વડોદરામાં એક વખત અમરેલીવાળા મોટા દીવાનજી બાબાસાહેબની દીકરીનાં લગ્ન હતાં. તે સમયે શહેરમાંથી બધા શાહુકારોને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. તેથી તેમને ત્યાં ચાંદલો કરવા સર્વે જવા માટે નીકળ્યા. ત્યારે સમાધિનિષ્ઠ ભક્ત શ્રી બાપુરાયજી, જેઓ દશાવાડ વણિક હતા તેમને ત્યાં પણ શાહુકારી આમંત્રણ આવેલું. તેથી તે પણ ત્યાં ચાંદલો કરવા બસો રૂપિયા લઈને નીકળ્યા. તે વખતે સામે વિધવા બાઈ તથા બિલાડી આડી ઊતરી. તેથી કોઈકે કહ્યું, “શેઠજી ! અપશુકન થઈ રહ્યા છે માટે થોડીક વાર થંભી જાવ.”
ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીનો ખૂબ સમાગમ કરીને સમજણ દૃઢ કરેલી અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજી અન્યનો ભાર નહિ રાખનાર શ્રી બાપુરાયજી શેઠે કહ્યું, “અરે ભાઈ ! અમે તો સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ. શું રાજાના દીકરાને પોલીસવાળા હેરાન કરી શકે ? તો પછી અમે તો રાજાઓનાય રાજા એવા મહારાજાધિરાજ શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ. તેથી અમને અપશુકન તો શું પણ કાળ, માયા, પાપ, યમપુરી તથા વાર, તહેવાર કે ચોઘડિયાં અને મુહૂર્તથી પર કર્યા છે. તે કોઈ અમને નડી શકે નહીં. અમારું પ્રારબ્ધ તો ભગવાન સ્વયં છે. તેથી અમને આવતાં દુઃખ થકી, ભગવાન રક્ષા કરી શૂળીનું દુઃખ કાંટેથી સારે છે. તેમ છતાં અમારા સ્વામીશ્રીની આજ્ઞા છે કે દુર્જન માણસથી સદા ચેતીને જ ચાલવું. વળી, અમારા સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે, “કુસંગીના સંગનો સદૈવ ત્યાગ કરવો.” કારણ કે કુસંગી માણસ તો કોલસા જેવો છે. જેમ કોલસા ગરમ હોય તો દઝાડે અને ઠંડા હોય તો હાથ કાળા કરે, તેમ દુર્જન માણસની મિત્રતા કે શત્રુતા બંને નુકસાનકારક છે. માટે સદાય ચેતતા રહેવું.”
બાપુરાયજી શેઠ મંદિરમાં સ્વામીશ્રીના આશીર્વાદ લેવા ગયા. સ્વામીશ્રીને બધી વાત કરી ત્યારે સભામાં બેઠેલા તેમના મિત્ર નાથ ભક્તે સ્વામીશ્રીને કહ્યું કે, “એ દીવાનજી તો સત્સંગનો મહા દ્વેષી છે. તે આ બાપુરાયજી શેઠને સારા સત્સંગી જાણી બહુ જ હેરાન કરે છે.
બે વર્ષ પહેલાં પણ એ શેઠની દીકરીનાં લગ્ન હતાં ત્યારે પણ નગરશેઠ છે તેમને આડુંઅવળું ભરાવીને આ બાપુરાયજી શેઠને નાત બહાર મૂકવાની બીક બતાવીને પચ્ચીસ હજારનો મહાજન પાસે દંડ કરાવ્યો હતો. એને ઘેર આજ દીકરીનાં લગ્ન છે. ત્યાં બધા શાહુકારો જાય છે અને જો બાપુરાયજી ન જાય તો રીસ રાખીને પાછો વધારે હેરાન કરે.
વળી, આ શેઠે સરદારોમાં લાખ રૂપિયા ધીર્યા છે. તે લોકોને એ દીવાનજી આડુંઅવળું સમજાવીને આપવા દેતા નથી. વળી, વેપારી લોકમાં પણ લાખ રૂપિયાની ધાડ પાડી છે. તેથી બાપુરાયજીભાઈ હમણાં તો ઘરખર્ચ પણ જેમ તેમ કરી પૂરો કરે છે. વળી, શાહુકારમાં નામ ગણાય તેથી વ્યવહાર પણ કરવો પડે છે. વળી તેમની નાણાવટી (ધીરધાર)ની દુકાન પણ વધુ નભે એમ લાગતું નથી.”
