વડોદરામાં રામચંદ્ર અને હરિશ્ચંદ્ર એ બંને ભાઈઓ ગાયકવાડ સરકારના માનીતા રાજવૈદ્ય હતા. અને શાસ્ત્રના પણ જાણકાર અને પંડિત હતા. એક દિવસ સરકારના હરિભટ્ટ શાસ્ત્રી ખૂબ જ માંદા થયા. તેથી રામચંદ્ર વૈદ્ય તેમના ઔષધોપચાર માટે ફતેપુરામાં આવેલા તે શાસ્ત્રીના ઘેર જતા હતા. રાજમાર્ગમાં નાથ ભક્તના ઘેર ચોકમાં વિશાળ જનમેદનીનો ભરાવો જોઈ તેમણે પૂછ્યું જે, “આંહીં શું ચાલે છે ?” ત્યારે લોકોએ કહ્યું, “શ્રી સ્વામિનારાયણ ભગવાનના મોટેરા સંત સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી નામના સંતની કથા ચાલે છે. તે ખૂબ જ ચમત્કારિક અને રસપ્રદ હોવાથી ઘણા બધા લોકો તેને સાંભળવા નિત્યે ભેળા થાય છે.” અને જ્યાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીનું નામ સાભળ્યું ત્યાં તો વૈદ્ય ભડક્યા જે હમણાં જ મારા પર જાદુ કરશે. આમ વિચારી ગાડાવાળાને જલદીથી હંકારવાનું કહ્યું પરંતુ ગાડે જોડેલ બળદો જડ જેવા થઈને ત્યાં જ ઊભા રહ્યા.
અંતે થાકીને તેને પાછા વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો તોપણ વળ્યા જ નહીં. તેથી હાંકનારે બળદને પરોણા મારી મારીને લોહી કાઢી નાખ્યું. પણ બળદ તો જરાય ચાલ્યા જ નહીં. વૈદ્યરાજે વિચાર્યું જે, “હું થોડી વાર રોકાઈશ અને ગોપાળબાપાની દૃષ્ટિ મારા પર પડશે તો મને જડ કરી નાખશે. માટે હું ઝટ ચાલ્યો જાઉં.” આમ વિચારી ગાડા ઉપરથી ઊતરી જવાની તૈયારી કરે છે ત્યાં તો તે પણ સ્થિર થઈ ગયા. જવા માટે ખૂબ જ પ્રયત્ન કરવા માંડ્યા; પણ બધા જ પ્રયત્નો વ્યર્થ. પછી સભામાં જવા માટે આગળ પગ માંડ્યો તો ફૂલની પેઠે તરત જ પગ ઊપડ્યા. અને વૈદ્યરાજ તુરંત સદ્. ગોપાળાનંદ સ્વામી પાસે પહોંચ્યા ત્યારે સ્વામીશ્રીએ તેમને ખૂબ આદરપૂર્વક કહ્યું, “આવો વૈદ્યરાજ.” પણ વૈદ્યરાજ તો શાના બોલે ?
એ તો સ્વામીશ્રીને નમસ્કાર કર્યા વિના જ સભામાં બેઠા. પરંતુ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળતાં જ તેમની ચંચળ વૃત્તિ સ્થિર થઈ ગઈ અને સંકલ્પમાત્રનો વિરામ થઈ ગયો. તેથી વિચાર્યું જે આ સંત મોટાપુરુષ તો છે ખરા. પરંતુ તેમને હજી સંશય હતો જે કળિયુગમાં ભગવાન અવતાર ધારણ ન કરે. આ વિચારથી તેમણે પૂછ્યું કે, “સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો તે અમને મનાતું નથી. માટે અમારા જેવા બીજા શાસ્ત્રીઓને શાસ્ત્રની સાખ્ય આપી સમજાવો તો અમે માનીએ. વળી તમે સમાધિ કરાવો છો તે અમે ઇન્દ્રજાળ માનીએ છીએ.” ત્યારે સ્વામીશ્રીએ તેમને શાસ્ત્રોનાં પ્રમાણો આપી આપીને એવી સચોટ રીતે રજૂઆત કરી કે વૈદ્યના દિલમાં ચોંટી ગઈ. અને પછી ધીમે ધીમે સ્વામીશ્રીનો જોગ કરી ખૂબ પાકા હરિભક્ત થઈ ગયા.
આમ, સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીએ વિરોધી એવા વૈદ્યરાજને પણ પ્રૌઢ પ્રતાપ જણાવી શ્રીહરિના સમાશ્રિત કર્યા હતા.