રસોઈમાં લાજ રાખી

 

થોડા સમય પછી બાપુરાયજીનાં માતુશ્રી ધામમાં ગયાં. ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાત તથા બીજી નાતનો વ્યવહાર હોવાથી સર્વેને નોતરાં દેવરાવ્યાં. તેમાં ત્રણ હજાર માણસોને જમવા માટે શીરો-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે વડોદરાના બધા માણસ, સ્ત્રીઓ મળી આઠ-દસ હજાર માણસ આવ્યા. તેનું કારણ એ કે તે બે ભાઈ સત્સંગી હતા. અને બીજા તેમના પિતરાઈ ભાઈ જે દ્વેષી હતા, તેમણે આમની આબરૂ જવા માટે કોઈને ખ્યાલ ન આવે તે રીતે બાપુરાય શેઠના નામથી બધે નોતરાં દેવરાવી દીધાં. તેથી આખાય શહેરના બધાય માણસ જમવા આવ્યા.

તે જોઈને બાપુભાઈ તથા તેમના ભાઈ પ્રેમચંદભાઈ ગભરાઈ ગયા. અને હવે તાત્કાલિક શું કરવું તે કાંઈ ખ્યાલ ન આવ્યો. તેથી મૂંઝાઈને સીધા મંદિરે સ્વામી પાસે આવ્યા અને બધી વાત કહી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “તમે ગભરાશો નહીં. મહારાજને સંભારો. શ્રીહરિએ તમને પૂજવા આપેલી જે મૂર્તિ છે તેને થાળ ધરાવી; પછી તેની પ્રસાદી બધી રસોઈમાં ભેળવી દેજો. તે મૂર્તિને જ્યાં રસોઈ હોય ત્યાં જ પધરાવી ઘીનો દીવો કરજો. પીરસણમાં રસોઈ બહાર કાઢી આપવા માટે પવિત્ર સત્સંગી શ્રી રઘુનાથજી તથા દલપત ઝવેરી વગેરેને જ રાખજો. જે અંદરથી સર્વે રસોઈ બહાર કાઢી આપે. પછી ભલેને દસ-પંદર હજાર માણસો જમે. છતાંય કાંઈ જ ખૂટશે નહીં. અરે ! કદાચ આખું વડોદરા નોતરીને ભલે ને બોલાવો તોપણ ભગવાન જરૂરથી તમારી લાજ રાખશે જ.”

પછી બાપુભાઈ સ્વામીશ્રીને પગે લાગી ઘેર ગયા અને કહ્યા પ્રમાણે કર્યું. તેથી દસ હજાર માણસો તો જમ્યા અને અંદરથી રસોઈ આપનાર સવાસો સત્સંગીઓ હતા, તે થાકી ગયા છતાંય રસોઈ તો તેટલી ને તેટલી જ હતી. પછી શહેરમાં ચારેબાજુ માણસો મોકલી બીજા ઘણાક ગરીબ લોકોને તેડી લાવીને જમાડ્યા. અને મોડી રાત સુધી પીરસ્યું તોપણ ખૂટ્યું નહિ અને બીજે દિવસે ભિખારીઓને સાંજ સુધી પીરસ્યું. ચારેય બાજુ જય જયકાર થઈ ગયો. સત્સંગીની લાજ લેનાર વિરોધીઓનાં મોઢાં તો કાળા મેશ જેવાં થઈ ગયાં.

આમ, જેને સ્વયં શ્રીજીમહારાજનો અને મોટાપુરુષનો દૃઢ આશરો છે તેની લાજ કોણ લઈ શકે ? ઉપરથી લાજ વધારી સૌને સુખિયા જ કરે છે.