પછી સ્વામીશ્રીએ કહ્યું કે, “આ બાપુભાઈ તથા એમના નાના ભાઈ પ્રેમચંદભાઈ એ બે જણાએ તો પ્રગટ શ્રીહરિની ઘણી વાર પૂજાઓ કરી છે. તેમણે શાલ-દુશાલા ઓઢાડી રૂપિયા ભરેલા થાળની ભેટો પણ અર્પણ કરી, ઘણી સેવા કરી છે. વળી, તે શ્રીહરિને પોતાના અંતરમાં ધારી રહ્યા છે. માટે એમને બ્રહ્માંડમાં કોણ હરકત કરનાર છે ? એમનો વ્યવહાર પણ શ્રીજીમહારાજની ઇચ્છાથી ખૂબ સારો થશે. અને દીવાનજી એમના લાખ રૂપિયા આપવા દેતા નથી તો પોતાના ઘરમાંથી આપશે.”
ત્યારે સભામાં બેઠેલા વૈદરાજ રામચંદ્રજી બોલ્યા કે, “સ્વામી ! દીવાનજી પોતાના જ પૈસા નથી આપતા તો બીજાના પૈસા પોતાના ઘરમાંથી તો આપે જ ક્યાંથી ?” સ્વામીએ કહ્યું, “એ જ આપશે. સીધી રીતે નહિ આપે તો દુઃખી થઈને પણ આપશે. સર્વેનાં નાડીપ્રાણ તો શ્રીહરિના હાથમાં છે. માટે બાપુભાઈ ! તમે શ્રીહરિને સંભારીને સુખેથી એને ઘેર ચાંદલો કરવા જાઓ. પણ એ જ ઊલટો તમને ચાંદલો કરશે. તમે બસો આપશો ને ગાડું ભરીને લાવશો. તમને પચ્ચીસ હજારનો દંડ કરાવ્યો છે તો તેમને ચાર ગણો થશે.”
પછી બાપુભાઈ સ્વામીશ્રીને દંડવત કરીને ત્યાંથી સીધા જ દીવાનજીને ત્યાં ગયા. રસ્તામાં ભગવાનની મૂર્તિ ધારી, ભેળા રહેવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં પહોંચ્યા તો હજારો વિદ્વાનો બેઠા હતા. અને મોટા લગ્નમંડપમાં સરકાર સયાજીરાવ પણ ગાદી-તકિયે બેઠા હતા. તેમની પાસે દીવાનજી પણ ઘણા સરદારો અને દરબારો સહિત તથા શહેરના સર્વે શાહુકારો સહિત ડાયરો ભરીને બેઠા હતા.
પછી જ્યારે વરકન્યાના હસ્તમેળાપનો સમય થયો, લગ્નવિધિ શરૂ થઈ, સર્વત્ર આનંદમંગલ થઈ રહ્યો હતો તે વખતે હરિઇચ્છાથી બાપુરાયજી શેઠને છીંક આવી. તેથી તે જોઈ દીવાનજીને બાપુરાયજી ઉપર અતિશય ક્રોધ થયો. વળી, તેઓ મૂળથી સત્સંગના દ્વેષી હતા. સામે બાપુભાઈ ચુસ્ત સત્સંગી હતા. તેથી આજે ખરો લાગ આવ્યો એમ જાણીને ઝટ જમાદારને બોલાવીને સખત હુકમ કર્યો કે આ વાણિયાએ મારી દીકરીનાં લગ્નના મંગલ પ્રસંગે છીંક ખાઈને અપશુકન કર્યા. માટે એને બહાર લઈ જઈ હમણાં ને હમણાં એનું નાક કાપી નાખો.
દીવાનજીનો આવો સખત હુકમ સાંભળી સર્વે ઉદાસ થઈ ગયા. સયાજીરાવ ગાયકવાડ સરકાર પણ ગભરાઈને વિચારમાં પડી ગયા અને ઉદાસ થઈ ગયા. પણ તેમને અવળાઈથી ભરેલા આ દીવાનને ઝાઝું કાંઈ કહેવું તે યોગ્ય ન લાગ્યું. તેથી સૌના જીવ તાળવે ચોંટી ગયા : “અરેરે ! હવે શું થશે ? આવા સારા ભગવાનના ભક્તને વગર વાંકે આવો દંડ ? આવી દુષ્ટતા ? શું ભગવાન તેની રક્ષા નહિ કરે ? ભગવાનના ભક્તને વિના વાંકે દુઃખ શાથી ?” એમ ઘણા પ્રશ્નો થવા લાગ્યા.
