મંગળિયામાંથી મંગળજી વૈદ્ય

 

સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી એક વાર વડોદરા પધાર્યા હતા. રાત્રે સભા પૂર્ણ થઈ ત્યારે છેલ્લે એક નાનો છોકરો બેસી રહ્યો. તેથી સ્વામીશ્રીએ તેને પાસે બોલાવી પૂછ્યું, “છોકરા, તું કેમ બેઠો છું ? તારે કાંઈ કામ છે ?” એમ કરી નજીક બોલાવ્યો અને નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, “મારું નામ મંગળિયો છે.” એમ કહી પ્રાર્થના કરતો કરતો રડવા લાગ્યો અને કહ્યું, “દયાળુ ! મા-બાપ વિનાનો છું. ખાવા દાણા નથી માટે કાંઈક દયા કરો !” હરિભક્તોએ પણ ભલામણ કરી, “હા

દયાળુ ! આ છોકરો મંદિરમાં સેવા તો ખૂબ કરે છે પણ કાંઈક દયા કરો તો ખાધે-પીધે સુખી થાય.”

આ સાંભળી સ્વામીશ્રીનો અતિ દયાળુ સ્વભાવ હોવાથી મુખમાંથી શબ્દો સરી પડ્યા, “જા વગડામાં. જે સૂકો છોડ હોય તેના મૂળિયાં વાટીને ફાકી બનાવી સૌને આપજે. કોઈ પણ રોગમાં ગુણકારી નીવડશે.” ‘સબ રોગકી એક હી દવા’ - તેમાંય આ તો દવા નહિ પણ દુઆ હતી. તેથી બધાને ખૂબ સારું થવાથી તેને નામના તથા સંપત્તિ પણ મળવા લાગ્યાં. તે આગળ જતાં ગાયકવાડ સરકારનો અસાધ્ય રોગ મટાડવામાં સફળ થતાં રાજવૈદ્ય બન્યા અને મોભો પણ સારો મળ્યો. પણ... પણ... જેના થકી સુખ પામ્યા હતા તેને ભૂલી ગયા.

બે-એક વર્ષ વીત્યાં હશે ને સ્વામીશ્રી વડોદરા પધાર્યા. મંગળજી વૈદ્યને વારંવાર સમાચાર મોકલ્યા ત્યારે એક વાર સભામાં તો પધાર્યા. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “આવ મંગળજી ! આગળ બેસ.” પરંતુ બધેથી મંગળજીને વૈદ્ય, રાજવૈદ્ય વગેરે શબ્દોથી માન મળતું હોવાથી ‘મંગળજી’ શબ્દમાં અપમાન લાગ્યું, તેનું માન ઘવાયું. અંતરમાં અસુખ થયું. મન અસુર જેવું થયું. ન કરવાના સંકલ્પો થયા. શ્રેષ્ઠ મૂર્તિસુખની વાતોમાં પણ સુખ નહિ, દુઃખ જણાયું. અંતે સભા ઊઠી ત્યારે તેમણે પુરુષાનંદ સ્વામીને વાત કરી, “સ્વામી મોટા ખરા, પણ સ્વામીમાં વિવેક નથી. મને મંગળજી કહ્યું.”

આ વાત પુરુષાનંદ સ્વામીએ સ્વામીશ્રીને કહી. તેથી સ્વામીશ્રી મંદ હાસ્ય કરતાં બોલ્યા કે, “જીવને કેવાં માન ભર્યાં છે ? જીવને જ્યાંથી સુખ પામવાનું છે ત્યાંય માન ? છતાં ભલે કાલે માનથી બોલાવીશું.” એક જીવ સત્સંગના માર્ગથી પડી ન જાય તેના માટે સ્વયં સ્વામીશ્રીએ બીજે દિવસે “આવો મંગળજીભાઈ વૈદ્યરાજ” એમ માનથી બોલાવ્યા. પરંતુ સ્વામીશ્રી અંતરથી નારાજ થઈ ગયા. અને દવા કામ કરતી બંધ થઈ ગઈ. તેથી જેને ફાકી આપે તેને અવળી જ પડે. વળી, થોડા જ દિવસમાં અધિકાર પણ જતો રહ્યો ને સર્વે મિલકત પણ જપ્ત થઈ ગઈ. હવે પાછો તે હતો તેવો મંગળિયો થઈ ગયો. માટે મોટા આગળ માન ન રાખવું પણ દાસાનુદાસ થઈને રહેવું. સૌનાય દાસ થઈને રહેવું.