારે ઝાડી દેશમાં પધારે ત્યારે સ્વામીશ્રીનો નિયમ કે ક્યારેય ગામમાં ઉતારો ન કરે. પરંતુ ગામથી દૂર ઝાડીમાં, વગડામાં જ ઊતરતા.

જ્યારે રાત પડે ત્યારે ચારેબાજુથી જંગલી પ્રાણીઓના ભયાનક અવાજ ચાલુ થઈ જાય. સ્વામીશ્રી તો પોતે જે ઝાડ નીચે ઊતર્યા હોય તે ઉતારાની જગ્યાની ચારેબાજુ સાંઠીથી એક ગોળ કૂંડાળું કરી દે અને સંતોને કહે, “સંતો ! તમે જરા પણ બીશો નહીં. કોઈ જાનવર આ લીટાની અંદર નહિ આવી શકે.”

ખરેખર એમ જ બને. લીટાની બહાર ઊભાં ઊભાં જાનવરો કિકિયારીઓ કરે પણ કોઈ અંદર પેસી ન શકે.

અરે ! એક વખત વરસાદની સિઝનમાં સ્વામીશ્રી આ ઝાડી દેશમાં પધાર્યા. ત્યારે બહાર વગડામાં સ્વામીશ્રીએ ઉતારો કરેલો. એ જ અરસામાં એક વખત ધોધમાર વરસાદ ચાલુ થયો. સ્વામીશ્રીએ અગાઉથી આ જ રીતે ઉતારાની જગ્યા ફરતું ગોળ કૂંડાળું કરી દીધેલું.

અને કેવી નવાઈની વાત કે ચારેબાજુ ધોધમાર વરસાદ પડે પણ લીટાની હદમાં ઉપરથીય વરસાદનું એક ટીપું પણ અંદર ન પડે ! અને બહારનું ચારેબાજુનું પાણી પણ લીટાની અંદર ન આવે. લીટાની ચારેબાજુ પાણી વહેતું દેખાય.