આપણને પણ જ્યારે મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે ઘણાબધા સંકલ્પો અને વિકલ્પોના વમળોમાં ફસાઈ જઈએ છીએ. પરંતુ તે વખતે દૃઢ કરેલી સમજણ કામમાં આવે છે. અહીંયાં પણ ભગવાને બાપુભાઈ શેઠની કસોટી લીધી. પરંતુ બાપુભાઈ તો શ્રીહરિના પરમ ભક્ત હતા અને સદ્. ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. માટે એમને તો ચાહે કોઈ હાથીએ બેસાડે કે નાક-કાન કાપી ગધેડે બેસાડે તે બંને સરખું જ હતું. તેથી તે અંતરમાં મૂર્તિ ધારી બસ, “ભગવાન મારું હિત જ કરતા હશે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં.” તેમ વિચારવા લાગ્યા.
પછી સરકારે નેત્રની સંજ્ઞા વડે ત્યાં મોટા મોટા શાસ્ત્રીઓ બેઠા હતા તેમને સૂચવ્યું તેથી તેમણે કહ્યું, “વિવાહના મંગળ કાર્યમાં કોઈને છીંક આવે તો અપશુકન થાય તે વાત સાચી પણ કોઈનું નાક કાપી રુધિરનો સ્રાવ કરવો તે તો છીંક કરતાં પણ લાખ ગણા વધારે અપશુકન ગણાય. તેનું તો અપાર અનિષ્ટ ફળ થાય તેમ શાસ્ત્રમાં કહ્યું છે.” ત્યારે સરકારે કહ્યું, “તો પછી છીંક આવે તેનું બીજું પ્રાયશ્ચિત્ત તમે શાસ્ત્રની સંમતિ પ્રમાણે કહો.” ત્યારે શાસ્ત્રીઓએ કહ્યું કે, “સબરસ એટલે મીઠું છે. તે છએ પ્રકારના રસમાં સર્વથી શ્રેષ્ઠ છે. વળી, તે મીઠું મંગળ ગણાય છે. તેથી જ લગ્નપ્રસંગે જેને છીંક આવી છે તેને મીઠાનો ફાકો ફકાવવો તો નિર્વિઘ્નપણું થાય છે.”
એવું સાંભળીને દીવાનજીએ પોતાના માણસોને હુકમ કર્યો કે, “મીઠું અને ખાંડેલાં મરચાં બંને ભેળવીને બંને સવાશેર પૂરા એક થાળીમાં લાવો.” એવી રીતે સત્સંગી ઉપર દ્વેષબુદ્ધિથી તેને દુઃખી કરવા તથા હેરાન કરવા મીઠા સાથે મરચાં પણ ભેળવવાં અને તે પણ સવાશેર જમવા હુકમ કર્યો. તેથી મીઠા-મરચાની ભરેલી થાળી જોઈ ત્યાં બેઠેલા સરકારશ્રી તથા શાસ્ત્રીઓ વગેરે કોઈ બોલી શક્યું નહીં.
પછી દીવાનજીએ બાપુ શેઠને તોછડાં વચન બોલીને કહ્યું કે, “વાણિયા ! લે આ થાળનાં બધાં જ મીઠાં-મરચાંને જમી જા.” ત્યારે રાજમંડળના દેખતાં બાપુભાઈએ “લાવો સાહેબ” એમ કહી થાળી હાથમાં લઈ સભા વચ્ચે શ્રીહરિનું સ્મરણ કરીને સાકરની પેઠે ઝટ ઝટ મીઠાં-મરચાંના ફાકા મારી જઈ થાળી ખાલી કરીને પરત આપી. તે જોઈ સરકાર તથા સર્વે રાજસભા અતિ આશ્ચર્ય પામી ગયા.
ત્યારપછી બંધ રાખેલું લગ્નકાર્ય પાછું બ્રાહ્મણોએ ચાલુ કર્યું. પણ વર-કન્યાનો હસ્તમેળાપ થયો કે તે જ સમયે હરિ-ઇચ્છાથી વર-કન્યા બંનેને સાથે છીંકો આવી. ત્યારે વળી સરકારે પૂછ્યું કે, “શાસ્ત્રીજી ! આ વર-કન્યા બંનેને સાથે છીંકો આવી તેનું કેવું ફળ થાય ?” ત્યારે શાસ્ત્રીઓ દુઃખની લાગણી સાથે બોલ્યા કે, “મહારાજા ! એ તો ત્રણ દિવસની અંદર બંને વર-કન્યાના દેહને હાનિ કર્તા છે.”
