કસિયાજીનું કલ્યાણ કર્યું

 

જ્યારે વડતાલનું મંદિર બંધાતું હતું ત્યારે પેટલાદના પાટીદાર કસિયાજી અમીન ગાયકવાડ સરકારના ઇજારદાર હતા. તેથી અધિકારના ઘમંડથી તે કોઈને ગણકારતા ન હતા. તેને જ્યારે ખબર પડી કે સ્વામિનારાયણનું મોટું મંદિર બંધાય છે તે જોઈ ઈર્ષાને લીધે મનમાં ને મનમાં ખૂબ બળવા લાગ્યા. અને મંદિરનો સામાન લાવવામાં ઘણી ઉપાધિઓ ઊભી કરવા લાગ્યા.

એક વખત કસિયાજીનો કોઈ માણસ સભામાં આવ્યો હશે. તેને શ્રીજીમહારાજે કહ્યું કે, “જે હિંદુનું મંદિર બંધાતું જોઈને રાજી ન થાય તે હિંદુ જ ન કહેવાય.” તેથી પેલા માણસે જઈને કસિયાજીને આ વાત કરી. તેથી તે વિશેષ ક્રોધે ભરાયો અને મંદિરના દરેક સામાન પર દાણ લેવાનું નક્કી કર્યું. તેને ખૂબ સમજાવ્યા છતાં તે એકના બે ન થયા. ત્યારબાદ શ્રીજીમહારાજે સર્વેને પૂછ્યું જે, “આ કસિયાજીને સમજાવવા કોને મોકલીશું ?” ત્યારે સહુએ કહ્યું જે, “દયાળુ ! આ કામ તો સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી થકી જ થશે.”

પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા. તે સીધા જ કોઈની પણ પરવા કર્યા વિના કસિયાજી પાસે પહોંચી ગયા. કસિયાજી તથા મીર સાહેબ એકદમ સ્થિર થઈ ગયા. સ્વામીશ્રીને આવવાનું કારણ પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “અમે અમારા મંદિરના સામાનના દાણ માફ કરાવવા આવ્યા છીએ.” ત્યારે કસિયાજીએ કહ્યું, “અમે કેટલું દાણ માફ કરીએ ?” સ્વામીશ્રીએ કહ્યું, “મંદિર પૂરું થાય ત્યાં સુધીનું.” એ વખતે કસિયાજીએ કહ્યું, “સાંજે કરમાફીનો દસ્તાવેજ લખી દઈશ.”

સ્વામીશ્રીએ જાણ્યું જે આ વાતને ટાળવા પ્રયત્ન કરી રહ્યા છે તેથી સહેજ આકરા થઈને કહ્યું જે, “કસિયાજી ! અમારે સાંજે ફરીથી આવવાનું ? તમે વિચાર તો કરો કે કોને આમ જવાબ આપો છો ? તમને તમારા અધિકારનો અહમ્‌ છે પણ તે અધિકાર રાખવો કે નહિ તે ભગવાન ને સંતના હાથમાં છે.” આમ, સ્વામીશ્રીના શબ્દો સાંભળી તુરત જ દાણમાફીનો દસ્તાવેજ લખી આપ્યો.

વળી જ્યારે મંદિરનું કામ ચાલુ થયું ત્યારે કસિયાજીએ એક વખત એક ગાડું લઈને સાથે એક માણસને મોકલ્યો ને કહ્યું કે, “એક મોટો આરસનો પથ્થર મોકલજો.” સરકારી અમલદારનું અપમાન ન કરવું તેમ જાણી સંતોએ તે આપ્યો. આ વાતની સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીને જ્યારે ખબર પડી ત્યારે સ્વામીશ્રીને ખૂબ દુઃખ થયું કે ભગવાનને આપવાને બદલે ભગવાનમાંથી લઈ લે છે ? અને તે જ સમયે પેટલાદમાં કસિયાજીને આખાય શરીરે એટલી બધી ગરમી ઊપડી કે ન પૂછો વાત. તેથી શરીરે ઠંડક કરવા ઘણા ઉપચારો કર્યા પણ કાંઈ ન વળ્યું. છેવટે તેને લાગ્યું જે હવે તો દેહ રહે તેમ જણાતું નથી. આથી ખૂબ ગભરાયા.

તેથી કોઈએ કહ્યું કે, “તમે આ ધર્માદાનો પથ્થર લાવ્યા તેથી મોટા સંત ગોપાળાનંદ સ્વામી તમારી ઉપર નારાજ થયા છે. તે સિવાય આવું દુઃખ હોય જ નહીં.” આ સાંભળી કસિયાજીની શાન ઠેકાણે આવી ને તુરત પથ્થર પાછો મોકલી આપ્યો. વળી, માણસ સાથે પ્રાર્થના પણ કરી માફી માગી ત્યારે શરીરે પીડા મટી. પછી તે સ્વામીશ્રી પાસે આવ્યા ને પ્રાર્થના કરી જે, “દયાળુ ! મેં આપનું ખોટું કર્યું છે. પણ માફ કરી શરણે લ્યો.” પછી સ્વામીશ્રીએ તેમને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા.