એક વખત પરમ ભક્ત શ્રી વૃંદાવનદાસ કે જે રૂપાનાં કડાં ઘડતા હતા. તેમણે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને સંત મંડળે સહિત થાળ જમવા બોલાવ્યા હતા. (રસોઈનો પ્રોગ્રામ રાખ્યો હતો.) ત્યારે સ્વામીશ્રી સહિત સર્વે સંતો મેડા ઉપર બિરાજમાન હતા. પ્રસંગ ચાલુ હતો. વૃંદાવનદાસ પુષ્પહારથી પૂજન કરી રહ્યા હતા. ત્યારે સર્વે સંતો “રે સગપણ હરિવરનું સાચું” એ કીર્તન ગાવા લાગ્યા.
તેવામાં એક વાણિયણ બાઈએ કડાં ઘડવા આપ્યાં હશે તે લેવા આવી. પછી તેને કોઈએ કહ્યું કે, “હમણાં તમે સામેના ઓટલા ઉપર બેસો. તે મહાજનના ઘેર સ્વામિનારાયણના સાધુ જમવા આવ્યા છે. તેથી શેઠ હમણાં નવરા નથી. એ સાધુ જશે પછી તમને કડલાં આપશે.” પછી તે બાઈ દુકાન સામેના ઓટલા ઉપર બેઠી ને મેડા ઉપર સંતો કીર્તન ગાતા હતા તેનું પ્રથમ ચરણ જે ઉપર લખ્યું હતું, “રે સગપણ હરિવરનું સાચું” તે પાંચ-સાત વખત સાંભળ્યું. તે એને મોઢે થઈ ગયું.
પછી સંતો ગયા પછી પોતાનાં કડલાં લઈને ઘેર ગઈ. પણ મહિમા નહિ તેથી સાધુની ઠેકડી કરતી જાય ને પેલા કીર્તનની કડી ગાતી જાય, “રે સગપણ હરિવરનું સાચું” ને કહેતી જાય, “સ્વામિનારાયણના મૂંડિયા આવું ગાતા હતા.” એમ ઘરમાં કામકાજ કરતાં રાત-દિવસ એ જ ગાતી જાય. તે પોતે તો દુષ્ટ અને પાપિણી હતી. તે પોતાના ધર્મગુરુ સાથે પણ પાપરૂપ વર્તણૂક કરતી હતી. તેમજ બીજા પણ અનેક જાતનાં પાપ અને વ્યસનોથી ભરપૂર મહાદુષ્ટ હતી. પછી કેટલાક દિવસે મંદવાડ ભોગવ્યા પછી અંત સમો આવ્યો તોપણ તે તો પેલું કીર્તન “રે સગપણ હરિવરનું સાચું” એ લીટી બોલ્યા કરતી. પછી અંત સમયે તેને બે યમદૂત યમપુરીમાં તેડવા આવ્યા હતા. મોટા પર્વત જેવા જબરા, કાજળ જેવા કાળા, લાંબા મોઢાવાળા, મોટી દાઢી, સોયની અણી જેવા રૂંવાડાંવાળા, અતિ ભયાનક એવા મહા વિકરાળ યમદૂતને જોઈને શરીરના બંધ છૂટી ગયા.
યમદૂતે લોઢાના મગદળ મારવા ઊંચા ઉપાડેલા. તેને બાંધી જવા લોઢાની જબરી મોટી સાંકળના લંગાર ખખડાવે. તે જોઈ અતિ ત્રાસથી કંપી ગઈ અને ચીસો પાડવા માંડી. પણ નિરંતર અભ્યાસ થયેલો હોવાથી પેલા કીર્તનની કડી મોઢામાંથી બોલાઈ ગઈ : “રે સગપણ હરિવરનું સાચું” અને તે જ વખતે જેમ વીજળીનો ઝબકારો થાય તેમ એકદમ શ્રીહરિ માણકી ઘોડી ઉપર સવાર થઈને આવીને ઊભા રહ્યા. તેમને જોઈ પેલા યમદૂત અતિ ત્રાસ પામી ત્યાંથી નાસીને વેગળા ગયા. ત્યારે શ્રીહરિએ પોતાની કટાક્ષ દૃષ્ટિએ જ્યાં સામું જોયું ત્યાં તો યમદૂતો બૂમો પાડવા લાગ્યા, “બળું છું, બળું છું.” અને દૂર જઈને ઊભા રહ્યા. હાથ જોડી મસ્તક નમાવી કહ્યું કે, “હે કૃપાનાથ ! આ બાઈ તો તમારી સત્સંગી નથી. ઉપરથી તે તો તમારા સાધુની ઠેકડી ઉડાડી નિંદા કરતી હતી. વળી, મહાપાપી અને મહાદુષ્ટ છે. તેથી તેને યમપુરીમાં લઈ જવા અમે આવ્યા હતા.”
પછી શ્રીહરિએ કહ્યું કે, “ભલે તે સત્સંગી નથી. તે ગમે તેવી પાપી છે. પણ અમારા બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન તે અહોનિશ ગાયા કરતી હતી કે, “રે સગપણ હરિવરનું સાચું” તે હરિવર તો સ્વયં અમે જ છીએ. તે અમારું સગપણ જેણે સાચું કહ્યું, કદાચ ભલે તેણે સાચું સગપણ કર્યું નથી. પરંતુ બોલવાખાતર બોલી છે. છતાંય તેને તમારું તેડું હોય જ નહીં. માટે તેને તો અમે વિમાનમાં બેસાડી ધામમાં તેડી જઈશું.”
પછી પેલી બાઈને શ્રીહરિએ કહ્યું કે, “આ તમારા સગાંસંબંધી બેઠેલાં છે તેને તું કહે.” પછી તે બાઈ બેઠી થઈને બોલી કે, “મને તો બે મોટા જમના દૂતો યમપુરીમાં લઈ જતા હતા. પણ આ સ્વામિનારાયણ ભગવાન જે ઘોડે ચડીને ઊભા છે તેમણે મને તે દુઃખમાંથી છોડાવી છે. અને હવે તેઓ મને વિમાનમાં બેસાડી ધામમાં તેડી જાય છે. માટે આપણા કરતાં આ સ્વામિનારાયણ ધર્મ શ્રેષ્ઠ છે. હું કેવી પાપી હતી, છતાં સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન મશ્કરી કરીને ગાતી હતી, તોપણ એ પરમ કૃપાળુ ભગવાન, પોતે પોતાનું બિરદ જાણી મને ધામમાં તેડી જાય છે.” એમ કહી વિમાનમાં બેસી તરત તે ધામમાં ગઈ. તે વખતે ઘણા લોકોને શ્રીહરિનાં મહાતેજોમય દિવ્ય દર્શન થયા હતા.
આ અતિ આશ્ચર્યકારી ચરિત્ર અને અનહદ કૃપાનાં દર્શન કરીને તે બાઈનાં સગાંવ્હાલાં, વણિક જ્ઞાતિમાંથી કેટલાક મુમુક્ષુ હતા, તે સ્ત્રીઓ તથા પુરુષો સત્સંગી થયાં ને દર્શન-સેવા-સમાગમનો પણ કાયમ લાભ લેતાં હતાં. આ બાઈ વડોદરામાં નરસિંહજીની પોળમાં રહેતી હતી. અને તેનું નામ મહાકોરબાઈ હતું.
>