એવું સાંભળીને દીવાનજી તો દિગ્મૂઢ થઈ ગયા. અને સરકારે પણ “અરર ! ભગવાન ! ભગવાન !” એમ બોલતા ઉદાસ થઈને પૂછ્યું કે, “આ બે વર-કન્યા તો આઠ-દસ વર્ષનાં છે. માટે એમને મીઠાં-મરચાં ફકાવવા તે શક્ય નથી. તેથી એમને યોગ્ય બીજું કાંઈ અલ્પ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રની સંમતિ પ્રમાણે કરવાનું દેખાડો.” ત્યારે શાસ્ત્રીઓએ કહ્યું કે, “સરકાર એક સ્થાનકમાં અને એક જ જાતનો દોષ વળી એક જ સમયમાં થયો છે. તેનું જુદું જુદું પ્રાયશ્ચિત્ત થાય નહીં. એ તો જે રીતે આ શેઠે મીઠાં-મરચાં ફાક્યાં તેટલાં જ વર-કન્યાને પણ ઉગારવાને માટે ફાકવાં જ જોઈએ. પણ હા, એક રસ્તો છે. ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે નાના બાળકથી ન થઈ શકે તેવાં કઠણ પ્રાયશ્ચિત્ત તેના વતી તેનાં માબાપ ભોગવે.”
ત્યારે સરકારે દીવાનજીને કહ્યું કે, “આ તો તમારે કન્યા વતી અને આ માધવરાય વેવાઈ બેઠા છે તેમણે વરના વતીથી ફાકવું જોઈએ.” ત્યારે તે કહે, “ઠીક, લાવો એક ફાકો ફાકીએ.” ત્યારે શાસ્ત્રીઓ બોલ્યા કે, “પ્રથમ શેઠને જો એક ફાકો ફકાવ્યો હોત તો તમારે પણ તેમ ચાલત, પણ હવે તો તમારે પણ તેટલું જ ફાકવાથી શુદ્ધિ થાય.” પછી બે થાળીઓ ભરીને સવાશેર સવાશેર મીઠું-મરચું ખાંડેલું મગાવ્યું અને વર-કન્યાને બોલાવી એક એક ફાકો મારવા કહ્યું. તે જરા જરા લઈ મોઢામાં નાખતાં તો કોમળ વયનાં બંને વર-કન્યાને અપાર છીંકો આવી અને ઊલટી થઈ અને મૂર્છા જેવું થઈ ગયું.
પછી શાસ્ત્રીઓના કહેવા મુજબ તે બંને થાળીઓ દીવાનજી તથા માધવરાયે ફાકવા લીધી. તેમને પણ અપાર છીંકો, ઉધરસ અને ઊલટી પણ થયાં. તેથી બંને થાળીઓ પાછી આવી. ત્યારે સરકારે કહ્યું, “શાસ્ત્રીજી ! આ તો વર-કન્યાનાં માબાપ પણ ફાકી શકતાં નથી. તો તેનું કેમ કરવું ?” ત્યારે શાસ્ત્રી બોલ્યા કે, “એમના બીજા કોઈ સગાંસંબંધી કે ગોર મહારાજ કે અંતે તે કોઈ તૈયાર ન થાય તો કોઈ પણ વ્યક્તિ વર-કન્યાને માથેથી ઉતારીને જમશે તોપણ ચાલશે. અને દોષનું નિવારણ થશે.”
પછી દીવાનજીએ સંબંધીઓ, તેમના મળતિયા તથા સર્વેને કહ્યું પણ આગળની પરિસ્થતિ જોઈને કોઈની હિંમત ચાલી નહીં. ત્યારે અંતે દીવાનજી કહે, “આ મરચું-મીઠું કોઈ જમી જાય તો ૫૦,૦૦૦/- રૂપિયા આપું.” ત્યારે પાંચ-સાત શૂરવીરો તૈયાર થયા અને પ્રયત્ન કર્યો પણ તેઓય નિષ્ફળ ગયા. ત્યારપછી વિચક્ષણ બુદ્ધિવાળા સરકારે વિચાર્યું કે, “આ બાપુ શેઠે સવાશેર મરચું-મીઠું ફાક્યું છતાંય કાંઈ જ થયું નથી. તેથી આ તેમના ભગવાન અને એમના ગુરુ ગોપાળાનંદ સ્વામીની કેવળ કૃપાનું જ પરિણામ છે.” તેથી તેમણે બાપુ શેઠને કહ્યું કે, “આપને આ મરચું-મીઠું ફાકતી વખતે કાંઈ થયું નહીં ?” ત્યારે બાપુ શેઠ કહે, “હું તો મારા ઇષ્ટદેવ તથા ગુરુ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ ધારીને જમી ગયો. તેથી કાંઈ થયું નહીં.”
