એક વાર મુસલમાનો મંદિરની ગાયોને કસાઈવાડે પરાણે ખેંચીને લઈ જવા લાગ્યા. સ્વામીશ્રીએ અંતર્યામીપણે આ વાત સૌને જણાવી. તેથી તરત બધા ભક્તો દોડતા ત્યાં ગયા અને કસાઈ લોકોને મારતા રોકવા પ્રયત્નો કર્યા. પરંતુ પાપમાં ચકચૂર બનેલા તે પાપીઓ આ ભક્તોની વાતમાં ન માન્યા ને પોતાના કાર્ય તરફ આગળ વધ્યા. અને જ્યાં તલવાર ઊંચી કરી કે તરત નાથ ભક્તના મુખમાંથી શબ્દ સરી પડ્યા, “હાં...હાં... અરે પાપીઓ ! તમે કેવા જડ જેવા છો તે આ બધા કહે છે, પણ માનતા નથી ?” આમ, કહેતાં જ બધા મારવાવાળા હતા તે સર્વે પથ્થરના પૂતળા જેવા બની ગયા. તેમના સગાંઓ બધા ભેગા થઈ ગયા. આમથી તેમ ઘણું હલાવ્યા, બોલાવ્યા પણ એકેય ન બોલે કે ન ચાલે. અંતે બધા થાકીને મંદિરે રોતાં-કકળતાં સ્વામીશ્રી પાસે આવ્યા અને ખૂબ માફી માગી. પછી સ્વામીએ નાથ ભક્તને પ્રસાદીનું પાણી આપીને મોકલ્યા ને કહ્યું કે, “લ્યો, આ છાંટજો અને તેમને સર્વેને સચેતન કરીને અહીં તેડી લાવજો.”
પછી પાણી છાંટતાં સર્વે સચેતન થયા. અને નાથ ભક્તના પગમાં પડી ખૂબ માફી માગી. જ્યારે સ્વામીશ્રી પાસે લાવ્યા ત્યારે રોતાં-કકળતાં સ્વામીશ્રીની માફી માગી. એ વખતે સ્વામીશ્રીનાં તેમને પયગંબર રૂપે દર્શન થયાં. પછી સ્વામીશ્રીએ સૌની પર પાણી છાંટી વર્તમાન ધરાવી કહ્યું, “જાવ, તમારાં આજ સુધીનાં અનંત પાપકર્મ બાળ્યાં. હવેથી આ કસાઈનો ધંધો કરતા નહીં. અને લૂગડાં વણવાનો ધંધો કરજો ને તમારું ખૂબ સુખેથી ગુજરાન ચાલશે.” આમ, સ્વામીશ્રીનું વચન માથે ચડાવી તે સર્વ ૨૫-૩૦ કુટુંબો સત્સંગી થયા ને મુસલમાન મટી તાઈ થયા, જે હજી વડોદરામાં રહે છે ને તાઈની અટકથી ઓળખાય છે.