એક વાર શ્રીજીમહારાજે મોટેરા ચાર સદ્ગુરુઓ, સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી તથા સદ્. નિત્યાનંદ સ્વામીને બોલાવી પૂછ્યું કે, “તમારી સર્વેની સામર્થી કેવી છે તે જણાવો.” ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીએ બે હાથ જોડી કહ્યું, “દયાળુ ! આપની કૃપાથી મારે કાવ્યો, કીર્તનો રચવા માટે કદી શબ્દોને શોધવા જવું પડતું નથી. શબ્દો સામેથી આવીને ઊભા રહે છે. આપની મરમાળી મૂર્તિનાં દર્શન કરતાં જ કીર્તનો આપમેળે સ્ફુરે છે.” ત્યારે મહારાજે મંદ હાસ્ય કરતાં કહ્યું, “વાહ સ્વામી, વાહ ! ખરેખર તમે એવા શીઘ્રકવિ જ છો.”
ત્યારપછી મહારાજની આજ્ઞા થતાં સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીએ કહ્યું, “હે દયાળુ ! જગતના સમગ્ર વિદ્વાનો કદાચ આવે, પણ આપની કૃપાથી તે મારાં દર્શન કરતાં જ હાર સ્વીકારી લે છે. માટે કદી શાસ્ત્રાર્થ કરવો પડતો જ નથી.” આ સાંભળીને પણ મહારાજ રાજી થયા.
ત્યારબાદ મહાપ્રભુએ કહ્યું, “મુક્તાનંદ સ્વામી ! આપની સામર્થીનું વર્ણન કરો.” ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડી કહ્યું, “દયાળુ ! અમારામાં જે કાંઈ છે તે કેવળ આપની કૃપાનું જ પરિણામ છે. પરંતુ આપની કૃપાથી કોઈ ગમે તેવો માર માર કરતો ઉઘાડી તલવાર લઈને દોડી આવતો હોય પણ મારાં દર્શન કરે તો તેનો ક્રોધ ઓગળી જાય.” ત્યારે મહારાજે કહ્યું, “શાબાશ સ્વામી, સાચું છે.”
જ્યારે છેલ્લે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું ત્યારે સદ્ગુરુશ્રીએ કહ્યું, “હે દયાળુ ! અનંતકોટિ બ્રહ્માંડનો ભગવાન હું પણ મારા ભગવાન તમે. હે મહારાજ ! હું સંકલ્પ કરું તો આ સર્વે પૃથ્વી છે તે ડટન સો પટન અને પટન સો ડટન કરી દઉં.” અને જ્યાં સહેજ સંકલ્પ કર્યો ત્યાં તો ધબોધબ ઘર પડવા લાગ્યાં. ત્યારે મહારાજે કહ્યું, “હં હં સ્વામી ! રાખો રાખો. તમે ખરેખર એવા સમર્થ જ છો. સામર્થીમાં તમે શ્રેષ્ઠ છો. તમારી સામર્થીની તો વાત જ થાય તેમ નથી.” એમ સ્વયં શ્રીજીમહારાજે સામર્થીની વાત કરી અતિ રાજીપો બતાવી, સામર્થીમાં સૌથી શ્રેષ્ઠ વર્ણવ્યા.