આ સાંભળી દીવાનજીને ભગવાનના એક આદર્શ ભક્ત પ્રત્યે કરેલા પોતાના દુર્વ્યવહાર બદલ પસ્તાવો થયો તેથી માફી માગી. અને “આ બંને થાળનું મીઠું-મરચું આપ કૃપા કરી જમી જાવ તો આ બંને પર આવેલ વિઘ્ન ટળે માટે કૃપા કરો” એમ પ્રાર્થના કરી. ત્યારે બાપુ શેઠે કહ્યું, “ભલે, આપની આજ્ઞા હોય તો જમી જાઉં.” પછી તે બે થાળીઓ લઈને શ્રીજીની મૂર્તિ ધારીને જેમ ખાંડના ફાકા મારે તેમ ઝટ ઝટ ફાકી ગયા. આમ, થોડી જ વારમાં બેય થાળીઓ ખાલી કરી દીધી. આ રીતે, અઢીશેર તથા પ્રથમનું સવા શેર મળી કુલ પોણા ચાર શેર મીઠું-મરચું બાપુ શેઠ ફાકી ગયા. તે જોઈને રાજસભામાં બેઠેલા સરકાર, દીવાનજી, બીજા સરદાર તથા શાહુકારો સર્વે અતિ આશ્ચર્ય પામી ગયા.
પછી સરકારે અતિ પ્રસન્ન થઈને પોતાના હાથની આંગળીએ સવાલાખ રૂપિયાની હિરાજડિત વીંટી હતી તે ઝટ દઈને કાઢીને બાપુ શેઠને ઇનામમાં આપી દીધી. અને પછી દીવાનજીને પણ કહ્યું કે, “તમે પણ બોલ્યા છો તે પ્રમાણે પચાસ હજાર રૂપિયા આપો.” ત્યારે તેમણે પણ સાલ ઓઢાડી અન્ય ભેટ-સોગાદો-ઇનામો તથા પચાસ હજાર રૂપિયા રોકડા મગાવીને આપ્યા અને પગમાં પડી માફી માગી.
ત્યારપછી લગ્નકામ નિર્વિઘ્ને શાસ્ત્રીઓએ ચાલુ કરાવ્યું. પછી બાપુભાઈ ત્યાંથી હરખશોક રહિત શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં મંદિર પધાર્યા. પછી શ્રી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીને દંડવત કરીને પગે લાગીને પાસે બેઠા અને સ્વામીશ્રીને બધી વાત કરી. ત્યારે તે સભામાં બેઠેલા દલપત ઝવેરીને સ્વામીએ વીંટીની શી કિંમત આપશે એમ પૂછ્યું. ત્યારે દલપતભાઈએ તે જોઈને કહ્યું કે, “આ હીરો સરકારે સવા લાખ રૂપિયામાં ઘણાં વર્ષ પહેલાં લીધેલો છે. પણ હવે તો ભાવ વધી જવાથી એના દોઢથી બે લાખ આવશે.” ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે, “બાપુભાઈ, આ હીરો વેચી દેજો.”
પછી બીજે દિવસે શહેરના બધા ઝવેરીઓને તેડાવીને પંચ ખાતે બે લાખ રૂપિયામાં તે હીરો વેચી દીધો. તે ઝવેરીને મુંબઈના બાટલીવાળા જમશેદજીભાઈએે તેના ત્રણ લાખ રૂપિયા આપ્યા. પછી બાપુભાઈનો વ્યવહાર નાણાવટીની જેમ ચાલ્યો. આમ, શ્રીહરિ પોતાના ભક્તોની સદાય સહાય કરે છે. પરોક્ષના ભજનમાં આવે છે કે,
“હરિને ભજતા હજી કોઈની લાજ, જતા નથી જાણી રે...”
પરંતુ આપણને તો સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના અતિ મોટાપુરુષ એવા સમર્થ સદ્ગુરુનો ભેટો થયો છે. તેથી બીજા કરતાં આપણને અનંતગણી વિશેષ પ્રાપ્તિ થઈ છે. તેથી સદ્. શ્રી પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે,
“પ્રેમાનંદનો વા’લો આનંદકારી,
પોતાના જનની વા’લે લાજ વધારી રાજ.”
આમ, પોતાના ભક્તની લાજ રાખી નહિ, પણ વધારી છે.