રંગીલદાસને સજા

 

વડોદરામાં રંગીલદાસ રાજ્યના સૂબા હતા. તે સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ વિરોધી હતા. તે વખતે સદ્‌. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ મંદિર તૈયાર કરાવતા હતા. તેથી રંગીલદાસે જૂનાગઢના નવાબને કાગળ લખી મોકલ્યો કે, “કોઈ પણ રીતે સ્વામિનારાયણનું મંદિર થવા દેવું નહીં. નહિ તો હું તેનો કાંકરે કાંકરો ઉડાડી દઈશ.” આવી વાત રૂપશંકરભાઈએ મંદિરે આવીને કરી. તેથી સહુ ખૂબ જ ચિંતાતુર બની ગયા : “અરેરે ! હવે શું થશે ?”

પછી ત્યાં સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી પધાર્યા. તેમને વાત કરી કે, “દયાળુ ! આ રંગીલદાસ તો મંદિર નહિ થવા દેવાનું કહે છે. વળી, નાગરોનો પણ ઘણો વિરોધ છે. માટે દયા કરીને રક્ષા કરજો.” “આ બિચારો રંગીલદાસ શું કરવાનો છે ?” એમ કહી સ્વામીશ્રીએ કાંખમાંથી એક મોવાળો તોડીને બતાવ્યો અને બોલ્યા, “જાવ, હવેથી રંગીલદાસ જૂનાગઢની હદમાં પગ પણ નહિ મૂકી શકે. અરે ! તે તો નહિ પણ તેનો મૃતદેહ પણ જૂનાગઢની હદમાં નહિ પ્રવેશ પામી શકે.”

ખરેખર બન્યું પણ એવું જ. રંગીલદાસ મંદિરને “તોડી નાખું... તોડી નાખું” કરતો વડોદરાથી આરબોની બેરખ સાથે નીકળ્યો. મારતે ઘોડે આવી રહ્યો હતો. રસ્તામાં ગામ વડાલ પાસે વાડમાંથી સસલું નીકળતાં ઘોડો ભડક્યો અને રંગીલદાસ પડ્યો કે તરત જ પોતાની જ ભેટમાં રહેલી બરછી પોતાને વાગી ને પેટ ચિરાઈ ગયું. આમ, ભગવાન ને મોટાપુરુષના સંકલ્પમાં આડખીલીરૂપ થનાર પર મોટાની દૃષ્ટિ સહેજ ફરી તો સમજવું કે ક્યાંય ફેંકાઈ જાય. ત્યાં રસ્તામાં જ તેનું શબ પડ્યું રહેવાથી ગંધાઈ ગયું. તેથી નવાબે ફરમાન કર્યું કે તે શબને જૂનાગઢની હદમાં લાવવું નહીં. નહિ તો રોગચાળો ફાટી નીકળશે. તેથી ત્યાં જ સળગાવી દેવું.

આમ, સદ્‌. ગોપાળાનંદ સ્વામીના વચન મુજબ તેનું શબ પણ જૂનાગઢની હદમાં પ્રવેશ ન મેળવી શક્યું.